Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલ, આજે મુંબઈમાં મારીએ લટાર

ચાલ, આજે મુંબઈમાં મારીએ લટાર

04 April, 2020 07:25 PM IST | Mumbai Desk
Deepak Mehta | deepakbmehta@gmail.com

ચાલ, આજે મુંબઈમાં મારીએ લટાર

ચાલ, આજે મુંબઈમાં મારીએ લટાર


ચાલ, આજે મુંબઈમાં મારીએ લટાર. શું કહ્યું? લૉકડાઉન છે? ચિંતા નહીં. આપણે જવાનું છે ખુદ મુંબઈના પોલીસ-કમિશનરની સાથે. અને તેઓ સાથે હોય પછી શેની ચિંતા? માનવામાં નથી આવતુંને? પોલીસ-કમિશનરનું નામ કહું તો? નામ છે એસ. એમ. એડવર્ડઝ. અને તેમની સાથે છે પ્રખ્યાત ચિત્રકાર એમ. વી. (મહાદેવ વિશ્વનાથ) ધુરંધર. બન્ને નામ અજાણ્યાં લાગે છેને? લાગે જને! કારણ આ પોલીસ-કમિશનર આજના નથી. ૨૦મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં બૉમ્બે’. મુંબઈની ગલીકૂંચીઓ. અગાઉ ઉપનામથી આ લેખો ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલા. પોતે જે મુંબઈને જોયું, જાણ્યું એની વાત તેમણે અહીં કરી છે. પુસ્તકની પહેલી આવૃત્તિ ૧૯૧૨ના જૂનમાં પ્રગટ થયેલી. બધી નકલ એક જ મહિનામાં વેચાઈ ગઈ. એટલે એ જ વર્ષના નવેમ્બરમાં બીજી આવૃત્તિ પ્રગટ થઈ. તેમાં એ જમાનાના પ્રખ્યાત ચિત્રકાર એમ. વી. ધુરંધરનાં ચિત્રો ઉમેરાયાં. (અહીં મૂકેલાં બધાં ચિત્રો એ પુસ્તકમાંથી લીધાં છે.) એ બન્નેની આંગળી પકડીને મારીએ મુંબઈમાં લટાર.

તેઓ કહે છે, મુંબઈના રસ્તા પર માણસોની ભરતી-ઓટ જોવા મળે છે એવી દુનિયાનાં બીજાં બહુ ઓછાં શહેરોમાં જોવા મળે છે. અહીં વિવિધ રંગ છે, રૂપ છે, જાતજાતની ગતિ છે, વિધિ છે. અહીં લીલા, પીળા, ગુલાબી રંગના અને સોનેરી ભરતકામથી ઝગારા મારતા કુરતા-ઇઝાર પહેરેલી મેમણ અને ખોજા સ્ત્રીઓ જોવા મળે, મલમલનાં કુરતા ને ધોતી પહેરેલા મારવાડી શાહુકારો જોવા મળે, લાલ પાઘડી પહેરેલા કાઠિયાવાડીઓ જોવા મળે, કચ્છી સાગરખેડુઓ મળે, સફેદ
ખમીસ-લેંઘામાં સુતરાઉ કાપડની મિલમાં વહેલી સવારે જતા મુંબઈ બહારથી આવેલા મજૂરો જોવા મળશે. હા, દિવસ દરમ્યાન રસ્તાઓ પર આ બધા લોકોની સંખ્યામાં વધઘટ થાય ખરી, પણ મુંબઈના રસ્તા માણસ વગરના ક્યારેય નથી હોતા.
ગિરગામ કે કાલબાદેવી રોડ જેવા મોટા રસ્તાઓ પર વહેલી સવારે સૌથી પહેલો કોનો અવાજ સંભળાય છે? ના, ઘરઘંટીની ઘરઘરનો નહીં. પણ સવારના પહોરમાં નીકળી પડેલી લાલ ટ્રામની ઘરઘરાટી સૂરજ ઊગે એ પહેલાં જ શરૂ થઈ જાય છે. પછી આવે માંસ-મચ્છી લઈ જતાં ગાડાંઓનો કિચૂડ-કિચૂડ અવાજ. સવારના પહોરમાં શહેરના બધા ધોરી રસ્તા પાણીથી ધોવાય છે. એટલે પાણી ભરેલા ખટારા રસ્તાઓ પર પાણી છાંટે એનો અવાજ, જાણે પહેલા વરસાદની ઝડીનો અવાજ. તો કોઈ ફકીર કે સાધુ અલ્લાહ કે ઈશ્વરનું નામ લેતો નીકળી પડે છે. બીજાં બધાં તો ઠીક, મુંબઈમાં ભીખ માગનારાં સ્ત્રી-પુરુષ પણ વહેલી સવારથી કામે લાગી જાય છે. મસ્જિદોમાંથી મુલ્લાની બાંગ સંભળાય છે તો મંદિરોમાં થતી પહેલી આરતીનો ઘંટારવ. મારવાડી ફેરિયો માથે ટોપલો મૂકીને ‘બતાસા, બતાસા’ એવી બૂમો પાડતો પતાસાં વેચવા નીકળી પડે છે. ટૂંકી પોતડી અને ફાટેલી-તૂટેલી બંડી પહેરેલો ગામડેથી આવેલો ખેડૂત માથે ટોપલો મૂકીને બાજરી અને ચાવલ વેચવા નીકળી પડે છે. સામેથી આવતા ચા વેચતા ફેરિયાને રોકીને તેની પાસેથી ‘અડધી’ ચા પી લે છે. ગોબાવાળી અને મેશથી કાળી પડી ગયેલી કીટલીમાંથી ચાવાળો કાન વગરના કપમાં ઊંચેથી ચા રેડે છે. તમે કાન સરવા કરો તો કપમાં રેડાતી ચાનો અવાજ સાંભળી શકો. આ અડધો કપ ચા અને ઘરેથી આણેલો અડધો રોટલો એ જ પેલા ખેડૂતનો ‘બ્રેકફાસ્ટ.’ ચાવાળાનો આ પહેલો ઘરાક છે એટલે તેણે આપેલા ઢબુ (બે પૈસા)ને તે પહેલાં આંખે અડાડીને પછી ગજવામાં મૂકે છે – પહેલી બોણી છેને એટલે. તો પૈસાદાર ગુજરાતી વેપારીઓ ફાંદ પર હાથ ફેરવતા-ફેરવતા નજીકની કંદોઈની દુકાનેથી જલેબી-ગાંઠિયા લેવા નીકળી પડ્યા છે.
હવે રસ્તા પર ભીડ વધતી જાય છે. કાછડો વાળીને પહેરેલી સાડી, હાથ, પગ, કાન, નાક, ગળામાં ચમકતાં ઘરેણાં પહેરેલી માછણ, માથે મૂકેલા ટોપલામાંની તાજી માછલી મચ્છી બજારમાં લઈ જવા નીકળી છે. મંદિરમાં દર્શન કરીને ભક્તો ઘરે પાછા ફરી રહ્યા છે. તો બીજી બાજુ ઘરોમાંથી મિલમાં, બજારમાં, ઑફિસમાં, નિશાળમાં જનારાઓ નીકળી રહ્યા છે. પોતાનાં પિત્તળનાં વાસણોને ઘસી-ઘસીને સાફ
કરતાં-કરતાં બનારસી પાનવાળો ભજન ગણગણી રહ્યો છે. રસ્તાઓ પર ઘોડાગાડી, રેકલા, શિગરામ, વિક્ટોરિયાની અવરજવર વધી રહી છે. ઘરના મરદો કામે જાય પછી જૂનાં કપડાંના બદલામાં વાસણ વેચતી બાઈઓ માથે ટોપલામાં પિત્તળનાં ચળકતાં વાસણ લઈને નીકળી પડી છે. ‘મેરા ચૂરણ મઝેદાર, ઉસકો ખાતે હૈં સરદાર’ બોલતો ફેરિયો જાતજાતનાં ચૂરણ-ગોળી વેચવા નીકળી પડ્યો છે. મકાનોની બાલ્કનીમાં બેસીને સ્ત્રીઓ આ બધા ફેરિયાઓને જોઈ રહી છે.
સાથે-સાથે કોઈ શાક વીણે છે તો કોઈ ફાટેલાં કપડાં સાંધે છે.
સવાર તો ધીમે-ધીમે સરકી ગઈ અને હવે બપોર. અવાજો આછા અને ઓછા થતા જાય છે. એટલે જે અવાજ કાને પડે છે એ તરત ધ્યાન ખેંચે છે. ક્યાંક કોઈક મોડો ઊઠેલો શેઠિયો બંગલાની બહાર આવી ડ્રાઇવરને બૂમ પાડે છે તો ક્યાંક રૂના પિંજારાનો ઢેં-ઢફ, ઢેં-ઢફ અવાજ કાને પડે છે. મદારી ઢોલ વગાડીને ખેલ જોવા માટે છોકરાઓને ભેગા કરવા કોશિશ કરે છે. કોક ગાડીવાળો રસ્તાની વચ્ચોવચ ચાલતા માણસને ગંદી ગાળ ચોપડાવે છે. પિત્તળનાં વાસણને કલાઈ કરનારો બસૂરા અવાજે સાદ પાડે છે. કોઈ ઘરને ઓટલે બેસીને ફળો વેચતી બાઈ ઘરાકની રાહ જુએ છે.
પણ મુંબઈના રસ્તાઓ પર સૌથી વધુ ભીડ તો સાંજે જ જોવા મળે. મંદિરો અને મસ્જિદોમાંથી પાછા ફરતા ભાવિકો. કાખમાં માંદા છોકરાને તેડી બાધા-આખડી કરીને પાછી ફરી રહેલી સ્ત્રીઓ. આખો દિવસ મિલમાં મજૂરી કરીને ઘરે પાછા ફરતા મજૂરો. ઑફિસમાં કામ કરતા કારકુનો, મારવાડી શેઠના ગુમાસ્તાઓ, ભીખારીઓ, ફેરિયાઓ, ફળો અને શાકભાજી વેચનારાઓ. તો વળી ક્યાંક પાનબીડાં વેચનાર ફેરિયાની આસપાસ બે-પાંચ જણ ઊભા છે, મોઢું લાલચટક કરવા માટે. કોઈ ફુટપાથની ધારે બેઠેલો ફેરિયો નાની-નાની પોથી વેચી રહ્યો છે: રામરક્ષાકવચ, હનુમાનચાલીસા, દેવીમાહાત્મ્ય. તેનાથી થોડે દૂર પાંજરામાં લીલો પોપટ લઈને એક નજૂમી બેઠો છે. પાઈ-પૈસો આપો, સવાલ પૂછો, પોપટ પાંજરામાંથી બહાર, એક કાર્ડ ઉપાડે. અને એમાંથી નજૂમી વાંચે તમારું ભવિષ્ય. તો બાજુની ગલીમાંથી ઢોલ-ત્રાંસાના અવાજ સાથે વરઘોડો નીકળે છે. જાનડીઓ ગાઈ રહી છે:
મળ્યા વરઘોડે જણ મોટા,
લીધા હાથ ગુલાબના ગોટા,
નથી હારતોરાના તોટા રે,
સજની સાજનની જો શોભા
આ શહેરમાં અમીરી અને ગરીબી, હરખ અને શોક, આશા અને હતાશા, ધન અને ધરમ, જોડાજોડ જોવા મળે છે અને એમાંનું કશું લાંબો વખત ટકતું નથી.
હવે તો રાત પડી ગઈ. રસ્તા પરથી અવાજ સંભળાય છે: ‘માલિશ, તેલ-માલિશ.’ આખો દિવસ ગલ્લા પર બેસીને, રૂપિયા-આના-પાઈ ગણી-ગણીને થાકી ગયેલો મારવાડી ચાર આના આપીને ચંપી કરાવે છે અને હળવો ફૂલ થઈ જાય છે. નાની, સાંકડી ખોલીઓ, ચાલીના ઘરમાં માણસ વધારે, વળી મચ્છરોનો ત્રાસ. એટલે ઘણા પુરુષો ચાલીની બહાર ખુલ્લી જગ્યામાં કે ફુટપાથ પર ચટાઈ પાથરીને લંબાવે છે. દરેકે માથા સુધી ઓઢી લીધું છે એટલે મધરાત પછી નીકળો તો જાણે સેંકડો લાશ રસ્તા પર હારબંધ પડી હોય એવું લાગે. અને બધું સૂમસામ થઈ ગયું હોય ત્યારે કોઈ દારૂડિયો લથડિયાં ખાતો, બબડતો, ગાતો, બૂમો પાડતો રસ્તા પરથી લડખડાતી ચાલે પસાર થઈ જાય. અહીં કેટલીક ‘ક્લબ’ આખી રાત ખુલ્લી રહે છે. બે-ચાર આના આપી હુક્કામાં કે વાંસની ભૂગળીમાં ચરસ-ગાંજો ભરી આખી દુનિયાને ભૂલી જઈ શકો. અહીં નાત-જાતના, ધરમ-ભરમના, ગરીબ-તવંગરના કોઈ ભેદ નથી. અહીં હિન્દુ, મુસ્લિમ, સિખ્ખ, ઈસાઈ અને ક્યારેક અંગ્રેજ પણ – સાથે બેસીને આ દુનિયાને ભૂલી જઈને બીજી દુનિયામાં વિહરે છે.
રાતે ગમે ત્યારે કેનેડી બ્રિજ પરથી પસાર થાઓ. સારંગીના સૂર, ઘૂંઘરૂનો રણકાર અને ઇમ્તિઆઝાન જેવી ‘નૉચ ગર્લ’નો મધુર કંઠ તમારે કાને પડ્યા વગર રહે નહીં. ઇમ્તિઆઝાન મૂળ તો લાહોરની. નાનકડી મીઠડી છોકરી હતી. બાળપણમાં અનાથ થઈ ગઈ. અબ્બા, અમ્મી, ઘરનાં બધાં કૉલેરાનો ભોગ બન્યાં. થોડા દિવસ કાકીએ આશરો આપ્યો. એક દિવસ રડતી -રડતી રસ્તા પર રખડતી હતી ત્યારે ગોહરજાનની નજર તેના પર પડી. ઘરે લઈ આવી. ખાસ ગવૈયા રોકી સંગીત શીખવાડ્યું. કથક નૃત્ય શીખવ્યું. મુન્શીજી રોકી ઉર્દૂ અને ફારસી ભાષા શીખવી. કળી હવે ખીલીને ફૂલ બની હતી. એવામાં એક સિતાર વગાડતા સાજિંદા સાથે પરિચય થયો. સિતારના સ્વરોએ કામણ કર્યું. પ્રેમ પાંગર્યો. અને એક દિવસ બન્ને લાહોરથી ભાગીને આવ્યાં મુંબઈ. પણ પૈસાનાં ફાંફાં. થોડો વખત તો જેમ-તેમ ગુજાર્યો. પછી એક દિવસ પેલો તેને કેનેડી બ્રિજ પાસેના મોટા મકાનમાં મૂકીને ચાલતો થયો. અને ઇમ્તિઆઝાનનો સિતારો અહીં ચમક્યો. પૈસાની રેલમછેલ થવા લાગી. કાકીની માઠી દશા બેઠી હતી એવા વાવડ મળ્યા હતા. એટલે દર મહિને ઇમ્તિઆઝાન કાકીને ‘મન્યાડર’ મોકલતી.
મોટા-મોટા શેઠિયાઓ લગ્નની દરખાસ્ત મૂકતા. પણ બધાને તે એક જ જવાબ આપતી: ‘ના, મારી કિસ્મતમાં લગ્ન છે જ નહીં.’
પણ એ વખતના મુંબઈની કિસ્મતમાં થોડે-થોડે વરસે બે કોમના લોકો વચ્ચેનાં છમકલાં, રમખાણ, હુલ્લડ લખાયાં હતાં. વરસોથી પાસપાસે રહેતા પાડોશીઓ એકમેકના દુશ્મન બની જતા. ક્યારેક સોડાવૉટર બૉટલથી એકબીજા પર હુમલા કરતા. ક્યારેક દુકાનો બાળતા. ક્યારેક ચાકુ હુલાવતા. રસ્તા પર બંબાવાળાના ઘંટ ધણધણતા. કાળી પોલીસ વૅન ચિચિયારી પાડતી ધસી આવતી. પીળી પાઘડી પહેરેલા પોલીસો હાથમાં લાઠી લઈને ઊતરતા. પહેલાં ટોળા સામે લાઠીઓ ઉગામતા. પછી જે બે-ચાર જણ – મોટે ભાગે નિર્દોષ – હાથમાં આવે તેને લાઠી ફટકારતા. ટોળું વીખરાવા લાગતું, પણ ક્યારેક પરિસ્થિતિ કાબૂ બહાર જતી ત્યારે રૉયલ એન્ફીલ્ડ મોટરસાઇકલ ધસી આવતી. ધોળો કડકડતો યુનિફૉર્મ પહેરેલો ગોરો સાર્જન્ટ ઊતરતો. તેના હાથમાં રિવૉલ્વર ચમકતી. સાથે આવતી હથિયારબંધ પોલીસ. હાથમાં લાંબી રાઇફલ લઈને. સાર્જન્ટ પહેલાં ટોળાને વિખરાઈ જવા અપીલ કરતો. ન માને તો પહેલાં લાઠીચાર્જ. પછી ટિયરગૅસ. મોટે ભાગે એટલાથી મામલો શાંત થઈ જતો. પણ રખેને ન થાય તો? સાથે આવેલા ‘મૅજિસ્ટ્રેટ’ની પરવાનગી લઈ ગોરો સાર્જન્ટ ‘ફાયર’ એવો હુકમ આપતો અને પોલીસોની રાઇફલમાંથી છૂટતી ગોળીઓના અવાજના પડઘા સૂના રસ્તાઓ પર સંભળાતા. થોડી વાર પછી ધોળી ઍમ્બ્યુલન્સ આવતી અને પહેલાં ઘવાયેલાને અને પછી મરેલાને લઈ જતી. કોઈ ઘરના રેડિયો પરથી અવાજ સંભળાતો: ‘હવે ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળો ખાસ જાહેરાત. મુંબઈ શહેરમાં કરફયુ ઑર્ડર લાગુ કરવામાં આવ્યો છે. લોકોને ઘર બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવે છે.’
આજે આટલે વર્ષે ફરી લાંબો વખત ઘરમાં ભરાઈ રહેવાના દિવસો આવ્યા છે. એટલે ગઈ કાલના મુંબઈના રસ્તાઓ પર રખડવાનું બંધ કરી ચાલો ઘરે જઈ આજનું ગુજરાતી મિડ-ડે વાંચીએ.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 07:25 PM IST | Mumbai Desk | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK