ચાલો, કરીએ કોઈને ખુશી આપવાનું કામ

Published: Nov 10, 2019, 11:36 IST | Mumbai

આરંભ હૈ પ્રચંડ:તમે કોઈના શ્વાસ વધારી નથી શકવાના, પણ કોઈના જીવનમાં સુખ તો ભરી જ શકો છો તો એ કરો. એમાં કોઈ ટૅક્સ પણ નથી લાગવાનો અને એને લીધે તમારું સુખ ઓછું પણ નથી થવાનું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આમ તો આ ટૉપિક પર નવરાત્રિમાં લખવાની ઇચ્છા હતી, પણ પછી બીજા કોઈ વિષય પર વાત શરૂ થઈ ગઈ એટલે એને પાછળ રહેવા દીધો. આજે સવારે રામમંદિર માટેનું જજમેન્ટ જોયું ત્યારે પહેલાં એના પર વાત કરવાની ઇચ્છા થઈ, પણ પછી થયું કે એ ટૉપિક પર બોલવા કરતાં માત્ર એટલું જ કહી દઉં કે દિવસ દરમ્યાન કોઈ જગ્યાએ એક પણ ફટાકડાનો અવાજ નથી સંભળાયો, જે ખરેખર સુખદ વાત છે. નાનામાં નાની વાતમાં જીતનું જશન શરૂ કરી દેનારાઓએ પોતાનો એ ઉન્માદ કાબૂમાં રાખ્યો એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વાત હોઈ જ ન શકે. રામજન્મભૂમિ રામલલ્લા ટ્રસ્ટને સોંપવામાં આવી છે અને આપણા મુસ્લિમ બિરાદરોને મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ જ દેખાડે છે કે આપણી કોર્ટ કેટલી સહિષ્ણુ અને વાસ્તવિક છે. એના પાયામાં જ ભાઈચારાની ભાવના રહી છે જે શ્રેષ્ઠ છે, પણ મેં કહ્યું એમ, આ વિષય પર વધારે વાત કરવા માટે હું અનેક રીતે લાયક ન હોવાથી આપણે એના વિશે વધારે વાત નહીં કરતાં મારે જે વાત કરવી છે એ વિષય પર આવી જઈએ.
મારી વાતનો વિષય છે ‘વિશ ફાઉન્ડેશન’. નામ પરથી જ સમજાય એવું કે આ ફાઉન્ડેશન ઇચ્છા પૂરી કરવાનું કામ કરે છે અને એ જ સત્ય છે.
બને કે તમારામાંથી ઘણાએ આ ‘વિશ ફાઉન્ડેશન’નું નામ સાંભળ્યું હશે. ફાઉન્ડેશન બહુ સારાં અને ઉમદા કામ કરે છે. આગળ કહ્યું એમ, નામ મુજબ આ ફાઉન્ડેશનમાં એવાં બાળકોની ઇચ્છા પૂરી કરવામાં આવે છે જેઓ મોત સામે ઝઝૂમી રહ્યાં છે. હા, એવાં બાળકોની ઇચ્છા પૂરી કરવામાં આવે છે જેમની સામે ઈશ્વરે કૅન્સર, એચઆઇવી કે પછી એવી બીજી પણ લાઇફ થ્રેટનિંગ કહેવાય એવી સિચુએશન ઊભી કરી દીધી છે અને એ લોકો આ પ્રકારની અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બાળકો ઉંમરમાં બહુ નાનાં હોય છે. હજી જીવન જોયું નથી, હજી તો લાઇફ માણવાની શરૂઆત પણ નથી કરી ત્યાં જ તેમની સામે આવી ઘાતક બીમારી આવી ગઈ છે. આ બીમારી કેવી અકળાવનારી હોય એ જોવું હોય તો એક વખત કૅન્સર હૉસ્પિટલમાં જઈ આવશો તો તમને સમજાઈ જશે. એ બાળકોને જોઈને રીતસર તમારા રૂંવાડાં ઊભાં થઈ જશે. રીતસર તમને કંપારી છૂટી જશે અને એ પછી પણ એ બાળકના ચહેરા પર સ્માઇલ જોઈને તમને હિંમત મળશે. મેં જ્યારે પહેલી વખત તાતા કૅન્સર હૉસ્પિટલ જોઈ ત્યારે હું અઠવાડિયા સુધી સૂઈ નહોતો શક્યો. આંખ સામે એ બાળકો તરવરતાં હતાં. એ બાળકો, તેમની કાલીઘેલી વાતો, તેમની નિર્દોષ આંખો, પ્રામાણિક વાતો સાંભળો તો તમને ભગવાન સામે દુશ્મની કરવાનું મન થઈ આવે. થાય કે બધા ભગવાન સાથે કિટ્ટા કરીને ઊભો રહી જાઉં, પણ પછી સમજાય કે ના, એવું કરવાની જરૂર નથી. જે ભગવાને તેમને તકલીફ આપી છે એ જ ભગવાન તેમને ટકાવી રાખવાનું કામ કરતા હશે.
આ કોઈ બાળક જાણતું નથી કે તેમની પાસે જીવનનો હવે કેટલો સમય બાકી બચ્યો છે, પણ એ બાળકોના ચહેરા પર નાનીસરખી સ્માઇલ લાવવા માટે આ ફાઉન્ડેશન પૂરતી હેલ્પ કરે છે. બાળકોની ઇચ્છાઓ પણ જાણવા જેવી હોય છે. કોઈને હેલિકૉપ્ટરમાં બેસવું છે તો કોઈને પોલીસ બનવું છે. કોઈને ફેવરિટ ફિલ્મસ્ટારને મળવું છે તો કોઈ તેના ફેવરિટ ક્રિકેટરને મળવા માગતું હોય છે. કોઈની ઇચ્છા કંઈક ખાવાની હોય તો કોઈકની ઇચ્છા પોતાના સપનાના એવા કોઈ શહેરને જોવાની હોય છે. એ ઇચ્છાઓ સાંભળીએ ત્યારે ખરેખર થાય કે આપણે ખોટા મોટા બની ગયા. નાના હતા ત્યારે કેવી નાની-નાની વાતો આપણને ખુશી આપતી હતી અને એ ખુશી હતી, પણ કેટલી સ્વાભાવિક. ખોટું હસવાનું નહીં, ખોટું રડવાનું નહીં. રડ્યા પછી બીજી મિનિટે માની જવાની પણ છૂટ અને હસ્યા પછી બીજી જ ક્ષણે ફરીથી મોઢું ફુલાવીને બેસી જવાની પણ છૂટ. ‘વિશ ફાઉન્ડેશન’ની એક વાત બહુ સરસ છે. એ ક્યારેય કોઈ નાતજાતના ભેદભાવમાં નથી પડ્યું. એક જ વાત છે, સીધી વાત છે. બાળકને બીમારી હોય તો એ અમારે માટે પ્રાધાન્ય પર છે. જેટલી ઝડપથી પૂરી થઈ શકે એટલી ઝડપથી તેમની ઇચ્છા પૂરી કરો.
‘વિશ ફાઉન્ડેશન’ શરૂ થયું એની પાછળ એક નાનકડી, પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ફાઉન્ડેશનના સ્થાપક પૈકીના ભાઈને દીકરો હતો. દીકરાને કૅન્સર નીકળ્યું અને એ પણ ખબર સીધી લાસ્ટ સ્ટેજ પર પડી. પપ્પાએ નક્કી કર્યું કે દીકરાને બાકી બચેલી ઉંમરમાં તેઓ બધું કરી આપશે જે તેને આખી જિંદગી દરમ્યાન કરવાની ઇચ્છા હતી. પપ્પાની આ ઇચ્છાને પૂરી કરવામાં અમુક લોકોએ મદદ કરી. દીકરાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. આ સ્માઇલે એ ભાઈને સમજાવી દીધું કે ‘જીના ઇસી કા નામ હૈ...’
તેમણે હવે આ કામ પોતે ઉપાડી લીધું અને તેઓ અનેક બાળકોની ઇચ્છા પૂરી કરવા લાગ્યા. નાનામાં નાની ઇચ્છાથી લઈને મોટામાં મોટી ઇચ્છા પૂરી કરવામાં ‘વિશ ફાઉન્ડેશન’ મદદરૂપ  થાય છે. દરેક બાળકને એકસમાન સન્માન મળે અને દરેક બાળકની ઇચ્છાને પોતાના જીવનનો ધ્યેય માનવામાં આવે. એક જ હેતુ, એક જ ધ્યેય, બાળકની ઇચ્છા પૂરી થવી જોઈએ. એક વાત મારે સ્વીકારવી છે કે હું ‘વિશ ફાઉન્ડેશન’ને પૂરતો સમય નથી આપી શકતો, પણ મારી જરૂર હોય ત્યારે હું એક સેકન્ડ પણ મોડું કર્યા વિના તેમની પાસે પહોંચી જવા માટે તૈયાર રહું છું. મેં થોડા સમય પહેલાં એક બાળકની વાત કરી હતી. અફઝલ. એ બિચારાની ઉંમર માત્ર ૪ વર્ષ હતી અને તેને લાસ્ટ સ્ટેજ કૅન્સર હતું. જ્યારે તેને તેની ઇચ્છા પૂછવામાં આવી ત્યારે માન્યામાં ન આવે એવી તેની ઇચ્છા હતી. અફઝલને કુરાન જોઈતું હતું. અફઝલને કુરાન મળી ગયું અને એ પછી હું અફઝલને મળ્યો પણ ખરો, પણ આજે અફઝલ હયાત નથી.
આપણું દિલ કે મન ભરાઈ આવે, જ્યારે આપણે આવું સાંભળીએ અને નવા વર્ષની શરૂઆતમાં મારે તમને સૌને એ જ કહેવું છે કે આપણે બધા પ્રૉમિસ લઈએ કે રોજ એક, ફક્ત એક વ્યક્તિના ચહેરા પર સ્માઇલ લઈ આવીશું. નાનામાં નાની વાતથી પણ જો કોઈને ખુશ કરી શકાતું હોય તો કોઈને ખુશ કરવામાં આપણું શું જતું હશે. જિંદગી બહુ નાની છે, અચોક્કસ છે. ક્યારે શું થશે એની કોઈને ખબર નથી, પણ એટલી તો ખબર છેને કે અત્યારે આપણે હયાત છીએ, અત્યારે આપણે કોઈને ખુશ કરી શકવાના છીએ. કરો રાજી, એ એક જ કામ આપણાથી થઈ શકવાનું છે. કોઈ આપણા શ્વાસ કે આપણે કોઈના શ્વાસ વધારી નથી શકવાના, પણ કોઈ આપણને અને આપણે કોઈને સ્માઇલ કરાવી શકીએ છીએને. કરીએ, આ કામ કરીએ, એમાં કંઈ લૂંટાઈ નથી થવાનું, કંઈ નુકસાન પણ નથી થવાનું આપણું અને એ થવાનું હોય તો પણ, શું નુકસાન થશે અને કેટલું નુકસાન થશે? હું તો કહીશ તમને કે જો નિયમિત મંદિર જતા હો અને એ બંધ કરવાનો ‌સમય આવે તો પણ વાંધો નથી. બસ, સામેની વ્યક્ત‌િને ભગવાન માનીને તેની પૂજા કરો, તેને ખુશ કરો.
આજની વાત પૂરી કરતાં પહેલાં મને મારી જ એક કવિતા કહેવી છે તમને. વાંચો...
પહલે તો તુ બડા નારાઝ હો ગયા
જબ ઝરૂરત કે વક્ત સાથ દિયા
તો આનંદિત હો ગયા
ઔર આનંદ કે આતે હી
મૈં તેરા ઘુસપેટિયા હો ગયા.
ફિર તબ ક્યું બોલા કિ સાથ દે દો
માના તુમ્હારા સબ કુછ હો ગયા,
અબ જબ મુઝે સાથ ચાહિયે તેરા
તો કહતા હૈ, મેરા સબ હો ગયા.
બર્તાવ કરતા હૈ ઐસા મેરે સાથ
કિ મેરા તેરા કોઈ કિસ્સા હો ગયા,
ઐસા ક્યું કિયા,
પૂછતા હું તો કહતા હૈ,
ઉસમેં ક્યા હો ગયા?
કિસ કિસમ કા ઇન્સાન હૈ સાલે તુ.
ઇતના કુછ હોને કે બાવજુદ ભી
મૈં તેરા હો ગયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK