લાઇફ કા ફન્ડા - પાડોશી ધર્મ

Published: 3rd December, 2012 07:28 IST

‘ડ્યુક ઑફ વેલિંગ્ટન’ ઇંગ્લૅન્ડના એક મોટા ઉમરાવ થઈ ગયા. ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં તેમનું નામ સુપ્રસિદ્ધ છે.ઇંગ્લૅન્ડમાં બર્કશાયરનો પ્રદેશ કીમતી ગણાય છે. એ બર્કશાયરના પ્રદેશમાં ‘ડ્યુક ઑફ વેલિંગ્ટન’ની માલિકીની પુષ્કળ જમીન હતી અને એથી તેઓ બર્કશાયરના જમીનદાર તરીકે ઓળખાતા હતા.

એક વખત એવું બન્યું કે તેમની જમીનની પડખેની જમીન વેચાવાની છે એવા સમાચાર તેમને મળ્યા. ડ્યુકની જમીન-જાગીરની લગોલગ એ જમીન આવેલી હતી. એથી એ જમીન જો પોતાને મળે તો પોતાની જમીન વિશાળ બને. એ હિસાબે તેમને એ જમીન રાખવાની ઇચ્છા થઈ હતી.

એ માટે તેમણે પોતાના જમીનદલાલને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ‘આપણા પાડોશી જૅક્સન ખેડૂતની જમીન વેચવાની છે તો તેમની પાસે જઈને જમીનનો સોદો કરી આવવાનો પ્રયત્ન કરો. આપણે એ જમીન ખરીદવી છે. ભલે થોડા પૈસા વધારે આપવા પડે, પણ સોદો થઈ જાય એમ જ કરજો.’

જમીનદલાલ તરત કામે લાગી ગયો. તેણે જૅક્સન ખેડૂતનો સંપર્ક કર્યો.

જૅક્સન અભણ ખેડૂત હતો. ખેડૂતના સ્વભાવ પ્રમાણે ભલોભોળો હતો. પોતે કઈ પરિસ્થિતિને લીધે પોતાની જમીન વેચતો હતો એ આખીયે પરિસ્થિતિ તેણે જમીનદલાલને ભોળા ભાવે કહી દીધી. એ પરથી સ્પષ્ટ હતું કે જૅક્સન ખેડૂત આર્થિક ભીડમાં હતો અને જમીન વેચીને તેને નાણાં તાબડતોબ જોઈતાં હતાં. આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યા વગર જમીનદલાલ રહે ખરો? એટલે, એ જમીનના સહેજે ચાર હજાર પાઉન્ડ મળી રહે એના જમીનના દલાલે ત્રણ હજાર પાઉન્ડ જ નક્કી કર્યા અને એ રીતે સોદો નક્કી કરીને પોતાના શેઠ ડ્યુક ઑફ વેલિંગ્ટન પાસે ગયો.

દલાલે ડ્યુકને કહ્યું, ‘શેઠસાહેબ, પૂરા ફાયદામાં સોદો નક્કી કરીને આવ્યો છું.’

ડ્યુકે કહ્યું, ‘એ કઈ રીતે?’

જમીનદલાલે કહ્યું, ‘જૅક્સન ખેડૂત અત્યારે પૂરો ભીડમાં છે. તેને તાબડતોબ નાણાંની જરૂર છે. એટલે જે જમીનની કિંમત ચાર હજાર પાઉન્ડ છે એનો સોદો મેં ત્રણ હજાર પાઉન્ડમાં કર્યો છે.’

ડ્યુક ખાનદાન ગૃહસ્થ હતા. પાડોશીની નબળી સ્થિતિનો લાભ લેવાનું તેમને બિલકુલ રુચતું નહોતું. તેમણે જમીનદલાલને કહ્યું, ‘ભાઈ, આ ઠીક નથી. તેને તેની જમીનના પૂરા ચાર હજાર પાઉન્ડ આપી સોદો કરો.’

પાડોશી જૅક્સનને પૂરેપૂરી રકમ તેમણે ચૂકવી દીધી અને પાડોશીધર્મ ન ચૂક્યા.

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK