અભિગમ કયો રાખવો? (લાઇફ કા ફન્ડા)

Published: 7th October, 2014 05:03 IST

એક વેપારીએ કાલાં-કપાસનો વેપાર કર્યો એમાં આડત્રીસ હજાર રૂપિયાની ખોટ ગઈ. બીજી તરફ પાણીનો બોર કરાવી તેમણે ખેતરમાં બન્ને મોસમનો પાક લીધો હતો. એમાં એટલો જ નફો થયો હતો.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


એક મિત્રએ પૂછ્યું, ‘શું ચાલે છે?’

પેલા વેપારીએ ઢીલા થઈને કહ્યું, ‘ભાઈ, કપાસના વેપારમાં આડત્રીસ હજાર મૂક્યા.’

મિત્રએ કહ્યું, ‘અરે, ભારે થઈ.’

વેપારીએ કહ્યું, ‘ના ભાઈ! તું માને છે એવી ભારે નથી થઈ.

ખેતીના કામકાજમાં એટલી જ કમાણી થઈ છે. એટલે સરવાળે સરભર થયું. રોટલા ઘરના ખાધા એટલી ખોટ ગઈ.’

મિત્રએ કહ્યું, ‘તો પછી યાર, આડત્રીસ હજાર મૂક્યા એમ કેમ કહે છે?’

વેપારીએ કહ્યું, ‘કેમ નહીં? ભાઈ આપણને થયેલા નુકસાન પ્રત્યે આંધળા થઈએ એ વળી કેમ ચાલે? નુકસાન અને નિષ્ફળતાને પહેલાં ઓળખવાં અને નફો અને સફળતાની વાત પછી વિચારવાની, તો જ આપણે હંમેશાં નુકસાનકારક ચીજો પ્રત્યે સજાગ રહી શકીએ અને જો સફળતાના મદમાં છકી જઈએ તો પછી પાછળ પડી જઈએ.’

મિત્રએ કહ્યું, ‘દોસ્ત, તારી વાત, વિચાર અને મુદ્દો એકંદરે ખોટાં તો નહીં જ કહું; પણ આ બાબતે મારો અભિગમ, મારો વિચાર કંઈક જુદું જ કહે છે. જો આપણે સતત નુકસાનનો જ વિચાર કરતા રહીએ તો ફસાઈ જઈએ, કારણ કે આ આપણું મન છેને એને એક કુટેવ છે કે એને અવળા વિચાર જ વધારે ગમે છે. મોટી ધોળી દીવાલ પર એ નાનકડા કાળા ધાબાને જ જોશે. હજારો ચમકતા ટમટમતા તારલાને ભૂલીને રાતના અંધકાર વિશે જ વિચારશે. અને જો નકારાત્મકતા જોવાના ઢાળમાં મન ફસાઈ ગયું તો બાર વાગી જવાના. માત્ર નુકસાન, નકારાત્મકતા વિશે વિચારવાથી ઉદ્ધાર નહીં થાય એ સમજવું ખૂબ જ જરૂરી છે.’

વેપારીએ કહ્યું, ‘ના મારા વિચાર પ્રમાણે નકારનો વિચાર પહેલો કરવો જોઈએ.’

મિત્રએ કહ્યું, ‘જો દોસ્ત! અભિગમ જેવો હોય એવી જ કાર્યની પદ્ધતિ રહે. તેથી અભિગમ તો આશાવાદી જ હોવો જોઈએ. શાંતિથી વિચાર, પહેલાં નુકસાન જોવાનો તારો અભિગમ મારી ન નાખે તો ભાંગી તો જરૂર નાખે; જ્યારે બીજો વિચાર નક્કર કર્મની કેડી તરફ દોરી જાય છે.’

આપણે કયો વિચાર-અભિગમ અપનાવવો એ નક્કી કરવું અઘરું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK