ચાલો, આપણા જીવનની શ્રેષ્ઠ વાર્તા લખીએ

Published: 8th January, 2021 13:43 IST | Jamnadas Majethia | Mumbai

સમય આવ્યો છે એક વખત પાછળ ફરીને આપણી જ લાઇફ જોવાનો

ચાલો, આપણા જીવનની શ્રેષ્ઠ વાર્તા લખીએ
ચાલો, આપણા જીવનની શ્રેષ્ઠ વાર્તા લખીએ

જીવનની શ્રેષ્ઠ વાર્તા એટલે શું અને જીવનની શ્રેષ્ઠ વાર્તા એટલે કોની વાર્તા?
જવાબ છે આપણી પોતાની. હા, આપણી પોતાની વાર્તાની જ વાત છે. શ્રેષ્ઠ વાર્તાનો અર્થ એવો નથી કે એ બીજાને મનોરંજન આપે, પણ એ વાર્તા જે સાચી હોય અને આપણા જ જીવનને માર્ગદર્શન આપે એનું નામ શ્રેષ્ઠ વાર્તા. તમારી વાર્તાને મનોરંજક કેવી રીતે બનાવી શકાય એની પણ તમને એકાદ-બે ચાવી આપીશ, પણ પહેલાં વાત કરીએ વાર્તાની.
ઈશ્વરે દરેક વ્યક્તિને જુદી બનાવી છે. એક જેવી દેખાતી જોડિયા વ્યક્તિને પણ અલગ નામ આપવાનું કારણ એ જ છે કે ઈશ્વર ઇચ્છે છે કે દરેક વ્યક્તિ જે પર્પઝથી પૃથ્વી પર આવી છે હેતુ પૂરો કરે. ઈશ્વરને પણ સાચી વાર્તા પસંદ છે. તમે કોઈ પણ માયથલૉજીની વાર્તા વાંચો તો તમને દેખાશે કે ભગવાન પાસે બધી શક્તિ હોવા છતાં તેમણે પણ સમયાંતરે કઠણ અને આકરા પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું. એ પ્રસંગોથી તમને ઘણા પ્રકારના તમારી પોતાની સમજણ મુજબના જવાબ મળતા જશે. હવે આપણી મૂળ વાત પર આવીએ.
ઈશ્વરની વાર્તા તો મનોરંજક જ હશે અને તમે પણ પોતાના જીવનની વાર્તા એવી જ બનાવો એવી તેમની ઇચ્છા પણ હશે. તમને એક પ્રશ્ન મનમાં થઈ શકે કે બધું ઈશ્વરે નિર્ધારિત કર્યું છે અને એમ જ થાય છે, મતલબ કે પછી વાર્તા તો પહેલેથી નક્કી જ છે તો પછી આપણે શું કરવાનું, આપણો એમાં રોલ શું? એક વાત યાદ રાખજો કે પરિણામલક્ષી હોય એ ઉમદા વાર્તા નથી, પણ વાર્તા પરિશ્રમલક્ષી હોય એમાં મજા છે અને પરિશ્રમ તો હંમેશાં આપણા હાથમાં જ હોય છે. આપણે આપણા ભૂતકાળમાં ડોકિયું કરીશું તો આપણને એ જ બધી વાતો, એ જ બધી ઘટનાઓ આજે વધારે રસપ્રદ લાગે જેમાં આપણે ખૂબ બધા પરિશ્રમમાંથી પસાર થવું પડ્યું હતું. આપણો હેતુ એક જ છે, તમારી વાર્તાને શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકો?
વાર્તાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થાય? તમારી વાર્તાની પહેલી લાઇન લખવી કે એક હતો રાજા કે પછી એક હતી રાણી. હા, પોતાને કોઈએ પણ રાણી કે રાજાથી ઊતરતાં ન સમજવાં. મારી બા મને નાનપણમાં ઘણા પ્રકારની વાર્તાઓ કહેતી. એમાં રાજા-રાણીની વાર્તા પણ આવતી, હું પૂછતો કે બા, હું કોઈ દિવસ રાજા નહીં બની શકુંને? એ સમયે આપણે ઇનોશન્ટ હોઈએ, કંઈ પણ પૂછીએ, પણ બા મારી બહુ સમજદાર, તેની સમજણ તમને તેના જવાબમાં દેખાશે. મારી મા ભણી નહોતી, પણ મારામાં જે ગણતર આવ્યું છે એમાં મારી માનો બહુ મોટો હાથ છે. ભવિષ્યમાં ક્યારેક તમને મારી માની વાર્તા કહીશ. બહુ સમજદાર અને બહુ જ ટૅલન્ટેડ છે મારી બા, પણ કીધુંને પછી ક્યારેક.
‘બા હું કોઈ દિવસ રાજા નહીં બની શકુંને?’
હું પૂછતો એટલે બા કહેતી, જરૂર બનીશ. તને પણ તારું એક નાનકડું રાજ્ય મળશે અને તું એનો એક નાનકડો રાજા હોઈશ. આજે વર્ષો પછી સમજાયું કે હૅટ્સ ઑફ પ્રોડક્શન્સની જે કંપની ઊભી કરી છે એ અમારું રાજ્ય જ કહેવાય. આવી જ રીતે તમારી આસપાસ પણ તમે ઊભી કરેલી દુનિયા હશે, એ તમારું રાજપાઠ અને ઘર એટલે સ્ત્રીઓ માટે પોતાનું રાજપાઠ. બા કહેતી કે ધ્યાન રાખજે જ્યારે મોકો મળે ત્યારે તું સારો રાજા બનજે. માયાળુ, દયાળુ, કુશળ, હોશિયાર, બાહોશ, બહાદુર ગુણવાળો રાજા બનજે.
એ પછી બા અલગ-અલગ વાર્તાઓ કહેતી જેમાં આ બધા ગુણ બહાર આવતા. એ વાર્તાઓમાંથી આજે હું જેકાંઈ છું એ વ્યક્તિ બન્યો છું. તમે પોતે પણ રાજા કે રાણી છો જ અને બની પણ શકો છો. તમારી જ કોઈ પરિસ્થિતિ હોય એમાં તમારે જ્યારે ન્યાય કરવાનો વારો આવે કે નિર્ણય લેવાનો વારો આવે ત્યારે રાજા કે રાણીની જેમ વિચારીને લેવા. તમારી પ્રજા સાથે ઉદાર ભાવ રાખવો અને તમે જ્યારે તમારી જિંદગીને જોશો ત્યારે તમને આવા ઘણા પ્રસંગો મળશે. તમારી વાર્તા લખવા માટે તમારા જન્મથી લઈને અત્યાર સુધીની મહત્ત્વની ઘટના બનેલાં વર્ષોને માર્ક કરો. સૌથી પ્રથમ જન્મનું વર્ષ તમને સૂઝશે પણ હું એમ કહીશ કે તમારા જન્મની પાછળ પણ એક એવી વાર્તા હશે એટલે શરૂઆત તમારા જન્મ પહેલાંના માબાપના નિર્ણયથી થઈ શકે છે.
મારી વાત કહું તો મારા માટે માતાપિતાએ નક્કી કરી રાખ્યું હતું કે હવે બસ, પાંચ સંતાનો ઘણાં કહેવાય. ભલે એ જમાનામાં પાંચને વધારે બાળકો નહોતાં ગણવામાં આવતાં તો પણ અને એટલે મારી તો એન્ટ્રી જ નહોતી થવાની પણ થઈ, ત્યાર પછી એવી વાત હતી કે મારાં માસા-માસી મને દત્તક લઈ લેવાનાં હતાં. મારા ખૂબ વહાલા એવા દિવાળીમાસી અને જમનાદાસમાસા અને જો હું દત્તક લેવાયો હોત તો મારું નામ જમનાદાસ ન પડ્યું હોત. મેં કહ્યું એમ, મારા માસા જેમને ત્યાં મારે જવાનું નિધાર્રિત બનતું હતું તેમનું નામ જમનાદાસ હતું અને બાપદીકરાનાં નામ સરખાં તો હોય નહીં એટલે જમનાદાસ નામ ન પડ્યું હોત અને જમનાદાસનું જેડી ન થયું હોત, જેડી ન થયું હોત, વાર્તા જ બદલાઈ ગઈ હોત અને આખી વાર્તા જુદી થઈ ગઈ હોત, પણ...
પણ આજની વાર્તા મારી નહીં, તમારે તમારા બધાની વાર્તાની શરૂઆત પર જવાનું છે માટે આવી કંઈક ઘટનાઓ, પ્રસંગો તમારા જન્મ પહેલાંના કે પછી જન્મ સમયના લઈને, તમારા પહેલા મિત્ર કે નાનપણની મેડિકલ કોઈ ઇમર્જન્સી જેમાં ઘણાનો જીવ બચી ગયો હોય કે પછી સ્કૂલના પહેલા પ્રેમની વાત, જેને લીધે તમે ખૂબ બધા ઇમોશનમાંથી પસાર થયા હો. ભાઈઓ-બહેનો સાથેના પ્રસંગો. શાળાના ભણતર પછી કૉલેજ કરી હોય એ, લગ્ન, સંતાનો, અનેક પ્રસંગો અને ખૂબ બધી રોમાંચક, ડરામણી ઘટનાઓ જેમાંથી તમને ઈશ્વરે ઉગારી લીધા હોય, ખાલી પેટે કાપેલી રાતે કે ખિસ્સામાં ફૂટી કોડી ન હોય અને આજે મુંબઈમાં પોતાનું ઘર આવ્યું હોય, મિત્રો જોડેની પિકનિક, પાર્ટીથી લઈને કેટકેટલું તમે ભેગું કરી શકો અને એ બધું ઑર્ડરમાં, વર્ષ પછી વર્ષ પ્રમાણે ગોઠવી અને શરૂ કરો તમારા જીવનની શ્રેષ્ઠ વાર્તા લખવાનું.
સૌથી મોટો પ્રૉબ્લેમ ક્યાં આવશે એ કહું તમને. બધું સાચું નહીં લખી શકો. ઘણું એવું હશે જે લખવાની હવે કદાચ હિંમત નહીં થાય. એનાં ઘણાં કારણ હોઈ શકે. આપણે સંપૂર્ણપણે સત્ય જીવ્યા જ નથી હોતા અને ઘણું છુપાવ્યું હોય છે. આપણા પોતાના જ લોકોને એ બધું કહેવાનો પ્રયાસ કરીએ તો કદાચ એમાંના ઘણા ખરા હર્ટ થઈ શકે, પણ ડ્રામા ત્યાં જ છે મિત્રો. જો તમને વિશ્વાસ હોય કે એવું કશું નથી, જેનાથી હવે કોઈનું જીવન દુઃખમય ન થવાનું હોય, એકાદ નાનકડી-મોટી માફી મળી જાય અને પછી એ જ પ્રસંગને વાગોળીને હસી શકતા હો કે જીવનને થોડું સુધારી શકતા હો તો જરૂર કહી નાખવું. નાનપણમાં નાનીમોટી ભૂલ પણ કરતા હતા. જો કોઈને કહી ન શકતા હો એવું કંઈક કર્યું હોય અને હજી કરતા હો તો પોતાની જાત સાથે તો સાચી વાત કરીને સમજણ સાધવાની જરૂર છે જ. અને એમાંથી થોડો બદલાવ લાવવો જ રહ્યો. દરેક રાજા કે રાણીએ જીવનમાં બધું સત્ય જ કર્યું હોય કે સત્ય જ બોલ્યાં હોય એવું તો છે જ નહીં. હું હજી ઘણું લખી શકું તમને તમારી વાર્તા લખવાનું શીખવાડવા માટે પણ, મારે અહીં શીખવું છે તમારી વાર્તાઓમાંથી. હું દરેકની વાર્તા વાંચી નહીં શકું, પણ થોડી વધારે ટિપ જરૂર આપીશ આવનારા આર્ટિકલમાં કે તમે જો મારું ફેસબુક ફૉલો કરશો તો ત્યાંથી પણ કરી આપીશ.
તમે તમારા જીવનની વાર્તાની શરૂઆત અધવચ્ચેથી કરીને ફ્લૅશબૅકમાં પણ આંટો મારી શકો છો. તમારા જીવનના મહત્ત્વનાં પાત્રોની નોંધ બનાવી બાજુમાં લખી રાખવી તો તમે એનો વાર્તામાં ઉપયોગ કરી શકશો. કૅરૅક્ટર્સ તો જોઈએને. તેમની ખાસિયત, કઈ વાતો તમને ગમતી, કઈ ન ગમતી જેવી ઝીણવટનો ઉપયોગ કરી શકો. મત્ત્વનાં વર્ષો, મહત્ત્વની ઘટનાઓ, તમે કરેલા પરિશ્રમો જે ક્યારેય કોઈએ કે તમે પોતે પણ નોટિસ ન કર્યા હોય એ લખજો અને લખવાનું તો એવું છેને કે શરૂઆતમાં રસ્તો ન સૂઝે, પણ પેન-પેન્સિલ, પાટી, કાગળ લઈને ઈશ્વરનું નામ લઇને લખવા માંડશો એટલે પેન એની મેળે દોડશે અને તમારે તમારા જીવનમાં ડોકિયું કરવાનું છે એટલે કોઈ રોકશે પણ નહીં. હાથ થોડી વાર પછી થાકીને અને મન કંટાળીને રોકાશે, પણ આપણે જેડીભાઈની જેમ શુક્રવારની ડેડલાઇન છે. તમતમારે રોજ થોડો સમય કાઢી-કાઢીને લખજો. મહત્ત્વ આપજો આને. કારણ કે આ તમારા જીવનની શ્રેષ્ઠ વાર્તા છે. તમારી આ વાર્તામાં આવતા શુક્રવાર સુધીમાં ઇન્ટરવલ સુધી પહોંચવાની કોશિશ કરજો, કેમ કે આગળ હું તમને તમારા જીવનની આગળની એટલે કે આવનારી વાર્તા કેવી રીતે લખવી અને કેવી રીતે મજેદાર બનાવવી તમારી વાર્તા અને તમારી જિંદગી એની વાત કરીશ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK