જીવનરથ ચલાવો (લાઇફ કા ફન્ડા)

Published: 5th November, 2014 05:23 IST

સત્સંગનો વિષય સુંદર હતો : જીવનરથ. સ્વામીજીએ સુંદર પ્રવચન આપ્યું. પ્રવચન બાદની પ્રશ્નોત્તરીના ચરણમાં એક સત્સંગીએ પૂછ્યું, ‘સ્વામીજી, જીવનરથ કઈ રીતે ચાલે છે અને ક્યારે થોભે છે?’


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

સ્વામીજીએ જવાબ આપ્યો, ‘વસ્ત, જીવનરથ સતત ચાલતો જ રહે છે, કદાપિ થોભતો જ નથી. મનરૂપી પેટ્રોલ અને તાકાત એને ચલાવે છે અને આત્મા એનો સારથિ છે.’

બીજા જિજ્ઞાસુ સત્સંગીએ પૂછ્યું, ‘સ્વામીજી, જીવનરથ કઈ રીતે ચલાવવો જોઈએ?’

સ્વામીજીએ કહ્યું, ‘સૌપ્રથમ તો આ જીવનરૂપી રથ, માનવરથ જેમની કૃપાથી પ્રાપ્ત થયો છે એવા સચ્ચિદાનંદ પરમાત્માને તેમના અનેકાનેક ગુણો જાણીને વારંવાર ભક્તિપૂર્વક યાદ કરવા. બીજી વાત એ કે આપણા જેવાં જ બધાં મનુષ્યો, પ્રાણીઓ અને જીવજંતુઓ છે તેથી એમને પણ સુખ-શાંતિ મળતી રહે એવી રીતે આ રથને ચલાવવો. કોમળ, હિતકારી અને ખપપૂરતી વાણી દ્વારા જ બધાની સાથે સર્વ પ્રકારે પ્રેમમય વ્યવહાર કરવો.’

અન્ય સત્સંગીએ પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, જીવનરથના માર્ગમાં અવરોધો અને મુશ્કેલીઓ આવે ત્યારે કઈ રીતે ઉકેલવી?’

સ્વામીજીએ જવાબ આપ્યો, ‘સાચી વાત છે. જીવનરથના પથમાં કાંટા-કાંકરા, ખાડા-ટેકરા જેવી કઠિનાઈઓ આવશે ત્યારે સૌપ્રથમ મન-મસ્તિષ્ક શાંત રાખવું અને દરેક મુશ્કેલીને કુશળતા અને હોશિયારથી ઉકેલવી. જીવનરથને, અંતિમ ધ્યેયને લક્ષમાં રાખીને આગળ વધતા રહેવું. આજુબાજુમાં અનેક લોભામણી લાલચો આવશે, પણ એ તરફ લક્ષ ન આપતાં આગળ વધતા રહેવું. બધા સ્વજનો અને હિતેચ્છુઓ સાથે ખપપૂર્વકનો સંબંધ પ્રામાણિકપણે જાળવીને ‘સૌના સુખમાં મારું સુખ’ એ સૂત્ર ચરિતાર્થ થાય એમ સાદું જીવન, સદ્વાંચન અને સદ્વિચારો જેવી પ્રેરક અને હિતકારી સામગ્રીને આત્મસાત્ કરીને આગળ વધતા રહેવું. ખાસ તો આપણા જીવનરથના માર્ગમાં દુખી, રોગી, ભૂખ્યા, તરસ્યા, વૃદ્ધ ચિંતાગ્રસ્ત દેખાય તો થોડું થોભીને તેમને યથાયોગ્ય સહાય અવશ્ય કરવી.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK