Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રકૃતિની સામે નહીં પણ સાથે રહેતાં શીખીએ!

પ્રકૃતિની સામે નહીં પણ સાથે રહેતાં શીખીએ!

17 May, 2020 06:47 PM IST | Mumbai Desk
Dinkar Joshi

પ્રકૃતિની સામે નહીં પણ સાથે રહેતાં શીખીએ!

દુર્ભાગ્યે બન્યું છે એવું કે પ્રકૃતિની સાથે જીવવાને બદલે માણસે પ્રકૃતિની સામે જીવવા માંડ્યું છે.

દુર્ભાગ્યે બન્યું છે એવું કે પ્રકૃતિની સાથે જીવવાને બદલે માણસે પ્રકૃતિની સામે જીવવા માંડ્યું છે.


`પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં જે ભાષણો કરે છે એમાં એક આંકડો અચૂક બોલાતો રહ્યો છે. આ આંકડો એટલે દેશની જનસંખ્યા એકસોત્રીસ કરોડ. એકસોત્રીસ કરોડની આપણી વસ્તી અને આ એકસોત્રીસ કરોડમાંથી બહુ જ ઓછાએ ચાર દીવાલો વચ્ચેનો જેલવાસ ભોગવ્યો હશે. છેલ્લા દોઢ કે પોણાબે મહિનામાં આપણને આ સૌભાગ્ય મળ્યું. ચાર દીવાલો વચ્ચે એકલવાસ ગાળવો એ કંઈ જેવોતેવો અનુભવ નથી.

આ એકલવાસ દરમિયાન ટેલિફોનનો સારો સથવારો રહેતો હોય છે. હવે દરેક કૉલનો દોઢ રૂપિયો એવો જૂનો ટેલિફોન એક્સચેન્જનો હિસાબ રહ્યો નથી. એટલે ઉપભોક્તાઓની ઉદારતા પણ વધી ગઈ છે. સમયની પાબંદી નથી એટલે વાતોનાં વડાં પણ ખોબે-ખોબે થાય. એમાંય લૉકડાઉન સમયગાળામાં જેમની પાસે સમય ક્યાં અને કેમ ગાળવો એ જ પ્રશ્ન હોય તેમને પરમાત્મા એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણે ટીવીના પડદા પર મદદ ન કરી હોત તો તેમનું શું થાત એ પ્રશ્ન વિચારવા જેવો; પણ જેમને વાદળ સાથે વાત કરતાં આવડતી હોય, બારીમાંથી દેખાતા કોઈક લીલાછમ વૃક્ષના પાંદડા ઉપર પથરાયેલો સૂર્યનો તડકો અથવા વેરાયેલા અંધકાર સાથે સંવાદ સાધતાં આવડતો હોય, જેમને અક્ષરની ઓળખાણ વર્ષો જૂની હોય અથવા સૂરનો સથવારો આંખ બંધ કરીને મળતો હોય, જાત જોડેની અશબ્દ લેવડ-દેવડ કરતાં આવડી હોય તેમને આ એકલવાસ કદાચ ઝાઝો અકળાવે નહીં.
પણ હવે લૉકડાઉન પૂરો થશે - આજે અથવા કાલે. એક યા બીજા સ્વરૂપે. કોઈકની આંગળી પકડીને રસ્તો ક્રૉસ કરી શકાય પણ એ આંગળી પાછી છોડી દેવી પડે. જો પોતાના પગ ઉપર ચાલતાં ન આવડે તો લાકડી લેવી પડે, પણ આ લાકડી બગલઘોડી ન બની જાય એનું ધ્યાન રાખવું પડે. બીજાના ટેકે તમે ક્યાં સુધી જીવી શકો? કોરોના વાઇરસ માથા ઉપર ઝળૂંબતો હોય તો એ ભર્યું વાદળ છે, વરસવું હોય ત્યારે વરસશે પણ પછી તો ઉઘાડ નીકળશે જ એમ માનીને આગળ વધવું પડશે. આ વાત કરવી સહેલી છે, પણ એનો વ્યવહાર અતિશય દુષ્કર છે એનો સ્વીકાર કરીએ. પણ માણસના ઇતિહાસમાં આવા દુષ્કર સમયગાળાઓ ક્યાંક અને ક્યાંક, ક્યારેક અને ક્યારેક આવ્યા જ છે.
કોરોનાના નિવારણ માટે ઔષધીની શોધખોળ દુનિયા આખી કરી રહી છે. માણસજાતના સદ્ભાગ્ય હશે તો આ શોધખોળનો અંત સત્વરે આવશે. ભૂતકાળમાં સારવાર વિનાના અનેક રોગ માણસજાતે જોયા છે. 1980ના કાળિયા તાવથી માંડીને શીતળા, કૉલેરા, પ્લેગ જેવા કેટલાય રોગ પણ નોંધાયા છે. આ બધા વચ્ચેથી માણસ પસાર થયો છે. આજે આ બધા રોગ નષ્ટ થયા છે. બીજા વિશ્વયુદ્ધમાં પાંચ કરોડ જેટલા માણસોને માણસોએ જ મારી નાખ્યા હતા અને બીજા પાંચ કરોડને બીજાં પાંચ વરસ સુધી પરેશાન કરી નાખ્યા હતા. માણસે ઘડીક શાંતિથી ઊભા રહીને પોતાના કારનામાને પણ ઉકેલવા જોઈએ.
વરસાદ આવતો હોય તો માણસ છત્રી શોધે છે. ઠંડી પડતી હોય તો એના નિવારણ માટે માણસ સ્વેટર કે કોટ શોધે છે. ગરમી વધતી હોય તો માણસ પંખો કે ઍર-કન્ડિશનર શોધે છે અને આ બધું હાથવગું ન હોય તો માણસ પોતાની જીવનશૈલી સાથે સમાધાન કરે છે. દુર્ભાગ્યે બન્યું છે એવું કે પ્રકૃતિની સાથે જીવવાને બદલે માણસે પ્રકૃતિની સામે જીવવા માંડ્યું છે. નદીના પ્રવાહથી માંડીને પવનના પ્રવાહ સુધી કશું પણ માણસની રોકટોક વિના વહેતું ન રહે એની આપણે તકેદારી રાખી છે. કોરોના ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું એની ઉપરના પોપડા તો જ્યારે ઉકેલાય ત્યારે ખરા. માણસને સાથે મળીને જીવતાં આવડતું નથી. પ્રકૃતિ સાથે સમરસ થતાં પણ આવડતું નથી. કોરોના ક્યાંયથી અમથો-અમથો નથી આવતો. એને લાવવામાં આવે છે અને લાવ્યા પછી એની સાથે સમાધાન કરતાં નથી આવડતું.
આ સંદર્ભમાં ટુચકા જેવો એક પ્રસંગ યાદ કરવા જેવો છે (એની સચ્ચાઈ વિશેની કોઈ ખાતરી આપી શકાય નહીં).
એવું કહેવાય છે કે ઇંગ્લૅન્ડના રાજકુંવરને શિક્ષણથી માંડીને બધી તાલીમ મળી રહે એ માટે ખાસ તાલીમબદ્ધ શિક્ષક નિયુક્ત કરવામાં આવે છે. આ શિક્ષક ચોવીસે કલાક રાજકુંવર સાથે જ રહે છે અને શિક્ષક તથા રાજકુંવરના વહેવાર વચ્ચે રાજા કે રાણી પણ પડતાં નથી. એક વાર ભોજન સમયે ડાઇનિંગ ટેબલ પર રાજા, રાણી, કુંવર અને શિક્ષક ચારેય જણ બેઠાં હતાં. ભોજનમાં સૌ પહેલાં એક ચોક્કસ સૂપ પીરસવામાં આવ્યો. કુંવરે પૂછ્યું, `આ શાનો સૂપ છે?’
`ફલાણો, ફલાણો.’ કુંવરને જવાબ આપવામાં આવ્યો.
`મારે આ સૂપ નથી પીવો.’ કુંવર રિસાઈ ગયા.
`મને પેલો સૂપ આપો.’
`જી!’ રસોઈઘરના હેડ શેફે કુંવરને કહ્યું, `દસેક મિનિટમાં એ સૂપ તૈયાર થઈ જશે.’
`ના,’ શિક્ષક તેમની બેઠક પરથી ઊભા થઈ ગયા. પછી કુંવર તરફ ફરીને બોલ્યા, `આજે તમે આ સૂપ પી લ્યો કુંવર. કાલે તમારે માટે એ સૂપ બનાવવામાં આવશે.’
રાજા, રાણી અને હેડ શેફ ત્રણેય સ્તબ્ધ થઈ ગયાં. કુંવરના પ્રશિક્ષણમાં વચ્ચે કોઈથી બોલાય નહીં એ રાજ્યનો નિયમ એટલે બધાં ચૂપ રહ્યાં.
કુંવરે પેલો સૂપનો વાટકો દૂર હડસેલ્યો.
`તો પછી કુંવર આજે સૂપ વગર જ ભોજન કરો. કાલે તમને ભાવતો સૂપ પીરસવામાં આવશે.’
બધા સ્તબ્ધ થઈ ગયાં પણ કોઈ કશું બોલ્યું નહીં.
પછી શિક્ષકે રસોઈઘરમાં સૂચના આપી - `કુંવરને આનો આ જ સૂપ બનાવીને આવતી કાલે પણ પીરસવામાં આવે.’
કુંવર પણ હઠે ચડ્યા. તેમણે બીજે દિવસે પણ પેલો સૂપ ન પીધો. ત્રીજે દિવસે પણ એનો એ જ સૂપ પીરસાયો. રાજા-રાણી પણ સ્તબ્ધ. કુંવરે સૂપ ન પીધો, પણ કોઈ કશું બોલ્યું નહીં.
ચોથે દિવસે... પણ આમ જ બન્યું. પાંચમે દિવસે કુંવરે સૂપ પીધો. એ પછી રાજા-રાણીએ શિક્ષકને આમ કરવાનું કારણ પૂછ્યું. શિક્ષકે કહ્યું, `નામદાર, કુંવર આવતી કાલે રાજા બનશે. તેમણે જુદા-જુદા સ્વભાવ અને જુદી-જુદી પ્રકૃતિના અણગમતા લાગતા માણસોનેય મળવું પડશે. તેમનો સ્વીકાર કરીને વ્યવહાર ચલાવતાં કુંવરને આવડવું જોઈએ. આ તાલીમ જો અત્યારથી નહીં મળે તો તેમનો સ્વભાવ જિંદગીના આવા સંઘર્ષોને શી રીતે જીરવી શકશે?’
આપણે કોઈ રાજા-રાણી કે રાજકુંવર નથી, પણ શિક્ષકનો આ પદાર્થપાઠ તો આપણે જરૂર શીખી શકીએ. બધી જ જગ્યાએ બધું જ આપણી અનુકૂળતા પ્રમાણે નથી મળતું. જ્યાં જે છે એને અનુકૂળ થઈ જતાં આપણે શીખવું જોઈએ. પ્રકૃતિની સામે નહીં પણ સાથે રહેતાં શીખીએ અને આ શિક્ષણમાં ક્યાંક હાથ-પગ ભાંગે તો એનો પણ સ્વીકાર કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 06:47 PM IST | Mumbai Desk | Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK