ચલ કહીં દૂર નિકલ જાએં

Published: Jan 05, 2020, 16:22 IST | bhavya gandhi | Mumbai Desk

આરંભ હૈ પ્રચંડ : નવા વર્ષમાં એવા સંકલ્પ લો જે તમને તમારી સાથે મેળાપ કરાવે, તમને તમારી નજીક લઈ આવે. જો એ કરી શક્યા તો ૨૦૨૦ ચોક્કસ લેખે લાગશે

હૅપી ન્યુ યર.

આમ તો આપણે આવું કહેવા માટે પાંચ દિવસ મોડા છીએ, પણ કહેવું અગત્યનું છે. સમય નહીં અને જો એવું જ હોય તો એ પણ મહત્ત્વનું છે કે આપણે સારા કામ માટે કે પછી સારી અને સાચી દિશા માટે કોઈ પ્રકારના સમયની રાહ ન જોવી જોઈએ. કહે છેને કે સારું કામ કરવા માટે ૧ જાન્યુઆરીની રાહ જોવાની જરૂર નથી, નક્કી કર્યું એ દિવસ જ ૧ જાન્યુઆરી છે. આ વર્ષે, ૨૦૨૦માં આપણે શું કરીશું એ માટે એક લિસ્ટ બનાવજો અને એ લિસ્ટની ઉપર મોટા અક્ષરે લખજો, ‘New Year Resolution.’
આ જે કોઈ રેઝોલ્યુશન હશે એને આપણે થોડા દિવસ સુધી ફૉલો કરીશું અને પછી ભૂલી જઈશું કે આપણે આવા કોઈ સંકલ્પ કર્યા હતા અને આખું વર્ષ આમ જ પસાર થઈ જશે. ફરી નવું વર્ષ, ફરી નવા રેઝોલ્યુશન અને ફરી એ જ ક્રમ. એવું મોસ્ટ્લી આપણે બધાએ જોયું છે. ઉત્સાહ-ઉત્સાહમાં લોકો અઢળક નિયમ બનાવે છે, સંકલ્પ કરે છે અને બેચાર કે પછી બાર-પંદર દિવસ એ નિયમોનું પાલન પણ કરે છે, પણ પછી એ પાલન અટકી જાય છે. નિયમોનું પાલન કરવાનું આવે ત્યારે શક્ય હોતું નથી અને એવું બનવા પાછળ કારણ પણ છે. એ નિયમો બનાવતાં પહેલાં જ આપણી ઇચ્છા નથી હોતી કે આપણે એને કોઈ પણ ભોગે ફૉલો કરીશું. લેવા ખાતર કે પછી દેખાદેખી કે પરંપરાને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. એને લીધે એ નિયમ તૂટે તો એની પણ અસર નથી થતી અને નિયમ તૂટવાની એ પ્રક્રિયા પણ આપણને સામાન્ય લાગે છે.
આ વર્ષે ઍટ લીસ્ટ આપણે એક કામ કરવાનું છે કે આપણે આખી વાતને પ્રથા તરીકે ન લઈએ. આપણે આને પ્રથા નથી બનાવવી. પ્રથા હશે તો એ તોડવાનું મન થાય, પણ જો આ સંકલ્પ તમારા બેટરમેન્ટ માટે છે એમ જોશો તો એ ચોક્કસ તમારી સાથે જોડાયેલું રહેશે અને તમે પણ એને માટે પ્રયાસ કરશો. ૨૦૨૦માં તમે જે રેઝોલ્યુશન લો એ પાળો અને આખું વર્ષ એનો અમલ પણ કરો. તમારે કેવાં રેઝોલ્યુશન લેવાં જોઈએ એની વાત કરીએ.
સૌથી પહેલો જો કોઈ નિયમ બનાવવાનો હોય તો એ છે, ડાયરી શરૂ કરો. ડાયરીમાં રોજેરોજ જેકંઈ તમને લખવાનું મન થાય એ લખો, પણ ડાયરીને જીવતી રાખો. જગતઆખાના જેકોઈ મહાનુભાવો છે એ બધાએ કહ્યું છે કે ડાયરી લખવી એ જગતની શ્રેષ્ઠ આદત છે, એ તમારા મનને અને તમારા વિચારોને જીવંત રાખે છે. જ્યારે ડાયરી લખતા હો ત્યારે માત્ર તમે અને તમારી જાત જ હાજર હોય છે. એ ડાયરી તમે કોઈ માટે નથી લખતા, પણ એ તમે તમારે માટે લખો છો એટલે એમાં કંઈ પણ લખી શકો છો. આ તમારા વિચારોને એક્સપ્રેસ કરવાની રીત છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે મનની વાત અન્ય કોઈને કહી નથી શકતા. કહેવાની બહુ ઇચ્છા હોય છે, પણ એમ છતાં આપણે બોલી નથી શકતા, કહો કે તમને સંબંધોની બીક લાગતી હોય છે. આમ જોઈએ તો આ સારી વાત છે કે તમે નહીં કહીને સંબંધોને સાચવી રાખો છો, પણ એ બધું તમે તમારી આ ડાયરીને કહી શકો છો. ડાયરી લખવાથી બીજો ફાયદો એ થશે કે મનમાં જેકંઈ હશે એ બધું, સારું-ખરાબ જેકંઈ ભર્યું હશે એ બધું બહાર આવી જશે. તમારી અંદર એકત્રિત થયેલું ફ્રસ્ટ્રેશન ડાયરીમાં નીકળી જશે અને મનથી તમે હળવાફૂલ બની જશો. જો માનસિક રીતે ફ્રી હશો તો નવાં કામ થઈ શકશે. અંદરથી ભાર હશે, મન મૂંઝાતું હશે તો નવી દિશામાં ક્યારેય આગળ વધી નહીં શકો, નવાં કામ થઈ ન શકે એટલે શક્ય હોય ત્યાં સુધી આ વર્ષે આ કામ કરવાનું રાખજો. ડાયરી લખજો. બહુ લાભ આપશે ડાયરી.
જાતને સમય આપો. તમને વિચાર આવી શકે કે જાતને સમય આપવો એટલે શું? આપણે આખો દિવસ જાત સાથે હોઈએ છીએ, પછી કેવી રીતે જાતને સમય આપવાનો.
જાતને સમય આપવો એટલે એવો સમય જેમાં તમે તમારું મનગમતું કામ કરી શકો. આ મનગમતા કામમાં બધું આવી જાય; જિમ, રાઇડિંગ, રીડિંગ, મ્યુઝિક, મૂવીઝ, ટ્રાવેલિંગ, પિકનિકથી માંડીને મનગમતા લોકો સાથે રહેવાનું પણ આવી ગયું અને માબાપને સમય આપવાની વાત હોય તો એ પણ આવી ગયું. આ બધાં કામ માટે તમારે તમારી જાતને સમય આપવો પડે, ગમતી બુક વાંચવા માટે જાતને સમય આપવો પડે. આપણે બધા એક શેડ્યુલ આધારિત છીએ. જૉબ, બિઝનેસ, સ્ટડી કંઈ પણ કરતા હોઈએ કે પછી તમે હોમમેકર હોવાથી પણ આ બધું કરવાનું છે. એ તમારી ફરજ છે. એ ફરજ નિભાવ્યા પછી પછી તમારે જાતને સમય આપવાનો છે. આપણું જે શેડ્યુલ છે એમાં બહુ ઓછો સમય આપણે આપણી જાતને આપીએ છીએ. તમને ખરેખર એવું ન લાગતું હોય તો ડાયરી લખવાનું શરૂ કરો ત્યારે એમાં એક આખા દિવસની તમારી દિનચર્યા લખીને જોઈ લેજો કે દિવસના એ સમયમાં તમારા માટે તમે કેટલો સમય કાઢ્યો છે, કાઢી શક્યા છો.
સવારે આંખ ખોલવાથી માંડીને રાતે સૂવા સુધીનાં બધાં શેડ્યુલ ફિક્સ છે. એ બધું આપણે કરવાનું જ છે એટલે એને બાદ કરતાં આ વર્ષે બને એટલો સમય તમારા માટે કાઢજો. ખુદને ખબર હોવી જ જોઈએ કે જાત કઈ દિશામાં જઈ રહી છે. જો જાત માટે સમય કાઢશો તો દિશા તમને નરી આંખે દેખાશે. આ વર્ષે કોઈ એક નવી હૉબી જરૂર ડેવલપ કરજો એ પણ મારે તમને કહેવું છે. જો નવી હૉબી ડેવલપ ન કરી શકો તો કંઈ નહીં, તમારી જૂની હૉબીને નવેસરથી જગાડજો. હોમમેકરને મારે ખાસ કહેવું છે કે આ વર્ષે તમે પ્રયાસ કરજો કે તમારી બૉડીને તમે કેવી રીતે સમય આપી શકો છો.
ત્રીજો અને અગત્યનો નિયમ, વર્ષમાં એક વખત ક્યાંક ને ક્યાંક ટ્રાવેલ કરવા જવું. ફરવા જવાના બહાને રજા લેવી અને ઘરે બેસી રહેવું એવું કહેવા નથી માગતો. રજા લેવી અને ફૅમિલી સાથે હૉલિડે પર જવું એવું પણ હું કહેવા નથી માગતો. ફૅમિલી કે વાઇફ સાથે તમે ટ્રાવેલ પ્લાન કરો પણ એ અલગથી, અહીં વાત તમારા ટ્રાવેલની છે, જેમાં માત્ર તમે કે પછી તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ જ હોય. જો એકલા જઈ શકો તો એનાથી ઉત્તમ બીજું કશું નથી અને ક્લોઝ ફ્રેન્ડ સાથે જશો તો પણ બેસ્ટ છે, કારણ કે જે તમે કોઈને ન કહી શકતા હો એ તમે તમારા બેસ્ટ કે ક્લોઝ ફ્રેન્ડ સાથે શૅર કરી શકો છો એટલે તેની હાજરી તમને ક્યાંય નડવાની નથી, ઊલટાનું કદાચ એવું બને કે તેની હાજરીથી તમે વધારે સારી રીતે દુનિયાને એક્સપ્લોર કરી શકો. આ ટ્રાવેલ પણ એવી જ હોવી જોઈએ જ્યાં તમે વધુ ને વધુ એક્સપ્લોર કરી શકો. વધુમાં વધુ જગ્યા જોઈ લેવી કે વધુમાં વધુ ફૅસિલિટી મેળવી લેવી એ એક્સપ્લોર કરવું નથી, પણ એવું એક્સપ્લોર કરવાનું છે જેનાથી તમારી અંદર કંઈક ચેન્જ આવે, તમારામાં ખુશી આવે, નીડફુલ ચેન્જ આવે કે પછી તમારો ડર દૂર થાય. ટ્રેકિંગ માટે જાઓ, કોઈ પણ શહેર પર તૂટી પડો અને માત્ર અલગારી રીતે એ શહેરને માણો. આ વર્ષે આ નિયમ ખાસ બનાવજો કે વર્ષમાં એક વાર કમ્પલ્સરી તમારે બ્રેક લેવાનો છે, ટ્રાવેલ કરવાનું છે અને એ બ્રેક પછી ડબલ ફોર્સથી કામે લાગવાનું છે. લાઇફમાં સતત ભાગતા પહેલાં સખત એનર્જી ફોર્સ ભેગી કરી લેવાની અને પછી બનાવેલા ગોલ પર મચી પડવાનું.
આ ત્રણ સંકલ્પ સિવાય પણ બીજા ઘણા બધા સંકલ્પ છે, જે તમને લાગતા હોય કે ઇમ્પ્લીમેન્ટ કરવા છે તો તમે કરી શકો છો, પણ અહીં કહ્યા છે એ સંકલ્પો જીવનમાં ચેન્જ લાવવાનું કામ કરશે. આ વર્ષે બીજું કંઈ નવું ન કરી શકો તો વાંધો નહીં, જાત સાથે ચૅટ કરવાની છે અને એમા ચીટિંગ બિલકુલ નથી કરવાનું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK