બડા હુઆ તો ક્યા હુઆ... (લાઇફ કા ફન્ડા)

Published: 3rd December, 2014 05:26 IST

ગામના સૌથી પૈસાદાર વૃદ્ધ. વયમાં સૌથી મોટા, સૌથી શ્રીમંત અને સ્વભાવ એકદમ ખરાબ. કોઈ તેમને સલાહ આપવાની તો શું બે સાચા શબ્દ કહેવાની હિંમત પણ ન દાખવી શકે.


(લાઇફ કા ફન્ડા - - હેતા ભૂષણ)


રામમંદિરના જૂના પૂજારીના સ્થાને નવા પૂજારી તરીકે ભગતજી ગામમાં આવ્યા. પહેલા જ દિવસે તેમણે ભજનની એવી લ્હે લગાડી દીધી કે ન પૂછો વાત. તેમનો સ્વભાવ પણ એટલો સરસ અને મળતાવડો હતો કે છોકરાંઓ તો મધમાખીની જેમ તેમને વીંટળાયેલાં જ રહેતાં. સાંજે તો મંદિરમાં જાણે મેળો જામે. થોડા સમયમાં તો તેઓ ગામનું અનિવાર્ય અંગ થઈ પડ્યા.

ગામના શ્રીમંત ડોસા માંદા પડ્યા. ગામના ઊંટવૈદે જાહેર કર્યું કે આ માંદગી જીવલેણ હતી. ડોસા હાંફળાફાંફળા થઈ ગયા.

એટલામાં ભગતજી ત્યાં જઈ પહોંચ્યા. ડોસાને પૂછ્યુ: ‘કેમ છો દાદા?’

‘ખેલ ખલાસ,’ ડોસાએ પૂરા દુ:ખ સાથે કહ્યું. ભગતજી બોલી ઊઠ્યા, ‘એ તમે શી રીતે નક્કી કર્યું? ડોસાએ જણાવ્યું, ‘વૈદરાજે કહ્યું છે. ભગતજી બોલ્યા, ‘દાદા, વૈદરાજ કાંઈ ભગવાન નથી.’

ડોસાએ કહ્યું, ‘પણ વૈદરાજ સાથે આપણો સંબંધ બહુ સારો છે.’

ભગતજીએ ચોટદાર સવાલ પૂછ્યો, ‘ભગવાન સાથે કેવો સંબંધ છે? એ પ્રશ્નનો જવાબ અત્યારે વધારે મહત્વનો છે.’

ડોસો શું બોલે? સારા-ખોટા માર્ગેથી રૂપિયા ઉસેડવામાંથી ઊંચો આવ્યો હોય ત્યારે તેને ભગવાન સાથેના સંબંધનો વિચાર આવેને. આખી જિંદગી ડોસો પૈસાના ચક્કરમાં ફસાયેલો રહેલો.

‘તો હવે શું કરવું?’ ડોસાએ છેલ્લો ઉપાય ભગતજીને પૂછ્યો.

ભગતજીએ ઉપાય સુઝાડ્યો, ‘પસ્તાવો. હવે બીજું કાંઈ કરવાનું બાકી નથી રહેતું.’

ડોસાએ અક્કડતાથી કહ્યું, ‘પસ્તાવો શા માટે? અને શેનો? કોઈનું કશું બૂરું તો કર્યું નથી.’

ભગતજીએ કહ્યું, ‘એ સાચું હોય તો પણ, મેં સાંભળ્યું છે એ પ્રમાણે તમે કદી કોઈનું સારું પણ કર્યું નથી એ વાત પણ એટલી જ ખરી ને?’

ભગતજીના આ સ્પષ્ટ વાક્યે મરતા ડોસાને એક ઘા મારી દીધો. તેમનું મન બહેર મારી ગયું. જીવનના ૫૦૦ પ્રસંગો યાદ આવી ગયા, જેમાં પોતે કંઈક ને કંઈક લેતા જ દેખાયા. પોતે કોઈને કદી કાંઈ આપ્યું જ નહોતું. વિશાળ વૈભવની વિફળતા તેમને સમજાઈ... ભગતજીએ ભજન લલકાર્યું, ‘બડા હુઆ તો ક્યા હુઆ? જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK