અમદાવાદ બતાવું ચાલો

Published: 30th December, 2018 11:53 IST | ભવ્ય ગાંધી

આ શહેર તમે બધાએ જોયું હશે, પણ મેં જે નજરે જોયું એ અમદાવાદને તમે ક્યારેય જોયું નહીં હોય; ગૅરન્ટી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો...

હું અમદાવાદનો રિક્ષાવાળો ૯૯૯ નંબરવાળો...

અમદાવાદ બતાવું ચાલો.

જી હા, આ એક બહુ પૉપ્યુલર ગુજરાતી ફિલ્મનું ગીત છે અને હું પણ હમણાં લાંબો સમય સુધી અમદાવાદ રહીને આવ્યો. લાંબો સમય એટલે પોણાબે મહિના. લાંબો સમય સુધી મુંબઈની બહાર રહેવું પડે એટલે મને ઘર યાદ આવે એવું બને છે, પણ જો મારે ગુજરાતમાં રહેવું પડે તો મારે એવું નથી બનતું. મને ગુજરાત ગમે છે અને એની માટેનાં ઘણાં કારણો છે. જો મારું ચાલે તો હું અમદાવાદમાં એક ઘર લઈને પણ રાખું.

આટલો લાંબો સમય અમદાવાદમાં રહેવાનું કારણ શૂટિંગ હતું. મારી નેક્સ્ટ ફિલ્મ ‘બોવ ના વિચાર’નું શૂટિંગ હતું અને એના માટે મારે અમદાવાદ જવાનું બન્યું, પણ એક બીજી નાનકડી સ્પષ્ટતા કરી દઉં. આજે મારે તમને આ મૂવીની કોઈ વાત નથી કરવી; પણ આજે મારે તમને આ શહેરની, અમદાવાદની વાત કરવી છે. એવું માનતા નહીં કે હું તમને અત્યારે સિટી ટૂર કરાવીશ કે પછી માણેક ચોકની વાત કરીશ કે સાબરમતી આશ્રમની વાતો કરીશ. ના, મારે એવી કોઈ વાત નથી કરવી, કારણ કે મુંબઈના ગુજરાતીઓને અમદાવાદ વિશે ન ખબર હોય એવું માની જ ન શકાય, ધારી પણ ન શકાય. મુંબઈનો દરેક ગુજરાતી અમદાવાદને પોતાનું બીજું ઘર હોય એ જ રીતે જુએ છે અને લાઇફમાં એક વખત તો તે અમદાવાદ આવ્યો જ હોય એ પણ એટલું જ સાચું છે.

આજે મારે તમને વાત કરવી છે અમદાવાદના લોકોની અને તેમની જીવવાની રીતની. કોઈ પણ શહેરની સાચી ઓળખ ત્યાંના લોકોથી થતી હોય છે અને અમદાવાદમાં રહેતા લોકો પણ બહુ મજાના છે. અહીં રહેતા લોકોની વાતો પણ મજાની છે અને લોકોની લાઇફ-સ્ટાઇલ પણ ગજબની છે, કમાલના લોકો છે અહીં એવું કહું તો પણ ચાલે. મોટામાં મોટી વાતને પણ એકદમ સિãમ્પ્લસિટી સાથે રજૂ કરી દે, સારામાં સારી વાતને પણ એટલી સહજતાથી કહી દે કે તમને એમ લાગે કે આપણે તો આવી વાત સાથે ઠેકડા મારતા હોઈએ. કોઈને મદદ કરી હોય તો ખરા અર્થમાં બીજા હાથને પણ એની ખબર ન પડવા દે અને કોઈની મદદ લીધી હોય તો અડધા ગામને તેનું નામ આપીને તેને જશ આપે. આપણે તો હેલ્પ લીધા પછી એ વાત કોઈને ખબર ન પડે એનું ધ્યાન રાખીએ અને જો કોઈને ખબર પડે તો પણ નનૈયો ભણીને કહી દઈએ કે ના રે, એવું કંઈ નથી. જો કોઈએ મદદ કરી હોય તો એ મદદને સાચા અર્થમાં બધા સુધી પહોંચાડવાનું કામ આ અમદાવાદીઓ કરે છે અને એ જ સાચી માનવતા છે. હા, મદદ કરવી એ જ માનવતા નથી, પણ મદદ મળી હોય તો એ મદદની વાત મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવાની વાતમાં પણ માનવતા છે અને આ માનવતા આપણે દેખાડવામાં ખચકાટ અનુભવીએ છીએ.

અમદાવાદ હેરિટેજ સિટી છે એની બધાને ખબર છે; પણ બીજી એક ખાસ વાત કહું, આ બહુ ટૉકેટિવ શહેર છે. કેટલી વાતો કરે છે આ શહેરના લોકો! એમ કહીએ તો પણ ચાલે કે આ શહેરના લોકો ખૂબ બોલકા છે. તમને પહેલી વાર મYયા હોય તો પણ એવું જ લાગે કે જાણે કે તમારે તો તેની સાથે વર્ષો જૂનો સંબંધ છે. જો તમારી પાસે નવરાશ હોય તો તે તમારી સાથે સવારે જાગીને પહેલું કામ શું કર્યુંથી ચાલુ કરીને અત્યાર તે શું કામ તમારી પાસે બેઠા છે એ બધું કહી દેશે. અરે, તમારે એ વાતો સાથે કોઈ લેવાદેવા નથી એની તેને ખબર છે તો પણ તે વાતો કરશે અને તમે પણ જો ખુલ્લા મને વાતો કરશો તો તમારી પણ બધી વાતો પ્રેમથી સાંભળશે. સંબંધો બાંધવાની આ સૌથી સરળ રીત છે. હું તો કહીશ કે આ અમદાવાદ પોતાના કરી લેવાની બધી આવડતો ધરાવે છે. બહુ ઈઝીલી આ શહેર તમને પોતાનું લાગવા માંડે અને બહુ ઈઝીલી આ શહેર તમને પોતાનું કરી લેશે. મુંબઈની એક ખાસિયત છે, એ તમને ક્યારેય પોતાનું ન લાગે. ખાસ કરીને એવા લોકોને જે ગુજરાતથી આવ્યા હોય, પણ અમદાવાદ એનાથી બિલકુલ અલગ છે. અમદાવાદની એક બીજી ખાસ વાત કહું તમને.

અમદાવાદમાં તમારી પાસે ટાઇમ જ ટાઇમ હોય. તમને એવું લાગે કે જાણે અહીં દિવસ ચોવીસ કલાકનો નહીં, પણ અડતાળીસ કલાકનો હોતો હશે. અમદાવાદ નાનું છે એવું બિલકુલ નથી. ઑલમોસ્ટ અડધા મુંબઈ જેવડું મોટું છે આ શહેર અને છતાં પણ અહીંના રસ્તા, ટ્રાફિક અને રોડ ટ્રાન્સપોર્ટને લીધે તમે કોઈ પણ જગ્યાએ સરળતાથી પહોંચી શકો. આપણે ત્યાં તો એવું છે કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલાં આપણા પગ સ્ટેશન તરફ ઊપડે, પણ અમદાવાદમાં એવું નથી. અમદાવાદમાં તો હાથ લંબાવો એટલે રિક્ષા ઊભી રહી જાય અને તમારે તમારી મંઝિલ પર નીકળી જવાનું.

અમદાવાદની વાતોનો દોર ક્યારેય પણ શરૂ થાય તો એ ચાથી શરૂ થાય. જી હા, ચાથી. તમે અહીં કોઈ પણ વ્યક્તિને ચા માટે આમંત્રણ આપી શકો અને એ વ્યક્તિ ચાનું આ આમંત્રણ હસતા મોઢે સ્વીકારી પણ લેશે. અમદાવાદમાં ચાનો દોર એટલોબધો ચાલે છે કે તમે વાત જ નહીં પૂછો. મને તો લાગે છે અમદાવાદમાં જે વાતો માણસો કદાચ નહીં સાંભળતા હોય એ બધી વાતો આ ચાના કપ સાંભળતા હશે. બ્રેકઅપ-પૅચઅપ, ન્યુ જૉબ, નવો બિઝનેસ, લવ, ફૅમિલી, બૉસ, ઑફિસની વાતો, ઘરની વાતો, દોસ્તીની અને દોસ્તોની વાતો, ગલ્ર્સ ટૉક, બૉય્ઝ ટૉક, વડીલોની વાતો અને એવી બધી વાતો આ ચાના ગલ્લે થાય છે. ચાના ગલ્લાને અહીં ટપરી કહે છે. જોકે આ ટપરી પણ હવે તો જૂની થઈ ગઈ છે. હવે તો ચાની એટલી સરસ કૅફે પણ થઈ ગઈ છે જે તમને આપણા મુંબઈની કૅફે કરતાં પણ સરસ લાગે.

અમદાવાદમાં ચા મસ્ટ છે. ઝઘડો કરવો હોય તો પણ ચા વચ્ચે જોઈએ અને મીટિંગ કરવી હોય તો પણ ચા મસ્ટ છે. અમદાવાદીઓને ચા વગર નહીં ચાલે એ યાદ રાખજો અને તમે ક્યારેય અમદાવાદ આવો તો ભૂલેચૂકે પણ ચા માટે ના નહીં પાડતા, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને તેમનો ચાનો ટ્રૅક રેકૉર્ડ જાણ્યા પછી કહું છું. હવે તો ચા રાષ્ટ્રીય પીણું બની જવાની નોબત છે ત્યારે તો અમદાવાદીઓ ચા માટે જીવ આપી દેતાં અને ચા માટે જીવ લઈ લેતાં પણ ખચકાય એવા નથી.

અમદાવાદ ઓળખાણનું શહેર છે. અમદાવાદમાં તમારી પાસે ઓળખાણ હોય એટલે બધું કામ થઈ જાય. દરેક કામ માટે તમારી પાસે ઓળખાણ હોય એટલે સમજો કે તમારું કામ સરળતાથી થઈ ગયું અને તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો કહે કે તમે ઓળખાણ આપી દીધીને, વાત પૂરી થઈ ગઈ. હવે તો ઓળખાણ આપી દીધી છેને. મને યાદ છે કે એક દિવસ રાત્રે મને કોલ્ડ કૉફી પીવાની ઇચ્છા થઈ અને એ પણ આપણા મુંબઈમાં હોય એમ રસ્તા પરની કોઈ કૅફે પર. હું તો હૂડી માથા પર ચડાવીને ચાલ્યો અને કૅફે આવી ગયો. મેં જોયું કે ટ્યુઝ ડે હોવા છતાં સન્ડે જેવી અને જેટલી જ ભીડ હતી. એટલા લોકો કે તમને લાગે નહીં કે આ વર્કિંગ ડે છે. આપણે મુંબઈવાળાઓએ તો આવું કરવા માટે, આવો આનંદ લેવા કે જલસા કરવા રવિવારની રાહ જોવી પડે, પણ અહીં લોકો આવા જલસા દરરોજ કરે છે. મેં ઑર્ડર આપ્યો. થોડી વાર થઈ તો કૉફી ન આવી એટલે મેં ફરી પૂછ્યું. એમ કરતાં-કરતાં લગભગ અડધો કલાક થયો, પણ કૉફી ન આવી. ભીડ એટલી હતી કે બધાને ટાઇમ પર સર્વ કરવું પૉસિબલ નહોતું. એટલામાં મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને તેણે મને પૂછ્યું કે ક્યાં છો?

મેં આખો કિસ્સો કહ્યો અને એ મારા ફ્રેન્ડે કહ્યું કે ફોન મૂક, હું તને કરું હમણાં. મેં ફોન મૂક્યો અને લગભગ ત્રણ મિનિટ થઈ હશે ત્યાં મારા હાથમાં કૉફી હતી. જે દોસ્ત સર્વ કરવા આવ્યો તેણે કહ્યું કે તમારે કહેવાય તો ખરું કે તમે અમારા ઓનરના ફ્રેન્ડના ફ્રેન્ડ છો. કહ્યું હોત તો પહેલાં જ કૉફી આઈ જાતને.

આ પણ વાંચો : એલ્ડર્સ-અવર : ઈશુના નવા વર્ષ દરમ્યાન આ કલાકની શરૂઆત કરી દઈએ તો શું ખોટું છે?

મને તો ખૂબ હસવું આવ્યું અને મજા પણ આવી. મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ત્યાં તો મારા હાથમાં કૉફી હતી. આ જ આ શહેરની મજા છે, આ જ આ શહેરની ખાસિયત છે અને એટલે જ મને કહેવાનું મન થાય છે, અમદાવાદ બતાવું ચાલો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK