પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં

Published: Sep 06, 2020, 19:08 IST | Hiten Aanandpara | Mumbai

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં ૫ સપ્ટેમ્બરે ઊજવાતા શિક્ષકદિન નિમિત્તે આજે ફરી એક વાર વિદ્યાર્થી બની જઈએ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ વિધાન સાથે શૈક્ષણિક સંસ્થાન ચલાવતા ટ્રસ્ટીઓ સંમત થશે. શિક્ષક સતત શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે. ટાગોરના આ વિધાન સાથે શાળા-કૉલેજના આચાર્ય સંમત થશે. શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં ૫ સપ્ટેમ્બરે ઊજવાતા શિક્ષકદિન નિમિત્તે આજે ફરી એક વાર વિદ્યાર્થી બની જઈએ.

ના ખુદા કે રામ કાગળ પર લખ્યું

ફક્ત માનું નામ કાગળ પર લખ્યું

શબ્દથી વ્યાપી રહી જ્યાં રોશની

એ ધબકતું ધામ કાગળ પર લખ્યું

શિક્ષક રિન્કુ રાઠોડ ‘રોશની’ની આ પંક્તિઓ પ્રમાણે શિક્ષકને પણ માતાની જોડાજોડ બેસાડી શકાય. મા-સ્તર સુધી પહોંવાનું કામ શિક્ષક જ કરી શકે. આપણે જન્મીએ છીએ કોરી પાટી સાથે. એમાં અક્ષરનો ઉજાસ પામવાનું કામ શિક્ષકનું છે. એનું કામ છે વિષયનો અને વિશ્વનો પરિચય કરાવવાનું. પછી વિદ્યાર્થીએ પોતાની પ્રતિભા પ્રમાણે પગલાં પાડવાનાં હોય. જેમાં ટપ્પી પડતાં હંમેશાં વાર લાગે છે એવું ગણિત હેમંત ગોહિલ ‘મર્મર’ સાથે ભણીએ...

સાવ સાદા ને સરળ દાખલા બે ત્રણ ગણો

આપણામાંથી જ લ્યો, આપણા બે ત્રણ ગણો

આભ શિક્ષક થઈ અને કામ સોંપે રોજ રોજ

સાવ કોરાં ટેરવે વાદળાં બે ત્રણ ગણો

આભ એક સનાતન શિક્ષક છે. એક સારો શિક્ષક નાનકડા વર્ગખંડમાં ચૈતન્યનો ધોધ વરસાવતો રહે તો આભ જેટલું વ્યાપી શકે. કાળું પાટિયું ડિબાંગમાંથી બ્રહ્માંડ બની શકે અને ચૉક બ્રહ્માંડને તાગતું રૉકેટ. સુરેશ દલાલ જ્યારે કે. સી. કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતા ત્યારે અન્ય કૉલેજના વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા. 360 ડિગ્રીએ વિષયને સમજાવી પાછા કેન્દ્ર સુધી સુધી લઈ આવવાનું કામ હોશિયાર શિક્ષક પાર પાડે છે. ગૌરાંગ ઠાકર કહે છે એમ અઘરા વિષયને પણ સહેલો બનાવવો પડે.

દોસ્ત, વિસ્મય વિષય તો અઘરો છે

કોઈ બાળક વગર ભણાય નહીં

એક ચોપડી, એક કલમ. એક બાળક અને એક શિક્ષક સમગ્ર દુનિયાને બદલી શકે છે. મલાલા યુસુફઝઈના આ વાક્ય સાથે ભવિષ્યનો ઇતિહાસ હામી પુરાવશે. હું કદી શીખવતો નથી. એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આ વાક્ય સાથે પ્રત્યેક જાગૃત સાહિત્યકાર સંમત થશે. કિરીટ ગોસ્વામી કહે છે એમ કાચું નહીં, સાચું ભણાવવું જરૂરી છે.

ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે

નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું

પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રદ્ધાથી

હશે સામે ધણી બેઠો, હવે જે થાય તે સાચું

સાચો શિક્ષક કડું કડિયાતું પણ મધ સાથે આપી જાણે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે એક સંતુલન રાખીને વિદ્યાર્થીને શીખવવાનું હોય. હવામાં વાત કરે તો ગૂગલદેવની કૃપાથી વિદ્યાર્થી શિક્ષકને જ કાન પકડાવી શકે. ઊઠબેસ ભલે ન કરાવે પણ એની આંખમાં કીકીને રહસ્યમયી રીતે ઉપરનીચે જતી જોઈ શકાય. વાત ઇસ્લામિક જેહાદની કરીએ તો સમજાશે કે ગ્રંથોની આડમાં શિક્ષકો કઈ રીતે ધર્મ સાથે ધર્મઝનૂન પણ કુમળા માનસમાં રોપે છે. ભણેલાગણેલા ડિગ્રીધારીઓ આતંકવાદમાં જોડાય ત્યારે થાય કે શિક્ષણ ક્યાં ખોટું પડ્યું? રવિ દવે ‘પ્રત્યક્ષ’ની પંક્તિઓમાં આ પીડા વાંચી શકાશે...

હતાશ થઈને કદી બાળ ફેંકે દફ્તરને

કે એવી રીતે કોઈ ક્યાંથી જિંદગી ફેંકે?

નસીબ ફેંકે તો સમજી શકાય છે, મિત્રો

પણ આદમીને અહીં જોને આદમી ફેંકે

શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રામાણિકતા પડી જશે તો સમાજનાં તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે. મોરારિબાપુના આ વિધાન સાથે પ્રત્યેક શાળાનું બ્લૅક બોર્ડ સંમત થશે. બોર્ડ ભલે બ્લૅક હોય, એનું કાર્ય તો વિદ્યાર્થીને ઊજળો કરવાનું જ છે. જે શિક્ષક માનવધર્મનાં બીજ રોપે તે આપોઆપ આદર્શ શિક્ષક બની જાય. એ માટે કોઈ સરકારી બિરુદની આવશ્યકતા રહેતી નથી. હેમાંગ જોશી કહે છે એ સમજ સંસ્કારમાંથી જન્મે છે.

બીજાની તકલીફ પણ સમજી જવાય

એટલું ભણતર હશે તો ચાલશે

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં

એ ભલે પથ્થર હશે તો ચાલશે

લૉકડાઉનના સમયમાં પ્રાણ ટકાવવા માટે ટેક્નૉલૉજી વહારે આવી છે. આ સમયમાં શિક્ષકોએ અપગ્રેડ થવું પડ્યું. ડાયરીમાંથી ડિજિટલ થવું પડ્યું. વિદ્યાર્થીને બેટા કહીને કેટલો ડેટા વપરાયો એવી પૃચ્છા કરતાં શીખી લેવું પડ્યું. ગુજરાતી ભણાવતા શિક્ષકે પણ એમબી અને જીબીનો ફરક સમજી લીધો છે. લૉકડાઉન લાંબું ચાલ્યું તો કમ્પ્યુટરનું બેઝિક્સ ભણાવતા પણ શીખી જશે. જોકે એવો વખત એટલા માટે નહીં આવે, કારણ કે આજના સ્માર્ટ વિદ્યાર્થીઓ તમને ફાઇલ કન્વર્ઝનના ફ્રી સૉફ્ટવેર, ફ્રી ટેમ્પલેટ વિશે ફ્રી લેક્ચર આપી શકે છે. ટેક્નૉલૉજિકલ સમસ્યા વિદ્યાર્થી અને શિક્ષકની ભૂમિકા અદલબદલ કરી નાખે. દાદા-દાદી પોતાની ઉંમરમાં છએક દાયકા બાદ કરી પૌત્ર-પૌત્રી પાસે ભણવા બેઠાં હોય એ પવિત્ર દૃશ્ય પેપરમિન્ટની જેમ વાગોળવું ગમે. જૈમિન ઠક્કર ‘પથિક’ની પંક્તિઓ સાથે લૉકડાઉન પહેલાં સંમત થઈ શકાયું હોત. 

બાળકો સૌ ભણી થયાં તૈયાર

વર્તણૂકનો લિબાસ ક્યાં ચાલ્યો?

શબ્દનો છે પરિઘ બહુ ટૂંકો

ને વિચારોનો વ્યાસ ક્યાં ચાલ્યો!

ઑફલાઇન હોય કે ઑનલાઇન, શિક્ષકે બૉટમલાઇન કદી છોડવાની નથી હોતી. ઉદાહરણો, દાખલા, દલીલો દ્વારા નિષ્કર્ષ આપવાનો હોય. તેનું કામ વિદ્યાર્થી ક્લાસ છોડી વિચરતા થઈ જાય એ નહીં પણ ક્લાસની બહાર નીકળે ત્યારે વિચારતા થઈ જાય એ જોવાનું છે. કોયડા પણ સમજાવવાના અને મૂલ્યો પણ પ્રસ્થાપિત કરવાનાં. બકુલેશ દેસાઈ એક સનાતન શિક્ષણબીજની વાત કરે છે...

સહેજ ઝરમર સહેજ તડકો સાથમાં

સ્મિત-આંસુમાં નહાઈને જીવ્યા

કોઈ શાસ્તર, કોઈ વિદ્યા ના પચ્યા

બસ, અઢી અખ્ખર પઢાઈને જીવ્યા

ક્યા બાત હૈ

હું વિદ્યાર્થી, હું જ મારો શિક્ષક, ને

રોજ ભણતર ભીતરે તો ક્યાં ખૂટે?

એક અનુભવની ગઠરિયાં બાંધું ત્યાં

ગાંઠ એની એકએક સામે છૂટે

કીર્તિકાન્ત પુરોહિત

 

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ

જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ

હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

પ્રણવ પંડ્યા

 

બચપનમાં જે સૂવા માટે ખોટેખોટું રડતો’તો

મોટો થઈ એ રડવા માટે ખોટેખોટું ઊંઘે છે

શિક્ષક થઈને, ફરતાં ફરતાં માળાએ સમજાવ્યું કે-

બીજો મણકો ત્યારે આવે જ્યારે પહેલો છૂટે છે

ભરત ભટ્ટ ‘પવન’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK