અપમાન (લાઇફ કા ફન્ડા)

Published: 6th December, 2012 08:33 IST

હજરત મોહમ્મદ પયગમ્બરસાહેબનો એક શિષ્ય એક માણસ સામે ધર્મયુદ્ધ ખેલતો હતો. પયગમ્બરસાહેબના તે બહાદુર શિષ્યે સામા માણસને બરાબર પછાડ્યો ને તેના પર પોતે ચડી બેઠો. પછી તે ધર્મશત્રુને મારી નાખવા માટે તેણે કમરમાંથી ખંજર કાઢ્યું, પરંતુ ત્યાં કંઈક જુદી જ ઘટના બની.શત્રુના મનમાં હવે નક્કી હતું કે પયગમ્બરનો શિષ્ય તેને હવે મારી જ નાખવાનો છે એટલે સામો પ્રતિકાર કરવાનું તેને સ્વાભાવિક મન થયું, પરંતુ પેલો તેના પર એવો બળપૂર્વક ચડી બેઠો હતો કે તેનાથી હલનચલન પણ કરી શકાય એમ હતું જ નહીં. એટલે, પછી તે લાચાર માણસે શું કર્યું? તે પયગમ્બરના શિષ્યના મોં પર થૂંક્યો!

આ રીતે કોઈ માણસ થૂંકે એટલે તેના પર રોષ ચડે જ. વળી પરાજિત બનેલો માણસ વિજેતા બનેલા માણસ પર થૂંકે, એટલે ક્રોધ કેટલા મોટા પ્રમાણમાં ભભૂકી ઊઠે, એની કલ્પના સહેજે થઈ શકે એમ છે.

આ જ સામાન્ય માનવીય સ્વભાવ પ્રમાણે પયગમ્બરના શિષ્યને પોતાના મોં પર થૂંકનાર પેલા પરાજિત દુશ્મન પર ખૂબ જ ક્રોધ આવ્યો.

પરંતુ બીજી જ પળે પયગમ્બરના શિષ્યે સાવ જુદું જ વર્તન કર્યું. પેલા હારેલા માણસને મારવાને બદલે તે તેના પરથી ઊઠી ગયો ને તેને જીવતદાન આપીને, તેને માફ કરીને પોતે પોતાના રસ્તે ચાલવા લાગ્યો.

આવા વર્તનથી પેલા પરાજિત માણસને બહુ નવાઈ લાગી. કુતૂહલતાથી પ્રેરાઈને તે તેની પાછળ ગયો અને પૂછ્યું, ‘કેમ ભાઈ, તું મને મારવાને બદલે ચાલવા લાગ્યો?’

પયગમ્બરસાહેબના શિષ્યે પોતાના હૃદયમાં થયેલા મનોમંથનનો ચિતાર સમજાવતાં કહ્યું, ‘જો ભાઈ, પહેલાં હું તને મારા ધર્મને માટે મારવા ચાહતો હતો. માત્ર ધર્મને માટે જ મારે તારી સાથે યુદ્ધ હતું.’

પરંતુ પછી તું મારા પર થૂંક્યો એટલે પછી મને તારા પર ખૂબ જ ગુસ્સો ચઢ્યો. આ રીતે થૂંકીને તેં મારા ધર્મનું નહીં, પણ મારું વ્યક્તિગત અપમાન કર્યું હતું. એટલે હવે જો હું તને હણું તો એ મારા વ્યક્તિગત અપમાનનો બદલો લીધો ગણાશે, જે મારા ધર્મની વિરુદ્ધ છે. એટલા માટે મેં તને જીવતદાન આપ્યું છે.

જે ધર્મ આટલી ઊંડી સમજ આપતો હોય એની વિરુદ્ધ લડવાનો કોઈ જ અર્થ નહોતો એ પેલો માણસ સમજી ગયો અને તે પણ પયગમ્બરનો શિષ્ય બનવા ચાલી નીકળ્યો.

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK