બે સાથીદાર (લાઇફ કા ફન્ડા)

Published: Dec 01, 2014, 05:49 IST

એક યુવકને તેના શિક્ષકે કહેલું કે ‘તારામાં લખવાની ફાવટ સારી છે. તું તારો લેખક બનીશ.’ આ સપનું તેના મનમાં અંકાઈ ગયું. તે સારી રીતે વાંચવા માંડ્યો, શબ્દભંડોળ ભેગું કરવા માંડ્યો, વિચારોને વ્યક્ત કરવા માટે નાના-મોટા ફકરા લખવા માંડ્યો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


પચીસ વર્ષની વયે તેણે પહેલી વાર્તા લખી અને નાના માસિકના સંપાદકને મોકલી આપી. એ તરત પાછી આવી. ઘરમાં ખાવા-પીવાની તકલીફ હતી.

આગળ-પાછળ કોઈ હતું જ નહીં એટલે જવાબદારી નહોતી અને હૂંફ પણ નહોતી.

રોજેરોજ જીવન ચલાવવા માટે તે ગમે ત્યાં મજૂરી કરતો અને રાત્રે તાપણાને અજવાળે વાંચતો કે લખતો.

ગમે તેમ કરીને અને કદીક ભૂખ્યો રહીને પણ કાગળ, કલમ અને પોસ્ટેજના પૈસા બચાવતો અને વાર્તાઓ લખીને મોકલી આપતો.

તેની પાંચ વાર્તા પાછી આવી. તેણે બીજી પંદર મોકલી. એ પણ પાછી આવી. કુલ ૬૪ વાર્તા મોકલી, પરંતુ બધી પાછી આવી. ખાવા-પીવાનું ઠેકાણું નહોતું, આંખો બગડવા માંડી હતી... ભિખારી જેવા દીદાર થઈ ગયા હતા. તેના મજૂરમિત્રો તેને આ બધી ઝંઝટ

છોડીને માત્ર મજૂરીમાં ચિત્ત પરોવવા સમજાવતા હતા, પણ તે તો પોતાની જીદ પર અટલ હતો.

વળી પાછી બે વાર્તા મોકલી. એમાંથી એક સ્વીકારાઈ ગઈ. પાંચ રૂપિયા પુરસ્કાર મળ્યો. તે સતત લખતો રહ્યો. વાર્તાઓ મોકલતો રહ્યો. બધી વાર્તાઓ છપાતી હતી એવું નહોતું, પરંતુ ‘સાભાર પરત’નું પ્રમાણ ઘટી ગયું હતું. તેણે લેખનકાર્યની સાધના ચાલુ જ રાખી.

એક સમય એવો આવ્યો કે હવે તેને તેના લખેલા પ્રત્યેક શબ્દદીઠ પાંચ રૂપિયા પુરસ્કાર મળવા માંડ્યો. તે મનની મોજ પ્રમાણે લખતો. તંત્રીઓ તેને વિનંતી કરતા.

ઊગતા લેખકો તેને ઘણી વાર પૂછતા કે ‘તમે આવા મોટા લેખક શી રીતે બન્યા?’

લેખક જવાબ આપતા કે ‘ધીરજ અને ભૂખથી. આ બે જ મારા સાથીદાર હતા. એણે ટેકો ન આપ્યો હોત તો ક્યારનોય પૂરો થઈ ગયો હોત. આજે તમને બધાને મારા જાતઅનુભવ પરથી લેખક તરીકે સફળ થવા માટે માત્ર એક મંત્ર આપું છું, ‘લખો અને લખતા રહો.’ આ મંત્રની મહત્તા સમજો તો જ સફળ થશો.’

આજનો નવો લેખક ભાગ્યે જ આ મંત્રની મહત્તા સમજી શકે છે, કારણ કે તેમનો મંત્ર હોય છે ‘લખો અને છપાવો’. તેમનામાં આવી ધીરજ જ ક્યાં હોય છે? માટે જ સારા લેખક બનવા ધીરજ કેળવો અને કલમનો સાથ કે શબ્દોનો સાથ ન છોડો, લખતા રહો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK