પરાઈ વસ્તુ (લાઇફ કા ફન્ડા)

Published: 7th November, 2014 05:20 IST

એક અત્યંત દરિદ્ર દંપતી હતું. પતિનું નામ રાંકા અને પત્નીનું બાંકા. ઘરમાં હાલ્લાં કુસ્તી કરતાં હતાં, પણ ઈશ્વરમાં તેમની આસ્થા ગજબની હતી.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

જંગલમાંથી લાકડાં વીણી-વીણીને એને વેચીને તેઓ ગુજરાન ચલાવતાં. જે કંઈ પૈસા મળતા એમાં સંતોષ રાખતાં. લોભ અને લાલચનું તેમનામાં નામનિશાન નહોતું.

ભગવાન કૃષ્ણએ તેમને તેમની ભક્તિનું ફળ આપવાનું નક્કી કર્યું અને જંગલમાં જઈને જે કેડી પર જંગલમાં લાકડાં વીણવા રાંકા-બાંકા જતાં હતાં એ કેડી પર સોનામહોર ભરેલી એક થેલી નાખી દીધી ને નજીકના ઝાડ આડે સંતાઈને ઊભા રહીને જોવા લ્ાાગ્યા.

થોડી વાર થઈ ત્યાં દૂરથી રાંકા-બાંકા આવતાં દેખાયાં. રાંકા આગળ ચાલતો હતો. રાંકાની નજર સોનામહોરની થેલી પર પડી. થેલીને પગથી જ અડીને જોતાં જ ખ્યાલ આવી ગયો કે એમાં સોનામહોર ભરી છે.

ઘડીભર માટે રાંકાના મનમાં શંકા જાગી કે ક્યાંક સોનામહોરો જોઈને બાંકાને લાલચ જન્મશે. આમ વિચારી વાંકા વળી એ થેલી પર માટી ચડાવી દીધી.

ત્યાં સુધીમાં તો બાંકા ત્યાં આવી પહોંચી. પતિને અટકેલા જોઈને નમ્રતાપૂર્વક વાંકા વળવાનું કારણ તેણે પૂછ્યું.

રાંકા તો ત્યાં એવી રીતે ઊભો હતો કે જાણે કશું બન્યું જ ન હોય. તેણે વાતને ટાળવા માટે સહજ સ્વરે કહ્યું, ‘બસ અમસ્તો જ. પગમાં કાંટો વાગ્યો હતો એટલે કાઢતો હતો.’

પતિના આ ઉત્તરથી બાંકાને સંતોષ થયો નહીં. પાસે જ પડેલી ધૂળની ઢગલીને તેણે પગેથી ફેલાવી નાખી એટલે સોનામહોરની થેલી દેખાઈ.

પતિએ પોતાને લાલચુ સમજી એથી બાંકાનું મન ખિન્ન થઈ ગયું. તેણે વિષાદભર્યા સ્વરે કહ્યું, ‘હજી પણ આપને આ થેલીમાં સોનું જ દેખાય છે? હું તો એમ સમજતી હતી કે આપની નજરમાં પારકું ધન ધૂળ બરાબર હશે. ધૂળ અને આ સોનામહોરો વ્ાચ્ચે કંઈ ફરક જ નથી! ચાલો આગળ ચાલો.’

સોનામહોરની થેલી ત્યાં જ પડતી મેલીને બન્ને જણ આગળ ચાલવા માંડ્યાં.

રાંકાને પોતાની શંકા પર ખૂબ જ ક્ષોભ થયો. તેના મનમાં પશ્વાત્તાપ થવા લાગ્યો. તેણે કહ્યું, ‘ધન્ય છે! ધન્ય છે? હું તો લાલચ નથી કરતો, પણ તું તો મારાથી પણ આગળ નીકળી ગઈ. ખરેખર તું મહાન છે.’

ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનોની ભક્તિ અને સંતોષ અને નિ:સ્પૃહતા જોઈને અત્યંત ખુશ થયા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK