નવા વરસે હૅપી ન્યુ યર સાથે બે શબ્દ વધુ કહીએ - Thank You

Published: 24th October, 2011 15:02 IST

સાલમુબારક, હૅપી દિવાલી, હૅપી ન્યુ યર આ શબ્દો હમણાં કરોડો લોકો દ્વારા બોલાશે; એકબીજાને કહેવાશે વિશ યુ હૅપી દિવાલી, નૂતન વષાર્ભિનંદન વગેરે. જોકે આ બધી કહેવાની વાતો થઈ, સારી છે; બીજાઓ માટે શુભેચ્છા વ્યક્ત કરીએ એ પણ સારી અને પૉઝિટિવ વાત ગણાય. જેમને આ બધું આપણે કહીએ છીએ તેઓ આખરે હોય છે કોણ?

 

આપણા જ સ્વજનો, પ્રિયજનો, સગાંસંબંધીઓ, મિત્રો, ઑફિસના સાથીકર્મચારીઓ, બિઝનેસ કે પ્રોફેશનના લોકો, પાડોશીઓ વગેરે. જોકે આ સૌને કે બીજાઓને માત્ર શુભેચ્છા વ્યક્ત કરી દઈએ એને બદલે એમાં એક શબ્દ વધુ ઉમેરીએ તો? તમને થશે કે શબ્દ ભલે કોઈ નવો લઈએ, પરંતુ અંતે તો શુભકામના જ વ્યક્ત કરવાની છેને? ના દોસ્તો, આ શબ્દ શુભકામનાનો વૈકલ્પિક નથી, બલ્કે આ શબ્દ છે આભારની લાગણીનો.

લગભગ કંજૂસની અથવા કમસે કમ કરકસરિયાની કૅટેગરીમાં આવીએ એ રીતે આપણે આભાર શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણા પોતાના જ વતુર્ળમાં, કારણ કે આપણને એમ હોય છે કે આપણા જ લોકોને વળી થૅન્ક યુ કે આભાર શેનું કહેવાનું? જોકે આ નવા વરસે આપણે આ નવો સંકલ્પ લેવા જેવો છે. ચાલો જોઈએ

કોને-કોને આભાર કહેવાનું છે.

પહેલો આભાર માતા-પિતાનો માની લઈએ, કેમ કે તેમના થકી આપણે અહીં છીએ. તેમના ઉછેર, સંસ્કાર, ઘડતર, શિક્ષણ વગેરેને લીધે આપણે કંઈક બન્યા છીએ. ત્યાર બાદ ભાઈબહેનોનો આભાર માનીએ, કેમ કે આપણા બાળપણથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં સતત તેમનો સહયોગ પણ આપણને મળ્યો જ છે. લગ્ન થઈ ગયાં હોય તો પત્નીને કેમ ભુલાય? પોતાનું ઘર, પરિવારજનો બધું જ છોડીને આપણા જીવનમાં સદા માટે આવીને ભળી જનાર, સવારથી સાંજ સુધી આપણી જરૂરિયાતોની કાળજી લેનાર, પરિવારની દેખરેખ રાખનાર, આપણાં માતા-પિતાની પણ કાળજી રાખનાર પત્નીનો બહુ જ મોટો આભાર માનવો જોઈએ. પત્નીએ પોતાની દૃષ્ટિએ આવી લાગણી પોતાના પતિ માટે ફીલ કરવી જોઈએ. આપણા મિત્રોને મળીએ, ઈ-મેઇલ કે એસએમએસ કરીએ એટલું જ પર્યાપ્ત્ા નથી; તેમને પણ આ અવસરે થૅન્ક યુ કહેવું જોઈએ. કારણ સાવ સરળ અને સચોટ છે. આજે આપણે સારા વાતાવરણમાં છીએ કે સારા વિચારો સાથે જીવીએ છીએ તો ક્યાંક ચોક્કસ આ સંગ એવો રંગ હોવો જોઈએ. જેમણે ડગલે ને પગલે આપણી સાથે મસ્તી કરી, બાળપણ માણ્યું, ભણ્યા, સારા-નરસા સમયમાં સાથ-હિંમત અને માનસિક ટેકો આપ્યો એ દોસ્તોને માત્ર વિશ યુ હૅપી ન્યુ યર કહી દેવાનું શું તમને પૂરતું લાગે છે? તેમને તો વેરી બિગ થૅન્ક યુ કહેવું જોઈએ. મિત્રો ઉપરાંત આપણા જીવનમાં જેમનો સતત સહયોગ રહ્યો છે એવા લોકોમાં આપણા પાડોશીઓ અને ઑફિસના કર્મચારીઓ પણ ખરા. તેમનો પણ આભાર.

અરે હા, જેમને ક્યારેય ભૂલી શકાય નહીં એમ છતાં જેમને આપણે ચોક્કસ ભૂલી જઈએ છીએ એ છે આપણા શિક્ષકો. પ્રાઇમરીથી લઈને સેકન્ડરી અને છેલ્લે કૉલેજમાં આપણા શિક્ષણનો-કરીઅરનો મજબૂત પાયો નાખવાનું કામ જેમણે પૂર્ણ નિષ્ઠાથી કર્યું હોય છે એ શિક્ષકો હાલ ક્યાં અને કઈ દશામાં હશે એ પણ આપણને ખબર ન હોય એવું બની શકે, પરંતુ મનોમન પણ તેમનો આભાર માની લેવામાં નવા વર્ષની સાર્થકતા ખરી. નવા વર્ષે આભાર માનવા માટેની યાદીમાં આપણાં સગાંસંબંધી પણ ચોક્કસ આવે; જેઓ કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ, માસા-માસી કે કઝિનના સ્વરૂપે આપણી સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. જીવનની રાહમાં આપણને ક્યાંક તેમના તરફથી પ્રેમ, લાગણી, મમતા, સહવાસ, સહયોગ, સાથ મળતાં હોવાની લાગણી આપણને ક્યાંક તો ફીલ થઈ જ હશે. પરિણામે થૅન્ક યુના હકદાર તેઓ પણ ગણાય જ.

એક થૅન્ક યુ અર્થાત આભારની લાગણી આપણા ઘરમાં કામ કરવા આવતી બાઈ, ઘરનોકર, આપણી ઑફિસમાં કામ કરતા પ્યુન કે સફાઈકર્મચારી, આપણા મકાનનો સિક્યૉરિટી ગાર્ડ વગેરે માટે પણ અવશ્ય વ્યક્ત કરવા જેવી છે. આપણને રાહત આપતી કે સર્વિસ આપતી આ વ્યક્તિઓને પગાર, બોનસ કે મીઠાઈ આપી દેવાથી વાત પૂરી થઈ જતી નથી. દિલથી આભાર શબ્દ દ્વારા તેમની આખા વરસની સર્વિસને બિરદાવવામાં નવા વરસની સુગંધ ભળી શકે છે.

આ ઉપરાંત આપણા જીવનમાં એક યા બીજા સ્વરૂપે ભાગ ભજવનાર વ્યક્તિને નવા વરસે યાદ કરી લઈએ તો કદાચ જૂની યાદો પણ નવી બને અને ક્યારેય-ક્યાંક માત્ર શુભેચ્છા વ્યક્ત કરવા સાથે ખરેખર કોઈનું વાસ્તવમાં શુભ કરીએ તોય નવા વરસનો આનંદ અને સંતોષ વધી શકે. કોઈને ખરી જરૂર સમયે નિ:સ્વાર્થ સહાય કરી દઈએ, કોઈના દુ:ખમાં સહભાગી થઈ એને હળવું કરી દઈએ, કોઈનું આપણાથી બનતું ભલું કરી દઈએ તો કદાચ નવું વરસ આપણને ખરા અર્થમાં નવું લાગે એમ પણ બને. છેલ્લે નવા વરસે કે નવા દિવસે જેનો આભાર માનીએ એટલો ઓછો છે, જેનો આભાર ન માનીએ તોય જે આપણું ભલું જ કરવાનો છે અને કરતો રહ્યો છે તેનો આભાર માનવો જ રહ્યો. તેને નામ કંઈ પણ આપો - આપણો ભગવાન, ખુદા, ઈશ્વર, પરમાત્મા...

આ બધી કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વાત નથી, પરંતુ વાસ્તવિક અને વ્યાવહારિક  વાત છે. હૃદયપૂર્વક આભાર માનવાથી ભાર ઓછો થાય છે. નવા વરસે આ ભાર ન હોય તો પણ આમ કહીને હળવા થવા જેવું ખરું, કારણ કે આમ કરવાથી ક્યાંક આપણી ભીતરનો છૂપો અહંકાર પણ થોડો ભારમુક્ત થઈ શકે છે. આની મહેસૂસી જોઈતી હોય તો નવા વરસે આ પ્રયોગ કરવા જેવો ખરો. આપ સૌના અત્યાર સુધીના લાગણી-પ્રેમ માટે દિલથી આભાર અને  સાલમુબારક-હૅપી દિવાલી.

વિશ યુ અ બ્યુટિફુલ ન્યુ યર.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK