પરસેવાની રોટી (લાઇફ કા ફન્ડા)

Published: Jul 03, 2017, 06:24 IST

મૌલવીસાહેબનું પ્રવચન ચાલતું હતું જેમાં તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી ખુદા આખી દુનિયાને રોજી-રોટી નથી આપતો ત્યાં સુધી સૂરજ આથમતો નથી. અલ્લાહ ઇન્સાનને ભૂખ્યો ઉઠાડે છે, ભૂખ્યો સુવડાવતો નથી.’ ઈદે મિલાદના જલસામાં સભા ખીચોખીચ ભરાયેલી હતી. બધા એકચિત્તે મૌલવીસાહેબનું પ્રવચન સાંભળતા હતા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પ્રવચન સાંભળનારામાં ઘણા યુવાનો હતા. એમાંનો યુસુફ નામનો યુવાન આળસુનો પીર હતો. મિત્રોના આગ્રહથી પ્રવચન સાંભળવા આવ્યો હતો. યુસુફ એક નંબરનો આળસુ હતો. કોઈ પણ કામ કરવામાં તેને કંટાળો આવતો હતો. જાણે ઝટકા વાગતા હોય. કામ કરવું તેને બિલકુલ ગમતું નહીં. મિત્રો કામ કરવાની ઘણી શિખામણ આપતા, પણ તે બધી શિખામણ એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો.

મૌલવીસાહેબના પ્રવચનનો ભાવાર્થ સમજ્યા વિના તે ટેસમાં આવી બોલવા લાગ્યો, ‘ખુદા બધાને રોટી આપે જ છે, કામ કરવાની કોઈ જરૂર નથી. મૌલવીસાહેબે હમણાં જ કહ્યું કે અલ્લાહ આખી દુનિયાને રોજી-રોટી ન આપે ત્યાં સુધી સૂરજ આથમતો નથી. હવે મારે કામ કરવાની કોઈ જરૂર નથી. ખુદા રોટી આપનારો બેઠો છે. મારે મહેનત કરવાની કોઈ જરૂર નથી.’

યુસુફની આવી અવળવાણીથી મિત્રો લમણાઝીક કર્યા વિના પોતાના રસ્તે ચાલ્યા ગયા.

બીજા દિવસે યુસુફ સવારથી અગાસીમાં કામ છોડીને બેસી ગયો. મિત્રે પૂછ્યું, ‘કામ કરવા નથી જવું,’ યુસુફે રોફથી જવાબ આપ્યો, ‘કામ કરવાની શું જરૂર છે. કાલે જ મૌલવીસાહેબે કહ્યુંને અલ્લાહ બધાને રોટી આપશે, પછી જ સૂરજ આથમશે. હું અહીં જ બેસીશ. ખુદા મને રોટી આપશે.’

સવારથી ભૂખ્યો-પ્યાસો યુસુફ તડકામાં અગાસીમાં બેસી રહ્યો. જે પૂછે તેને આ જ જવાબ આપતો. ભૂખ લાગી, દિવસ પસાર થઈ ગયો. અંધારું થવા લાગ્યું. મને રોટી આપ્યા વિના સૂરજ આથમી ગયો એ વાતે યુસુફને ક્રોધ આવ્યો. અંધારામાં ઊભો થઈ નીચે આવવા ગયો ત્યાં ચક્કર ખાઈને પડ્યો. માથામાંથી લોહીની ધાર નીકળી. બધા પાડોશીઓ ભેગા થઈ ગયા. મલમપટ્ટી કરીને અને પોતાના ઘરેથી ખાવાનું લાવીને ખવડાવ્યું.

તેણે વિચાર્યું કે ખુદાએ બેઠાં-બેઠાં રોટી તો ખવડાવી, પરંતુ આળસની સજા પણ કરી. રોટી મેળવવા પરસેવો પાડીને મહેનત કરવી જ પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK