કલ્પનાશક્તિ (લાઇફ કા ફન્ડા)

Published: 8th October, 2014 05:01 IST

એક લેખક. સાવ નિરાળી તેમની કલમ. બાળકો માટે રહસ્યકથાઓ લખે. એક વાંચો બીજી ભૂલો એવો ભાષાવૈભવ અને વસ્તુગુંથણી. તેમની એક બાળકથાનાં બે પાત્રો -એક નાનકડો ભોલો અને બીજું પાત્ર પરી. ભોલાભાઈ નિશાળેથી જંગલમાં ગયા. ત્યાં અંધારા અને પશુઓથી ડરી ગયા. એટલામાં પરી આવી. તેણે ભોલાભાઈને રડતા છાના રાખ્યા. ભોલાએ કહ્યું, ‘મારે ઘરે જવું છે.’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પરીએ પૂછ્યું, ‘સ્વપ્નઘરમાં આવવું છે?’

ભોલાએ પૂછયું, ‘ક્યાં છે એ ઘર?’

પરીએ ભોલાના મગજ પર હાથ મૂકી કહ્યું, ‘અહીં.’

ભોલો સુંદર સ્વપ્નઘરની કલ્પનામાં ખોવાઈ ગયો.

એક સુંદર બાળકથાનો આ સાવ સાદો સંવાદ છે, પરંતુ એની અંદર ખૂબ જ મહત્વનું રહસ્ય છે.

આપણું મન, આપણું મગજ જ આપણું સ્વપ્નનું ઘર છે. મન-મગજમાં કલ્પનાના ભંડાર ભરેલા છે. આ ભંડારની ખાસિયત એ છે કે તમે એનો નક્કર ઉપયોગ કરી શકો. એના હજારો રંગોમાંથી તમે નવજીવનનાં ઉત્સાહજનક ચિત્રો પ્રગટાવી શકો, જે તમારા સમગ્ર ભાવિને એક નવો જ રંગ આપી દે. મન એક આકાશ છે. એમાં અનેક ઇન્દ્રધનુઓ સર્જાય છે. મન એક રસમંદિર છે. જીવનના અનેક રસો ત્યાં જાગે છે.

અને ચિંતકો અને મનોવૈજ્ઞાનિકોએ પોતાના મન વિશેના વિશ્લેષણમાં એક અથવા બીજી રીતે જણાવ્યું છે કે મનની કલ્પનાશક્તિ એ માણસને મળેલું એક અદ્ભુત વરદાન છે. એનું મહત્વ સમજવાની શક્તિ નહીં હોવાથી એ વરદાનની યોગ્ય કદર આપણે નથી કરી શકતા.

પણ સુખ અને દુ:ખ, આનંદ ને વિષાદ, સફળતા અને નિષ્ફળતાની વચ્ચેના ભેદ સર્જાવાનું મુખ્ય કારણ આ કલ્પનાશક્તિ જ હોય છે.

પણ માણસને એને વિશે ક્યાં ખબર પડે છે? આપણી શક્તિ, શક્યતાનો વિકાસ એના ચરમ બિંદુએ પહોંચી જ શકતો નથી; કારણ કે આપણે આપણી શક્તિ ઓળખી શકતા નથી અને એને ઊગવાની તક આપતા જ નથી. આપણે આપણી શક્તિને બદલે ખામીઓ પર વધુ ધ્યાન આપીએ છીએ અને નવું વિચારતા-કરતાં ડરીએ છીએ. ક્લ્પનાશક્તિ ખીલવો, જેવું વિચારશો એવું પ્રાપ્ત કરી જ શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK