Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે પોતે પણ છોને તમારી પ્રાયોરિટીમાં?

તમે પોતે પણ છોને તમારી પ્રાયોરિટીમાં?

21 November, 2019 02:02 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તમે પોતે પણ છોને તમારી પ્રાયોરિટીમાં?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


યુવાનીમાં સંતાનોના ઉછેરમાં ઓતપ્રોત રહેતી સ્ત્રી ચાળીસ વર્ષની ઉંમર બાદ એકલતા અને અસલામતીની ભાવનાથી પીડાય છે. પરિણામે અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગનો શિકાર બને છે એવું સ્ટડી કહે છે. આ સંદર્ભે એક્સપર્ટનો અભિપ્રાય જાણવાની સાથે પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ જીવનને નવી દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહેલી બે મહિલાઓને મળીએ.

દરેક વ્યક્તિના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે એકલતા સતાવે છે. એકલતા એવી અવસ્થા છે જે કોઈ પણ વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે તોડી નાખે છે. આખા વિશ્વમાં લાખો લોકો ખાસ કરીને મહિલાઓ એકલતાથી પીડાય છે. પતિ, સંતાનો, સગાંવહાલાં, મિત્રો બધાંની લાઇફમાં હાજરી હોવા છતાં ચાળીસની ઉંમર પાર કર્યા બાદ સિત્તેર ટકા મહિલાઓ એકલી પડી જાય છે એવું બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે.



સંતાનોના ઉછેરની જવાબદારી ઉઠાવવી અઘરી જ નહીં, પડકારજનક પણ છે. સ્ટડી કહે છે કે સંતાનો પાછળ આખો દિવસ દોડધામ કરતી માતાની કાયમ ફરિયાદ હોય છે કે તેમની પાસે શ્વાસ લેવાનીય ફુરસદ નથી. કોણ જાણે ક્યારે આમાંથી છુટકારો મળશે એવા કકળાટનો જ્યારે ખરેખર અંત આવે છે ત્યારે મહિલાઓ એને પચાવી શકતી નથી. મધ્યમ વય સુધી પહોંચતાં આ બધી ધાંધલધમાલ શાંત થઈ જાય છે અને એની સાથે જ શરૂ થાય છે એકલતા અને અસલામતીની પીડા.


અનેક પડકારોનો સામનો કરનારી સ્ત્રી એકલતાનો સામનો કરી શકતી નથી એ સંદર્ભે વાત કરતાં વડાલાનાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોથેરપિસ્ટ નીતા શેટ્ટી કહે છે, ‘કાલથી હું મારા માટે જીવીશ. આ કાલ આવતી નથી. માતા બન્યા બાદ સ્ત્રીની પ્રાયોરિટી બદલાઈ જાય છે. સવારે વહેલાં ઊઠવાનું, સંતાનોને સ્કૂલમાં મોકલવાનાં, હસબન્ડનું ટિફિન, ઘરનાં કામ આ બધી ધમાલ વચ્ચે તે પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે. સેલ્ફ-આઇડેન્ટિટી સાઇડ ટ્રૅક પર રાખી માત્ર પેરન્ટ બની જાય છે. તેથી ભવિષ્યમાં એકલાં રહેવું અઘરું બને છે. યુવાનીમાં રેતીની જેમ સરી ગયેલો સમય સંતાનોની જવાબદારી પૂર્ણ થયા બાદ કેમેય કરીને નીકળતો નથી. ઘર જાણે ખાવા દોડે છે. ઘર નામના માળામાંથી પક્ષીઓ

ઊડી જાય પછી જીવનમાં જે ખાલીપો સર્જાય છે એને ભરવો અઘરો છે. આવી સિચુએશન ક્રીએટ ન થાય એ માટે તમારી પ્રાયોરિટીમાં તમે પોતે પણ ક્યાંક હો એ અત્યંત જરૂરી છે.’


આપણે ત્યાં ગુડ મધરની વ્યાખ્યા જુદી છે એના લીધે સ્ત્રીઓ પોતાના માટે કંઈ કરી શકતી નથી એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘ભારતમાં થયેલા સર્વેક્ષણ અનુસાર સારી માતા એને કહેવાય જે પોતાના સંતાનને વધુમાં વધુ સમય આપે. ઉપરોક્ત રિસર્ચ તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે. વધુ સમય આપવાથી તમે ગુડ મધરની કૅટેગરીમાં આવો એવું તમે માનો છો, પણ આ માન્યતા ખોટી છે. સંતાનો સાથે આખો દિવસ માથાં પછાડો છો એમાં તમે વધુ ફ્રસ્ટ્રેટ થાઓ છો. સંતાનો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવો, નહીં કે ક્વૉન્ટિટી ટાઇમ. એ જ રીતે સારી પત્ની બનવાની લાયમાં તમે સેવાભાવથી ઉપર ઊઠતાં નથી. તમારું ફોકસ પતિ અને સંતાનોની આસપાસ રાખો છો. હૉબી ડેવલપ કરવાનો કે અન્ય પ્રવૃત્તિ માટે સમય નથી મળતો એવો કકળાટ કરી તમે તમારી જાતને જ છેતરો છો. સૌથી પહેલાં તો આવી પરિસ્થિતિ શરૂઆતથી જ ઊભી થવા ન દો. લાઇફ-સ્ટાઇલમાં પરિવર્તન નહીં લાવો તો આગળની લાઇફ ડિફિકલ્ટ બનશે.’

સામાન્ય રીતે માતા અને પત્નીનો રોલ પૂરો થાય છે ત્યાં સુધીમાં જીવનના બે દાયકા વીતી જાય છે. આટલો લાંબો સમય તમે પોતાના માટે કંઈ ન કરો અને પછી કંઈ સૂઝે નહીં એ સ્વાભાવિક છે એવો મત વ્યક્ત કરતાં નીતા કહે છે, ‘ચાળીસ-પીસ્તાળીસ વર્ષની વયમાં ઘણીબધી વસ્તુ એકસાથે સામે આવે છે. સંતાનો સ્વતંત્ર જીવન જીવવા લાગે છે એ સહન થતું નથી, હસબન્ડ બિઝનેસમાં ટોચ પર પહોંચી ગયા હોય અને રિટાયરમેન્ટ પહેલાં ઘણું અચીવ કરવાનું હોય તેથી તેમને તમારામાં રસ ન હોય. બીજી બાજુ મેનોપૉઝ દસ્તક દે છે. આ બધું સાથે બને એટલે ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, માઇગ્રેન, અનિદ્રા જેવી બીમારીની એન્ટ્રી થાય. સહનશક્તિ ઘટતી જાય અને કકળાટ વધતો જાય. આવું ન થાય એ માટે હાઉસવાઇફના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો.’

હસબન્ડનો સપોર્ટ પણ એટલો જ મહત્ત્વનો છે એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘આપણે ત્યાં પત્નીને ડીમોટિવેટ કરવું એ પતિનો અધિકાર રહ્યો છે. પત્ની કંઈ ન કરતી હોય તો કહેશે આખો દિવસ નવરી બેઠી માથું ફેરવે છે, કંઈ કરતી કેમ નથી અને કદાચ કોઈ પ્રવૃત્તિનો નિર્ણય લેશે તો મોઢું મચકોડતાં કહેશે કે હવે આ ઉંમરે શું કરવું છે? પતિઓને એટલું જ કહેવાનું કે ગમેતેટલા વ્યસ્ત હો તમારી પત્નીને મોટિવેટ કરો. તેની સાથે મૉર્નિંગ વૉક પર જાઓ. થોડા દિવસ જશો તો તેને ટેવ પડી જશે અને ફ્રેન્ડ્સ બનશે પછી તમે નહીં જાઓ તો ચાલશે. જોકે સાથ આપો તો એ તમારા રિલેશન માટે ફાયદેમંદ સાબિત થશે, કારણ કે તમે પણ થોડા સમયમાં નિવૃત્ત થવાના છો. પત્ની સોશ્યલ સર્કલ બનાવે, નવા ફ્રેન્ડ્સ બનાવે, કોઈ હૉબી ડેવલપ કરે કે જૂના શોખને ફરીથી જીવંત કરે ત્યાં સુધી તમારો સપોર્ટ મળવો જોઈએ. આ સાથે મહિલાઓએ યોગ અને મેડિટેશન પર ધ્યાન આપવું જોઈએ. જરૂર પડે તો કાઉન્સેલરની સલાહ લેવામાં સંકોચ ન કરો.’

અઘરું છે, અશક્ય નથી

હસબન્ડ બિઝનેસમાં અને સંતાનો સ્ટડીમાં બિઝી રહે છે એ જ રીતે તમે તમારા સોશ્યલ સર્કલમાં વ્યસ્ત રહેવાની ટેવ પાડો. આવા જ તબક્કામાંથી પસાર થઈ રહેલી તમારી ઉંમરની અન્ય સ્ત્રીઓ સાથે હરવા-ફરવાનો આનંદ લો.

સમયાંતરે તમારી લાઇફને રિલૅક્સ્ડ અને રિફ્રેશ મોડ પર લઈ જાઓ.

યાદ રાખો, લર્નિંગની કોઈ એજ હોતી નથી. ઘણી મહિલાઓ અધૂરો રહી ગયેલો અભ્યાસ પૂર્ણ કરે છે. હવે તો નવા-નવા લર્નિંગ કોર્સ પણ ઘણા આવી ગયા છે. એમાંથી મનગમતો કોર્સ કરી શકો છો.

કોઈ પણ ઉંમરમાં પરિવાર, બહારનાં કામ અને તમારી વચ્ચે બૅલૅન્સ્ડ લાઇફ મુખ્ય ફોકસ હોવું જોઈએ.

પોતાની હેલ્થને સર્વાધિક પ્રાધાન્ય આપો.

સંતાનોની સ્વતંત્રતાને જીરવતાં શીખવાની સાથે અસલામતી અને અજંપાને મનમાંથી તગેડી મૂકો.

તમારી ટૅલન્ટ અને નવરાશની પળોનો ભરપૂર ઉપયોગ કરો.

એકલતાને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે પોતાની કંપનીને માણો : હિરલ સંઘવી, વિલે પાર્લે

કોઈ ન હોય ત્યારે અરીસા સામે ઊભાં રહી વાતો કરવાનું અને શૃંગાર કરવાનું મને ખૂબ ગમે છે એમ જણાવતાં વિલે પાર્લેનાં ૪૩ વર્ષનાં ગૃહિણી હિરલ સંઘવી કહે છે, ‘આવી ઍક્ટિવિટી સ્ટ્રેસ ઓછું કરવામાં ખૂબ કામ લાગે છે. એકલતા કરતાં એકાંત વધુ મજાનું હોય છે. સાંજ પડે સૂર્યાસ્તના સમયે દરિયાકિનારે પહોંચી જાઉં. જળ, અગ્નિ, વાયુ, ધરતી અને આકાશનું સુંદર અને અદ્ભૂત મિલન જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય. એકલતા દૂર કરવાની મને જરૂર પડી જ નથી, કારણ કે મારી પાસે કરવા માટે ઘણુંબધું છે. જોકે, શરૂઆતમાં હું પણ અન્ય ગૃહિણીની જેમ સંતાનો પાછળ દોડધામ કરતી હતી. જેમ-જેમ તેઓ મોટાં થતાં ગયાં મારું ટેન્શન વધી ગયું કે હવે એકલી શું કરીશ? એકલતાનો ભય મને પણ સતાવતો હતો. ફૅશન-ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ પારિવારિક જવાબદારીના કારણે એમાં કરીઅર બનાવવાનો વિચાર ત્યારે આવ્યો નહીં અને હવે અઘરું છે; કારણ કે તગડું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. તેમ છતાં મારી ટૅલન્ટ વેડફાઈ ન જાય એવા પ્રયાસો ચાલુ રાખ્યા છે. બહેનો, ભાભી, ફ્રેન્ડ્સ એમ બધાના ડ્રેસિસ ડિઝાઇન કરું છું. મારું ડ્રીમ છે કે એક દિવસ મારો ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરેલી મૉડલ શો-સ્ટૉપર બને. ચાળીસ પછી તમારાં ડ્રીમ જ તમને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં સહાય કરે છે. આ ઉપરાંત યોગની શિક્ષા લીધી. જ્ઞાતિનાં મંડળોની ઍક્ટિવિટીમાં બાળકોને સ્પીચ શીખવાડતા રેડિયો પર ગુજરાતી ભાષામાં સ્પીચ આપવાનો ચાન્સ પણ મળ્યો. આજે હું મારા સમય અને ટૅલન્ટનો સદુપયોગ કરી જીવનની દરેક ક્ષણને માણું છું તેથી ડિપ્રેશન આવતું નથી.’

સાંસારિક જવાબદારીઓ પૂરી થયા પછી જ સ્ત્રીઓનાં સ્વપ્નો સાકાર થાય : વૈશાલી શાહ, અંધેરી

તમારી અંદર છુપાયેલી ક્ષમતાઓ અને આવડતોને દુનિયા સમક્ષ લાવવાનો શ્રેષ્ઠ સમય ચાળીસ પછી જ આવે છે એવો અભિપ્રાય આપતાં અંધેરીનાં ૪૪ વર્ષનાં ગૃહિણી વૈશાલી શાહ કહે છે, ‘સંતાનો તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. મારી પ્રાયોરિટી પણ એ જ રહી છે, પરંતુ તેઓ મોટાં થયા પછી મારે પોતાની જાતને કઈ રીતે બિઝી રાખવાની છે અને શું કરવાનું છે એ બાબત વિઝન પહેલેથી જ ક્લિયર હ‍તું. મને સોશ્યલ અને સ્પિરિચ્યુઅ‍લ એક્ટિવિટીમાં રસ છે. ઇચ્છા પણ એવી કે કોઈ પણ રીતે બાળકો સાથે જોડાયેલી રહું. તેથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જ મન પરોવ્યું છે. ધાર્મિક પાઠશાળામાં આવતાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની તક ઝડપી લીધી છે. એમાં મને મારું પોતાનું ડેવલપમેન્ટ દેખાય છે. હું માનું છું કે કારકિર્દી અનેક પ્રકારની હોય છે. શૈક્ષણિક કારકિર્દીમાં તમે સફળતા માટે સતત પ્રયત્નશીલ રહો છો. કૉર્પોરેટ વર્લ્ડમાં તમે જે રીતે જુદા-જુદા લેવલો પાર કરી આગળ વધવાના પ્રયત્નો કરો છો એ જ રીતે હોમ કરીઅર અને પર્સનલ કરીઅરને ઊંચે લઈ જવાના પ્રયાસ કરો તો ડિપ્રેશન ન આવે. વૃદ્ધાવસ્થા તરફ આગળ‍ વધી રહેલી દરેક સ્ત્રીએ તન અને મનથી સ્વસ્થ રહેવા મનગમતી પ્રવૃત્તિ અને અધૂરાં રહી ગયેલાં સપનાંઓને સાકાર કરવાનો પ્રયાસ કરવો જ જોઈએ જેથી વસવસો ન રહે.’

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 02:02 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK