Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક સેતુ બાંધીએ

એક સેતુ બાંધીએ

03 January, 2021 06:02 PM IST | Mumbai
Hiten Aanandpara

એક સેતુ બાંધીએ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


૨૦૨૦ના વર્ષના બંધનમાંથી મુક્ત થઈને આપણે ૨૦૨૧ના સ્પંદનમાં પ્રવેશ્યા છીએ. આ બે વર્ષ વચ્ચેનો સેતુ આ સદીનો કદાચ સૌથી મહત્ત્વનો સમય છે. આપણે આશાનું પડીકું બાંધીએ કે વંદનીય કિસાનો ઉપરાંત જે નિંદનીય નથી એવા કરોડો નાગરિકોનો સમાવેશ પણ આ દેશમાં થાય છે એ સત્ય બધાની ગાંઠે બંધાય. પંજાબમાં ૧૬૦૦થી વધુ ઊખડેલા જિયો મોબાઇલ ફોન ટાવર નવા વર્ષમાં સત્વર જીવતા થાય. કંકાસી કેજરીવાલની વિધાનસભામાં છડેચોક સંસદીય કાનૂનના ટુકડા કરવામાં આવ્યા, એવા જ ટુકડા મતદાન વખતે દેશવિરોધીઓના થાય એવી આશા બાંધીએ. હેમાંગ નાયકની પંક્તિ પ્રમાણે જેમની નજર સારી નથી એ આપણને નડી રહી છે...

ધારશો એ પામશો, બસ ધારવાની ટેવ પાડો



જે મળે એને હમેશાં માણવાની ટેવ પાડો


આ સમય સારો નથીને, ક્યાં નજર સારી બધાની

બારસાખે લીંબુ-મરચાં બાંધવાની ટેવ પાડો


સત્તાલાલસી લોકોની મેલી નજરોથી બચવા વિધાનસભા અને લોકસભાના બારણે પણ લીંબુ-મરચાં લટકાવવાં જોઈએ. બૂરી નજરવાળાની નજર ત્યાં જ અટકીને અંદરની લોકશાહી વ્યવસ્થાને ભટકાવે નહીં. સલામતીના કારણસર ઍરપોર્ટ પર શરીરનું સ્કૅનિંગ થાય છે એ રીતે મેલી મથરાવટીનું સ્કૅનિંગ કરતી ટેક્નૉલૉજી શોધાય એવી અપેક્ષા બાંધીએ. જો આવું થઈ શકે તો સ્મિતા શાહની વાત સાર્થક થઈ શકે...

બારસાખે તોરણો બાંધ્યા પછી

કોણ રંગોળી સજાવે આંગણે

દીવડા પ્રગટાવતું ચારે તરફ

કોઈ અવસર થઈને આવ્યું બારણે

અનેક અવસર દેશ માટે ઊભા થઈ રહ્યા છે. નવેક જેટલા એક્સપ્રેસવે દેશભરમાં નિર્માણાધીન છે. ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરના એક હિસ્સાનું ઉદ્ઘાટન તાજેતરમાં થયું. ભારતીય રેલવે મહાકાય લક્ષ્યાંકો સાથે એક પછી એક પ્રોજેક્ટ સાકાર કરી રહી છે. રતન તાતાએ ઉદ્યોગજગત માટે  એક સરસ વાત કહી કે હવે આપણે ન્યુ નૉર્મલના માપદંડ ઊભા કરવા પડશે. ઑઇલ, ઊર્જા અને કન્ટ્રક્શન ક્ષેત્રે ભારતીય કંપનીઓ વિશ્વના અનેક દેશમાં કારોબાર વિસ્તારી રહી છે. તો જ કોરાનાથી થયેલા આઘાતમાંથી કળ વળી શકશે. બિની પુરોહિત ભીનાશની સરહદો તરફ લઈ જાય છે...

રમતાં તને જ આવડે છે એમ ના સમજ

સારું છે કોઈ દાવ હું અજમાવતી નથી

પાંપણના કિલ્લા બાંધવાથી ફેર શું પડે

અશ્રુને કોઈ સરહદો અટકાવતી નથી

વીતેલા વર્ષમાં સરહદોનાં ઊંબાડિયાં બહુ થયાં. પાકિસ્તાનની સરહદે તો રાંધણછઠ ક્યારેય આવવાની નથી, કારણ કે પાડોશીના આતંકવાદી ચૂલા અખંડ રામધૂનની જેમ જલતા જ હોય છે. ખાવાના સાંસા હોય ને ઝઘડવાનાં જોર હોય એવા પાડોશી દેશનું ઉપનામ કારસ્તાન રાખીએ તો ખોટું નથી. ભૂલેચૂકેય દોસ્તીનો હાથ લંબાવીએ તો આપણા જ હાથમાં મેડ ઇન ચાઇનાનો ટાઇમબૉમ્બ બાંધી દે એવી તેમની તાસીર છે. છતાં હાલ પૂરતું તો પંજાબ અને દિલ્હી વચ્ચે દોસ્તી થાય એ જરૂરી છે. પંકજ વખારિયા માર્ગદર્શિકા આપે છે...

બાકી તું બાંધે તોય ન બંધાય દોસ્તી

કુદરતની મહેર થાય ને થઈ જાય દોસ્તી

થઈ ફાંસો તુચ્છ કારણે મનભેદ જ્યાં પડે

છોડી શકો અહમ્ તો બચી જાય દોસ્તી

મનભેદ જ્યારે હદથી વધારે લંબાય ત્યારે એનાં વિપરીત પરિણામ ભોગવવાં પડે. આત્મીયતાના માહોલમાંથી અબોલાની આબોહવામાં જવું પડે. વાત ન થાય તો એનું ક્રમશઃ ડૂમા ને ડૂસકામાં રૂપાંતર થતું રહે. કવિસહજ સંવેદના અને રાજકીય કુનેહનો નિષ્ઠાપૂર્ણ સંગમ થાય તો અનેક સમસ્યા ઉકેલાઈ શકે. મેહુલ એ. ભટ્ટ એવી આવડત નિરૂપે છે...

એ ભલે બદલ્યા કરે આબોહવા

હું અચળ છું, રંગ નહીં બદલી શકું

લાગણીને બાંધવી જો હોત તો

સાવ કાચા દોરથી બાંધી શકું

કાચા દોરથી પાકી વાત બાંધવા માટે કોઈ મંદિરમાં દોરામાં ફૂલ પરોવતાં ડોશીમા જેવી શ્રદ્ધા જોઈએ. કરચલી ભલે શરીરે વળગી હોય, પણ આસ્થામાં રતિભારેય કરચલી  ન જોવા મળે. કદાચ અવસ્થા આ શીખવાડતી હશે. આપણે તો પ્રતાપસિંહ ડાબી હાકલ કહે છે એવા સંજોગોનું જ નિરીક્ષણ કરવામાં પ્રવૃત્ત છીએ...

કચકચાવી બાંધો છોને,

તૃષ્ણા ક્યાં બાંધી બંધાતી

કાંધે બેઠો અર્થી ઉપર

ઊછળી પડતો આખો માણસ

ક્યા બાત હૈ

એક છેડે પહાડ ને બીજે સમંદર બાંધીએ

બેઉને ખેંચી પછીથી છેક ભીતર બાંધીએ

 

આંગળી પર ઝીલતાં ફાંફાં પડી એને ગયાં

આપણે ગિરિરાજને માથે નિરંતર બાંધીએ

 

પંખીની વાણી હજીયે માનવી શીખ્યો છે ક્યાં?

ગોફણોને કોણ સમજાવે ન પથ્થર બાંધીએ

 

છે પ્રલયકારી પ્રદેશોના જ કોઈ તત્ત્વ એ

ક્યાં સુધી કોઈ ગઝલમાં કાફિયાઘર બાંધીએ?

 

વારવારે અવતરી ભાડે ન લાવો તો પડે

પગ ઉપર આકાશનો ‘પરવેઝ’ દાદર બાંધીએ

 

- સતીન દેસાઈ પરવેઝ

‘મહિસાગરનો શબ્દ’ અંકમાંથી

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2021 06:02 PM IST | Mumbai | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK