યાદ કરીએ પરબીડિયામાં બંધ સંભારણાંઓને ડાકિયા ડાક લાયા...

Published: 9th October, 2020 13:03 IST | Varsha Chitalia | Mumbai

ટેક્નૉલૉજીના યુગમાં મેસેજિંગના અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ એક સમયે પરીક્ષાનાં પરિણામોથી લઈને દીકરીનું વેવિશાળ કર્યું હોય એવા સમાચારો પત્ર દ્વારા પાઠવવામાં આવતા હતા.

 એક સમયે ટપાલ-સર્વિસ આપણા જીવનનો અભિન્ન અંગ હતી
એક સમયે ટપાલ-સર્વિસ આપણા જીવનનો અભિન્ન અંગ હતી

ટેક્નૉલૉજીના યુગમાં મેસેજિંગના અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ એક સમયે પરીક્ષાનાં પરિણામોથી લઈને દીકરીનું વેવિશાળ કર્યું હોય એવા સમાચારો પત્ર દ્વારા પાઠવવામાં આવતા હતા. મની-ઑર્ડર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, તાર, ટપાલ-ટિકિટ જેવા શબ્દો તેમ જ સાઇકલ લઈને ઘરે-ઘરે પત્ર આપવા આવતા ટપાલીઓ ફિલ્મી ગીતો, નવલકથાઓ અને વાર્તાઓમાં સ્થાન પામ્યા છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સર્વિસની ઉજવણી પ્રસંગે ઘરના સદસ્ય જેટલું મહત્ત્વ ધરાવતા ટપાલીની કાગડોળે રાહ જોતી તત્કાલીન પેઢીના હૃદયમાં ધરબાયેલી સ્મૃતિઓને ફરી કાગળ પર ઉતારીએ...

ટેક્નૉલૉજીના યુગમાં સંદેશ-વ્યવહાર માટેના અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ એક સમયે ટપાલ-સર્વિસ આપણા જીવનનો અભિન્ન અંગ હતી. ખબરઅંતર પૂછવા, લગ્ન નક્કી થવાં, પરીક્ષાનું પરિણામ, નોકરીમાં નિયુક્તિ તેમ જ દુખદ સમાચાર સહિતના તમામ પ્રકારના સંદેશ-વ્યવહારો માટે પોસ્ટલ સર્વિસ શ્રેષ્ઠ અને કદાચ એકમાત્ર જરિયો હતો. ‘ડાકિયા ડાક લાયા...’ ખાખી ડ્રેસકોડ ને ખભા પર ખાખી થેલો ભેરવી સાઇકલ પર નીકળતા ટપાલી અને પત્રની આતુરતાથી રાહ જોતી માતા, પત્ની કે માશુકાનાં દૃશ્યો હવે જોકે જૂની ફિલ્મો સિવાય ભાગ્યે જ જોવા મળે છે.
આપણે ત્યાં ટપાલ, પોસ્ટકાર્ડ, પરબીડિયું, ટપાલ-ટિકિટ, મની-ઑર્ડર, પોસ્ટ-ઑફિસ આ શબ્દો વાર્તાઓ, નવલકથાઓ, ફિલ્મો અને ગીતોમાં સ્થાન પામ્યા છે. કાગળ લખવાની પરંપરા પ્રચલિત હતી ત્યારે ભારતની લગભગ તમામ ભાષામાં પત્રગીતો લખાયાં છે. ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર...’, ‘લિખે જો ખત તુઝે...’, ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં...’ જેવાં ફિલ્મી પ્રણય ગીતોએ પ્રેમી પંખીડાંઓની લાગણીઓને વાચા આપી છે તો ‘ચિટ્ઠી આયી હૈ...’, ‘સંદેશે આતે હૈં...’, ‘ચિઠ્ઠી ના કોઈ સંદેશ...’ જેવાં ગીતોએ દેશપ્રેમના જજબાને ધબકતું રાખ્યું છે. ગુજરાતી ભાષામાં લખાયેલો આંધળી માનો કાગળ અને ધૂમકેતુની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઑફિસ’ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીંજવી દેવા સક્ષમ છે. બહુમૂલ્ય ટપાલ સેવા સાથે જોડાયેલાં આવાં અઢળક સંભારણાં તત્કાલીન પેઢીના હૃદયમાં ધરબાયેલાં છે. આજે ‘વર્લ્ડ પોસ્ટલ ડે’ના દિવસે પત્ર સાથે જોડાયેલી વાચકોની યાદગાર ક્ષણોને ફરી એક વાર કાગળ પર ઉતારીએ.

સગાઈ બાદ લખેલા પત્રો
હજી સાચવી રાખ્યા છે :
મીનલ મયંક પડિયા, માટુંગા

ભાવિ પતિનું નામ મયંક, બિલ્ડિંગ મોહન નિવાસ, વિસ્તાર માટુંગા, શહેર મુંબઈ. ૨૮ વર્ષ પહેલાં છેક તળાજાથી આ સરનામે પત્ર મોકલનાર મીનલબહેનને એ વખતે બહેનપણીઓ ચીડવતી કે તારે તો સિંહ રાશિ સાથે સારો પ્રાસ બેસી ગયો છે. બધું જ ‘મ’ પરથી. યાદોને તાજી કરતાં તેઓ કહે છે, ‘ગુલાબી કાગળને હૃદયના આકારમાં કાપી એમાં લાગણી વ્યક્ત કરવાની. પછી એ કાગળને દોરી વડે બાંધી પરબીડિયામાં બંધ કરીને પોસ્ટ કરવાનો. સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં ઉમળકાથી લખેલા પંદરેક પત્રોને આજે પણ જીવની જેમ સાચવી રાખ્યા છે. મયંકને પત્ર લખવા જુદી-જુદી ડિઝાઇન (વૉટર માર્ક)નાં રંગબેરંગી કાગળો લઈ આવતી. મારો કાગળ ચાર દિવસે પહોંચે ને પછી તેનો આવે એમાં દસ-બાર દિવસ નીકળી જાય. જવાબની રાહ જોવાની પણ જુદી જ મજા હતી. રસપ્રદ વાત એ કે હું ગુજરાતીમાં લખું ને જવાબ અંગ્રેજીમાં આવતો. એક વાર તેમણે અગડમબગડમ ગુજરાતીમાં પત્ર લખ્યો ત્યારે ખૂબ હસવું આવ્યું હતું. આ તો વાત થઈ યુવાનીના દિવસોની. વાસ્તવમાં પત્ર સાથે નાનપણથી સંબંધ રહ્યો છે. ૧૦ વર્ષની ઉંમરે માતા-પિતાએ પોરબંદરની કન્યા ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલી દીધી હતી. ગુરુકુળના નિયમો પ્રમાણે મહિનામાં એક વાર ઘરે પત્ર લખવાની પરવાનગી મળતી. એક વાર પોરબંદરમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઘણા સમય સુધી ટપાલ-સર્વિસને અસર થતાં પપ્પાનો પત્ર મળ્યો નહોતો. બીજી બાજુ મારો પત્ર પણ તેમના સુધી ન પહોંચતાં બધા ચિંતિત થઈ ગયા હતા. તેઓ રેડિયોમાં પૂરના સમાચાર સાંભળતા. બે મહિના પછી મળવા આવ્યા ત્યારે પપ્પાને ભેટીને ખૂબ રડી હતી. સંદેશ-વ્યવહાર સાથેની આવી તો ઘણી યાદગાર ક્ષણો મનમાં ધરબાયેલી છે અને હંમેશાં રહેશે.’

સ્કૂલમાંથી પોસ્ટ-ઑફિસની મુલાકાતે લઈ ગયા એ પહેલી ફીલ્ડ ટ્રિપ : દીપા પૂર્વેશ શાહ, બોરીવલી
નાનપણમાં સ્કૂલમાંથી ફીલ્ડ ટ્રિપ માટે વિદ્યાર્થીઓને પોસ્ટ-ઑફિસ જોવા લઈ ગયા હતા એ મુલાકાતને તાજી કરતાં એ વખતે માટુંગા વિસ્તારમાં રહેતાં દીપા શાહ કહે છે, ‘પોસ્ટ-ઑફિસના કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે, પત્રોને છૂટા પાડવાની રીત, કાગળ પર ગૂંદર કઈ રીતે લગાડવો જેથી ખોલવામાં સરળતા રહે, કયા પરબીડિયા પર કેટલા પૈસાની સ્ટૅમ્પ લગાવવા જેવી બાબતો નજરોનજર જોઈ એ જીવનભરનું સંભારણું છે. આ સિવાય પણ અનેક સ્મૃતિઓ છે. ત્યારે સ્કૂલની છેલ્લી પરીક્ષાનું પરિણામ પોસ્ટમાં આવતું હતું. મે મહિનામાં ૧થી ૧૦ તારીખ વચ્ચે હું ટપાલીના આવવાની રાહ જોતી. ટપાલીઓ બક્ષિસની આશાએ કાગળ ખોલીએ એટલી વાર ઊભા રહેતા. કોલામાં રહેતાં મામાના ઘરે પણ ઘણા પત્રો લખ્યા છે. અમે બધા કઝિન્સ એકબીજાને વેકેશનમાં કરેલા પ્રવાસનું વર્ણન અને જન્મદિવસની શુભેચ્છાના સંદેશાઓ પોસ્ટમાં મોકલતા. મોસાળમાં પત્ર લખતી વખતે અક્ષરોનું ખાસ ધ્યાન રાખતા. કાગળ પર ચોંટાડેલી સ્ટૅમ્પને કાપીને સંગ્રહી રાખતા. એ જમાનામાં પ્રાઇવસી જેવું હતું નહીં એથી ખબરઅંતર પૂછવા પોસ્ટકાર્ડનો વપરાશ વધુ થતો. અમારી પહેલાં બીજાએ પોસ્ટકાર્ડ વાંચી લીધો હોય તોય ગમતું. અત્યારે વીમાનાં કાગળિયાં પોસ્ટમાં આવે છે એવી રીતે શૅરબજારનાં કાગળિયાં આવતાં એવું યાદ છે. પપ્પા ઘરના બધાના નામે આઇપીઓ ભરતા. શૅર અલૉટમેન્ટનું એન્વલપ આવે ત્યારે કોને લાગ્યા એ વાંચવાનું એક્સાઇટમેન્ટ રહેતું. મફતલાલના શૅર મને લાગ્યા હતા એવું ધૂંધળું યાદ છે. હવે તો પોસ્ટમૅન ઘરે આવતા નથી. પુસ્તકો કે બિઝનેસને લગતા પત્રો હોય તો સોસાયટીમાં વૉચમૅનને આપીને જતા રહે છે. ડ્રેસકોડને ફૉલો કરતા ન હોવાથી ઘણી વાર કુરિયરવાળો છે કે પોસ્ટમૅન એ પણ ઓળખવું મુશ્કેલ છે.’

વર્ષો સુધી પત્રવ્યવહારે દાંપત્યજીવનનો ખાલીપો
ભર્યો હતો : પ્રીતિ ભરત દેસાઈ, વિલે પાર્લે
આજથી પાંચ દાયકા પહેલાં સંયુક્ત કુટુંબમાં નવી પરણેલી વહુ અને ધંધાર્થે મહિનાઓ સુધી બહારગામ રહેતા પતિ વચ્ચેના ખાલીપાને ભરવા પત્રવ્યવહાર એકમાત્ર સેતુ હતો. પતિદેવના સંદેશાની કાગડોળે રાહ જોતી નવોઢા ફિલ્મોમાં જ નહીં, વાસ્તવિક જીવનમાં પણ જોવા મળતી. ૧૯૭૭ની સાલમાં અનુભવેલી વિરહની એ ક્ષણોને વાગોળતાં વિલે પાર્લેનાં પ્રીતિ દેસાઈ કહે છે, ‘પોસ્ટનું નામ પડે એટલે સ્મરણોની એક શૃંખલા હૃદયમાં તાજી થઈ જાય છે. એ વખતે અમે સિક્કાનગર રહેતા હતા. ફૅમિલી બિઝનેસ દક્ષિણ ભારતમાં ફેલાયેલો હોવાથી મારા પતિ ભરત અને દિયર વારાફરતી બહારગામ જતા અને લાંબો સમય ત્યાં જ રહેતા. સાસરિયામાં નવું વાતાવરણ, નવું ઘર, નવા માણસો વચ્ચે ઍડ્જસ્ટ કરવાનું એટલે તેમના વગર ખાલીપો લાગતો. વિયોગના સમયમાં મનમાં જે લાગણીઓ સ્ફુરતી એને પત્રમાં ઉતારતી. લખતી વખતે શબ્દોની સાથે અશ્રુનાં ટીપાં ભળતાં અને શાહી પ્રસરી જતી. શરૂઆતના લગભગ સાતેક વર્ષ સુધી બન્ને પક્ષે પત્રનો બેતાબીથી ઇંતેજાર રહેતો. ચોથા માળ સુધી ભરબપોરે તડકામાં દાદરા ચડીને કાગળ આપવા આવતા ટપાલી ફરિશ્તા જેવા લાગતા. આજે ૬૮ વર્ષે પણ ક્યાંક ટપાલી દેખાઈ જાય તો તેમને ધન્યવાદ કહેવાનું મન થાય છે. પત્રની લેવડદેવડ ઉપરાંત ટ્રન્કકૉલ માટે પણ પોસ્ટ-ઑફિસ પર નિર્ભર રહેતા હતા. ભરત બહારગામ હોય ત્યારે દસેક દિવસે એક વાર મારા દિયર ફોર્ટ વિસ્તારમાં આવેલા જીપીઓમાં ટ્રન્કકૉલ કરવા લઈ જતા. તેઓ મુંબઈ આવતાં ત્યારે જીપીઓની આસપાસ ખૂબ ફરતા અને ફિલ્મો જોતા. રાતના ઘરે પાછા ફરતી વેળાએ વીટી સ્ટેશનની (હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) સામે આવેલા જૂસ સેન્ટરમાં કાલાખટ્ટા જૂસ પીતાં એનો સ્વાદ હજી ભુલાયો નથી. ટપાલ અને મુંબઈ જીપીઓ સાથે જોડાયેલાં અઢળક સંભારણાંઓને યાદ કરીને આજે પણ દિલ ખુશ થઈ જાય છે.’

પરીક્ષાનું પરિણામ અને નોકરીનો લેટર પોસ્ટમાં આવ્યાં હતાં : મુકેશ કપાણી, કાંદિવલી
’૮૦ના દાયકામાં ઘાટકોપરમાં રહેતા મુકેશ કપાણીનું કૉલેજની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. અધ્ધર જીવે ટપાલીની રાહમાં સવારથી રૂમમાં આંટાફેરા કરતા હતા. ઘરમાં બધાએ ચા-નાસ્તો કરી લેવાની સલાહ આપી, પરંતુ ટપાલી ન આવે ત્યાં સુધી ખાવાનું ગળે ઊતરે એમ નહોતું. ઘડીકમાં દરવાજા પર તો ઘડીકમાં મીઠાઈના ડબ્બા પર નજર ફેરવી લેતા. આગળની વાત કરતાં તેઓ કહે છે, ‘મહેતન તો ઘણી કરી હતી, પરંતુ દસમા ધોરણમાં ગણિતમાં એક વાર નાપાસ થયો હોવાથી મનમાં ફડકો હતો કે ક્યાંક ટપાલી ખરાબ સમાચાર ન લાવે. પોસ્ટમૅન આવતાં જ એના હાથમાંથી રીતસરનો કાગળ આંચકી લીધો હતો. પાસ થવાના સમાચાર વાંચીને પહેલાં ભગવાનને મીઠાઈ ધરી પછી બૉક્સ ટપાલીના હાથમાં આપ્યું. એ જમાનામાં ટપાલીને મીઠાઈ અને દિવાળીમાં બોણી આપવાનો રિવાજ હતો. પહેલી નોકરીનો પત્ર પણ ટપાલમાં જ આવ્યો હતો. દુબઈ રહેતા અંકલ ઇન્ડિયા આવતા ત્યારે તેમની લાઇફ-સ્ટાઇલથી પ્રભાવિત થઈ દુબઈમાં નોકરી માટે અપ્લાય કરી હતી. ઘણા દિવસ સુધી જવાબ ન આવતાં રોજ રાજાવાડી પોસ્ટ-ઑફિસમાં ધક્કા ખાતો. પોસ્ટમૅન મને કહે ઈધર મત આઓ, હમ ઘર પર આકે દે જાએંગે. દુબઈ ગયા પછી પત્ની સાથે આંતરદેશીય પત્રવ્યવહાર શરૂ થયો. ત્યાંની પોસ્ટ-ઑફિસમાંથી પત્ની અને દીકરી માટે ગિફ્ટ મોકલતો. આંતરદેશીય પત્રમાં જગ્યાની મર્યાદા હતી છતાં ટૂંકમાં લાગણી નિચોવીને મોકલતા. ત્રણેક વર્ષ પત્ર અને પાર્સલનો સિલસિલો ચાલુ રહ્યા બાદ ફૅમિલીને દુબઈ બોલાવી લીધી. ૨૭ વર્ષ દુબઈમાં રહ્યા એમાં શરૂઆતમાં એક્સટેન્ડેડ ફૅમિલી સાથે પત્રવ્યવહાર રહ્યો, પછી તો ફોન આવી ગયા. ખરેખર હસ્તલિખિત પત્રોની જગ્યા ડિજિટલ પ્લૅટફૉર્મ ક્યારેય લઈ ન શકે.’

પોસ્ટલ ડે સેલિબ્રેશન

વિશ્વની પ્રથમ વૈશ્વિક પોસ્ટલ સર્વિસ ૧૮૭૪ની ૯ ઑક્ટોબરે સ્વિટ્ઝરલૅન્ડના કૅપિટલ બર્ન ખાતે શરૂ થઈ હતી. વૈશ્વિક સંદેશ-વ્યવહારની શરૂઆત કરનાર યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)ના સ્થાપના દિવસે વર્લ્ડ પોસ્ટલ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પોસ્ટલ ડેની ઉજવણી દર વર્ષે ૧૦ ઑક્ટોબરે થાય છે. ભારતીય વિશ્વ ટપાલ સર્વિસના વિસ્તરણનાં ૧૫૦ વર્ષની યાદમાં આ દિવસે નૅશનલ પોસ્ટલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.

ભારતીય પોસ્ટલ સર્વિસનો
ટૂંકો ઇતિહાસ

૧૭૬૪માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તામાં ભારતની પ્રથમ પોસ્ટ-ઑફિસ સ્થાપી હતી. કંપનીની પ્રવૃત્તિઓનો વિસ્તાર મુંબઈ અને ચેન્નઈ સુધી ફેલાયેલો હોવાથી ટૂંક સમયમાં જ આ બન્ને શહેરમાં પણ પોસ્ટ-ઑફિસની સ્થાપના કરવામાં આવી. અંદાજે ૧૦ વર્ષ સુધી ટપાલ-સર્વિસ સરકારી કામકાજો પૂરતી સીમિત હતી. ૧૭૭૪ની ૭ જાન્યુઆરીએ પોસ્ટલ સર્વિસને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. વરાળથી ચાલતી નૌકા દ્વારા ટપાલ મોકલવાનો લઘુતમ દર ૧૦૦ માઇલે એક આનો હતો.

મુંબઈ જીપીઓ

શહેરના મોટા ભાગના ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ મેઇલ અને પાર્સલનું સંચાલન કરતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે-સ્ટેશનની નજીક આવેલી જનરલ પોસ્ટ ઑફિસ દેશની સૌથી મોટી પોસ્ટ-ઑફિસ છે. ૧૦૦ વર્ષ કરતાં જૂની આ ઇમારત ઇન્ડો-સેરેસિનિક આર્કિટેક્ચરનું ઉત્તમ સ્થાપત્ય છે. ૧૯૦૪માં બ્રિટિશ સરકારના તત્કાલીન સલાહકાર જૉન બેગ દ્વારા ઇમારતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. હાલમાં હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવતા આ સ્મારકને બનતાં ૯ વર્ષ લાગ્યાં હતાં. અંદાજે એક લાખ વીસ હજાર ચોરસ ફુટમાં વિસ્તરેલી જીપીઓની ઇમારતના નિર્માણ પાછળ એ વખતે ૧૮ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ થયો હતો. જીપીઓ મુંબઈ શહેરની મુખ્ય પોસ્ટ-ઑફિસ હોવાથી એનો ઇન્ડેક્સ-નંબર ૪૦૦ ૦૦૧ છે.

વિશ્વની એકમાત્ર ફ્લોટિંગ
પોસ્ટ-ઑફિસ ભારતમાં

કાશ્મીરના શ્રીનગરમાં દલ લેકમાં હાઉસબોટ પર બનાવવામાં આવેલી ફ્લોટિંગ પોસ્ટ-ઑફિસ વિશ્વની એકમાત્ર તરતી પોસ્ટ-ઑફિસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પોસ્ટ-ઑફિસ બ્રિટિશ શાસનકાળથી અસ્તિત્વમાં છે. અહીંથી પોસ્ટ કરેલી ટપાલનું સીલ પણ અનોખું હોય છે. એના પર તારીખ અને સરનામા ઉપરાંત શિકારાની ડિઝાઇન છે. હાઉસબોટની અંદર બે રૂમો છે. એક રૂમમાંથી ટપાલ ખાતાને લગતાં કામકાજો થાય છે અને બીજી રૂમમાં સ્ટેટ પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ શિકારામાં બેસીને અહીં આવે છે અને યાદગીરી રૂપે પોતાના ઘરે પોસ્ટકાર્ડ મોકલે છે. કુદરતી આપદા સિવાય આજ સુધી ફ્લોટિંગ પોસ્ટ-ઑફિસની સેવાને કોઈ તકલીફ નડી નથી.

અવનવું જાણવા જેવું
વિશ્વમાં સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવતા ભારતમાં હાલમાં અંદાજે દોઢ લાખ પોસ્ટ-ઑફિસો કાર્યરત છે, જેમાંથી ૮૯ ટકા પોસ્ટ-ઑફિસ ગ્રામીણ વિસ્તારમાં અને ૧૧ ટકા શહેરી વિસ્તારમાં છે.
પોસ્ટકાર્ડ અને પરબીડિયાં પ્રથમ કક્ષાની ટપાલ કહેવાય છે, જેને વિમાનમાર્ગે પહોંચાડવામાં આવે છે. જ્યારે દૈનિક પત્રો, સાપ્તાહિક, પુસ્તકો, પાર્સલ વગેરે રેલવે દ્વારા પહોંચાડવામાં આવે છે.
ટપાલને શહેર પ્રમાણે સરળતાથી છૂટી પાડવા દરેક પોસ્ટ-ઑફિસને ૬ આંકડાનો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર આપવામાં આવ્યો છે. પિનકોડનો પ્રથમ અંક ક્ષેત્ર, બીજો પેટા ક્ષેત્ર, ત્રીજો અંક જિલ્લો અને છેલ્લા ત્રણ આંકડા પોસ્ટ-ઑફિસ દર્શાવે છે. મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળ દરમ્યાન અંદાજે દોઢ લાખ પત્રો લખ્યા હતા. આ પત્રોને નૅશનલ આર્કાઇવવ્ઝ ઑફ ઇન્ડિયા દ્વારા આધુનિક પદ્ધતિથી સાચવી રાખવામાં આવ્યા છે. જનતાએ પણ બાપુને ખૂબ પત્રો લખ્યા છે. સ્વતંત્રતાની ચળવળ માટે આખા દેશમાં ફરતા હોવાથી પાક્કું સરનામું નહોતું તોય તેમના નામે આવતા પત્રો બાપુ સુધી પહોંચી જતા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK