Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે સળગતી મશાલ અને ધગધગતી સગડી સાથે જેઠીબાઈ ફરિયાદ કરવા પહોંચ્યા

જ્યારે સળગતી મશાલ અને ધગધગતી સગડી સાથે જેઠીબાઈ ફરિયાદ કરવા પહોંચ્યા

05 November, 2019 04:42 PM IST | Kutch
Kishor Vyas

જ્યારે સળગતી મશાલ અને ધગધગતી સગડી સાથે જેઠીબાઈ ફરિયાદ કરવા પહોંચ્યા

જ્યારે સળગતી મશાલ અને ધગધગતી સગડી સાથે જેઠીબાઈ ફરિયાદ કરવા પહોંચ્યા


એક બાહોશ બૅરિસ્ટરની સલાહ લઈ હૃદયદ્રાવક શબ્દોમાં અરજી તૈયાર કરાવ્યાં પછી જેઠીબાઈ વિચારવા લાગ્યાં કે આ અરજી પોર્ટુગલનાં રાણીને પહોંચાડવી કઈ રીતે? મનમાં એ કાળો કાયદો રદ થવો જ જોઈએ એ નિશ્ચય અડગ જ હતો. ઘણું વિચારવા પછી તેમને એક ઉપાય હાથ લાગ્યો. તેમણે એ અરજીના અંગ્રેજી શબ્દો મોટાં બીબાં લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કરાવ્યાં અને ઢાકાની મલમલ મગાવી એને સપ્તરંગે રંગાવીને એમાં લાલ, પીળો, કાળો અને ગુલાબી જેવા રંગોની ભાત પાડી. એની વચ્ચે આખી અરજી બીબાં ઢાળીને કોતરાવીને છાપી. એ અરજીની ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપી. આખી ઓઢણી પર એ અરજી એવી કળાત્મક રીતે તૈયાર કરવામાં આવી હતી કે જોનારને લખાણ દેખાય નહીં અને જોઈને ચકિત થઈ જાય. અરજીમાં માતબર ગણાતા દીવના કેટલાક હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. ધર્મના નામે ચાલતા પાદરીઓના જુલમોનો એ અરજીમાં સવિસ્તાર ચિતાર આલેખવામાં આવ્યો હતો. એ લખાણ સાત રંગોની વચ્ચે ઢંકાઈ ગયું અને એ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા પછી?

આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈએ પોતાના પ્રવાસની તૈયારી કરવા માંડી. એ પહેલાં...



...એક સળગતી લપકારા મારતી મશાલ અને માથા પર ધગધગતી સગડી મૂકીને એક મહિલા દૃઢ નિશ્ચય સાથે ગોવાના રાજમાર્ગ પર વાઇસરૉયના મહેલ તરફ મક્કમ પગલે નિર્ભીક રીતે આગળ વધી રહી છે. માર્ગમાં મળતા લોકો તે મહિલાને આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા છે તો કેટલાક તેની હિંમતને બિરદાવી રહ્યા છે. મહેલ પાસે પહોંચીને તે મહિલા ‘ફરિયાદ... ફરિયાદ’ની બૂમો પાડે છે. વાઇસરૉય બૂમો સાંભળીને ગોખમાં જોવા આવે છે. બહાર એક વિચિત્ર દૃશ્ય જોઈ આશ્ચર્ય સાથે નીચે આવે છે અને મહિલાને આવો દેખાવ કરવાનું કારણ પૂછે છે.


તે મહિલા વાઇસરૉયને બેધડક કહે છે કે ‘નામદાર, આપના રાજ્યમાં ન્યાય નથી. ધોળા દિવસે અંધારું છે. પ્રજા જુલમોના અગ્નિથી શેકાઈ રહી છે એથી હું, મશાલ અને સળગતી સગડી લઈને આવી છું. આ તમને એક અરજી આપું છું જે લિસ્બન, પોર્ટુગલનાં મહારાણીને મોકલી આપશો તો તમારો ઉપકાર દીવની પ્રજા ક્યારે પણ નહીં ભૂલે.’

એ મહિલા એટલે રણચંડીનું રૂપ ધારણ કરનાર કચ્છી નારી જેઠીબાઈ. જેઠીબાઈનું એ સ્વરૂપ જોઈને વાઇસરૉય અચંબામાં પડી ગયા. આવું તેમણે પહેલી વાર જોયું હતું. તેનું દિલ પણ પીગળી ગયું અને તેણે જેઠીબાઈને ખાતરી આપી કે તેમની અરજી મહારાણીને મોકલી આપશે. તે વાઇસરૉયનું નામ હતું એન્તોનીયોમેલો-દ-કેસ્ટ્રો.


તે વાઇસરોયએ, એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાને એ અરજી મોકલી આપી અને તેમની અરજ પર ખાસ ધ્યાન આપવાની ભલામણ પણ કરી. મહારાણીને ભલામણ પત્ર સાથે એ અરજી મળી, પરંતુ તેમણે કિનખાબની થેલી ખોલી તો એમાંથી એક સુંદર વસ્ત્ર નીકળ્યું, પણ ક્યાંય અરજીનો કાગળ જોવા ન મળ્યો. તેમના મગજમાં ઝબકારો થયો કે જરૂર આ વસ્ત્રમાં જ કૈંક લખેલું હશે. તેમણે ઓઢણી ખોલી તો પણ કઈ જોવા ન મળ્યું. આખરે એને ધોવડાવી... તેમને સંદેહ થયો કે જરૂર આમાં જ કૈંક લખેલું છે. સાત વખત ઓઢણી બોળી અને સૂકવ્યા પછી તેમને સ્પષ્ટ રીતે લખાણ જોવા મળ્યું. આ રીતે અરજી મોકલનાર વ્યક્તિ માટે અને તેની આવી કલા કારીગરી માટે રાણીને અત્યંત અહોભાવ થયો. આખરે તેમણે અરજી વાંચવાની શરૂઆત કરી....

“હૈ દયાળુ મહારાજા અને મહારાણી, તમારા સામ્રાજ્યમાં જુદા-જુદા ભાગોમાં લોકો પોતપોતાનો ધર્મ પાળીને સુખેથી જીવે છે, પરંતુ અમારા કમનસીબે દીવમાં પાદરીઓ અમલદારોની મદદથી ગરીબ અને ભોળા લોકોને ભોળવીને તેમનો ધર્મ છોડાવે છે અને તેમને ખ્રિસ્તી બનાવે છે. હમણાં તો એક જુલમી કાયદો બનાવ્યો છે કે જો કોઈ બાળક અનાથ બની જાય અને પરિણીત ન હોય તો તેનો જબરદસ્તીથી કબજો લઈ લે છે અને તેનું ધર્મ પરિવર્તન કરીને તેને વારસામાં મળેલી મિલકતો પણ જપ્ત કરી લે છે. એ વખતે તે બાળકનાં સગાંવહાલાંઓનું કલ્પાંત હૃદય દ્રવી ઊઠે એવું હોય છે. આવા જુલમથી દીવની પ્રજા ત્રાસી ગઈ છે અને આપના રાજ્ય વહીવટ અને કાળા કાયદાના કારણે તેમના દિલમાં તમારા માટે ધિક્કારની ભાવના પેદા થઈ છે. જો આપને, તમારાથી બળવાન સત્તા, આપના કુંવરોથી વિખૂટાં પાડે તો આપને કેવી લાગણી થાય? આવા જુલમી કાયદાને રદ કરાવી અને ધર્મની વટાળ પ્રવૃત્તિ માટે થતી જબરદસ્તી બંધ કરાવી પ્રજાની આંતરડી ઠારી તેમના આશીર્વાદ લેશો એવી અમારી સૌની વિનંતી છે.’

અરજીના અક્ષરો જેમ-જેમ ઉકેલાતા ગયા એ સાથે જેઠીબાઈની હિંમત તેમ જ પારકાના દુ:ખે દુ:ખી થવાની વૃત્તિ માટે મહારાણીને માન ઊપજ્યું. તેમણે તે મહિલાને લિસ્બન આવવાનું કહેણ મોકલ્યું. જેઠીબાઈ તો તૈયારી કરીને બેઠાં હતાં. તેઓ દીવ બંદરેથી વહાણમાં બેસી ગયાં અને ૧૫ દિવસ પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. તરત જ મહારાણીએ તેમને મુલાકાત આપી.

પોર્ટુગલનાં રાણી અને જેઠીબાઈ વચ્ચેની મુલાકાત બહુ લાંબી ચાલી. અરજીમાં લખેલી વિગતો તેમણે અશ્રુ ભરી આંખે રાણીને કહી સંભળાવી. પોર્ટુગલની રાણીએ ખૂબ જ સૌજન્યપૂર્વક તેમની વાતો સાંભળી અને એ સાંભળતાં તેમની આંખોમાંથી પણ અશ્રુની ધારા વહેવા લાગી. ખરેખર, એક સ્ત્રીના હૃદયની વાત એક સ્ત્રી સિવાય કોણ સમજી શકે? એ ઉક્તિ સાર્થક થઈ.

જેઠીબાઈએ ઓઢણીનું કચ્છી-ગુજરાતી સમાજમાં મહત્ત્વ શું છે એ પણ રાણીને બતાવ્યું. રાણીએ તેમણે મોકલેલી ઓઢણી જોઈને અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી અને એ ઓઢણીને નામ આપ્યું ‘પનું દે જેઇટ’ કે ‘પનું દે જેઠી’. એ નામ જગત આખામાં મશહૂર બની ગયું. ભારતમાં તો એ ઓઢણીની ભાત અત્યંત અનોખી ગણાતી થઈ હતી. આખરે રાણીએ એક તામ્રપત્ર પર પોતાનો આદેશ કોતરાવીને પારકા ધર્મનાં અનાથ બાળકોને જોર-જુલમથી પકડીને ધર્માંતર કરાવવાની અન્યાયી રીતિ-નીતિ સદંતર બંધ કરવાનું ફરમાન પણ બહાર પાડ્યું. એ તામ્રપત્ર માન-સન્માન અને ભારે દબદબાપૂર્વક જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું હતું. એ ફરમાન જેઠીબાઈ સાથે દીવ પહોંચ્યું ત્યારે દીવના લોકોના આનંદની કોઈ સીમા ન રહી. એટલું જ નહીં, મહારાણીના એ આદેશને તે કચ્છી મહિલાએ ૨૧ તોપોની સલામી આપી સ્વાગત કર્યું હતું.

જેઠીબાઈની એ જ્વલંત સફળતા હતી. મહારાણીએ એવું પણ ફરમાન કર્યું હતું કે દરેક અમલદારે જેઠીબાઈના નિવાસસ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેમનાં વાહન કે ઘોડા પરથી ઊતરી જઈ, માથા પરનો ‘હેટ’ ઉતારીને અદબપૂર્વક ચાલવાનું અને પ્રત્યેક રવિવારે સરકારી બૅન્ડ-વાજા વગાડીને જેઠીબાઈનું સન્માન કરવું. આવું માન મેળવનાર દીવમાં તે પ્રથમ ભારતીય સન્નારી તો બની રહ્યાં, પરંતુ ભારતભરમાં આવું માન મેળવનાર એક માત્ર કચ્છી મહિલા તરીકેનું સ્થાન અવિચળ રાખ્યું.

કચ્છી પ્રજામાં પુરુષોએ પોતાનું પોત ઊજળું રાખ્યું છે, પણ જેઠીબાઈ જેવું તો નહીં જ. એ મહિલાએ વીરાંગના બનીને પોર્ટુગલ સરકાર સામે ટક્કર ઝીલી કચ્છનું નામ રોશન કર્યું છે. ૧૮૯૩ની ૧૫ ઑગસ્ટે તે કચ્છી વીર મહિલાની સ્મૃતિમાં દીવમાં એક બસ-સ્ટેશનને તેમનું નામ પણ આપવામાં આવ્યું હતું જે ઘટના સમગ્ર કચ્છી પ્રજા માટે ગૌરવપ્રદ ગણી શકાય. પોર્ટુગીઝ શાસિત પૂર્વ આફ્રિકામાં જ્યારે પ્રમુખ માર્શલ કર્મોન લિસ્બનથી ત્યાં ૧૮૩૯માં ગયા હતા ત્યારે ત્યાં એક વિશાળ સભાખંડને ‘જેઠીબાઈ સભાખંડ’ નામ પણ આપ્યું હતું. એ સિવાય લિસ્બનમાં રાષ્ટ્રીય તૈલચિત્ર મ્યુઝિયમમાં જેઠીબાઈની ઓઢણી હજી પણ અકબંધ સાચવી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો : લોકસંગીતને પુન: ધબકતું કરવાનો પડકાર...

દીવમાં ઝાંપા રોડને ‘જેઠીબાઈ માર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શહેરમાં દોડતી બસો પર પણ જેઠીબાઈ ટ્રાન્સપોર્ટ એવું વાંચવા મળે છે, પરંતુ દુ:ખની વાત એ છે કે તે અભૂતપૂર્વ મહિલા જેઠીબાઈની યાદગીરીરૂપે તે મહિલાનો જ્યાં જન્મ થયો હતો એ કચ્છના માંડવી શહેરમાં તેમની સ્મૃતિમાં કોઈ માર્ગને નામ આપવાનું તો બાજુએ રહ્યું, પણ તેમના સ્મૃતિ સ્મારકના કોઈ અવશેષ જોવા નથી મળતા. બીજી બાજુ દીવમાંના તેમના નિવાસસ્થાનને ‘સ્મારક’ બનાવવાનું તેમ જ તેમની જન્મ અને મૃત્યુની તિથિઓ ઊજવવાનું પણ ત્યાંની નગરપાલિકાએ ઠરાવ કર્યો છે. પણ અફસોસની વાત એ છે કે તે પ્રતિભાની તિથિઓ કે તારીખો ક્યાંય ઉપલબ્ધ નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 04:42 PM IST | Kutch | Kishor Vyas

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK