ગદ્દાફી વિશે આટલું વાંચીને ચોંકી ઉઠશો તમે!

Published: 24th October, 2011 15:11 IST

ચક્રમ નિવેદનો આપનાર લિબિયાનો તરંગી અને ક્રૂર સરમુખત્યાર મુઅમ્મર મુહમ્મદ અબુ મિંયાર અલ-ગદ્દાફી છેવટે પોતાના જ વતન સરતની પાસે હણાયો. તેની સાથે જ માનવ-ઇતિહાસમાં વધુ એક સરમુખત્યારનો ક્રૂર અંત આવ્યો. આ સાથે તેના ૪૨ વર્ષના લોહિયાળ અને એકચક્રી શાસનનો પણ અંત આવ્યો.

 

 

(આર્યન મહેતા)


હવાઈ મુસાફરીથી, ખાસ કરીને દરિયાની ઉપરથી ઊડવાનો ડર લાગતો હતો ભેજાગેપ ગદ્દાફીને

હું આંતરરાષ્ટ્રીય લીડર છું, આરબ-શાસકોનો ડીન છું, આફ્રિકન રાજાઓનો રાજા છું અને મુસ્લિમોનો ઇમામ છું...

લિબિયા વિશ્વની આઠમી અજાયબી છે...

હું કંઈ ફેસબુક બંધ કરાવી દઉં એવો સરમુખત્યાર નથી, હું તો માત્ર એમાં લૉગ-ઇન થનારને જેલમાં જ પૂરી દઈશ...

સ્ત્રીઓના કુદરતી કામની આડે અવરોધ નાખતા ભૌતિકવાદ વિરુદ્ધ આખી દુનિયામાં બળવો થવો જોઈએ અને તેને સમાન હક્કો અપાવવા હોય તો તેણે પુરુષોની સેવા કરવી જોઈએ...

આવાં અનેક વાહિયાત અને ચક્રમ નિવેદનો આપનાર લિબિયાનો તરંગી અને ક્રૂર સરમુખત્યાર મુઅમ્મર મુહમ્મદ અબુ મિંયાર અલ-ગદ્દાફી છેવટે પોતાના જ વતન સરતની પાસે હણાયો. તેની સાથે જ માનવ-ઇતિહાસમાં વધુ એક સરમુખત્યારનો ક્રૂર અંત આવ્યો. આ સાથે તેના ૪૨ વર્ષના લોહિયાળ અને એકચક્રી શાસનનો પણ અંત આવ્યો. અંગ્રેજીમાં એક બહુ જાણીતી ઉક્તિ છે : ‘પાવર કરપ્ટ્સ, ઍબ્સલ્યુટ પાવર કરપ્ટ્સ ઍબ્સલ્યુટ્લી’ અર્થાત સત્તા માણસને ભ્રષ્ટ બનાવી દે છે, પરંતુ સંપૂર્ણ-અમર્યાદિત સત્તા માણસને પૂરેપૂરો ભ્રષ્ટ બનાવી દે છે. ઇતિહાસ ગવાહ છે કે સરમુખત્યારો પોતાની સત્તાના મદમાં એટલા તરંગી, ક્રૂર અને સ્વકેન્દ્રી બની જાય છે કે ઇતિહાસ આ રીતે તેના ગાંડપણની કથાઓ આલેખે છે. આપણે ગદ્દાફીની આવી જ અજાણી-ઓછી જાણીતી વાતો જાણીએ...

૧૯૮૪માં લંડન, ઇંગ્લેન્ડમાં આવેલી લિબિયાની એલચી-કચેરીની સામે લંડન પોલીસની કૉન્સ્ટેબલ વ્યોન ફ્લેચરે ગદ્દાફીના સરમુખત્યારી શાસન સામે એક

વિરોધ-પ્રદર્શનની આગેવાની લીધી હતી. ત્યારે લિબિયાની એલચી-કચેરીમાંથી મશીનગનનું ફાયરિંગ થયું અને તે મહિલા કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું. આ બનાવને પગલે બ્રિટને લિબિયા સાથે એક દાયકા સુધી તમામ સંબંધો કાપી નાખેલા.

વિશ્વના સૌથી મોટા રણપ્રદેશ સહરામાં આવેલા સૂકાભઠ એવા લિબિયામાં વિશ્વની સૌથી મહત્વાકાંક્ષી અને ગંજાવર ઇરિગેશન સિસ્ટમ છે. એમાં સંભવત: વિશ્વની સૌથી મોટી માનવસર્જિત ‘નદી’ આવેલી છે જેમાં પાઇપ, ભૂગર્ભ બોગદાં અને કૂવાઓનું મીટર નીચે બિછાવેલાં છે. સહરાના રણની નીચે આવેલી આ પાઇપો રોજનું ૬૦ લાખ ક્યુબિક મીટર પાણી ધકેલે છે.

ગદ્દાફી પોતાની જૂની યુક્રેનિયન નર્સ ગેલિના કોલોત્નીત્સ્કા વિના ક્યાંય મુસાફરી કરી શકતો નહીં, કેમ કે તેને એકલીને જ ગદ્દાફીની આખી દિનચર્યા ખબર હતી

તેના વીઝાની ઍપ્લિકેશન વખતે તેના માણસો એવી દલીલ કરતા કે ‘સાહેબજીનો ફોટો વીઝા-પાસર્પોટ પર ન લગાવીએ તો ન ચાલે? કેમ કે તેમના ગંજાવર ફોટા તો આખા લિબિયામાં ઠેર-ઠેર લગાવેલા છે. જો તમારે તેમનો પાસર્પોટ સાઇઝનો ફોટો જોઈતો જ હોય તો તેમના ગંજાવર પૉટ્રેટ્સમાંથી નાની સાઇઝ બનાવીને લઈ લોને!’

આખા દેશને મુઠ્ઠીમાં રાખનારા ગદ્દાફીને હવાઈ મુસાફરી અને ખાસ દરિયાની ઉપરથી ઊડવામાં ભારે ડર લાગતો એટલે જ તે ક્યારેય આઠ કલાકથી વધુની હવાઈ મુસાફરી કરતો નહીં. લાંબા અંતરે જવામા તે વચ્ચે હૉલ્ટ કરીને જતો. તેને બહુમાળી ઇમારતોમાં ઉપરના મજલાઓમાં રહેવાનો પણ ડર લાગતો એટલે જ તે જે કોઈ પણ દેશની મુલાકાતે જાય ત્યાં તેનો સ્ટાફ એવી માગણી કરતો કે સાહેબ ૩૫ પગથિયાંથી વધુ ઉપર ચડશે નહીં.

એક બાજુ તેને ઊંચાઈથી ડર લાગતો તો બીજી બાજુ ભાષણો આપવા માટે તે શક્ય એટલી ઊંચાઈની જગ્યાઓ પસંદ કરતો.

તે કોઈ પણ મીટિંગ દરમ્યાન આંખમાં આંખ પરોવીને વાત કરતો નહીં એટલું જ નહીં, સામેવાળી વ્યક્તિ અકળાઈ ઊઠે એટલોબધો લાંબો સમય ખામોશ રહીને પૉઝ લેતો અને પછી થોડાંક વાક્યો બોલતો.

પોતાની ઇમેજથી ઑબ્સેસ્ડ એવો ગદ્દાફી હિટલર કે સદ્દામ હુસેનની જેમ આખા લિબિયામાં પોતાની ગંજાવર તસવીરો મુકાવતો અને આ રીતે પોતે જનતાનો હીરો છે એવું સાબિત કરવા મથતો. તસવીરોમાંય પોતે વધુ ને વધુ યુવાન દેખાવાનો પ્રયાસ કરતો. આ હવાતિયાંનાં કારણોસર તે ભડક રંગનાં કપડાં પહેરતો અને દિવસમાં અનેક વખત કપડાં બદલતો રહેતો.

ગદ્દાફીએ પોતાનો ફોટો લિબિયાની ચલણી નોટો પર પણ છપાવેલો અને એક મુલાકાત વખતે અમેરિકાનાં વિદેશપ્રધાન કૉન્ડોલિસા રાઇસને પોતાની તસવીરવાળું લૉકેટ સુધ્ધાં ભેટમાં આપેલું. તે પોતાના સ્ટાફને પોતાની તસવીરવાળી સોનાની ઘડિયાળો ભેટમાં આપતો. તેણે લિબિયાની ચલણી નોટો ઉપરાંત પોસ્ટલ સ્ટૅમ્પ્સ, બાળકોને-યુવાનોને વાપરવાની સ્ટેશનરી અને અન્ય બુકલેટ્સ વગેરેમાં પણ પોતાની તસવીરો છપાવેલી.

તેણે પેટ્રોલિયમ સહિતના મોટા ભાગના બિઝનેસ પોતાની પાસે રાખેલા એટલું જ નહીં, પોતાની જાતને ‘કર્નલ’ની ઉપાધિ આપેલી અને એની સમાંતરના અને ઉપરના તમામ હોદ્દા રદબાતલ કરેલા. મતલબ કે દેશનો સર્વોચ્ચ વડો જ નહીં, બલકે સેનાધિપતિ પણ પોતે.

તેની બૉડીગાર્ડ રહી ચૂકેલી અને પાછળથી ભાગી છૂટેલી એક મહિલાએ મિડિયાને તેના શાસનની ક્રૂરતા વિશે જણાવેલું. તેણે કહ્યું હતું કે ગદ્દાફીની સામે બોલવાની, તેને અધવચ્ચેથી બોલતો અટકાવવાની કે તેની સાથે સરેઆમ અસહમત થવાની કોઈ હિંમત કરતું નહીં. એક વખત ભરી મીટિંગમાં તેના કોઈ સગાએ તેની સામે ઊંચા અવાજે બોલવાની હિંમત કરેલી અને તેના બૉડીગાર્ડે તેને એ જ ઘડીએ ઠાર મારેલો.

એક તરફ તેની સામે આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપો લાગતા અને તેને અમેરિકા સાથે લવ-હેટનો સંબંધ હતો તો બીજી તરફ જ્યારે અમેરિકા પર ૯/૧૧નો હુમલો થયો ત્યારે તેણે લિબિયાની જનતાને એ હુમલાના ઘાયલોને રક્તદાન કરવાની અપીલ કરેલી.

૨૭ વર્ષની વયે સત્તા પર આવતાંની સાથે જ તેણે લિબિયામાં અમેરિકન અને બ્રિટિશ મિલિટરી બેઝ બંધ કરાવી દીધા હતા. ગ્રેગોરિયન કૅલેન્ડર (જાન્યુઆરી, ફેબ્રુઆરીવાળું)ને બદલે ઇસ્લામિક કૅલેન્ડર ચાલુ કરાવી દીધું અને દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો.

તેણે ૧૯૭૭માં લિબિયાનું નામ બદલીને ‘ગ્રેટ સોશ્યલિસ્ટ પૉપ્યુલર લિબિયન આરબ જમ્હીરિયાહ’ (લોકોનું રાજ્ય) કરી નાખેલું જેમાં તેણે દાવો કર્યો હતો કે હવે લોકો પોતાનો અભિપ્રાય મુક્ત રીતે વ્યક્ત કરી શકશે, પરંતુ આ વાત સદંતર ખોખલી હતી. તેણે પોતાના જ દેશના લોકો પર એટલી ક્રૂરતા આચરેલી કે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ ર્કોટે તેની વિરુદ્ધ માનવતા વિરુદ્ધનાં કૃત્યો કરવા બદલ વૉરન્ટ પણ જારી કરેલું.

જોકે આ જ ગદ્દાફીએ પોતાને ત્યાં કેટલાક કાયદા આપણને વિચિત્ર લાગે એવા રાખ્યા હતા, જેમ કે ત્યાં કાર-લોન વગરવ્યાજે મળે છે. એસ્ટેટ-બ્રોકર પર અને ભાડું લેવા-દેવા પર પ્રતિબંધ છે. શિક્ષણ, આરોગ્ય અને વીજળી મફત છે; પરંતુ તેણે દેશના ચાવીરૂપ હોદ્દાઓ પર પોતાનાં સગાં-વહાલાંને જ રાખેલાં. એક તરફ તેમના ભ્રષ્ટાચારની કોઈ સીમા નહોતી, જ્યારે દેશની મોટા ભાગની જનતા ગરીબીમાં સબડતી રહેતી હતી.

લિબિયામાં મિડિયા સરમુખત્યારીના રાક્ષસી પંજા હેઠળ હતું એટલું જ નહીં, અહીં કોઈ રાજકીય પક્ષ સ્થાપવાની સજા હતી મોત. જ્યારે વિદેશીઓ સાથે રાજકારણની ચર્ચા કરવા બદલ ત્રણ વર્ષની સખત કેદ થતી હતી. લોકોમાં ગદ્દાફીની ધાક બેસાડવા જાહેરમાં ફાંસીની સજા અપાતી અને આ ફાંસીનું રેકૉર્ડિંગ કરીને ટીવી પર વારંવાર એનું ટેલિકાસ્ટ પણ થતું. આવી ઘણીબધી ફાંસીઓ વખતે ખુદ ગદ્દાફી પણ હાજર રહેતો.

તેણે પોતાની સાથે અસહમત થઈને લિબિયા છોડીને વિશ્વમાં બીજે ક્યાંક જતા રહેલા પોતાના ટીકાકારોને મારી નાખવા માટે ૮૦ના દાયકામાં એક ખાસ નેટવર્ક બનાવેલું. આ નેટવર્ક ટીકાકારોને શોધી-શોધીને ખતમ કરી નાખતું હતું. તેણે આવી એક વ્યક્તિને મારી નાખવાનું ઇનામ રાખેલું ૧૦,૦૦,૦૦૦ ડૉલર.

તેના હુકમ પ્રમાણે યુવાન અને યુવતીઓએ લગ્ન્ા સુધી વર્જિન રહેવાનું, હાથમાં હાથ નાખીને જાહેરમાં નહીં ફરવાનું, સ્ત્રીઓએ પોતાના નજીકના પરિવારજનો સિવાય કોઈ પણ વ્યક્તિ સાથે વાત નહીં કરવાની. આખા દેશમાં ક્યાંય કોઈ બાર નહીં, ડાન્સ-ક્લબ નહીં અને વ્યભિચારની સજા પાંચ વર્ષ કેદ. દેશમાં હોમોસેક્સ્યુઆલિટી પર પણ પ્રતિબંધ હતો.

તેણે ઇટલીની એક મુલાકાત વખતે એક મૉડલિંગ-એજન્સીને નાણાં આપીને ૨૦૦ યુવતીઓ શોધી લાવવા કહેલું. તેણે આ યુવતીઓને પછીથી ઇસ્લામ અંગીકાર કરવાના ફાયદા વિશે પ્રવચન આપેલું.

આ વર્ષે એક ડૉક્ટરે ન્યુઝ-એજન્સી ‘અસોસિએટેડ પ્રેસ’ને જણાવેલું કે ગદ્દાફી પોતાના દેશના લોકો સમક્ષ વૃદ્ધ દેખાવા નહોતો માગતો એટલે તેણે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવેલી.

ગદ્દાફીની વિદાય પછી વિદ્રોહીઓએ હજારો કેદીઓને પણ મુક્ત કરી દીધા છે. તેમની મારફત કદ્દાફીની ક્રૂરતા અને વિચિત્રતાઓની ઓર દિલચસ્પ દાસ્તાન બહાર આવશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK