ભારતનાં ગામડાંઓમાં વ્યસનોને કારણે બરબાદ થતા યુવાનો અને તેમના દુઃખી પરિવારો જોઈ એક કચ્છી જૈન સાધુનું હૃદય રડી ઊઠતું એટલે અવધૂતના ઓલિયા જેવા આ સંત છેલ્લાં ૨૦ વર્ષથી ભારતનાં વિવિધ રાજ્યોમાં વિહાર કરી વ્યસનમુક્તિ અભિયાન ચલાવે છે. લાખો લોકોને વ્યસનની નાગચૂડમાંથી છોડાવવા નિમિત્ત બન્યા છે. દારૂ-જુગાર, ચરસ-ગાંજાથી વેડફાઈ જતા યુવાનોને જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠતું. એટલે આત્મકલ્યાણની સાથે-સાથે યુવાધનને વ્યસનમાંથી બચાવવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. પોતાનાં દર્દભર્યાં પ્રવચનોથી પતનમાં ધકેલાયેલા લાખો યુવાનોને રિહેબિલેટ કર્યા. પ્રવચનો ઉપરાંત ડોક્યુમેન્ટરી, સ્લાઇડ-શોથી માનસ પરિવર્તન કર્યા. એ મુનિરાજનું નામ છે નરેશમુનિ! નરેશમુનિ કચ્છના ભોજાય ગામમાં જન્મ્યા.
પૂજ્ય નરેશમુનિ જે સંપ્રદાયના છે એ ‘આઠ કોટિ મોટીપક્ષ સ્થાનકવાસી’ના પ્રતાપી આચાર્ય પંડિતરત્ન છોટા લાલજી સ્વામીની જન્મભૂમિ પણ ભોજાય છે. તેમના પિતા વરજાંગભાઈ કચ્છમાં ખેતીવાડી કરતા, માતા ખેતબાઈને ધર્મમાં ઊંડી આસ્થા હતી. તેમનો ત્રીજા નંબરનો પુત્ર આણંદજી પાંચેક વર્ષનો હતો ત્યારે જીવલેણ બીમારીમાં સપડાયો. કોઈ ઉપચાર કામ ન આવતાં ત્યારના આચાર્ય નાગચંદ્રસ્વામીજીને વિલાપ કરતાં કહ્યું કે ‘જો મારો દીકરો આણંદજી બચી જશે તો શાસનસેવા માટે તમને સોંપી દઈશ’ અને દેવયોગે આણંદજી બચી ગયો. માતા-પિતાએ શ્રદ્ધાપૂર્વક પાંચેક વર્ષના પુત્ર આણંદજીને આચાર્ય નાગચંદ્રજીને સોંપ્યો.
નાનકડા આણંદજીને ધર્મ પ્રત્યે આકર્ષણ હતું. આચાર્ય સાથે સુખેથી વિચરવા (ફરવા) લાગ્યો અને તેની ૧૧ વર્ષની ઉંમરે લુણી ગામે દીક્ષા યોજાઈ. ‘મૃત્યુ મુખેથી પાછો ફરેલો છોકરો દીક્ષા લે છે’ એ વાત આખા કચ્છમાં ફેલાઈ ગઈ એટલે ચારેબાજુથી પ્રચંડ માનવમેદની લુણી ગામે ઊભરાઈ. ધાર્યા કરતાં અનેક ગણા વધુ લોકોને જોઈ આયોજકો હેતબાઈ ગયા, પરંતુ ઈશ્વરકૃપાથી પ્રસંગ સારી રીતે પાર પડ્યો. આણંદજી નાની ઉંમરનો હોવાથી છોટાલાલ સ્વામી નામ આપવામાં આવ્યું.
માત્ર ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોવાથી છોટાલાલ સ્વામી પાસે શિક્ષણ નહીંવત હતું, પરંતુ આચાર્ય નાગચંદ્રજી પાસે રહીને ખપપૂરતું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સતત ધ્યાન અને આત્મઉદ્ધારમાં રહેવા લાગ્યા. સમય જતાં તે પ્રતાપી “પંડિતરત્ન છોટાલાલજી સ્વામી” તરીકે પ્રખ્યાત થયા. કચ્છ ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ, ધાનેરા દિસા ઇત્યાદિમાં તેમનો પ્રભાવ વધ્યો.
માંડવી ખાતે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી તેમની એક ખાસ વિશેષતા ધ્યાનમાં આવી. પોતાના મઠ, આશ્રમ કે ઉપાશ્રયો બનાવવાને બદલે તેઓ સામાન્ય માનવીઓના સંપર્ક વધારવા લાગ્યા. તેમને સદ્-માર્ગે દોરવાનું કાર્ય કરવા લાગ્યા. તેમની આભા એટલી પ્રભાવી હતી કે તેમના દ્વારા કહેવાતી કોઈ પણ વાત લોકો સહજતાથી સ્વીકારતા. જૈનો ઉપરાંત હિન્દુ, મુસ્લિમ, ઠકરાઈ, સંધાર, હરિજન ઇત્યાદિ અનેક લોકો સાથે મૈત્રી બાંધી તેમને સદ્-માર્ગે દોરવાનું જબરદસ્ત કાર્ય તેમણે કર્યું.
જીવદયા પ્રત્યે તેમને અજબ આકર્ષણ હતું. મૂંગાં પશુઓ પર થતા અત્યાચારોથી તેમનું હૃદય રડી ઊઠતું. એક વાર બનાસકાંઠા વિસ્તારના કોઈ ગામમાં દેવીને પશુની બલી ચઢાવવા માગતા લોકોને રોકી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દેવીના ભૂવાને એકાંતમાં બોલાવી સમજાવ્યો ત્યારે ભૂવાએ કબૂલાત કરી કે પોતાની રોજીરોટી માટે બીજું કોઈ સાધન ન હોવાથી ભૂવો બની આજીવિકા કમાય છે. છોટાલાલજી સ્વામીએ દર્દનું મૂળ પકડી લેતાં સૌથી પહેલાં બેકારીમાં સબળતા ભૂવા માટે રોજગારીની વ્યવસ્થા કરાવી. બલીપ્રથા બંધ કરાવી. ધીરે-ધીરે છોટાલાલજી સ્વામી તેમની પંડિતાઈને કારણે ચમત્કારી અને વચનસિદ્ધ સાધુ તરીકે પ્રખ્યાત થયા, પણ ધ્યાન અને આત્મસાધનામાં લીન રહેતા આ સાધુ ભગવંતને આવી ક્ષુલ્લક બાબતોમાં જરા પણ રસ નહોતો. ધીરે-ધીરે તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ મેળવ્યું અને સારાં એવાં પુસ્તકો પણ લખ્યાં. કહેવાય છે કે તેમણે જે ગામમાં સ્થિરવાસ કર્યો હોય એ ગામથી પસાર થતી સરકારી બસો કે ખટારાના ડ્રાઇવરો પોતાનું વાહન ઊભું રાખી સાહેબજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવતા.
બિનજૈન લોકોના જીવન સુધારવાનાં પ્રચંડ કાર્યો કર્યાં હોવાથી બનાસકાંઠા વિસ્તારમાં તેઓ ‘બાપજી’ના હુલામણા નામે ઓળખાતા. તેમણે ૬૦ જેટલાં ભાઈ-બહેનોને દીક્ષા પ્રદાન કરી હતી જેમાં એક કુંભાર જ્ઞાતિના ભાઈ હતા. સમય જતાં તે કુંભાર જ્ઞાતિના ભાઈ આચાર્ય પ્રાણલાલ સ્વામી તરીકે પ્રખ્યાત થયા. ૭૨ વર્ષની ઉંમરે વાંકી ગામે સાધાર્મિકને માંગલિક સંભળાવતાં- સંભળાવતાં દેહ ત્યાગ્યો ત્યારે કચ્છ આખામાં હાહાકાર મચી ગયો. વાંકી ગામના નદીકિનારે તેમનું મંદિર બાંધવામાં આવ્યું, એ ગુરુમંદિરમાં આજે પણ આ ‘બાપજી’નાં દર્શન કરવા લોકો આવે છે.
નાનકડા ભોજાય ગામે જેમ ૩૮થી વધુ જૈન સાધુ-સંતોની ભેટ આપી છે એમ ઘણા સેવાભાવી માણસોની ભેટ પણ આપી છે. અત્યારે મુંબઈમાં લોહીની ખૂબ જ અછત છે. રક્તના અભાવે તાજેતરમાં મૃત્યુના કિસ્સા પણ નોંધાયા છે. રક્તના અભાવના આ કપરા કાળમાં ભોજાયના લક્ષ્મીચંદ મોરારજી ગાલા નામના વિચારવંત સેવાભાવીએ પોતાની સંસ્થા ક. યુ. સં.ને સથવારે એકસાથે ૩૦ જેટલી જગ્યાએ રક્તદાન શિબિરો યોજી અંદાજે ૪૫૦૦ યુનિટ (બોટલ) રક્ત ભેગું કરેલ છે. તેમના સાથીદાર રાહુલ દેઢિયાના સથવારે ઍન્કરવાલા રક્તદાન અભિયાન દ્વારા વર્ષે ૧૩૦ જેટલી શિબિરો દ્વારા ૨૦,૦૦૦ યુનિટ રક્તદાન મેળવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. લક્ષ્મીચંદભાઈએ પાલઘર જિલ્લામાં પછાત વિસ્તારો માટે જુગલ પાસડના સથવારે મેડિકલ સેન્ટર ચલાવી હજારો આદિવાસીઓ માટે તારણહાર બન્યા છે. તો ભોજાયની જ ધરતી પર ઊછરેલા વસંતભાઈ નાગડા થાણે અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને દાનવીરોની મદદથી અત્યાર સુધી કરોડો રૂપિયાની મેડિકલ સહાય આપી છે એ પણ માન-અકરામ કે પ્રસિદ્ધિની ખેવના વગર. માનવસેવાનો આ યજ્ઞ ચલાવતા કચ્છી માડુને થાણેમાં ‘સવાયા વાગડવાસી’ તરીકેનું બિરુદ મળ્યું છે.
૧૯૬૫માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ સમાપ્ત થયા પછી વિજયી સૈનિક જવાનો પોતાની બૅરેક કે વતન પરત થઈ રહ્યા હતા ત્યારે સતત એક મહિના સુધી વી.ટી. સ્ટેશન પર તેમને ઘરનું ભોજન કરાવવાનો વિચાર એ સમયના કચ્છી નગરસેવક અને યશવંતરાવ ચવાણના અંતેવાસી જીવરાજ ભાણજી શાહને આવ્યો. જીવરાજભાઈએ પોતાના ગામ ભોજાયનાં એક બહેન હાસબાઈ માણેક ગડાને આ વાત કરી અને આ ઉમદા વિચાર હાસબાઈમાએ વધાવી લીધો. પરિણામે એક મહિના સુધી પોતાના ઘરે ભોજન બનાવી સૈનિકોને પીરસી તેમને ઘરના ભોજનનો આસ્વાદ કરાવ્યો. આ સેવાકાર્યમાં તેમણે અન્ય કચ્છી મહિલાઓનો સાથ લીધો હતો. આ પ્રવૃત્તિ દરમ્યાન હાસબાઈમાના મનમાં એક નવો વિચારબીજ રોપાયો. પરિણામસ્વરૂપે જરૂરિયાતમંદ બહેનોને નાસ્તા બનાવવાનું કામ આપવા ‘શ્રી કચ્છી વીસા ઓસવાળ મહિલા મંડળ’નો જન્મ થયો. એ વખતના દેરાવાસી મહાજનના ક્રાન્તિકારી પ્રમુખ ખીમજી માડણ ભુજપૂરિયાએ સૅન્ડહર્સ્ટ રોડસ્થિત મહાજન વાડીમાં નાસ્તા બનાવવા તથા વેચવા જગ્યા ફાળવી અને બહેનોને સહાય કરી. નગરસેવક જીવરાજ ભાણજી શાહના નામે એક આધુનિક સેનેટોરિયમ મુલુંડમાં આવેલ છે. મુંબઈ જેવા મહાનગરમાં ઉપચાર કરાવવા આવતા દરદીઓ કે લગ્ન ઇત્યાદિ પ્રસંગે બહારગામથી આવતા લોકોને મહિનો માસ હોટેલોમાં રહેવું મોંઘું પડે, પણ આ સેનેટોરિયમને કારણે બહારગામના લોકો માટે કિફાયતી ભાવે સગવડ મળવા લાગી.
હાસબાઈમાના પુત્ર લીલાધર માણેક ગડા એટલે કચ્છનું અનમોલ રતન. સંવેદનશીલ લેખક ઉપરાંત સેવાકીય અને માનવીય કાર્યોને કારણે મેગ્સેસે અવૉર્ડ મળવો જોઈએ. આ સેવાભાવી સંસારી સાધુની આયોજન શક્તિ અફલાતૂન છે. પરિણામે માત્ર કચ્છ પંથકમાં જ નહીં, સમગ્ર ભારતના વિવિધ પ્રાંતોમાં કુદરતી આફતો વખતે તેમણે કરેલાં કાર્યોથી કોઈ પણ અભિભૂત થઈ જાય. બિહારનું પૂર, કાશ્મીરનો ધરતીકંપ, ઇન્ડોનેશિયાની સુનામી, કચ્છના ધરતીકંપ વખતે પીડિતોને પુનર્વસન કરવાની તેમની કામગીરી નેત્રદીપક રહી છે. પોતાની પત્નીને ગુરુપદે સ્થાપનાર લીલાધરભાઈને સમગ્ર માનવજાતની સેવાની પ્રેરણા કાકા ડૉ. ભાણજી ગડા પાસેથી મળી હતી. ડૉ. ભાણજી ગડા અત્યંત ટાંચાં સાધનો સાથે ભચાઉમાં આઈ કૅમ્પમાં આંખનાં ઑપરેશન કરી પોતાના ગામ ભોજાય આવ્યા, ત્યાં એક વૃદ્ધાની આંખમાં મોતિયો પાક્યો હતો, પણ ગામમાં જ તેમનું ઑપરેશન કરવું અશક્ય હતું એટલે વૃદ્ધા ડૉ. ભાણજીને મેણુ મારતાં બોલ્યા હતા, ‘જો ગામમાં જ મોતિયાનું ઑપરેશન ન કરી શકે તો તારા ભણતરનો ફાયદો શું?’ આ મેણાથી જાગૃત થયેલ ડૉ. ભાણજી બીજી વાર મુંબઈથી ભોજાય આવ્યા ત્યારે ઑપરેશનનાં સાધનો લઈ આવ્યાં હતાં. આ એ જમાનાની વાત હતી ત્યારે કચ્છમાં ભાગ્યે જ કોઈ ગામમાં લાઇટ હોય. ડૉ. ભાણજીએ ટૉર્ચની મદદથી ચાર જણના મોતિયાનાં ઑપરેશન કર્યાં એ પણ ઑપરેશન થિયેટર વગર. ગમે એવી પરિસ્થિતિમાં રસ્તો ગોતી લેવાની તેમને અજબ સૂઝ હતી. કમનસીબે દાદર પ્લૅટફૉર્મ પર હાર્ટ-અટૅકમાં અવસાન પામ્યા. તેમની સ્મૃતિમાં નેત્રયજ્ઞ શરૂ કરવાની જવાબદારી ભત્રીજા લીલાધર પર આવી અને ત્યાંથી તેમની સેવાની યાત્રા શરૂ થઈ. કચ્છ જેવા અંતરિયાળ પ્રદેશમાં લોકોના આરોગ્ય માટેની ધૂણી ધખાવી. પહેલા બિદડામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે જોડાયા. ત્યાર બાદ પોતાના ગામ ભોજાયમાં ભોજાય હૉસ્પિટલ (ભોજાય સર્વોદય ટ્રસ્ટ)માં જોડાયા. ભોજાય હૉસ્પિટલ બનાવવામાં પાલઈબેન કાકુભાઈ નાગડા કારણરૂપ બન્યાં. આજે ભોજાય હૉસ્પિટલનો લાભ ૪૪૦ ગામોને મળી રહ્યો છે. દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષદહાડે ૩૦૦૦થી વધુ ઑપરેશન ત્યાં કરવામાં આવે છે. એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે અધાને આ લખનારે અનુભવ્યો છે. ભોજાયમાં હાર્દિક પાસડ જેવા સંગીતકાર, અશોક ગડા જેવા ગાયકો અને ભોજયના પ્રસિદ્ધ લેખક અને વાર્તાકાર એવા માવજી મહેશ્વરીથી ધરતીનું તેજ ઝળહળે છે.
અસ્તુ.