ચાલો ચડસાચડસી કરીએ સારપની:જૅકી શ્રોફે કહેલી આ વાત ખરેખર કોઈ ભૂલતા નહીં

Published: Jan 13, 2020, 16:08 IST | manoj joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યાં હૈ? : તમારા પ્લાન્ટની સાથે ફોટો પણ પાડો અને એ ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ પણ કરો, જેથી બીજાને ચડસાચડસી કરવાનું મન થાય અને બીજા પણ આ જ રસ્તે ચાલે.

શનિવારની જ વાત છે. જૅકી શ્રોફે એક રિયલિટી શોમાં ચડસાચડસી અને દેખાદેખી વિશે વાત કરી અને કહ્યું કે બધી વાતમાં આપણે ચડસાચડસી કરીએ છીએ અને પછી સોશ્યલ મીડિયા પર એ દેખાડીએ પણ છીએ, પરંતુ હવે આપણે પૉઝિટિવિટીની અને સર્જનાત્મકતાની ચડસાચડસી કરીએ એ અને દુનિયાને પણ એ રસ્તે લઈ આવીએ. જગ્ગુદાદાની આ જે વાત હતી એ પર્યાવરણને અનુલક્ષીને હતી. તેમણે કહ્યું કે આપણે બધા એકેક પ્લાન્ટ ઉછેરીએ. માત્ર એકેક, વધારે નહીં. એકને ઉછેરવાનું, એકનું જતન કરવાનું અને એકને મોટું કરવાનું. બહુ સરસ વિચાર છે, ઉમદા વિચાર છે આ. હું કહીશ કે આટલું તો કામ આપણાથી થઈ જ શકે. જૅકીએ કહ્યું કે તમારા પ્લાન્ટની સાથે ફોટો પણ પાડો અને એ ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ પણ કરો, જેથી બીજાને ચડસાચડસી કરવાનું મન થાય અને બીજા પણ આ જ રસ્તે ચાલે.

એક પ્લાન્ટ એ કોઈ મોટી વાત નથી. જરા વિચારો કે અત્યારે જગતઆખું આ એક જ નિયમ પાળે કે એ પોતે એક પ્લાન્ટ ઉગાડશે તો પણ વાત ક્યાં જઈને પહોંચશે. એકેક ગલી, એકેક સોસાયટી જંગલ જેવી ઘટાટોપ થઈ જાય અને પર્યાવરણ ફરી એક વાર ધબકતું થઈ જાય. હમણાં નૅશનલ જ્યૉગ્રાફીના એક પ્રોગ્રામમાં જોયું કે પ્લાન્ટેશનની પ્રક્રિયા ઘટી ગઈ હોવાથી પક્ષીઓ ઘટી રહ્યાં છે. વાત વિચારવા જેવી છે, આંખ ઉઘાડનારી છે. આજે શહેરની હાલત તમે જુઓ. જે શહેરમાં મને ગ્રીનરી દેખાય છે એ શહેરના પ્રેમમાં પડી જવાનું મન થાય છે. અમદાવાદમાં તો બે-ત્રણ રેડિયોજૉકીએ પ્લાન્ટેશન માટે સરસ ઝુંબેશ પણ ચલાવી છે. એક સંસ્થા પણ તેમણે ચાલુ કરી છે. બહુ સરસ નામ આપ્યું છે એ સંસ્થાને, ટ્રી-ઇડિયટ્સ.
આપણે બધાએ સૃષ્ટિ માટે ઇડિયટની કૅટેગરીમાં મુકાઈ જવાની જરૂર છે અને એની શરૂઆત જૅકી શ્રોફે કહી એ વાતથી કરવાની છે. એક પ્લાન્ટ, માત્ર એક પ્લાન્ટ આપણે ઉગાડવાનું શરૂ કરવાનું છે. દરેક વ્યક્તિ એક પ્લાન્ટ ઉગાડશે તો પણ એક વર્ષમાં આ પૃથ્વી પર સાડાસાત અબજ નવાં વૃક્ષ આવી જશે. આવનારા આ ઝાડથી પૃથ્વીનું જે બૅલૅન્સ થશે એ આફ્ટરઑલ આપણા જ હિતમાં છે. જરા વિચાર કરો તમે, આજે એવી પરિસ્થિતિ છે કે ભરશિયાળે વરસાદ પડે છે અને ભરઉનાળે કડકડતી ઠંડી પડવાની હોય એમ હિમવર્ષા શરૂ થઈ જાય છે. ચોમાસામાં લાવારસ ફાટે છે અને પાનખરમાં પાન ખરવાને બદલે આખેઆખાં ઝાડ ખરી જાય છે. જો કરવાની કંઈ જરૂર હોય તો એ જ કે સજાગ થઈને આપણે વ્યક્તિગત રીતે પ્લાન્ટેશન તરફ વળીએ અને ફરીથી પૃથ્વીને હરિયાળી બનાવીએ.
એક પ્લાન્ટ. માત્ર એક પ્લાન્ટ. જો તમારી પાસે જગ્યાનો પ્રૉબ્લેમ હોય તો તમારા ઘરમાં પણ એનું વાવેતર કરી લો. ઇન્ડોર પ્લાન્ટ બહુ સરસ મળે છે હવે. એ લઈ આવો અને એ ઘરમાં ઉગાડો. આ ઇન્ડોર પ્લાન્ટથી કેવો ફરક પડશે એનો વિચાર અત્યારે નહીં કરો, વિચાર એ કરો કે તમારે એ દિશામાં આગળ વધવાનું છે. પ્લાન્ટના પ્રેમમાં પડવાનું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK