મુંબઈના બંગલોથી ફુટપાથ પર દિલ કા હાલ સુને દિલવાલા

Published: Nov 30, 2019, 12:24 IST | Mumbai

ચલ મન મુંબઈ નગરીઃ એક બાજુ ચાલની એક કે દોઢ ખોલીમાં પાંચ-સાત સભ્યોનું કુટુંબ સાંકડમાંકડ આખી જિંદગી જીવી નાખે છે તો બીજી બાજુ ચાર-પાંચ સભ્યોવાળું કુટુંબ આઠ-દસ કે તેથી વધુ ઓરડાવાળા બંગલોમાં રહેતું હોય.

ઝીણા કોતરણવાળીવાળો બાંદરાનો બંગલો
ઝીણા કોતરણવાળીવાળો બાંદરાનો બંગલો

મુંબઈના જીવનમાં, એના લોકોની રહેણીકરણીમાં વૈવિધ્યનો પાર નથી. એક બાજુ ચાલની એક કે દોઢ ખોલીમાં
પાંચ-સાત સભ્યોનું કુટુંબ સાંકડમાંકડ આખી જિંદગી જીવી નાખે છે તો બીજી બાજુ ચાર-પાંચ સભ્યોવાળું કુટુંબ આઠ-દસ કે તેથી વધુ ઓરડાવાળા બંગલોમાં રહેતું હોય. આ બંગલો અંગ્રેજોએ આપણને આપેલી ભેટ છે. આપણી પરંપરામાં મહેલ, હવેલી, વાડો-વાડી, વગેરે હતાં પણ બંગલો નહોતો. બંગલો શબ્દ આપણે–અને અંગ્રેજી ભાષાએ પણ–હિન્દી ભાષા પાસેથી અપનાવ્યો છે. બંગલો એટલે બંગાળમાં જોવા મળતું એક ખાસ પ્રકારનું ઘર. કલકત્તા અને બંગાળ અંગ્રેજોનું હિન્દુસ્તાનમાંનું મહત્ત્વનું થાણું. વેપાર અને લશ્કર બન્ને માટે મહત્ત્વનું. લશ્કરના ગોરા અફસરો ‘દેશી’ ઘરોમાં તો કેમ કરીને રહી શકે? એટલે તેમને માટે ખાસ અલાયદાં ઘર બાંધવાં જોઈએ. બ્રિટિશ આર્મીના એન્જિનિયરોએ અફસરો માટે જે રહેઠાણ વિકસાવ્યાં એ શરૂઆતમાં માત્ર બંગાળમાં જ જોવા મળતાં એટલે હિન્દીમાં એ બંગલા તરીકે ઓળખાયાં અને આપણે આ શબ્દ હિન્દી પાસેથી ઉછીનો લીધો. પણ દરેક ભાષાને પોતાની આગવી ખાસિયત હોય છે. જેમ કે આપણે અંગ્રેજીનો ‘બેબી’ શબ્દ અપનાવ્યો. અંગ્રેજીમાં એ નાના છોકરા તેમ જ નાની છોકરી બન્ને માટે વપરાય છે, પણ ગુજરાતીમાં મોટે ભાગે ઈકારાંત નામો નારીજાતિ સૂચવે છે. એટલે આપણે ‘બેબી’ શબ્દ છોકરી માટે જ વાપર્યો અને એના પરથી ‘બાબો’ એવો ઓકારાંત શબ્દ છોકરા માટે બનાવી કાઢ્યો. મૂળ હિન્દી શબ્દ ‘બંગલા’ પણ ઘોડા જેવાં આકારાંત રૂપો ગુજરાતીમાં નરજાતિનું બહુવચન દર્શાવે છે એટલે આપણે એનું એક વચનનું રૂપ બનાવ્યું ‘બંગલો.’ એવી જ રીતે નાના બંગલો માટે આપણે ‘બંગલી’ એવું નારીજાતિનું રૂપ પણ નીપજાવ્યું.
પણ પાછા બંગાળના બંગલા તરફ જઈએ. અફસરો માટેનાં રહેઠાણની ડિઝાઇન એવી હોવી જોઈએ કે લગભગ દરેક સ્થળે ઓછામાં ઓછા ફેરફાર સાથે વાપરી શકાય. વળી લશ્કર એટલે ઊંચી-નીચી પદવીઓ, બહુ ચુસ્ત હાયરાર્કી. એટલે મૂળભૂત ડિઝાઇનમાં થોડો ફેરફાર કરવાથી અફસરની રૅન્કનો ખ્યાલ આવે એવી પણ એ ડિઝાઇન હોવી જોઈએ. આવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને આર્મીના એન્જિનિયરોએ જે મકાન બાંધ્યાં એ ‘બંગલો’ તરીકે ઓળખાયાં. મુંબઈમાં પણ શરૂઆતમાં તો અંગ્રેજ અધિકારીઓ જ બંગલોમાં રહેતા, લશ્કરના અને બીજા પણ. અને તેમના મોટા ભાગના બંગલો આજના કોટ વિસ્તારમાં આવ્યા હતા. ૧૭૫૭ સુધી મુંબઈનો ગવર્નર આજના લાયન્સ ગેટ વિસ્તારમાં આવેલા ‘બૉમ્બે કાસલ’માં રહેતો. પછી થોડો વખત ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગ ગવર્નરનું રહેઠાણ બન્યું. પછી ગવર્નર પરેલ રહેવા ગયા. એ મકાનમાં આજે હાફકિન ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહી છે. મૂળ ‘સાન્સ પરેલી’ તરીકે ઓળખાતું આ મકાન પરેલના ટાપુ પર ૧૬૭૩માં બંધાયું હતું. મૂળે તો એ જેસુઈટ સંપ્રદાયનું ચેપલ હતું. વિલિયમ હૉર્નબી, જે ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓ એ મકાનમાં રહેનારા પહેલા ગવર્નર હતા. ૧૮૮૫માં મલબાર હિલ પરનો હાલમાં ‘રાજભવન’ તરીકે ઓળખાતો ભવ્ય બંગલો તૈયાર થયો અને ત્યારથી મુંબઈના ગવર્નર એ બંગલોમાં રહે છે. એક જમાનામાં એના કરતાં વધુ વિશાળ, સગવડભર્યો, ભવ્ય બીજો કોઈ બંગલો આખા મુંબઈમાં નહોતો.
સાધારણ રીતે બંગલો એક માળવાળો હોય. એમાં ભોંયતળિયે દીવાનખંડ, ભોજનખંડ વગેરે હોય. ઉપરના માળે આજે આપણે જેને ‘બેડરૂમ’ કહીએ છીએ એવા ઓરડાઓ હોય. નીચેના બધા ઓરડાઓને જોડતી મોટી ઓસરી કે વરંડો હોય. એની આસપાસ મોટું ખુલ્લું કમ્પાઉન્ડ હોય અને બગીચો પણ હોય. કમ્પાઉન્ડ ફરતી મજબૂત દીવાલ હોય. દરવાજે દરવાન બેઠો હોય. ૧૯મી સદીના બંગલોમાં એક-બે કે વધુ ઘોડાગાડી માટેની જગ્યા રહેતી. પછીથી મોટર માટેનાં ગેરેજ આવ્યાં. ગોરાઓના બંગલાઓની એક ખાસિયત હતી દોરીથી ખેંચાતો સીલિંગમાં લગાડેલો મસમોટો કપડાનો પંખો. દોરી સતત ખેંચી-ખેંચીને એને ખેંચવાવાળો બિચારો પરસેવે રેબઝેબ થતો હોય, પણ ગોરા સાહેબ અને મડમ આરામથી પંખાની ઠંડી હવા ખાતાં હોય. ગોરાઓ સિવાય કેટલાક જમીનદારો પણ આવા પંખા વાપરતા. પણ એ સિવાયના બંગલામાં પંખા અને એને ખેંચવાવાળા ભાગ્યે જ જોવા મળતા.
સંસ્કૃતમાં એક જાણીતી ઉક્તિ છે – યથા રાજા તથા પ્રજા. લોકોને રહેણીકરણી, પહેરવેશ, ખાણીપીણી વગેરે બાબતોમાં રાજકર્તાઓનું અનુકરણ કે અનુસરણ કરવું હંમેશ ગમે છે. એટલે જેમને પોસાય એવા ‘દેશી’ અમીરોએ પણ મુંબઈમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. અલબત્ત, એમાંના મોટા ભાગના કિલ્લાની બહાર – આજના કોટ વિસ્તારની બહાર હતા. મુખ્યત્વે પારસી અને હિંદુ વેપારીઓએ અને પછી ઉદ્યોગપતિઓએ બંગલા બાંધ્યા. ગોરાઓની રહેણીકરણી કરતાં ‘દેશીઓ’ની કેટલીક બાબતોમાં જુદી પડે એટલે એને અનુરૂપ ફેરફારો બંગલાની ડિઝાઇનમાં કરવામાં આવ્યા. એ વખતે હજી ‘દેશીઓ’માં મોટાં સંયુક્ત કુટુંબો હતાં એટલે સભ્યોની સંખ્યા વધુ. તેથી ‘દેશીઓ’ના બંગલામાં વધારે ઓરડા રહેતા. બીજું, દિવસ દરમ્યાન ઘરનાં પુરુષો અને સ્ત્રીઓ લગભગ અલગ-અલગ રહે, અંગ્રેજોની જેમ મુક્તપણે હળેમળે નહીં. એટલે બંગલાના પાછળના ભાગમાં ઘરની સ્ત્રીઓ કામ-આરામ કરી શકે એવી સગવડ રખાતી. હિંદુ કુટુંબોમાં પૂજાપાઠનું પણ મહત્ત્વ. એટલે બંગલાના કોક ખૂણે પૂજાની ઓરડી કે દેવઘર રહેતું. શરૂઆતમાં ‘દેશીઓ’ના બંગલા બહારથી લગભગ ગોરાઓના બંગલા જેવા જ દેખાતા. પણ પછી ધીમે-ધીમે હિન્દુ કે પારસીઓએ સ્થાનિક સ્થાપત્યના કેટલાક અંશો એમાં ઉમેર્યા. જેમ કે આંગણામાં તુલસીક્યારો. હવેલીના સ્થાપત્યમાં જોવા મળતા કેટલાક અંશો પણ ઉમેરાયા, જેમ કે લંબચોરસ બારીને બદલે ગવાક્ષ કે ઝરૂખા. કોતરણી કામ.
પછી જેમ-જેમ મુંબઈનાં પરાંઓ વિકસતાં ગયાં તેમ-તેમ કેટલાક ધનિકોએ તળ મુંબઈને બદલે પરાંમાં વસવાનું શરૂ કર્યું. ખુલ્લી, મોકળી જગ્યા, સ્વચ્છ આરોગ્યપ્રદ હવાપાણી, જમીનના સસ્તા દર વગેરે મુખ્ય આકર્ષણ. એટલે બાંદરા, ખાર, સાંતાક્રુઝ, વિલે પાર્લે જેવાં પરાંઓમાં ચાલો બંધાઈ તો સાથોસાથ બંગલા પણ બંધાયા. એમાંના ઘણાનાં નામ સાથે લૉજ, કુટિર જેવા શબ્દો જોડાયા હતા જેમ કે લિબર્ટી લૉજ, જાનકી કુટિર વગેરે. પણ હકીકતમાં એ મોટા બંગલા જ હતા. તો સાંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલો ‘મોર બંગલો’ જેવા કેટલાક સાથે બંગલો શબ્દ જોડાયો હતો. બાંદરામાં મોટે ભાગે ખ્રિસ્તીઓના બંગલો હતા. પરાંઓનો વિકાસ ઝડપી બન્યો એનું એક મુખ્ય કારણ લોકલ ટ્રેનની સગવડ પણ હતું. એને કારણે તળ મુંબઈ આવવા-જવાનું ઘણું સહેલું બન્યું. પરાના બંગલોમાં રહેતા ધનવાનો પાસે પહેલાં ઘોડાગાડી અને પછી મોટર આવે, છતાં તળ મુંબઈ જવા માટે તો તેઓ ટ્રેનનો જ ઉપયોગ કરતા. એમ કરવામાં તેમને નાનમ ન લાગતી. જેમ કે અગ્રણી ગુજરાતી લેખક અને વ્યવસાયે શૅરબ્રોકર એવા ગુલાબદાસ બ્રોકર શૅરબજાર જવા માટે પાર્લાથી ટ્રેનમાં જ જતા, પોતાની મોટર હોવા છતાં. ઘણાંખરાં પશ્ચિમનાં પરાંઓમાં રેલવેલાઇનની પશ્ચિમ બાજુએ, દરિયાકાંઠા સુધીના વિસ્તારનો વિકાસ પહેલાં થયો. રેલવેલાઇનની પૂર્વ બાજુનો વિકાસ પછીથી થયો અને પ્રમાણમાં ધીમો થયો, પણ પછી પરાંઓની ઈસ્ટ બાજુએ પણ ચાલ અને બંગલો પણ બંધાયાં. વિલે પાર્લેના પ્રખ્યાત પાર્લે તિલક વિદ્યાલયની શરૂઆત એક બંગલોમાં જ થઈ હતી.  
પણ મધ્યમ વર્ગના લોકોને ચાલમાં રહેવું ફાવે નહીં અને બંગલો બાંધવાનું પોસાય નહીં. એટલે ધીમે-ધીમે ફ્લૅટ સિસ્ટમ શરૂ થઈ. શરૂઆતમાં તો મોટા ભાગે બંગલોના અમુક ભાગમાં માલિક રહે અને બાકીના ભાગ બે-ત્રણ ભાડૂતને રહેવા આપે એવી વ્યવસ્થા હતી. પછી કેવળ ભાડેથી આપવા માટેના ફ્લૅટવાળાં મકાનો કે મકાનોનો સમૂહ બંધાયાં. નાણાવટી હૉસ્પિટલની બાજુમાં આવેલી સુરેશ કૉલોની આવા ફ્લૅટ-સમૂહનું એક હજી સુધી ટકી રહેલું ઉદાહરણ છે. મધ્યમ વર્ગના પારસીઓ માટે પારસી પંચાયતે અને બીજા દાનવીર પારસીઓએ તળ મુંબઈ તેમ જ પરાંમાં પણ મોટી સંખ્યામાં ફ્લૅટ બાંધ્યા. એવી જ રીતે મુસ્લિમ બિરાદરો માટેની વસાહતો પણ તળ મુંબઈ ઉપરાંત કેટલાંક પરાંઓમાં ઊભી થઈ. ઘણા ફ્લૅટ ધરાવતી કૉલોની કે સોસાયટીઓમાં દાયકાઓ સુધી માત્ર રહેવાની વ્યવસ્થા હતી. બહુ બહુ તો કમ્પાઉન્ડમાં બે-ચાર બાંકડા હોય કે એક ખૂણે બાળકોને રમવા માટેનાં બે-ચાર સાધનો હોય. પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં ગ્રાહકોને આકર્ષવા માટે બિલ્ડરો રહેણાકની જગ્યા ઉપરાંત હૉલ, મંદિર કે દેરાસર, જિમ્નેશિયમ, સ્વિમિંગ-પૂલ જેવી જાતજાતની સગવડો ઊભી કરે છે. અલબત્ત, આ ફ્લૅટો ભાડેથી આપવા માટે નહીં પણ ઓનરશિપથી બે-પાંચ-દસ કરોડમાં વેચવા માટે હોય છે.
૧૯૬૦માં મહારાષ્ટ્રનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૭૦ પછી ખૂબ ઝડપથી મુંબઈનો વિકાસ થવા લાગ્યો. મુંબઈ પાસે બીજું બધું છે, પણ આ એક ટાપુ હોવાથી જગ્યા નથી. એટલે આડી લીટીમાં એના વિકાસની મર્યાદા છે, જ્યારે અમદાવાદ કે દિલ્હી જેવાં શહેરોની આસપાસ પુષ્કળ જમીન છે એટલે એમનો વિકાસ પાઘડી-પને થાય છે. મુંબઈનો વિકાસ ઊભી લીટીમાં કરવાનું અનિવાર્ય બન્યું. પહેલાં પાંચ કે સાત માળનાં મકાનો ઊંચાં ગણાતાં. એને બદલે હવે ૨૦-૨૫-૩૦ માળનાં મકાનો બંધાય છે. આવાં મકાનો જૂની ચાલીઓ, જૂના બંગલાઓનો ભોગ લેતાં જાય છે. એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોથી રીડેવલપમેન્ટનું ભૂત ધૂણવા લાગ્યું છે એટલે ૩૦-૪૦ વર્ષ જૂની પાંચ-સાત માળની કો-ઑપરેટિવ સોસાયટીઓ જમીનદોસ્ત થઈ રહી છે. હવે પછીનાં થોડાં વર્ષોમાં ન્યુ યૉર્ક કે શાંઘાઈની જેમ મુંબઈ પણ સ્કાયસ્ક્રેપરનું શહેર બની જાય તો નવાઈ નહીં.
મુંબઈમાં બંગલામાં રહેવાનું ન પોસાય એવા લોકો ફ્લૅટમાં રહે, ફ્લૅટમાં રહેવું ન પોસાય એવા લોકો ચાલમાં રહે; પણ ચાલમાં રહેવુંય ન પોસાય એવા લોકો? એવા લોકો માટે મુંબઈમાં ઠેર-ઠેર બની છે ઝૂંપડપટ્ટીઓ. આ ઝુંપડપટ્ટીઓનું પણ આગવા પ્રકારનું જીવન છે. કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા વગર ત્યાં રહ્યાનો અનુભવ મેળવવો હોય તો મધુ મંગેશ કર્ણિકની માહિમચી ખાડી કે જયવંત દળવીની ચક્ર જેવી મરાઠી નવલકથા વાંચવી. બંનેના ગુજરાતીમાં અનુવાદ પણ થયા છે. આ બે નવલકથાની તોલે આવે એવી ઝૂંપડપટ્ટી વિશેની કોઈ નવલકથા ગુજરાતીમાં તો લખાઈ નથી. દુનિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટીઓમાં જેની ગણના થાય છે એ ધારાવીની ઝૂંપડપટ્ટીની શરૂઆત છેક ૧૯મી સદીના મધ્ય ભાગમાં થઈ હતી. ૧૮મી સદીમાં ધારાવી એક ટાપુ હતો અને એના પર મુખ્યત્વે મૅન્ગ્રોવ્ઝ આવેલાં હતાં. ૧૯મી સદીમાં ત્યાં નાનકડું ગામડું ઊભું થયું જેમાં થોડા કોળી માછીમારો રહેતા હતા. આથી એ વિસ્તાર કોળીવાડા તરીકે પણ ઓળખાતો. તળ મુંબઈનો વિકાસ પહેલાં આડેધડ થયો હતો એટલે પ્રદૂષણ ફેલાવનારાં કારખાનાં ઠેર ઠેર જોવા મળતાં. એમાં સૌથી વધુ પ્રદૂષણ કરનાર એ વખતે હતી ચામડાં કમાવવાની ભઠ્ઠીઓ. અંગ્રેજ સરકારે આવાં પ્રદૂષણ ફેલાવનારાં કારખાનાં મુંબઈની બહાર ખસેડવાનું નક્કી કર્યું. એ વખતે મુંબઈની હદ માહિમ સુધી જ હતી. ૧૮૮૭માં ચામડાં પકવવાનું પહેલું કારખાનું ધારાવી ખાતે ખસેડાયું. પછી તો જાતભાતનાં કારખાનાં ત્યાં ખસેડાયાં, ઊભાં થયાં. એ વખતે ત્યાં મુખ્ય વસ્તી ચમાર અને કુંભાર જેવી જાતિઓની. પછી તો પરીકથામાંની રાજકુમારીની જેમ ધારાવીની ઝૂંપડપટ્ટી દિવસે નહીં એટલી રાતે ને રાતે નહીં એટલી દિવસે વધવા લાગી. આજે એનો વિસ્તાર લગભગ બે ચોરસ કિલોમીટરનો છે, પણ વસ્તી છે સાત લાખ કરતાં વધુ! જાતજાતના ધંધા-ઉદ્યોગથી ધારાવી ધમધમે છે.
પણ ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં પણ જગ્યા લેવાનું પોસાય નહીં એવા લોકો ક્યાં જાય? તેમને સંઘરવા માટે છે મુંબઈની ફુટપાથ. એ ફુટપાથ પર રહેનારાઓ પણ ક્યારેક બે ઘડી કેવી રીતે આનંદ મેળવી લે છે એ જોવું હોય તો યુટ્યુબ પર જઈ રાજ કપૂરની ફિલ્મ શ્રી ૪૨૦નું ગીત જોવું:
દિલ કા હાલ સુને દિલવાલા
સીધી સી બાત ન મિર્ચી મસાલા
કહતે રહેગા કહનેવાલા
દિલ કા હાલ સુને દિલવાલા
મુંબઈના દિલ વિશેની થોડી વધુ વાત હવે પછી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK