ફિલ્મોમાં પણ મર્મની અનેક વાતો હોય છે; બસ, તમને ગ્રહણ કરતાં આવડવું જોઈએ

Published: 19th December, 2011 09:55 IST

જીવનની સચ્ચાઈનો જે માર્મિક ઉપદેશ આપણને સિનેમા દ્વારા મળે છે એ વ્યાસપીઠ પરથી કે ઉપાશ્રયમાંથી કદીયે નથી મળતો : ફૅમિલી-લાઇફને હરીભરી અને હરિયાળી રાખવામાં જો તમને કશું પાપ લાગે તો એ મારા માથે, ઓકે?

 

(મન્ડે મંથન - રોહિત શાહ)

તમે ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ જોઈ જ હશે. એની સ્ટોરી કંઈક એવી છે કે શહેનશાહ અકબરનો દીકરો સલીમ રાજ્યની નૃત્યાંગના અને એક સામાન્ય સ્ત્રી અનારકલીને ચાહે છે. પોતાની સાચી ચાહત માટે તે સમગ્ર સલ્તનત સામે લડવા મક્કમ રહે છે. આ ફિલ્મમાં એક સુંદર પ્રસંગ ગૂંથેલો છે. રાજદરબારમાં એક તરફ અનારકલી અને બીજી તરફ એક રાજકુંવરી વચ્ચે કવ્વાલીની કૉમ્પિટિશન થાય છે. શહેનશાહ અકબરની મોજૂદગીમાં કવ્વાલી પૂરી થયા પછી સલીમ ઊભો થઈને પેલી રાજકુંવરીને ગુલાબનું ફૂલ ભેટ આપે છે અને પછી અનારકલી પાસે જઈને તેને બાવળની શૂળ (કાંટો) આપે છે. રાજકુંવરી રાજી થઈને અનારકલી સામે વ્યંગમાં સ્માઇલ કરે છે. કદાચ તે એમ કહેવા માગે છે કે તું જેને ચાહે તે સલીમે મને ફૂલ આપ્યું અને તને કાંટો આપ્યો, પરંતુ અનારકલી જેનું નામ. સાચો પ્રેમ કદી ગેરસમજ કરે ખરો? અનારકલી એક જ વાક્યમાં જવાબ આપે છે, ‘કાંટે કો કભી મુરઝાને કા ગમ નહીં હોતા.’

તમાચા કરતાં તીખો અને તેજાબ કરતાં જલદ જવાબ છે આ. તે કહે છે કે તને જે ફૂલ આપ્યું છે એ તો સાંજે મૂરઝાઈ જશે, મને જે કાંટો મળ્યો છે એ કદીયે કરમાઈ જવાનો નથી; મારા પ્રેમીએ મને અમારા પ્રેમ જેવી જ અમર ચીજ ગિફ્ટમાં આપી છે.

વ્યાસપીઠો અને ઉપાશ્રયોમાં આપણને કયો ઉપદેશ આપવામાં આવે છે? આ સંબંધો બધા નકામા છે; સૌ સ્વાર્થનાં સગાં છે, એની માયા ન કરશો. જ્યારે આ ફિલ્મ આપણને કેવો ઉપદેશ આપે છે? પ્રેમ પામવો એ બડી ઉપલબ્ધિ છે, ગેરસમજ કરીને એને ખોઈ ન બેસો. લાગણીની માવજત કરો. પ્રેમની પવિત્રતાને સમજો.

પેલું ફિલ્મી ગીત તમે સાંભળ્યું જ હશે -

હમને દેખી હૈં ઉન આંખોં કી મહકતી ખુશ્બૂ
હાથસે છૂ કે ઇસે રિશ્તોં કા ઇલ્ઝામ ન દો...
સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો...
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ના દો...


ફિલ્મો આપણને કહે છે કે નામ વગરના સંબંધને પણ ખોટી રીતે અભડાવશો નહીં. જે ચીજ આત્મા વડે મહેસૂસ કરવાની જ છે એને ખોટા હાથ વડે સ્પર્શ કરીને બદનામ ન કરશો.

લાઇફમાં કોઈકને લવ કરવાની કેવી મજા પડે છે. બાવળના થડિયા જેવા બાવાઓ કહે છે કે પ્રેમ-બ્રેમથી આઘા રહો અને જો તમે ભૂલથીયે કોઈના પ્રેમમાં પડશો તો તમારા આત્માનું અધ:પતન થઈ જશે, કારણ કે વિજાતીય પ્રેમ આત્મકલ્યાણના માર્ગનો અવરોધ છે. સાલી આ વાત ગળે જ નથી ઊતરતી. સંસારની સૌથી શ્રેષ્ઠ અને કીમતી ચીજ જો કોઈ હોય તો એ પ્રેમ છે. પ્રેમ કરવો એ શું પાપ છે? બાવાઓ પ્રેમનું નામ સાંભળીને કેમ ભડકી ઊઠે છે? કે પછી પોતાને જે ઉમદા ચીજ નથી મળી એ બીજાને મળતી જોઈને પોતાનો આક્રોશ ઠાલવે છે? પ્રેમ ન કરી શકે તે વ્યક્તિ ભક્તિ કરી શકે એ વાતમાં માલ નથી.

ગરબડિયા ગામનો બાવો એમ કહે છે કે પ્રેમ તો ક્ષણિક ઊભરા જેવો છે. ફિલ્મી ગીત કહે છે:

ઝિંદગી પ્યાર કી દો-ચાર ઘડી હોતી હૈ
ચાહે થોડી સી હો યે ઉમ્ર બડી હોતી હૈ


યાર, પ્રેમ તો એવી જડીબુટ્ટી છે કે જે આપણું આયખું લંબાવી આપે છે અને આયખાને શણગારી આપે છે.

ચાલો, એક બીજી ફિલ્મની વાત કરું. તમે ‘પ્યાર તો હોના હી થા’ ફિલ્મ જોઈ ન હોય તો તમે જિંદગીનો ફેરો ફોગટ કાઢ્યો છે એમ માનજો. આમ તો એ  અંગ્રેજી ફિલ્મ ‘ફ્રેન્ચ કિસ’ની બેઠ્ઠી નકલ છે, પણ લાઇફની જે લિજ્જત એમાં ઠસોઠસ ભરી છે એ કાબિલેદાદ છે. અજય દેવગફૂ (શેખર) અને કાજોલ (સંજના) પ્લેનમાં આકસ્મિક મળી જાય છે. કાજોલ પોતાના પ્રેમીને મળવા વિદેશથી ભારતમાં આવે છે અને અજય દેવગન ચોરી કરીને પાછો ફરી રહ્યો છે. તબક્કાવાર કથા આગળ ચાલે છે અને કાજોલને ખબર પડે છે કે તે જે પ્રેમને શોધવા આવી હતી એ પ્રેમ નહોતો, સ્થૂળ પસંદગી જ માત્ર હતી. અજય દેવગન તેને વિવિધ રીતે મદદરૂપ થતો રહે છે અને પોતાની લવ-ફીલિંગને ખામોશ રાખે છે. કાજોલ વિદેશ પાછા જતી વખતે વિદેશમાં પોતે બનાવેલું સપનાનું ઘર વેચી દઈને અજય દેવગનને ચોરીના આરોપમાંથી બચાવવાની કોશિશ કરે છે ત્યારે પોલીસ-ઇન્સ્પેક્ટર ખાન (ઓમ પુરી) એક ફાંકડો ડાયલૉગ બોલે છે. તે કહે છે કે દરેક માણસે લાઇફમાં એક વખત કોઈને પ્રેમ કરવો જ જોઈએ, પ્રેમ આદમીને અચ્છો બનાવી દે છે.

ફિલ્મો મનોરંજનની સાથે-સાથે

ફૅમિલી-રિલેશનની માવજતનો જે બોધ આપે છે એવો બોધ બાવાઓ બિચારા ક્યાંથી આપી શકે? ‘અતિથિ તુમ કબ જાઓગે?’ ફિલ્મ છેક સુધી હળવી કૉમેડીરૂપે ચાલે છે, પણ અંતે જે માર્મિક બોધ આપે છે એની માર્કેટ-વૅલ્યુ ઘણી ઊંચી છે. તમે કદાચ આ ફિલ્મ જોઈ જ હશે. જોઈ હોય તો પણ છેલ્લે સતીશ કૌશિક જે ભાવવાહી ડાયલૉગ બોલે છે એ સાંભળવા માટે ફરીથી જોઈ આવજો. જીવનની કેવી વાસ્તવિકતા તેના ડાયલૉગમાં ઘૂંટાયેલી છે! ના, હું અહીં તમને એ ડાયલૉગ કહેવાનો નથી. તમારે કંઈક લાગણીભર્યું અને લાગણીભીનું પામવું હોય તો એ ફિલ્મ ન જોઈ હોય તો જોઈ આવજો અને જોઈ હોય તો ફરીથી જોજો. જીવનની સચ્ચાઈનો એ ચહેરો તમને ક્યાંય કોઈ ઉપાશ્રયમાં સાંભળવા નહીં મળે, લાગી શરત?

ફૅમિલી-લાઇફને હરિયાળી બનાવીએ

ફિલ્મ જોવામાં પણ જે પાપ સમજે છે તેને પુણ્યની વ્યાખ્યા ક્યાંથી મળશે યાર? ફૅમિલી-લાઇફને હરિયાળી અને ખુશખુશાલ બનાવવી એમાં કોઈ પાપ નથી. પત્નીની પ્રેમાળ પ્રતીક્ષા મળતી હોય તો હજાર સ્વર્ગ કુરબાન કરી દઈ શકાય. માતાનું વાત્સલ્ય માણવા મળતું હોય તો મોક્ષ જાય તેલ લેવા. ભાઈ-બહેનના સ્નેહની સુગંધ મળતી હોય તો આત્માના કલ્યાણની ગરજ શા માટે રાખવાની? દૂર બેઠું-બેઠું કોઈ પ્રિય પાત્ર આપણને પ્રેમથી તરબોળ કર્યા કરતું હોય તો ભવસાગરમાં ડૂબી જવાનો ભય કોને રહે? એકાદ પ્રિય મિત્ર આપણા પડખે હોય તો પછી લાખો સમસ્યાઓ ભલેને આવતી. જિંદગી જીવવા જેવી અણમોલ ચીજ છે. એ વારંવાર મળતી હશે કે નહીં એની ખબર નથી. જે સુખો અત્યારે મળ્યાં છે એ પછીના કોઈ ભવમાં મળવાની કશી ગૅરન્ટી નથી. શા માટે આ સુખોથી આઘા જવું? સુખ ભોગવવું એ પુણ્ય છે. આપણા સુખમાં અનેક લોકોને સહભાગી બનાવવા એ ધર્મ છે. સંબંધો સ્વાર્થના હોય તોય એને પરમાર્થના બનાવવાની ત્રેવડ હોય તો માનજો કે તમારી ભીતરમાંથી જ પ્રેમની ગંગોત્રી વહી રહી છે અને ગંગોત્રી તમારી લાઇફને પવિત્ર કરી મૂકશે જ.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK