બે બીજ (લાઇફ કા ફન્ડા)

Published: Nov 03, 2014, 05:25 IST

ફળદ્રુપ જમીનમાં બે બીજ એકબીજાની બાજુ-બાજુમાં પડ્યાં હતાં. એ બન્ને વચ્ચે સંવાદ શરૂ થયો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પહેલા બીજે કહ્યું, ‘હું વિકસવા માગું છું. હું મારી નીચે જમીનમાં મારાં મૂળિયાં ઊંડે સુધી ફેલાવવા, વિસ્તારવા માગું છું અને મારામાંથી ફૂટેલી કૂંપળને જમીન ચીરીને ઉપર ફેલાવવા ઇચ્છું છું. હું મારી કળીઓને ખીલવી વસંતના આગમનની વધામણી આપવાની ઝંખના સેવું છું.’

અને આમ વિચારી એ બીજ હિંમતથી વિકસ્યું, ફૂલ્યું, ઊગ્યું. છોડમાંથી વૃક્ષ એક દિવસ વટવૃક્ષ બનીને રહ્યું.

આ બીજની સાથે બીજું બીજ પણ હતું. એણે વિચાર્યું કે મને ડરે છે જો હું મારાં મૂળિયાંને જમીનમાં નીચે ઊંડાં ઉતારીશ તો કોણ જાણે અંધારામાં મારે કેવી-કેવી મુસીબતોનો સામનો કરવો પડશે. મારી નાજુક કૂંપળ, પથ્થર જમીન ફાડી ઉપર કઈ રીતે ઊઠી શકશે? જો હું મારી કળીઓને ખુલ્લી કરી દઈશ તો ગોકળગાય કે એના જેવાં જીવજંતુઓ એને ખાઈ જશે અને જો હું મારી નાજુક પાંદડીઓને ખુલ્લી કરું ને કોઈ એને ચૂંટી લેશે તો? ના...ના.

જ્યાં સુધી સલામતી ન મળે ત્યાં સુધી જ્યાં છું ત્યાં જ થોભી જવામાં મારી ભલાઈ છે.

અને આમ વિચારીને બીજું બીજ પ્રતીક્ષા કરતું રહ્યું.

વસંત ઋતુનું આગમન થવામાં જ હતું. પરંતુ એક દિવસ એક મરઘી પોતાનો ખોરાક શોધવા માટે જમીન ખોતરતી હતી અને પ્રતીક્ષા કરતું પેલું બીજ મળી આવ્યું અને તરત જ એ બીજને આરોગી ગઈ.

દૃષ્ટાંત ભલે બીજનું છે, પણ એનો સંવાદ આપણે રોજ બોલતા હોઈએ છીએ. કોઈ પહેલા બીજની ભાષા બોલે તો કોઈ બીજા બીજની. પણ ઘણુંખરું તો બીજા નંબરના બીજની વૃત્તિ વધુ જોવા મળે. જીવનમાં કંઈક સિદ્ધ કરવાની ઇચ્છા તો બધાને થાય, તક પણ મળે; પણ ત્યારે જ બીજા નંબરના બીજ જેવી વૃત્તિ પણ થઈ આવે.

આપણા જીવનમાં એક વિરોધાભાસ એ છે કે આપણે જ્યારે આગળ વધવાનો ઇનકાર કરીને સલામત કોચલામાં છુપાઈ જવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એટલી વધુ અસલામતીનું સર્જન કરીએ છીએ, પણ જો આગળ વધવાનું જોખમ લઈઈ છીએ તો કદાચ બમણી ઝડપે આગળ વધવાની શક્યતાના દરવાજા ખૂલી જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK