ચાલો, લાઇફને જોવાની દૃષ્ટિ બદલાવીએ

Published: 10th January, 2021 15:59 IST | Bhavya Gandhi | Mumbai

પ્રૉબ્લેમ રહેશે, ગઈ કાલે કોવિડ હતો, તો આજે બર્ડ ફ્લુ આવી ગયો, પણ એનો અર્થ એ નથી કે લાઇફની બ્યુટીને ભૂલી જઈએ; આ પ્રૉબ્લેમ વચ્ચે પણ લાઇફ તો બ્યુટિફુલ રહેવાની જ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજે મારે જે વાત કરવી છે એ વાતની તમને ખબર છે, પણ એને સમજવાની આપણી કૅપેસિટી ઓછી થઈ ગઈ છે એવું કહીએ તો ચાલે. આપણે આજે એક વાત સરળતા સાથે સમજવાની કોશિશ કરવાની છે કે જેટલી પણ રાડો પાડીએ, જેટલી પણ ચીસો પાડીએ, લાઇફની બ્યુટી ઓછી નથી થવાની અને જો એ ઓછી ન થવાની હોય તો બ્યુટિફુલ લાઇફને આપણે જ ક્યાંક ને ક્યાંક ખોવાનું કામ કરીએ છીએ.

વાત મારા એક ફ્રેન્ડની છે. ખાસ ફ્રેન્ડ છે મારો, પણ હું તેનું સાચું નામ નહીં આપી શકું, પરંતુ એવું પણ માનતા નહીં કે આ વાત મારા એ ફ્રેન્ડની એકની જ છે. આ વાત અમારા જેવા અનેક યંગસ્ટર્સની છે, પણ એ બધાની પાસે આ વાત કહેવાનો કે પછી તમારા સુધી પહોંચવાનો રસ્તો નથી એટલે આપણે અહીં મારા ફ્રેન્ડ હાર્દિકની વાતને લઈએ છીએ.

લાઇફ બહુ સરસ છે. કોઈ આટલું પણ મારા એ ફ્રેન્ડ પાસે બોલે તો તેની કમાન છટકી જાય. તેને બહુ ગુસ્સો આવી જાય. તેના મોઢામાં બૅડ વર્ડ્સ પણ આવી જાય અને તે લાઇફને ઢગલાબંધ ગાળો પણ આપવા માંડે. હાર્દિકને હું વર્ષોથી ઓળખું, પણ સિરિયલ કરતો હતો ત્યારે હેક્ટિક શેડ્યુલ વચ્ચે નિયમિત મળવાનું બનતું નહીં, હવે ટીવીનું કામ ઓછું થયું એટલે રૂટીન મુજબ મળી શકીએ. મળવાની મજા પણ આવે. હમણાં હું અને હાર્દિક એક ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં ફ્રેન્ડના ઘરે જતા હતા. બાંદરામાં પાર્ટી અને સાંજનો સમય હોય એટલે નૅચરલી બાંદરા-ખાર વચ્ચે ટ્રાફિક મળે અને એમાં પણ અત્યારે લોકલ ટ્રેન ચાલુ નથી એટલે ટ્રાફિક વધારે હોય છે. એફએમ પર ગીતો વાગે અને એ ગીતો સાથે હું જોરજોરથી ગાતો પણ જાઉં. મને તો આમાં મજા આવતી હોય છે. આમ પણ મારી લાઇફ બીજાને ઈર્ષ્યા આવે એવી રહી છે. શૂટિંગ સિવાય બીજું કોઈ કામ હોય નહીં એટલે હું બાકીના સમયમાં મારી ઇચ્છા મુજબ લાઇફ જીવતો હોઉં છું. જિમ, એક્સરસાઇઝ, મારા ટેરેસ ગાર્ડનમાં રાખેલા પ્લાન્ટનું ધ્યાન રાખવાનું, ફૂડ, રીડિંગ અને મૂવી જુઓ. ઇન શૉર્ટ, મજ્જાની લાઇફ. મને પણ લાગે છે અને મારી આસપાસ જેકોઈ મારા ફ્રેન્ડ્સ છે એ લોકોને પણ આ લાઇફ બહુ મજાની લાગે છે. એમાં કાંઈ ખોટું પણ નથી. બીજાની નજરે જોઈએ તો મારી લાઇફમાં ખરેખર જલસા જ જલસા છે અને મને પણ એવું લાગે છે, પણ અત્યારે આપણે મારી વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે હાર્દિકની.

હાર્દિક દરરોજ સવારે ૭ વાગ્યે જાગે, ફટાફટ તૈયાર થઈ સવાઆઠની લોકલ ટ્રેન પકડવા ભાગે. અત્યારે લોકલ બંધ છે એટલે તે પોતાનું બાઇક લઈને ઑફિસ પહોંચે. બોરીવલીમાં રહેવાનું અને અંધેરી ઑફિસ જવાનું. ૮ વાગ્યે નીકળે એટલે તે સવાનવની આસપાસ ઑફિસ પહોંચે અને ત્યાં જઈને કામ શરૂ કરે. હાર્દિકના નસીબમાં બૉસના ટાર્ગેટ પૂરા કરવાનું વધારે લખાયેલું છે. ટાર્ગેટ પણ એવા મળે જે પૂરા કરવા ઇમ્પૉસિબલ હોય. ઇમ્પૉસિબલ ટાર્ગેટને પણ એ બિચારો અચીવ કરવાની ટ્રાય કરે, પણ એ ન થાય એટલે તેના ભાગે આવે બૉસની ગાળો ખાવાનું. ગાળો ખાઓ અને કામ કરો, ગાળો ખાઓ અને કામ કરો, ગાળો ખાઓ અને કામ કરો. આખા દિવસની આ પ્રક્રિયા અને એ પ્રક્રિયા પૂરી થાય સાંજે ૭ વાગ્યે. ૭ વાગ્યે ઑફિસથી નીકળે એટલે સાવ તૂટી ગયેલી હાલતમાં ફરી સ્ટેશને આવે અને ફરી એ જ ટ્રેન, એ જ ધક્કામુક્કી અને ફરી એ જ રાડારાડ અને ગાળાગાળ. ઘરે પાછો આવે ત્યારે તેને માટે મમ્મી-પપ્પાનું કચકચ ઊભું હોય. એ સાંભળવાનું અને સાંભળ્યા પછી થોડી વાર માટે સોસાયટીના કૅમ્પસમાં જઈને વૉક કરી પાછા આવવાનું. રાતે થોડી વાર મોબાઇલમાં ગેમ રમે તો એટલી વારમાં નવેસરથી મમ્મીની કચકચ શરૂ થઈ જાય એટલે મોબાઇલ પડતો મૂકીને સૂઈ જવાનું. બીજો દિવસ. એ જ રૂટીન, એ જ લાઇફ અને એ જ દુનિયા.

ટ્રેન, બૉસ, કામ, ગાળ, બાઇક અને એ જ લાઇફ.

નવું કશું નહીં.

હાર્દિક છેલ્લાં ચાર વર્ષથી ફરવા જવાનો પ્લાન બનાવે છે, પણ તે નથી જઈ શક્યો. એક નહીં, અનેક કારણો છે એનું આવું સરળ સપનું પૂરું નહીં થવા પાછળ. કાં તો બજેટ વિખેરાઈ ગયું હોય અને બજેટનો મેળ પડી જાય તો તેની પાસે રજાઓ ન હોય. રજાઓ હોય તો બૉસની પરમિશન ન હોય અને બૉસની પરમિશન પણ હોય, રજા પણ હોય, બજેટ પણ હોય તો અચાનક ફૅમિલીમાં કંઈક એવું બની જાય કે ભાઈએ બધું કૅન્સલ કરવું પડે. હવે તેણે બિચારાએ વેકેશન વિશે બોલવાનું, ફરવા જવાનું પણ લગભગ કૅન્સલ જ કરી નાખ્યું છે. ગયા વર્ષે તો એવું થયું કે તેણે ટિકિટ પણ બુક કરાવી લીધી અને તે એપ્રિલમાં ફરવા જવાનો હતો, પણ ત્યાં કોવિડે બધું બગાડ્યું. નસીબની એક વાત કહું તમને, એપ્રિલમાં તેણે બુક કરાવેલી ફ્લાઇટનું રિફન્ડ તેને છેક હમણાં, પાંચેક દિવસ પહેલાં જ મળ્યું. વેકેશનનો વિચાર પણ હવે તેને શરમ જેવો લાગે છે. તેને એવું લાગે છે કે હવે જો તે વેકેશન કે ફરવા જવા વિશે બોલશે તો અમે ફ્રેન્ડ્સ તેની મજાક કરીશું. હાંસી ન ઊડે એ માટે તેણે સિમ્પલ નિયમ કરી નાખ્યો છે, કોઈની પાસે પોતાના એક પણ સપનાની વાત કરવી નહીં. હવે તેને ટાઇમ મળે છે તો એ માત્ર ફ્રેન્ડ્સને મળે છે અને પછી થોડી વાર એ બધાની વાતો સાંભળીને છૂટો પડી જાય છે. છૂટા પડ્યા પછી એ વધારે ને વધારે ડિપ્રેસ થાય છે. મનમાં ને મનમાં બળતરા કાઢ્યા કરે છે અને અફસોસ વ્યક્ત કર્યા કરે છે કે આવી તે કેવી રીતે જીવી શકાય, પણ એ પછી, એ પછી બિચારો અગેઇન એ જ રૂટીનમાં ગોઠવાય જાય છે. પેલા ગીતની જેમ, ‘જીના ઇસી કા નામ હૈ...’

પેલા દિવસે અમે ટ્રાફિકમાં હતા ત્યારે હું તો એ ટ્રાફિકને પણ માણતો હતો અને હાર્દિક ગુસ્સે થતો હતો. મેં તેને શાંત કરવાની કોશિશ કરી તો તે તરત જ મારા પર ગુસ્સે થવા માંડ્યો. તેની દલીલો પણ ગજબની હતી. મને કહે, ‘તું તો રહેવા જ દે, તારી લાઇફ એકદમ હૅપનિંગ છે, મારી લાઇફ શું છે એનો તને કોઈ વિચાર પણ નહીં હોય.’

હું તેને સાંભળું અને સાથે-સાથે એફએમ પર વાગતાં ગીતો પણ સાંભળું. મને આવું કરતો જોઈને હાર્દિકે રેડિયો બંધ કરી દીધો અને ગુસ્સે થઈને મોં ફુલાવીને બેસી ગયો. હું તરત જ સમજી ગયો કે ભાઈની કમાન આજે થોડી વધારે છટકેલી છે.

મેં હાર્દિકને કહ્યું કે જો તને એમ લાગતું હોય કે તારી લાઇફ બેકાર છે તો તું તારું ગમતું કામ કર, કામ નહીં તો તને ગમે એ કર અને સાથે-સાથે એવું કરવાની કોશિશ કર કે તને એમાં મજા આવે. મને એની પેલી જૂની ઇચ્છા યાદ આવી ગઈ. મેં તેને કહ્યું કે મૂક બધી ચિંતા અને તું ફરી આવ, પણ હાર્દિકે કહ્યું કે જો હું કામ છોડીને ફરવા જાઉં તો મારી પાછળ કશું વધે નહીં. અમારી વાતો ચાલતી હતી એ દરમ્યાન મને ટ્રાફિકમાંથી થોડી જગ્યા મળી એટલે મેં ગાડી આગળ લીધી અને અમે નીકળી ગયા.

ગાડી આગળ ચાલતી રહી અને મારા વિચારો પણ. આપણી લાઇફ પણ કેવી થઈ ગઈ છે. સ્કૂલ સમયથી આપણે શેડ્યુલ સાથે જીવવા માંડ્યા છીએ. સ્કૂલ પછી કૉલેજ અને કૉલેજ પછી જૉબ અને જૉબ પછી મૅરેજ, બાળકો અને પછી બાળકો મોટાં કરીને તેમને ભણાવો, પરણાવો અને પછી ગુજરી જાઓ. આવું નહીં ચાલે. તમારે તમારા પોતાના માટે તો સમય કાઢવો જ પડે અને સમય કાઢીને કંઈક એવું કરવું પડે જે તમને ગમતું હોય. ગમતું કરવાની જવાબદારી તમારી છે અને તમારે એ ઉપાડવાની છે. તમને ખુશ રાખવાની જવાબદારી બીજો કોઈ ક્યારેય લઈ જ ન શકે. જો તમે તમારી જાત માટે સમય ન ફાળવી શકો તો પછી કેવી રીતે બીજો કોઈ એ જવાબદારી લે. હું તો હસબન્ડ અને વાઇફમાં પણ આ જ વાત કહેવા માગું છું. આજે ઘણી વાઇફ એવું કહ્યા કરતી હોય છે કે તમે મને ક્યાંય લઈ જ નથી જતા, પણ મારું કહેવું છે કે કોઈએ તમને લઈ પણ શું કામ જવાં પડે. તમે નાનાં તો છો નહીં કે આંગળી પકડીને લઈ જવાં પડે. જો હસબન્ડ કોઈ જાતની કચકચ ન કરતા હોય તો જીવોને લાઇફ મસ્ત રીતે. તમારી લાઇફ છે, એને મસ્ત રાખવાની જવાબદારી તમારી છે અને તમારે એ જવાબદારી નિભાવવાની છે. તમારી જવાબદારી તમે બીજા પર કેવી રીતે થોપી શકો. એ તેનું કામ જ નથી. માન્યું કે એ માણસ બહુ સારો હશે તો એ બિચારો આ કામ કરી લેશે, પણ ધારો કે તે એવો નથી તો પછી શું કામ તમે આવા આક્ષેપ કરીને તેને પણ ગિલ્ટ આપો છો. સિમ્પલ નિયમ રાખવાનો. મારી લાઇફ છે અને એ લાઇફને એક જ વાત લાગુ પડે છે ઃ લાઇફ ઇઝ બ્યુટિફુલ.

તમારી લાઇફને બ્યુટિફુલ બનાવવા માટે જો તમને કોઈ ત્રાહિતની જરૂર પડતી હોય તો માનજો તમે ખોટી દિશામાં જીવી રહ્યા છો અને તમે તમારી હૅપિનેસને સાચા રસ્તે વાળવાનું ભૂલી ગયા છો. તમે જીવો અને બીજાને પણ સરસ રીતે જીવવા દો. બધા કહે છે કે માનવજીવન એક વાર મળે છે તો આ એક વાર મળી રહેલા માનવજીવનને શું કામ તમારે બ્લેમ-ગેમ બનાવી દેવું છે? એક વખત લીધેલા જન્મને ઉત્સવની જેમ ઊજવી લો અને એને હાર્દિક જેવું બનાવી રાખવાને બદલે એને લહેરાતું છોડી દો. તકલીફો રહેવાની છે, મુશ્કેલીઓ રહેવાની છે અને એ હશે તો જ લાઇફની બ્યુટીનો સાચો આનંદ આવશે. ભૂલતા નહીં કે દરરોજ ખાવા મળતાં ડ્રાયફ્રૂટ્સ પણ ખીચડીનો સ્વાદ યાદ કરાવી દે છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK