ઝિંદગી તો હમેં સા, રે, ગ, મ સીખા રહી થી હમ હૈ જો સારે ગમ લેકર બૈઠ ગયે!

Published: 13th January, 2020 16:12 IST | pravin solanki | Mumbai Desk

માણસ એક રંગ અનેક : આવી ઘણીબધી આદતોના આપણે ગુલામ છીએ જે બધીનો ઉલ્લેખ અહીં અશક્ય છે. પહેલાં માણસ આદત પાડે છે અને પછી આદત માણસને પાડે છે.

‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.’ વર્ષો પહેલાં અખા ભગતે લખેલી આ પંક્તિ આજે પણ કેટલાક લોકો યથાર્થ ઠેરવે છે. જ્યાં-જ્યાં ને જ્યારે-જ્યારે મંદિર, મસ્જિદ, દેરાસર કે કોઈ પણ ધર્મસ્થાન જુએ કે અચૂક માથું નમાવે, હાથ જોડે. કોઈ પણ નનામી કે જનાજો રસ્તા પરથી પસાર થતો હોય તો લગભગ આપણે બધા જ માથું ઝુકાવીએ છીએ. આ બધી સ્વભાવગત-મનોગત આદતો છે. આવી ઘણીબધી આદતોના આપણે ગુલામ છીએ જે બધીનો ઉલ્લેખ અહીં અશક્ય છે. પહેલાં માણસ આદત પાડે છે અને પછી આદત માણસને પાડે છે.

કહેવાય છે કે માણસના દરેક દુ:ખના દસ્તાવેજ પર પોતાના જ હસ્તાક્ષર હોય છે. દુખી થવાનાં અનેક કારણ હોય છે, હોઈ શકે. એમાંનું એક કારણ છે, મુખ્ય કારણ છે આદત, ટેવ, વળગણ. માણસને જેટલા બીજા માણસ દુખી કરે છે એના કરતાં વધારે પોતાની આદત કરે છે. આદત કે ટેવ એ મોટા ભાગે બાળપણમાં સંસ્કાર અને સોબતનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આદત એ આત્મવિશ્વાસના અભાવનું પરિણામ છે અને ધર્મગુરુઓ કહે છે, આદત એ આત્માને ન ઢંઢોળવાના આ‍ળસનું પરિણામ છે.
આદતના બે પ્રકાર છે; સારી આદત, ખરાબ આદત. ટેવ અને કુટેવ. સારી આદતમાં શિસ્ત ભળેલી હોય છે, ખરાબ આદતમાં અસંસ્કાર. સવારે વહેલા ઉઠવાની ને રાતે વહેલા સૂઈ જવાની આદત, જમ્યા પછી પોતાની થાળી કે ડિશ સાફ કરી નાખવાની ટેવ, એઠું ન મૂકવાની ટેવ, પોતાનાં કામ જાતે જ કરવાની ટેવ, નિયમિત કસરત કરવાની ટેવ, બહારનું ઓછું ખાવાની ટેવ, વડીલોને માન આપવાની, વડીલોનું કહ્યું માનવાની ટેવ, સવારના ઊઠીને નિયમિત છાપું વાંચવાની ટેવ, મિત્રો સાથે હળીમ‍ળીને રહેવાની ટેવ. આ અને આવી બધી આદતો સારી આદતોમાં ગણાય.
આદત, ટેવ, વ્યસન, લત, વ‍ળગણ બધા સમાનઅર્થી શબ્દો છે, પણ બધાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય તો દીપી ઊઠે. એક વાર સ્વ. જયંત પારેખે મને તેમનો એક લેખ વાંચવા આપ્યો. એમાંનું એક વાક્ય હતું, ‘ગાંધીજીને સત્ય બોલવાની આદત હતી.’ મને કહ્યું. અમારી વચ્ચે ચર્ચા થઈ. મેં કહ્યું, ‘સત્ય બોલવાનો સ્વભાવ હોઈ શકે, વળગણ હોઈ શકે, સત્ય બોલવાનો આગ્રહ હોઈ શકે, પણ આદત ન હોઈ શકે.’ એ વખતે શું કામ ન હોઈ શકે એ તેમને સમજાવી ન શક્યો, કેમ કે એ વખતે હું નવો-નવો રંગભૂમિ પર પ્રવેશ્યો હતો, પણ મેં તેમને નિખાલસપણે કહ્યું કે ‘આદત’ શબ્દ મને ખૂંચે છે. ત્યારે હું તેમના મનનું સમાધાન ન કરી શક્યો, પરંતુ થોડા દિવસ ગયા બાદ આઇએનટીની ઑફિસમાં અમારી અચાનક મુલાકાત થઈ ત્યારે તેમણે ડી. એસ. મહેતા (આઇએનટીના પ્રખ્યાત કલાકાર)ને કહ્યું, ‘આ છોકરો ભવિષ્યમાં ભાષાશાસ્ત્રી થવાની લાયકાત ધરાવે છે.’ ડી. એસ. મહેતાએ કારણ પૂછ્યું ત્યારે તેમણે આખો કિસ્સો કહ્યો. પછી મને કહ્યું કે ‘પ્રવીણ, બહુ વિચાર કર્યા પછી તારી વાત મારા ગળે ઊતરી છે. તારા કહ્યા પછી મને પણ ‘આદત’ શબ્દ ખૂંચવા લાગ્યો. મેં સુધારી-મઠારીને વાક્ય બદલ્યું. ‘ગાંધીજી સત્યના ઉપવાશક હતા.’ એ સમયે મને ઇડરિયો ગઢ જીતવા જેવો આનંદ થયો હતો.
આજે સારી-ખરાબ આદતો વિશે ચર્ચા નથી કરવી. આ બે પ્રકારમાં ન આવતી, સ્વભાવગત, મનોગત, પ્રણાલીગત, શ્રદ્ધાગત આદતની વાત કરવી છે. ૧૯૮૧-’૮૨માં હું પહેલી વાર લંડન ગયો. સરસ હોટેલમાં અમારો ઉતારો હતો. રૂમમાં રંગબેરંગી પ્રકાશનું આયોજન હતું, કુદરતી પ્રકાશ ન આવે એટલા માટે બારીબારણાં પર જાતજાતના પડદા લગાવ્યા હતા. ઍરફ્રેશનરથી રૂમમાં ગંધ - આમ તો સુગંધ કહેવી જોઈએ - મઘમઘતી હતી. આમ તો રૂમ સાંકડી હતી, પણ ભભકો ફાંકડો હતો. પાણી વૉટર-ટેપમાંથી લઈને પીવાનું હતું. ચા બનાવવાની ઇલેક્ટ્રિક કીટલી - ગરમ પાણી કરીને એમાં સાકર-દૂધ-ચાની ટીકડીઓ નાખીને ચા તૈયાર કરવાની. ઘરમાં ક્યારેય મેં ચા બનાવી નથી કે ક્યારેય મેં હાથે પાણીનો ગ્લાસ લઈને પીધો નથી, પણ એ બધા કરતાં રૂમનું વાતાવરણ મને અજુગતું લાગવા માંડ્યુ. ક્યાંય ચિત્ત ન ચોંટે. ન વાંચવાનું મન થાય, ન લખવાનું. કલાપિની ભાષામાં આવા ‘ખૂની ભભકા’ઓથી હું ટેવાયેલો નહોતો.
આ કંઈ પહેલી વારનું નહોતું. આ પહેલાં પણ મારે નાટકને કારણે અવારનવાર બહારગામ જવાનું થતું અને થાય છે, ત્યારે પણ મારી આદત મને નડી છે. ખાસ કરીને ઊંઘની, સૂવાની. મારું પ્યારું ઓશીકું, મારા ઘરની રજાઈ, મારા ઘરનું ગાદલું અને મારી આંખે પાટા બાંધવાનાં કામ આવતી મારી વહાલી શાલ - આ બધાં સિવાય મને ઊંઘ જ ન આવે. દેશમાં પ્રવાસ હોય ત્યારે ગાદલા સિવાય બધું સાથે લઈ જાઉં, પણ પરદેશનું શું? ઘણી વાર આને કારણે મેં મારી ઊંઘ હરામ કરી છે. જેમ બાળકને માતાનો સાડલો ઓઢ્યા વગર ચેન ન આવે એમ મારી પ્રિય રજાઈ અને શાલ વગર ઊંઘ ન આવે. હોટેલના પલંગમાં આડા પડો કે અંદર ખૂંપી જાઓ એવા સ્પ્રિંગવાળા ગાદલા દુર્યોધનની આંખમાં જેમ અર્જુન ખૂંચતો એટલો જ તિરસ્કાર મને આવા ગાદલા પ્રત્યે છે.
આવી આદત મારી જેમ ઘણા‍ને હશે જ. બીજી આદત એ છે કે દુનિયાનું કોઈ પણ સ્થળ મને ૪-૫ દિવસથી વધુ રુચ્યું નથી. લગભગ ૧૫ જેટલાં પરદેશનાં સ્થળો અને દેશનો ખૂણેખૂણો ફરી વળ્યો છું. ૪-૫ દિવસ થાય કે મને ઘર યાદ આવવા માંડે. મુંબઈ મનમાં ભૂતની જેમ ભમવા લાગે, મારા પ્રિય પાનનો અહાંગરો લાગવા માંડે, કુટુંબ યાદ આવે, મિત્રો યાદ આવે, ઘાટકોપરની મારી ગલી આંખ સામે તરવરવા લાગે. પ્રવાસ ક્યારે પૂરો થશે એના દિવસો ગણવા માંડું.
પ્રવાસમાં લખવાની ઘણીબધી સામગ્રી સાથે લઈ જાઉં, વિવિધ વિષયો મનમાં ગોઠવી રાખું, પરંતુ કોઈ પણ પ્રવાસમાં મારાથી લખાયું જ નથી. લખવા માટે પણ મને અમુક ચોક્કસ જગ્યા અને વાતાવરણની આદત છે. નીરવ શાંતિમાં, હોટેલની રૂમમાં કે એકાંતમાં લખવું ન ફાવે. મને લોકોની વચ્ચે, ઘોંઘાટમાં, મધુર સંગીત વાગતું હોય, મનપસંદ ગીતો સંભળાતાં હોય, સમયસર લખીને આપવાનું માથા પર ટેન્શન હોય, લેણદારો જેમ દેવાદારને માથે ઉઘરાણી કરવા ઊભા હોય એવી પરિસ્થિતિમાં લખવાનું વધારે ફાવે, વધારે ગમે. વિચારો વેગવાન બને, કલમ રેવાલ ચાલે ચાલવા લાગે, શબ્દોની ધાણી ફૂટવા લાગે, દેવામુક્ત થવાની ભાવિ આશા મનમાં ખુશીની લહેર લઈ આવે (આ જ કારણે શુક્રવારનો દિવસ મારે માટે આનંદનો હોય, કેમ કે ગુરુવારે મારે ‘મિડ-ડે’ માટેનો સોમવારનો લેખ મોકલવાનું ટેન્શન ખતમ કરવાનું હોય).
દરેક માણસમાં કોઈ ને કોઈ આદત તો રહેવાની જ. આદત પાડવી ખૂબ સહેલી છે, છૂટવી કે છોડવી બહુ અઘરી છે. ઘણા માણસોની આદત નિત્ય-રોજિંદા જીવનનો ભાગ બની જાય છે. કોઈને મોડે સુધી સૂઈ રહેવાની આદત હોય, કોઈને મોડા સૂવાની તો કોઈને વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જવાની આદત હોય છે. કોઈને જ્યાં અને જેટલું મળે એ આરોગી નાખવાની આદત હોય છે. એ ભૂલી જાય છે કે ખોરાક એ આપણો મિત્ર છે, એના પર દુશ્મનની જેમ તૂટી ન પડાય. તો કોઈને એકાદ વાનગીથી પેટ ભરી લેવાની ટેવ હોય છે. કોઈને રાતે ચા પીધા પછી જ ઊંઘ આવે તો વ‍‍ળી કોઈને સવારના ચા પીધા પછી જ કુદરતી કર્મ ફાવે. કોઈને નહાતાં-નહાતાં ગાવાની આદત હોય છે, કોઈને વાત-વાતમાં વાક્યે-વાક્યે ગાળો બોલવાની. કોઈને બોલ-બોલ કરવાની આદત હોય છે. બોલવા ન મળે તો તાવ આવી જાય, તો કોઈને મોઢામાં મગ ભરી રાખવાની, એટલે કે મૂંગા રહેવાની આદત હોય છે. આવા લોકો માટે જ કહેવત પડી છે, ‘બોલે એનો બાપ મરે.’ કોઈને ભૂતકાળને વાગોળવાની આદત હોય છે, કોઈને ભવિષ્યની ચિંતા કરવાની, કોઈને ભૂત અને ભવિષ્યને કોરાણે મૂકીને વર્તમાનને માણી લેવાની આદત હોય છે. આવા લોકોનું સૂત્ર હોય છે, ‘જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને ઘી પીઓ.’
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.’ વર્ષો પહેલાં અખા ભગતે લખેલી આ પંક્તિ આજે પણ કેટલાક લોકો યથાર્થ ઠેરવે છે. જ્યાં-જ્યાં ને જ્યારે-જ્યારે મંદિર, મસ્જિદ, દેરાસર કે કોઈ પણ ધર્મસ્થાન જુએ કે અચૂક માથું નમાવે, હાથ જોડે. કોઈ પણ નનામી કે જનાજો રસ્તા પરથી પસાર થતો હોય તો લગભગ આપણે બધા જ માથું ઝુકાવીએ છીએ. આ બધી સ્વભાવગત-મનોગત આદતો છે. આવી ઘણીબધી આદતોના આપણે ગુલામ છીએ જે બધીનો ઉલ્લેખ અહીં અશક્ય છે. પહેલાં માણસ આદત પાડે છે અને પછી આદત માણસને પાડે છે.
અને છેલ્લે...
એક વ્યક્તિને એવી આદત હતી જે કોઈ પણ વાતને ભવિષ્યની ચિંતા સાથે સાંકળી દેતી. એક વાર તે ટ્રેનમાં લાંબી મુસાફરી કરી રહ્યો હતો. બાજુમાં એક નવજુવાન યુવક બેઠો હતો. પેલી વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યાં યુવાને પૂછ્યું, ‘સાહેબ, કેટલા વાગ્યા?’ પેલી વ્યક્તિએ યુવક સામે ડોળા કાઢીને પૂછ્યું, ‘તારી પાસે ઘડિયાળ નથી?’ યુવકે કહ્યું, ‘હતી પણ થોડા દિવસ પહેલાં ક્યાંક મૂકીને ભૂલી ગયો છું. સમજોને ખોવાઈ ગઈ છે. એ છોડોને, પ્લીઝ કહોને કેટલા વાગ્યા?’ વ્યક્તિએ કહ્યું, ‘મારી પાસે ઘડિયાળ છે, પણ હું તને નહીં કહું.’ યુવક આશ્ચર્ય પામીને બોલ્યો, ‘પણ શું કામ?’ વ્યક્તિએ તોછડાઈથી કહ્યું, ‘આવા કીમિયાથી હું વાકેફ છું. પહેલાં તમે ટાઇમ પૂછશો, પછી મારું સરનામું પૂછશો, નામ પૂછશો, કામ પૂછશો, મારી સાથે ઘરોબો બાંધશો, પછી એક દિવસ કંઈક ગિફટ લઈને મારા ઘરે આવશો.’ એકશ્વાસે તે બોલી ગયો. યુવકે પૂછ્યું, ‘પણ એમાં વાંધો શું છે?’ વ્યક્તિ બોલી, ‘વાંધો એ છે કે મારા ઘરે યુવાન દીકરી છે. તમે ઘરે આવી તેની સાથે દોસ્તી કરશો, તેને ભોળવીને તમારા પ્રેમમાં પાડશો અને પછી લગ્નનો પ્રસ્તાવ મૂકશો. જો ભાઈ, હું કંઈ બેવકૂફ નથી કે જે માણસમાં એક નવી ઘડિયાળ લેવાની ત્રેવડ ન હોય એવા છોકરાને મારી દીકરી પરણાવું.’ એટલું બોલીને તે બાથરૂમમાં જતો રહ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK