હજરત ઉમર ઇસ્લામના સૌથી મહત્વના ફેલાવા માટે મશહૂર છે. ફક્ત દસ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ૩૬,૦૦૦ કિલ્લા અને સેંકડો શહેરો જીત્યાં હતાં.
આટલા શૂરવીર યોદ્ધા હોવા છતાં તેમની સાદાઈ નમૂનેદાર હતી. રાજ્યના ખજાનામાંથી કુટુંબના ભરણ-પોષણ માટે તેઓ દર મહિને ફક્ત વીસ રૂપિયા લેતા અને એથી સખત કરકસર કરીને તેમને જીવવું પડતું. જૂતા પોતે જ સીવી લેતા. ખૂબ જ સાદાઈથી જીવતા. ઓશીકા તરીકે ફક્ત ઈંટ જ મૂકતા.
એક દિવસ હજરત ઉમરના વહાલા પુત્ર અબ્દુલ રહેમાને પોતાના માટે નવાં કપડાંની જીદ પકડી. રડી-રડીને આંખો સુજાવી દીધી. નાના બાળકની આજીજી સાંભળી હેતાળ પિતાનું દિલ પીગળી ગયું.
પોતાના વિચારો અને સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને તેમણે રાજ્યના ખજાનચી પર ચિઠ્ઠી લખી આપી કે ‘મારા નામે લખીને થોડાક રૂપિયા મારા દીકરા અબ્દુલ રહેમાનને આપશો.’
રાજ્યના ખજાનચીએ ચિઠ્ઠી વાંચી. ખજાનચી પણ એ જ ગુરુનો શિષ્ય હતો. હજરત ઉમરના સાદાઈ અને સચ્ચાઈના ગુણ તેણે પણ પચાવ્યા હતા. ચિઠ્ઠી વાંચી થોડી વાર વિચાર કર્યા પછી તેણે એક ચિઠ્ઠી લખી અબ્દુલ રહેમાનના હાથમાં આપી.
ખજાનચીએ ચિઠ્ઠીમાં લખ્યું, ‘માફ કરજો, પૈસા નહીં મળે, રાજ્ય પાસે આપનું કોઈ લેણું નીકળતું નથી. આપ જો રાજ્ય પાસેથી ઉધાર લો અને ખુદા ન કરે અવારનવાર થતાં યુદ્ધમાં આપનું અવસાન થઈ જાય તો લેણું શી રીતે ચૂકવાય? આપના જીવનના કશો ભરોસો નથી. આપનું તો જીવન જ લડાઈ છે. એટલે અલ્લાહના બંદા થઈને આપ અલ્લાહ પાસે દેણાનો ભાર લઈને પહોંચો એમ હું નથી ઇચ્છતો’
આવો જવાબ સાંભળી કોઈ પણ પ્રધાન ગુસ્સે થઈ જ જાય અને સતત લડાઇમાં વિજય મેળવતા સરસેનાપતિ પ્રધાનને તો ગુસ્સે થવાનો હક હોય જ, પણ આર્ય વચ્ચે હજરત ઉમર બિલકુલ ગુસ્સે થયા નહીં.
ચિઠ્ઠી વાંચી તેઓ ખજાનચીને મળવા દોડી ગયા અને ખજાનચીની પવિત્ર ભાવના અને હિંમતનાં વખાણ કરી તેનો આભાર માન્યો. દીકરાને આવતા મહિનાની ખર્ચીમાંથી નવાં કપડાં કરાવી આપવાનું વચન આપીને તેનાં આંસુ લૂછ્યાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK