સફળતા તરફ ધીરે કદમ (લાઇફ કા ફન્ડા)

Published: 6th October, 2014 05:06 IST

એક અત્યંત  પ્રખ્યાત લેખકના પુત્રએ તેમને આવીને કહ્યું, ‘મારે પણ લેખક થવું છે.’ પિતાએ કહ્યું, ‘તો લખવા માંડ.’


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક અત્યંત  પ્રખ્યાત લેખકના પુત્રએ તેમને આવીને કહ્યું, ‘મારે પણ લેખક થવું છે.’ પિતાએ કહ્યું, ‘તો લખવા માંડ.’

પુત્રએ કહ્યું, ‘મારે ગમેતેવું કંઈ નાનુંએવું નથી લખવું. મારે તો એવી નવલકથા લખવી છે કે દુનિયા દંગ થઈ જાય.’

પિતાએ નારાજગી સાથે કહ્યું, ‘ત્યારે તો તું લેખક થઈ રહ્યો.’

પુત્રએ પૂછ્યું, ‘કેમ આમ કહો છો?’

પિતાએ કહ્યું, ‘તને તારા મિત્રોને એક કાગળ લખતાં કંટાળો આવે છે ને તું નવલકથા લખવાની વાતો કરે છે?’

પુત્રએ રીસથી કહ્યું, ‘તો શું હું નહીં લખી શકું?’

લેખકપિતાએ અનુભવ પરથી સલાહ આપી, ‘તું જરૂર લખી શકે છે, પરંતુ શરૂઆતમાં જ આવડી મોટી બાથ ભીડવાને બદલે તું કલમ ઉપાડ. થોડું લખ. મને અથવા અન્ય કોઈકને બતાવ. વળી પાછું લખ, મઠાર અને ધીરે-ધીરે આગળ ચાલ.’

પણ જીદ્દી પુત્રએ એ માન્યું નહીં. તેણે તો એક નવલિકા ઘસડી નાખી અને એક જાણીતા સામયિક પર મોકલી ને એ વળતી જ ટપાલે પાછી આવી. પુત્ર નિરુત્સાહ થઈ ગયો.

વત્સલ બાપે પૂછ્યું, ‘શું થયું, બેટા?’

પુત્રએ કહ્યું, ‘વાર્તા પાછી આવી.’ 

પિતાએ હિંમત આપતાં કહ્યું, ‘તો બીજી લખ.’

પુત્રએ નિરાશાથી કહ્યું, ‘એ પણ પાછી જ આવશે તો? નિષ્ફળતા મળશે તો?’

પિતાએ કહ્યું, ‘બેટા, એક સુંદર સફળતા મેળવતાં પહેલાં આવી સો નિષ્ફળતા જીરવવાની તૈયારીઓ રાખવી પડશે. તો જ આ ક્ષેત્રમાં કે બીજા કોઈ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ થઈ શકશે.’

આ છોકરો પિતાની સલાહને બરાબર પચાવી ગયો. તેણે પહેલાં તો વાંચવા માંડ્યું. વાંચન વધાર્યું. નોંધો કરવા માંડી, નકલ કરવા માંડી, શબ્દભંડોળ વધાર્યું, એક-એક અર્થના અનેક શબ્દ ભેગા કર્યા ને નાની-નાની વાતો લખવાનું શરૂ કર્યું. લખવાનું પોતે વાંચે, મિત્રોને વંચાવે, કદીક પિતાને બતાવે, તેમનાં સલાહ-સૂચનો સમજે, સુધારા કરે ને પાછો લખે.

આમ કરતાં-કરતાં તે મોટો લેખક બની ગયો. મોટો લેખક બન્યા બાદ તેણે પોતાની સફળતા વિશે જણાવતાં લખ્યું કે ‘સફળતાના રસ્તા પર કૂચ-કદમ કરતા કે દોડતા આગળ વધી શકાતું નથી; સફળતાની તરફ ધીરે-ધીરે, એક-એક ડગ ભરીને એક-એક ફૂટ જમીન કાપતા ચાલવાનું હોય છે. આ જ છે સફળતા, સમૃદ્ધિ, જ્ઞાન, કીર્તિ પામવાનો રસ્તો. આગળ વધો એક-એક ડગલું મક્કમ ગતિએ...’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK