ગયા ગુરુવારનું રીકૅપ.
પન્ના એક વાઘણની જેમ મારા પર તૂટી પડી હતી. મને લેફ્ટરાઇટ લઈ નાખ્યો. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. એક વાક્ય મારા કાનમાં ગુંજતું રહ્યું, ‘તું નક્કી કર, તારે કલાકાર થવું છે કે મવાલી? તું થવા માગશે એને હું સપોર્ટ કરીશ પણ તું નક્કી કર મક્કમ બનીને. તું ફેમસ બન્ને રીતે થઈ શકશે, પણ મને જવાબ કાલે ને કાલે જોઈએ. જવાબ ન આપી શકતો હોય તો તારી સાથે સંબંધ રાખીને કોઈ મતલબ નથી.’
આખી રાત એક જ વિચાર અને વાત મારા મનમાં પન્નાના અવાજમાં પડઘાતી રહી. બીજા દિવસે જવાબ આપવાનો હતો.
શું જવાબ આપું એ સૂઝતું નહોતું.
ઍક્ટર બનું કે ડૉન બનું એ એક વિમાસણ હતી. કે. સી. કૉલેજ એ જમાનામાં એક-એકથી જાય એવા મવાલી, ટપોરી, ગુંડાઓ જેવા વિદ્યાર્થીઓ અને વિઝિટરો, મહેમાન, અતિથિ ભાઈલોગોથી ભરેલી હતી. જો તમારે કોઈ પણ ઇવેન્ટ કરવી હોય તો થોડી દાદાગીરી, દુશ્મની, ચમચાગીરી, ભાઈગીરી કરીને જ થઈ શકે. તમે થોડો અવાજ લગાવો કે મોટે અવાજે વાત કરો તો તમારી ઇવેન્ટને સપોર્ટ કરવા અમુક નાના-મોટા ફુટકડિયાઓ આવી જાય. ૧૯૭૨થી ૧૯૮૫માં ભાઈગીરીનું ગ્લૅમર જ અલગ હતું. ભાઈ કા આદમીનું વર્ચસ્વ જ અલગ હતું.
મને ઍક્ટર બનવામાં રસ ખરો પણ ડિરેક્ટર બનવામાં, લેખક બનવામાં વધુ રસ હતો. જીવનમાં વિવિધ પ્રકાર અને પ્રકૃતિના અખતરા કરવાનો અને નવા-નવા અનુભવો મેળવવાનો બહુ શોખ હતો. એક્સપરિમેન્ટ્સ, એક્સ્પીરિયન્સ અને રિસ્ક લેવાનો મોટો કીડો હતો. ઉત્સુકતા દરેક નવી વાત જાણવાની હતી અને છે. ઉમંગ અને ઉત્સાહભેર પ્રયોગો પાર પાડવાનો હતો. હું રેલવે સ્ટેશન પર જાઉં તો કલાકો સુધી પ્લૅટફૉર્મ પર ઊભો રહીને આવતા-જતા લોકોને જોયા કરું. કોઈ ભાગતું હોય. કોઈ બીડી-સિગારેટ પીતું હોય. એ સમયમાં પ્લૅટફૉર્મ પર લોકો બિન્દાસ ઠૂંઠાંઓ સળગાવતા. ટ્રેનોમાં એટલો બધો રશ નહોતો. અલગ-અલગ જાતના અલગ-અલગ લોકો ટ્રેનમાં ચડતા-ઊતરતા હોય. કોઈ ઑફિસ જતા હોય કે કોઈ ઘરે જતા હોય. કેટલાક ટ્રેનમાં ગાતા જાય અને કેટલાક રમતા જાય. દરેકના હાવભાવ નિરખવાની મજા આવે. અને મને દરેક પાત્રને નાટકમાં ઉતારવાની ઇચ્છા થાય. કોણ કેવી રીતે બોલશે, કોણ કેવી રીતે ચાલશે, કોણ કેવી રીતે હાથ-પગ હલાવશે? કોણ કેવા હાવભાવ પ્રદર્શિત કરશે? નાત-જાત અને ભાતના ભાતીગળ લોકોની વિશિષ્ટ રીતોનું વિશિષ્ટ રીતે પાત્રાલેખન કરીને નાટ્યલેખક બનીને એ પાત્રોને તખ્તા પર રજૂ કરવાની તાલાવેલી લાગી હતી.
વાત સાચી હતી, ફેમસ બન્ને રીતે થવાય. નાટકો કરીને કૉલેજમાં થોડો ફેમસ થયો હતો અને સ્ટેજ પર આવવામાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ભાઈગીરી શીખીને પણ ફેમસ થયો હતો.
રાત આખી નીંદર ન આવી. ઘરમાં તો આ મૂંઝવણની વાર્તા કોઈને કહેવાય નહીં. જો ભૂલથી કોઈ ચાડીચુગલી ખાય તો પપ્પા તો લાકડીએ-લાકડીએ ફટકારીને સીધો દુકાને બેસાડી દે. પપ્પાને તો નાટકો પ્રત્યે પણ અણગમો હતો. અમે કાલબાદેવીમાં જ્યાં રહેતા હતા ઓલ્ડ પોસ્ટ ઑફિસ લેનમાં ત્યાં છેક છેવાડેના બિલ્ડિંગમાં અમારું ઘર અને બરાબર એની પછવાડે ભાંગવાડીમાં ભાંગવાડી થિયેટર. ત્યાંથી આખી રાત અમારા ઘરમાં ડાયલૉગબાજી અને તાળીઓના ગડગડાટ સંભળાય. એટલે તેમની ઊંઘ બગડે એટલે તે નાટકવાળાઓ પર બગડે. મને ઊંઘતા-ઊંઘતાય સંવાદો અને ગીતો સાંભળવાની મજા આવે અને આતુરતા ઉત્પન્ન થાય કે એવુ તે ત્યાં શું થતું હશે કે મોડી રાત સુધી લોકો પાંચ-દસ લોકોને સાંભળવા ભેગા થાય. પાંચમી કે છઠ્ઠીમાં હતો ત્યારે ઘરેથી જમીને, પપ્પા ઘરે આવ્યા નહોતા અને મમ્મી રસોડામાં પરોવાયેલી ત્યારે ચૂપચાપ બીજે માળેથી નીચે ઊતરીને ભોંયતળિયે રહેતા મરાઠી લંગોટિયા વિઠ્ઠલને લઈને બાજુની ગલી ભાંગવાડીમાં પહોંચી ગયા. ગલીમાં ઘૂસી જઈને ભાંગવાડી થિયેટરનો નજારો જોઈને આંખો ચકાચોંધ થઈ ગઈ. લોકો ઘોડાગાડીમાં આવતા હતા, બગીમાં આવતા હતા, લાંબી ગાડીમાં આવતા હતા અને લોકોના શરીર પર પહેરેલાં રુઆબદાર કપડાંઓમાંથી આવતી સુવાસ-સુગંધથી મગજ તરબતર થઈ જાય. મને નવાઈ લાગી કે એવું તો અંદર શું થાય છે કે લોકો સૂવા (ઊંઘવા)ના ટાઇમે જાગીને કંઈક જોવા આવે છે. હું અને વિઠ્ઠલ ટીંગુડાચીંગુડા, ડોરકીપરની નજર ચૂકવીને થિયેટરમાં ઘૂસી ગયા.
નાનપણમાં સાંભળેલી અને પસ્તીની દુકાનમાં વાંચેલી વાર્તા અને ફોટોવાળી કૉમિક વાર્તામાં દેખાતા રાજાઓના દરબાર જેવો હૉલ. એમાંય કંઈ લાઇટું ઝળહળે કે આંખ્યું અંજાઈ જાય હોં. એમાં નીચે અને ઉપર ખુરસીઓ. સામે થોડું ઉપર ટેબલથી થોડું ઊંચાઈવાળું પડદો ઢાંકેલું કંઈક પ્લૅટફૉર્મ જેવું હતું. નીચે શરૂઆતમાં એ પ્લૅટફૉર્મની નીચે શરૂઆતમાં પેટીવાળા અને ઢોલ-તબલાવાળા બેઠા હતા. હું અને વિઠ્ઠલ કોઈ એક ખૂણામાં છુપાઈને ઊભા રહ્યા. ખુરસીયું સઘળી રંગબેરંગી સાડીયુંવાળી શેઠાણીયું અને ધોતિયા અને કોટધારી, ટોપી, ટોપા, પાઘડીધારી અત્તર છાંટેલા શેઠિયાઓથી ભરાઈ ગઈ અને અચાનક લાઇટ બંધ થઈ. હું અને વિઠ્ઠલ બહાર નીકળી રફુચક્કર થઈએ એ પહેલાં સંગીત પેટીમાંથી રેલાવા લાગ્યું અને બંધ પડદો ખૂલ્યો. મારા પગ થંભી ગયા અને મેં વિઠ્ઠલનો હાથ ઝાલી લીધો. અમે ત્યાંના ત્યાં જ ખોડાઈ ગયા. પગ ઊપડે તો બહાર જઈએને!
પડદો ખૂલ્યો અને લોકોએ તાળીઓનો વરસાદ વરસાવી દીધો. ગણપતિ બાપાની પૂજાથી શરૂઆત થઈ. રંગલો-રંગલી આવ્યાં હસતાં-હસાવતાં, ગીત ગાયું અને બેઠેલા બધાએ સીટી-તાળીથી હૉલ ગજાવી દીધો. અમને ટેસડો પડી ગયો. પછી તો વાર્તા નાટકમાં જામતી ગઈ. વન્સ મોરની ઘડી-ઘડી દાદ પડઘાવા લાગી અને હું નાટકમાં ઓતપ્રોત થઈ ગયો. નાટક જોતો હું સપનામાં સરી પડ્યો. મારા ઘરમાં છ જણ છે તોય કોઈને મારી સામે જોવાની ફુરસદ ન હોય. ભલેને હું ગમે તેટલી ડંફાસ મારતા ડાયલૉગ મારું ને અને અહીં તો સેંકડો આંખો તાકી-તાકીને ટગર-ટગર જુએ અને કલાકારને વાત-વાતમાં વધાવી લે. મને ગમ્યું. વાહ, હું સ્ટેજ પરથી બોલું અને બધા મને દાદ આપે એ વિચારે જ મારા રોમેરોમમાં હર્ષોલ્લાસ ભરી દીધો.
નાટક લગભગ બે કલાક ચાલ્યું. એમાં હસવાનું, ગાવાનું, નવા-નવા વાઘા પહેરવાનું આવે. સ્ટેજ પર સિતારાની જેમ ઝળકો, ઝળહળો, ચળકો. બે કલાકે પડદો પડ્યો અને લોકો બહાર નીકળ્યા. વિઠ્ઠલે મને ઘરે ચાલવા કહ્યું. મન નહોતું પણ નાછૂટકે વિઠ્ઠલ સાથે ઘરે જવા પગ ઉપાડ્યા. રસ્તામાં એક જ વિચાર આવે હું ક્યારે મોટો થાઉં અને સ્ટેજ પર ઊભો રહી ડાયલૉગો ફટકારું અને લોકો તાળીઓના તાલે મને તેડી લે. લોકોમાં જોવાવાળા મારાં માબાપ પણ હોય... હું ઘરે પહોંચું એ પહેલાં નીચે ભોંયતળિયે વિઠ્ઠલનું ઘર હતું. તેના બાપે તો તેને જોયો કે તેને સણસણતો લાફો ઠોકી દીધો. હું ઉપર ભાગ્યો. ધડધડ દાદરા એકી શ્વાસે ચડી ગયો.
ઘરે પહોંચ્યો તો સ્ટેજ બદલાઈ ગયું હતું. મારી મા રડતી હતી. મને કંઈ સમજાયું નહીં. પપ્પા હતા નહીં. મારાં બહેનો અને ભાઈ સૂઈ ગયાં હતાં. મારી માએ મને ઘરે આવેલો જોઈને મારી પાસે આવીને મને ઝાલ્યો અને સવાલોની ઝડીઓ વરસાવી દીધી. હું જવાબ આપું એ પહેલાં માએ મને વઢતાં કહ્યું કે તું સાવ નફકરો છે. તારા પપ્પા પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ ચોકીમાં તું ખોવાઈ ગયો છે એની ફરિયાદ નોંધાવવા ગયા છે. મારા ટાંટિયા ઢીલા થઈ ગયા. મને ત્યારે ભાન થયું કે નાટક જોવામાં હું સમયનું ભાન ગુમાવી બેઠો. નાટકે મારા પર વશીકરણ કર્યું જેથી હું સમય અને ઘર સાવ ભૂલી જ ગયો હતો. પહેલી વાર મને જ્ઞાન થયું કે વેપારી થવા નહીં, કલાકાર થવા જન્મ્યો છું. પપ્પા આવી મારા શું હાલ કરશે એ વિચારવું મારી વિચારશક્તિની સીમાની બહારની વાત હતી. પપ્પા આજે તો મારી ચામડી ઉતરડી નાખશે એવા ભયભીત વાતાવરણમાં પણ મને ભાંગવાડીનું જીવંત સ્ટેજ અને હસતા-હસાવતા, ગાતા-રાતા-માતા નટો જ દેખાતા હતા અને વારંવાર તેમની જગ્યાએ હું જ દૃષ્યમાન થતો હતો. એ તો સપનું હતું, પણ હકીકત તો હતી કે પોલીસ-સ્ટેશન ગયેલા પપ્પા આવીને મને મારશે કે જેલમાં પુરાવશે. ઘરમાં, એક રૂમમાં અંદર પૂરીને બહારથી તાળું મારી દેશે જેથી ડરનો માર્યો હું તાળીઓ વાંસે ન ખેંચાઉં. પાંચમીમાં એટલે લગભગ દસ વર્ષનો હું સમજી ગયો હતો મારા ભાગ્યની રમત.
અત્યારે તો પપ્પાને ખોવાયેલો હું જડી ગયો એ તેમનાં સદ્ભાગ્ય અને પપ્પા આવી આવેગમાં આવીને મારા જે હાલહવાલ કરશે એ મારાં શું, દુર્ભાગ્ય કે સૌભાગ્ય? આવતા ગુરુવારે જ ખબર પડે.
shahlatesh@wh-dc.com
‘તું નક્કી કર કે તારે કલાકાર થવું છે કે મવાલી?’
7th January, 2021 14:15 ISTરંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા
31st December, 2020 15:02 ISTમને બેસ્ટ ઍક્ટરનું સેકન્ડ પ્રાઇઝ મળ્યું અને છતાં એકાંકીના ડિરેક્ટર પ્રફુલ આભાણી રડી પડ્યા
24th December, 2020 15:20 ISTબધાને પ્રબોધ જોશીની અને હવે... સાથે પ્રાઇઝની અનાઉન્સમેન્ટ સાંભળવાની તાલાવેલી લાગી હતી
17th December, 2020 15:02 IST