Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ટ્રેકિંગ, ટ્રેકર અને બૅકપૅક ચાલો ત્યારે ઊંચાઈ હાંસલ કરીએ

ટ્રેકિંગ, ટ્રેકર અને બૅકપૅક ચાલો ત્યારે ઊંચાઈ હાંસલ કરીએ

03 November, 2019 01:53 PM IST | મુંબઈ
આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

ટ્રેકિંગ, ટ્રેકર અને બૅકપૅક ચાલો ત્યારે ઊંચાઈ હાંસલ કરીએ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


નવું વિક્રમ સંવત શરૂ થયું છે ત્યારે મારે તમને એક ગુરુમંત્ર આપવો છે,
બધું નવું.
આ વર્ષે આ વાત પાળવાની છે. બધું એટલે બધું નવું. વાત અહીં શૉપિંગની કે ચીજવસ્તુની નથી એટલે એને માટે નીકળી પડવાની જરૂર નથી. બને કે દિવાળીના દિવસોમાં જ તમે એ કામ કરી લીધું હોય અને નવાં શૂઝથી માંડીને નવા મોબાઇલ જેવી ચીજવસ્તુઓ તમે લઈ લીધી હોય અને ધારો કે ન લીધી હોય તો પણ તમારે એ લેવાનાં નથી અને એવા દૃષ્ટિકોણથી આ વાત પણ કહેવામાં નથી આવી.
બધું નવું એટલે નવા વિચારો, નવી વિચારધારા અને નવું આચરણ. નવા વિચારો અને એવા નવા વિચારો જે તમને કંઈક અલગ અને નવું કરવા માટે પ્રેરે. આજ સુધી આપણે જૂના રીતરિવાજોને અનુસરતા. આ દિવસે આ કરવાનું જ હોય અને પેલા દિવસે ફલાણું થવું જ જોઈએ. સારું છે એ બધું કબૂલ, પણ જેનો કોઈ અર્થ નથી, જેનો કોઈ લાભ નથી અને જેનાથી કોઈ ફાયદો નથી થવાનો એવા રીતિરિવાજ નથી અપનાવવા. બધું નવું. એ જૂના રિવાજોને તોડીને, એને છોડીને આગળ વધીએ અને સાથોસાથ એ પણ કરીએ કે નવા રિવાજો બનાવીએ, જે લાભ આપનારા હોય. આપણને નહીં તો બીજાને લાભ આપે, બીજાને એની સુવિધા મળે એવા હોય. આ ઉપરાંત આપણે બીજું કામ એ પણ કરવાનું છે કે કોઈએ કહેલી કે સાંભળેલી વાતોને સ્વીકારવી નથી.
જૂની સાંભળેલી અને કોઈએ કહેલી વાતો પરથી કોઈ ને કોઈ અનુસંધાન બાંધી લેવાની આદત આપણામાં છે અને છે જ. એવી વાતો સાંભળીને તારણ કાઢી લેવાની આપણને આદત પડી ગઈ છે, પણ હવે એવું નથી કરવું. વાત સાંભળવા મળે કે કોઈ કહે ત્યારે આપણે એમાં આપણા વિચારો ઉમેરવા છે. નકારાત્મક નહીં, પણ સકારાત્મક અને હકારાત્મક. આપણે આજ સુધી જોયું છે કે મોટા ભાગના કિસ્સામાં આપણે ન ગમે એવી વાતો સાંભળ્યા પછી આપણા અહંને પોષે એવું તારણ બાંધી લેતા હોઈએ છીએ. પ્રેજ્યુડાઇસ પણ થઈએ પણ હવે એવું નથી કરવું. ઍટ લીસ્ટ આ એક વર્ષ સુધી તો નહીં જ કરીએ એવું નક્કી કરી લો. એક વખત એવું કરશો તો તમને રિયલાઇઝ થશે કે ઘણી વખત અધૂરી વાતો અને ખોટી ધારણાઓ જીવનનું ઘણુંબધું અમૂલ્ય કહેવાય એવું ગુમાવી દેવા માટે નિમિત્ત બની જતું હોય છે. અધૂરી વાતો જાણવી નથી અને ખોટી ધારણા બાંધવી નથી. આ એક નીતિ અપનાવી લેશો તો જીવનમાં ઘણો લાભ થશે. આનો ભોગ હું બન્યો છું એવું નથી, પણ આ એવી વાત છે જેને કારણે અનેક લોકોએ જીવનમાં અઢળક વખત સારા સંબંધો ગુમાવી દીધા હોય. સંબંધો અને વ્યવહાર વચ્ચે એક બહુ મોટો તફાવત છે. વ્યવહારમાં માત્ર જરૂરિયાત પણ હોય, સંબંધોમાં લાગણી હોય, ઉષ્મા હોય. વ્યવહારમાં સ્વાર્થ હોઈ શકે, પણ સંબંધોમાં સ્વાર્થ નથી હોતો. ઘણી વખત આપણે કોઈના સ્વાર્થને કારણે આપણા સંબંધો ગુમાવી બેસતા હોઈએ છીએ. બધું નવું. હવે આ વખતે એ રીતભાતને પણ છોડી દેવાની છે. એક વખત આ રીત અપનાવી લેજો. અપનાવશો તો તમને પણ સમજાશે કે ખરેખર લોકો તમારા આ સ્વભાવનો લાભ લઈ લેતા હોય છે અને પોતાનો સ્વાર્થ સાધી લે છે. ભૂલો બધું. કંઈ યાદ રાખવું નથી. જૂની વાતો પણ યાદ નથી રાખવી અને નવી વાતોને પણ એ આવે એવી રીતે લેવી નથી. હમણાં જ સાંભળેલી એક વાત મને અત્યારે અહીં તમને સૌકોઈને કહેવી છે.
આપણે સામાજિક પ્રાણીઓ છીએ તો એ જ રૂપમાં રહીએ. જંગલી પ્રાણીઓની જેમ આપણે દિમાગ વાપરવાનું છોડી દઈશું તો એનો કોઈ અર્થ સરવાનો નથી. અપનાવી લો આ નીતિ, ભગવાને સરસમજાનું મન આપ્યું છે એમાં વિચાર આપ્યા છે અને વિચાર કરવાની ક્ષમતા પણ આપી છે. જાતને સેન્ટરમાં રાખીને વાતને વિચારવાને બદલે જો શક્ય હોય તો સામેની વ્યક્તિને કેન્દ્રમાં રાખો અને એના દૃષ્ટિકોણથી વાતને વિચારો. જો એ કરી શક્યા તો સંબંધો પણ અકબંધ રહી જશે અને લાગણીઓ પણ જળવાયેલી રહેશે. બીજી વાત, ઝઘડો નહીં કરો. દુઃખ લાગ્યું હોય તો કહી દો અને એ જે જવાબ આપે એ સાંભળી લો. બસ, આટલું જ કરવાનું. એ પ્રક્રિયાને લાંબા વાર્તાલાપમાં લઈ નહીં જવાનો. જો એ કર્યું તો વાત વધશે. તમે તમારી વાત કરી, તેણે તેની વાત કરી દીધી. અહીં સુધી વાતને સીમિત રાખશો તો ચર્ચા અને પછી દલીલ અને એ દલીલો પછી આવતા આક્ષેપો શરૂ નહીં થાય, પણ જો એક પછી બીજો અને બીજા પછી ત્રીજો જવાબ આપવાની વાત અકબંધ રાખી તો ખરેખર એ વાતચીત વાર્તાલાપના રૂપમાં નહીં રહે, એ વાત સીધી ઝઘડો બની જશે અને ઝઘડો સંબંધોમાં દર વખતે એક નાનકડી તિરાડ પાડવાનું કામ કરશે.
બહુ સારી ફીલિંગ છે આ. જ્યાં સુધી મનમાં કોઈ માટે ગુસ્સો હોય ત્યાં સુધી એક જાતનો ભાર મનમાં રહ્યા કરે છે. એ ભારને લીધે તમે નવું કશું વિચારી નથી શકતા. એ જગ્યા રોકી રાખે એવું કરવું છે શું કામ? ઘરમાં ક્યારેય એઠવાડ ભરી રાખો છો ખરા? અઠવાડિયાનો કચરો ક્યારેય ઘરમાં સંઘરો છો? નહીંને, તો પછી શું કામ આવી વાતોને મહિનાઓ સુધી ભરી રાખો છો. જો કચરો ભરી રાખો તો કચરાને પણ મજા ન આવે અને તમને પણ ઘર રહેવા જેવું લાગે નહીં. બહેતર છે કે આ ભરી રાખવાની નીતિ છોડી દો અને સહેલાઈથી વાતને પડતી મૂકીને આગળ વધો. ભગવાન બુદ્ધે એક વખત કહ્યું હતું કે માણસની સૌથી ખરાબ માન્યતા જો કોઈ હોય તો એ જ કે તે એવું માને છે કે તેની પાસે આવતી કાલ છે. ખાતરીપૂર્વક આ વાતમાં તે વિશ્વાસ ધરાવે છે, જ્યારે હકીકત એ છે કે આ એક જ વાત એવી છે જેને માટે કોઈ ખાતરી આપી શકે એમ નથી.
ઘણા એવા લોકો આપણે જોયા છે જેમની વચ્ચે ઝઘડા થયા હોય અને વર્ષો સુધી એકબીજા સાથે બોલતા ન હોય. અરે, બોલવાનું તો છોડો, એકબીજા પરસ્પરની હાજરીવાળી જગ્યા પર જવાનું પણ ટાળતા હોય છે અને જો અનાયાસ કે કમનસીબીએ મળી ગયા તો એકબીજા સામે જુએ પણ નહીં. એકબીજાના ઈગોને એટલો પેમ્પર કરી લે કે ભૂલી જ જાય કે એ ઈગો કરતાં એ રિલેશન વધારે મહત્ત્વનાં હતાં. મનદુખની દીવાલ ખૂબ પાતળી છે, એ તોડવા માટે માત્ર પહેલ કરવાની હોય છે.
બધું નવું.
આ વર્ષનો આપણો ગુરુમંત્ર આ જ છે અને એટલે જ આપણે હવે જૂના ઝઘડા અને જૂના મનદુખને પણ ભૂલવાનાં છે. સાથે કશું રાખવું નથી, કંઈ લેવું નથી. યાદ રાખજો કે એવરેસ્ટ પાર કરવો હશે તો ઓછામાં ઓછો સામાન જોઈશે. ટ્રેકિંગ કરીને જો સૌથી ઉપરની ટોચ પર પહોંચીને સૂર્યોદયનું કે સૂર્યાસ્તનું અતિ બ્યુટિફુલ દૃશ્ય જોવું હશે તો ઉપર ચડવાની ક્ષમતા રાખવી પડશે અને ઉપર ચડવાની ક્ષમતા ત્યારે જ તમારામાં આવશે જ્યારે તમારી પાસે ઓછામાં ઓછો સામાન હશે. તમે ટ્રેકર્સની ઍક્ટિવિટી જોજો એક વખત. એ જેમ-જેમ ઉપર જાય એમ-એમ સામાન છોડવાનું શરૂ કરશે. એક તબક્કો એવો આવશે કે છેલ્લાં થોડાં મીટર ચડતી વખતે એ લોકો પોતાની બૅકપૅક પણ મૂકી દેશે અને માત્ર ઑક્સિજન સિલિન્ડર સાથે રાખશે.
આ જ વાત આપણને, મને અને તમને લાગુ પડે છે. જો ઉપર જવું હશે તો બધો ભાર હળવો કરતા જવું પડશે અને જો એવું કરી શક્યા તો જ ઉપર સુધી પહોંચી શકાશે. જો ભાર સાથે હશે તો આગળ વધી નહીં શકો, સ્પીડ ઓછી થશે અને થાક પણ વહેલો લાગશે અને એક વાત યાદ રાખજો બધા કે અધૂરા સપનાનો ભાર સહન કરવા કરતાં મનદુખ છોડી દીધાનો ભાર ક્યાંય હળવો હોય છે. બસ, આ વર્ષે આ એક જ વાત ધ્યાનમાં રાખજો, બધું નવું. કશું જૂનું સાથે નહીં. ખાલી બૅકપૅક અને તમે પોતે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 01:53 PM IST | મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK