Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણા જીવનની રામાયણમાં પણ સમજવું જોઈએ લક્ષ્મણરેખાનું મહત્ત્વ

આપણા જીવનની રામાયણમાં પણ સમજવું જોઈએ લક્ષ્મણરેખાનું મહત્ત્વ

16 July, 2020 09:23 PM IST | Mumbai
Jayesh Chitalia

આપણા જીવનની રામાયણમાં પણ સમજવું જોઈએ લક્ષ્મણરેખાનું મહત્ત્વ

જીવનની પણ સીમારેખા આવશ્યક છે.

જીવનની પણ સીમારેખા આવશ્યક છે.


રામાયણની કથામાં જંગલમાં જ્યારે સોનાના મૃગ પાછળ ગયેલા શ્રીરામને શોધવા ભાઈ લક્ષ્મણ સીતાજીની સૂચનાથી જાય છે ત્યારે કુટિરમાં એકલાં રહી જતાં સીતાજીની રક્ષા માટે એક રેખા દોરીને જાય છે અને સીતાજીને એ રેખાને નહીં ઓળંગવાની વિનંતી કરતા જાય છે. આ રેખા લક્ષ્મણરેખા તરીકે આજે પણ જાણીતી છે અને આપણે એનો કહેવત તરીકે યા બોધ–ચેતવણી તરીકે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. જોકે ચાલાક રાવણ સાધુના સ્વાંગમાં આવી સીતાજીને એ લક્ષ્મણરેખા ઓળંગવા મજબૂર કરે છે અને આખરમાં સીતાજી જેવાં એ રેખાની બહાર આવે છે કે રાવણ તેમને ઉપાડી જાય છે. એ પછી રામાયણનો એક ટર્નિંગ પૉઇન્ટ શરૂ થાય છે યા કહો કે રામાયણની કથા નવો વળાંક લે છે. આપણે શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણની રામાયણની વાત કરવી નથી બલકે આપણા જીવનની રામાયણની વાત કરવી છે, કારણ કે આ લક્ષ્મણરેખા સહિત ઘણી રેખાઓ આપણા જીવનમાં પણ જરૂરી હોય છે, જેની બહાર જવાનું ટાળવું જોઈએ.
આ રેખા દોરવા કોઈ લક્ષ્મણ મિત્ર કે સગાં સ્વરૂપે યા અજાણ વયિક્તિ કે પછી અનુભવ સ્વરૂપે પણ આવી શકે, આપણે એ રેખાને ઓળખવી-સમજવી પડશે અને ઘણી વાર તો આપણે પોતે જ આવી વિવિધ રેખા જીવનમાં ખુદને માટે દોરવી પડે. આ વિભિન્ન રેખાની વાત કરીએ.
પ્રત્યેક માનવીને જીવનમાં કંઈક બનવું હોય છે (માનવી બને કે ન બને, કારણ કે માનવી તો એ છે જ તે પહેલેથી માનીને ચાલે છે), દરેકની મહત્ત્વાકાંક્ષા હોય છે સંપત્તિવાન બનવાની, પ્રસિદ્ધ બનવાની, મોટાં પદ મેળવવાની, મોટી નોકરી પામવાની કે બિઝનેસમૅન બનવાની વગેરે. અલબત્ત, કંઈક મોટા બનવાની મહત્ત્વાકાંક્ષા ખોટી બાબત નથી, પરંતુ મહત્ત્વાકાંક્ષાને હાંસલ કરવામાં માણસ ખોવાઈ જાય, સતત તેની પાછળ દોટ લગાવતો રહે, પરિવારને, મિત્રોને, સમાજને પણ ભૂલી જાય અને માત્ર સ્વકેન્દ્રી બની જાય તો એનો કોઈ અર્થ ખરો? મોટા થયા બાદ હજી મોટા થવું હોય છે, હજી મોટા થયા બાદ ફરી વધુ મોટા થવું હોય છે; કારણ કે હજી બીજા ઘણાથી નાના છીએ. એક તુલનાની શરૂઆત થઈ જાય અને પછી એ સતત માણસને એ જ દિશામાં આગળ વધવા મજબૂર કરતી રહે એવી મહત્ત્વાકાંક્ષાને કોઈ રેખા હોવી જોઈએ એવું લાગતું નથી?
ધનની વાતમાં તો રેખાને અદકેરું મહત્ત્વ. માણસ પ્રસિદ્ધિ અને પૈસાથી ધરાઈ જાય એવું ભાગ્યે જ બને છે. પૈસા કમાવા, એશોઆરામમાં રહેવું, લક્ઝરી લાઇફ જીવવી, પોતાના મોટા ફ્લૅટ કે બંગલો–ગાડી હોવા એ પૈસાની તાકાત વિના થાય નહીં. પૈસાથી બધું જ ખરીદી શકાય. સુખ, સુવિધા, માણસો (નોકરો), પદ, પ્રતિષ્ઠા, વર્ચસ્વ, વગ વગેરે. માત્ર પછીની નહીં બલકે ચાર-પાંચ પેઢી કે સાત પેઢી સુધી ચાલે એટલું ધન ભેગું થઈ ગયા પછી પણ માણસની પૈસાની તરસ બુઝાતી નથી કે પછી માણસ જ પોતે એવો થઈ જાય છે. ક્યારેક લાગે કે દુનિયામાં સૌથી વધુ અસલામતી અનુભવતો માણસ ગરીબ કરતાં પૈસાદાર હોય છે. તેને યે દિલ માંગે મોરમાંથી મુક્તિ મળવી મુશ્કેલ થઈ પડે છે. આવાં અનેક ઉદાહરણ આપણને રાજકારણ, ઉદ્યોગ જગત સહિત વિવિધ ક્ષેત્રમાં જોવા મળે છે જેઓ પૈસાને જ જીવન સમજી બેસે છે. સંપત્તિવાન હોવામાં ખોટું નથી, પરંતુ શું ધન એકઠું કરવા સામે પણ કોઈ સંતોષની રેખા હોવી જોઈએ કે નહીં?
સંતોષની રેખા સૌથી મહત્ત્વની
આપણે ભોજન માટે બેસીએ ત્યારે એ કેટલું પણ ભાવતું લાગે, પરંતુ આપણે ક્યાંક ઓડકાર લેવાનો જ રહે છે અન્યથા એ સ્વાદના આનંદને માંદગીની વિષમતામાં પરિવર્તિત કરી શકે છે. આપણે મનોરંજન માટે કંઈ પણ કરીએ ત્યારે એ મનોરંજનનો આનંદ પણ આપણને અમુક સમય સુધી જ મળી શકે છે, એનો અતિરેક થઈ જાય તો મનોરંજન પણ માથાનો દુખાવો બની શકે છે. અર્થશાસ્ત્રનો સાદો નિયમ છે, જેને સતત પામતા જઈએ તેમ-તેમ એનો આનંદ ઓછો થતો જાય છે (ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી). સંતોષ અને સ્પેસ દરેક બાબતમાં આવશ્યક તત્ત્વ છે. કોઈ પણ વિષયનો અતિરેક આનંદને કે સુખને છીનવી લે છે. વાસ્તે આપણા જીવનવ્યવહારમાં સંતોષી નર સદા સુખી એવી કહેવત બની છે. અલબત્ત, સંતોષની રેખા કે વ્યાખ્યા દરેકે પોતે બનાવવી પડે. સંતોષની રેખા જ સૌથી મહત્ત્વની રેખા છે. સંતોષની રેખા પરથી જ શાંતિની દિશા યા મંઝિલ સુધી પહોંચી શકાય છે, કારણ કે અંસતોષી માનવી
ઘણુંબધું પામશે, પરંતુ શાંતિ નહીં પામી શકે. શાંતિ માત્ર સંતોષને જ પ્રેમ કરે છે.
વિશાળ સાગર પણ બે કિનારાની રેખા લઈને બેઠો છે, ફેલાયેલો છે. એના બે કિનારા આપણને દેખાતા ભલે ન હોય, એ ભલે આપણને અસીમ લાગે; પરંતુ એની સીમા-મર્યાદા-રેખા પણ છે. આ રેખાથી જ એનું સૌદર્ય છે, સહજતા, ભવ્યતા છે અને એની ગહનતા છે.
પરમાનંદ તરફની યાત્રા
હા, એક રેખા હોય છે, આનંદની રેખા, આ રેખાને સીમા બનાવવાની જરૂર નથી; પણ આનંદની યાત્રા પરમાનંદ તરફની યાત્રા બનવી જરૂરી છે, એના વિના આનંદ પણ અધૂરો અને અપૂર્ણ ગણાય. માણસનો આનંદ અનેક માર્ગે લઈ શકે છે, પરંતુ એમાં ઉત્તમ માર્ગ એ છે જે જગત સાથે વહેંચી શકાય એ આનંદ મેળવવો. તમે એકલા યા સીમિત વર્ગ સાથે આનંદ પામશો તો એ આનંદ ખરો, પણ સંકુચિત બની રહેશે. જોકે પરમાનંદની યાત્રા તરફ વળી ગયેલા આનંદ આ સંકુચિતતામાંથી પણ મુક્ત થઈ જાય છે. કેમ કે હવે પરમ બાદ કંઈ પામવાનું રહેતું નથી. મજાની વાત હવે એ કહેવી છે કે પરમાનંદ માટે પણ પાછળ પડી જવાનું નથી, એને પણ મહત્ત્વાકાંક્ષા બનાવવાની નથી અન્યથા એ એની સહજતા ગુમાવી દેશે, જ્યારે કે પરમ સહજ અને સરળ છે, એને બંધન અને આગ્રહ માફક આવતાં નથી. પરમાનંદ સાવ જ ગરીબ, સાવ જ નીચા પદના યા પદ વિનાના માણસને પણ મળી શકે છે. પરમાંનદ સરળતા, શુદ્ધતા, સહજતાના માર્ગે જ મળે છે. આ માટે કોઈ રેખા દોરવાની પણ જરૂર નથી, એ રેખાથી પણ પર છે.
જીવનની રેખા પણ પરમાત્માએ હસ્તરેખા સ્વરૂપે આપણા હાથ ઉપર દોરીને જ આપી છે જેને આપણે આપણી આયુષ્યની રેખા પણ કહીએ છીએ. એ સમજાય કે ન સમજાય એ જુદી વાત છે. પણ એ આપણા હાથમાં સમાયેલી ચોક્કસ છે. આ વિષયમાં ક્યારેક આવો વિચાર પણ સહજ આવી જાય.
મૃત્યુ પછી માનવીની હાથની રેખા કેમ બદલાતી નથી?
હવે શું લખાયું હશે તેની કિસ્મતમાં?
જ. ચિ.
આ શું લખાયું હશે એ આપણને ખબર નથી અને ખબર પડશે પણ નહીં એમ છતાં એ સત્ય છે અને રહેશે કે જીવનની પણ સીમારેખા આવશ્યક છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 09:23 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK