મને ઘણી વાર થતું કે હું કોઈ કલાકારને ત્યાં પેદા કેમ ન થયો?

Published: 1st October, 2020 15:11 IST | Latesh Shah | Mumbai

નવીન છેડાએ સીએની પ્રૅક્ટિસ છોડીને તેના ભાઈ વિનયને અનુસરીને સ્વિચ-ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. આજે તેની પૉઇન્ટર સ્વિચિઝ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે

કૉલેજની લાઇબ્રેરીમાં વાંચવા બેઠો હતો, પણ વાંચવા કરતાં ખોવાયેલો વધુ હતો અને મારી નજર લાઇબ્રેરીમાં બેસીને વાંચતી રૂપાળી છોકરી રૂપલ (નામ બદલ્યું છે) પર ખોડાઈ ગઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)
કૉલેજની લાઇબ્રેરીમાં વાંચવા બેઠો હતો, પણ વાંચવા કરતાં ખોવાયેલો વધુ હતો અને મારી નજર લાઇબ્રેરીમાં બેસીને વાંચતી રૂપાળી છોકરી રૂપલ (નામ બદલ્યું છે) પર ખોડાઈ ગઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)

ગયા ગુરુવારનું રીકૅપ...
હું, નવીન છેડા અને કાન્તિલાલ મારુ છેલ્લાં ૬૦ વર્ષોથી ઘનિષ્ઠ મિત્રો છીએ. હું નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા બન્યો અને હવે ટ્રાન્સફૉર્મર, મોટિવેટર અને કી નોટ સ્પીકર બનીને વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટર નામની સંસ્થા ખોલી અને ભારત તેમ જ ઈસ્ટ આફ્રિકા, મૉરિશ્યસ અને થાઇલૅન્ડમાં બ્રાન્ચિઝ ખોલી. સાથે પ્રાઇમ મૉલમાં પૉકેટ થિયેટર ખોલીને મેં અને સુજાતા મહેતાએ નિઃશુલ્કમાં ઝોળી થિયેટર ઊભું કર્યું.
નવીન છેડાએ સીએની પ્રૅક્ટિસ છોડીને તેના ભાઈ વિનયને અનુસરીને સ્વિચ-ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. આજે તેની પૉઇન્ટર સ્વિચિઝ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે અને ગિજુ સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ગજું કાઢ્યું અને હવે તો તે બિલ્ડર, હોટેલિયર અને કેમિસ્ટ તરીકે પણ પ્રગતિનાં સોપાન સર કરી રહ્યો છે. ત્રણેય જણે પોતપોતાના ફીલ્ડમાં નામ કાઢ્યું અને વ્યસ્ત રહેવા છતાં મહિનામાં એક વાર મળવાનું ક્યારેય ટાળ્યું નથી. ત્રણેય સ્કૂલમાંથી કૉલેજમાં આવ્યા, પરણ્યા, પપ્પા થયા અને હવે નાના-દાદા થયા.
જ્યારે મળીએ ત્યારે તો હજી સ્કૂલમાં હોઈએ એમ જ વર્તવાનું. એમ જ પ્રેમ ઠાલવવાનો, વાત વાતમાં ઝઘડી પડવાનું, એકબીજાની આંગળી કરવાની અને સમય આવ્યે આંગળી ઝાલવાની આદત હજી એમ જ બરકરાર છે. મળીએ એટલે લાગે કે હજી શાળાના એ જ બાળગોઠિયા છીએ.
સમય આવ્યે ગિજુ વિશે પણ લખીશ. સ્કૂલમાં નવમીમાં તેણે પણ મારા નાટકમાં એક નાનકડો રોલ કર્યો હતો, પણ ગિજુ જેવું કોઈ નહીં બીજું.
આપણી વાત ગયા ગુરુવારે તેણે ૧૫ વર્ષ પહેલાં મારા એક નાટકમાં ફાઇનૅન્સ કર્યું હતું અને એમાં અમારી વચ્ચે ગેરસમજણ ઊભી થઈ એની છે અને એ વાત સમય આવ્યે હું વિસ્તારપૂર્વક કરીશ. અત્યારે તો એટલું જ કહીશ કે અમે લડ્યા-ઝઘડ્યા અને કિટ્ટા કરી, પણ નાનાં બાળકોની જેમ પળવારમાં બુચ્ચા પણ થઈ ગઈ.
હવે ફરીથી ૧૯૭૨-’૭૩માં આવી જઈએ. ગુજરાતી નાટ્ય નિર્માતા સંઘની પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઇન્ટર કૉલેજ એકાંકી નાટ્ય સ્પર્ધા નજીક આવી રહી હતી. કૉલેજ એકેય પૈસો આપવાની નહોતી. મેં એક સોશ્યલ ડાન્સ ગેધરિંગ કરીને થોડા રૂપિયા ભેગા કર્યા હતા. એમાંથી અડધા ગિરનારમાં લૂંટાઈ ગયા હતા. બાકીનામાંથી થોડા ઉધારી ચૂકવવામાં ગયા એટલે થોડા ઘણા જે બચ્યા હતા એમાંથી સ્પર્ધામાં નાટકનો ખર્ચ કાઢવો મુશ્કેલ હતો. સ્પર્ધામાં સતત ભાગ લઉં તો જ નાટકના ખેતરમાં તેમની નજરમાં આવું અને પ્રોફેશનલ તથા સિનિયર નાટ્યજગતના ખેરખાંઓની નજરે ચડીશ અને તો જ વ્યાવસાયિક નાટકોમાં રોલ મળશે. મારાં પપ્પા-મમ્મી કે ભાઈ-બહેન નાટકનાં ધુરંધર નહોતાં કે મને ચાંદીની થાળીમાં પાત્ર પીરસવામાં આવે. મારા પપ્પા વાગડના વિખ્યાત વેપારી હતા અને એ સમયે વાણિયાનો દીકરો નાટકનો ભાંડ બને એ ભૂંડું લેખાતું.
મને વેપારી બનવામાં રસ જ નહોતો. મારે લેખક, દિગ્દર્શક અને ઍક્ટર બનવું હતું. મને ઘણી વાર થતું કે હું કોઈ કલાકારને ત્યાં કેમ પેદા ન થયો? મને મારા સમકાલીનોની ઈર્ષ્યા થતી, જેમના ફૅમિલી-મેમ્બર્સ નાટ્યજગત સાથે સંકળાયેલા હતા અથવા જેમનાં માબાપ લિબરલ હતાં અને તેમને તેમનું બાળક કલાકાર થાય એવો ગર્વ થતો હતો. મારે મારા પરિવાર અને સમાજથી છુપાવીને નાટકો કરવાં પડતાં હતાં.
અત્યારે તો પ્રોડ્યુસર્સની ડ્રામા કૉમ્પિટિશનમાં કયું નાટક ભજવું અને એનું બજેટ ક્યાંથી ઊભું કરવું એની મથામણમાં
પડ્યો હતો.
કૉલેજની લાઇબ્રેરીમાં વાંચવા બેઠો હતો, પણ વાંચવા કરતાં ખોવાયેલો વધુ હતો અને મારી નજર લાઇબ્રેરીમાં બેસીને વાંચતી રૂપાળી છોકરી રૂપલ (નામ બદલ્યું છે) પર ખોડાઈ ગઈ હતી. મારી બાજુમાં બેઠેલી પન્નાએ કમેન્ટ કરી, ‘એકીટશે રૂપલને જોયા કરે છે. જો તેના પર દિલ આવી ગયું હોય તો તેની પાસે જઈને તેની સાથે વાત કર. તેને કહે કે તું મને બહુ ગમે છે.’ આમ કહીને તે તેની બાજુમાં બેઠેલી પન્ના સામે જોઈને હસી. બીજી પન્ના, ઇન્ટ્રોવર્ટ હોવાને લીધે હસવાની જગ્યાએ વાંચતાં-વાંચતાં મરકી. બાજુમાં બેઠેલી ઉષા અને ભારતીના ચહેરા પર હાસ્યની લહેરખી ફરકી. બન્ને મારી સામે જોઈને ગુસપુસ કરવા લાગી. થોડી પળોમાં તો લાઇબ્રેરીમાં બેઠેલી દરેકના ચહેરા મારી સામે પુસ્તકમાંથી ઊંચકાયા. ભારતી રૂપલ પાસે લપકીને તેના કાનમાં ખુસરપુસર કરવા લાગી અને થોડી વારમાં તો લાઇબ્રેરીમાં સી સી કહીને સિસકારા બોલાવા લાગ્યા. ગુ઼ફ્તગૂનો જાણે વાઇરસ ફેલાઈ ગયો. છેવટે લાઇબ્રેરીનાં મિસ ફિરંગીઝને શિસ્ત અને સંયમમાં લાવવા માટે મેદાનમાં આવવું પડ્યું ત્યારે પરિસ્થિતિ યથાવત્ થઈ. મારો ચહેરો વગર લેવા કે દેવા, લેવાઈ ગયો હતો. પન્નાએ ફક્ત મજાક કરી. લાઇબ્રેરીમાં બેઠેલા બધાને મજા પડી ગઈ. મારે સજા ભોગવવી પડી. હું મારા પર ચિડાઈને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. મારી પાછળ મારો ક્લાસમેટ-લાઇબ્રેરીમેટ મહેન્દ્ર રાવલ બહાર આવ્યો. મને કૅન્ટીનમાં લઈ ગયો. મને પન્નાની નિર્દોષ મસ્તીનું ઉપરાણું લઈને સમજાવવા લાગ્યો. મેં કહ્યું, ‘મને પન્ના પર જરા પણ ગુસ્સો ન઼થી. તે મારી મોટી બહેન જેવી છે. મને તેની મસ્તી-મજાકની આદતની ખબર છે. મુખ્ય વાત એ છે કે મને હમણાં ખબર પડી કે હું રૂપલ તરફ આકર્ષાયેલો છું એટલે તેને ટગરટગર જોયા કરતો હતો. મારે નાટકો કરવાં છે. મારે આ નાટકમાં અટકવું નથી. હવેથી હું લાઇબ્રેરીમાં નહીં આવું.’ મહેન્દ્ર મને જોતો જ રહ્યો. અમે ચા પીધી અને મેં નાટ્યસ્પર્ધામાં નવું નાટક કરવાની ચિંતા પ્રગટ કરી. કૉલેજ બજેટ આપતું નથી. મારી પાસે પૂરતું ફન્ડ નથી. કોઈ પણ લેખક, દિગ્દર્શક, ટેક્નિશ્યન આવે તો તેમની પાસે ઘડી-ઘડી નાટક મફત કરાવવું ઑકવર્ડ લાગે છે. મહેન્દ્રના પપ્પા મૂળશંકર અંકલ પ્રવીણ સોલંકીના સારા મિત્ર હતા. બન્ને બૅન્ક ઑફ ઇન્ડિયાની હેડ ઑફિસમાં સાથે કામ કરતા હતા. મહેન્દ્રએ પ્રવીણભાઈનું નામ આપ્યું. ફરીથી તેમની પાસેથી ફ્રી નાટક કરાવવું કેવી રીતે?
મહેન્દ્રએ સુઝાવ આપ્યો કે પહેલાં હું બીજા અવેલેબલ ડિરેક્ટરોને પૂછી લઉં નહીં તો એ ફાઇનલી તેના પપ્પા થ્રૂ પ્રવીણ સોલંકીને સમજાવીને લઈ આવશે.
હું રૂપલ અને લાઇબ્રેરીને ભૂલીને નાટક માટે દિગ્દર્શકની શોધમાં લાગી ગયો. હું જેમને નામ અને કામથી ઓળખતો હતો એવા બધા ડિરેક્ટરોને મળ્યો. દિનકર જાની, લક્ષ્મીકાંત કર્પે, શફી ઈનામદાર, શંભુ દામનીવાલા, અજિત શાહ, નલિન છેડા, ઉસ્માન, મેમન બધાને પર્સનલી મળ્યો. બધા કોઈ ને કોઈ નાટકમાં બિઝી હતા. લક્ષ્મીકાંત કર્પે અને પ્રવીણ સોલંકી સૌથી વધુ વ્યસ્ત હતા અને બધાએ યેનકેન પ્રકારેણ ના પાડી દીધી. હવે નાટક કેવી રીતે થશે? વાંચો આવતા ગુરુવારે.

માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો
મેં એક કન્નડ સજ્જનનો વિડિયો જોયો. કોરોના વાઇરસને ક્વૉરન્ટીન થયા વગર કેમ ભગાડવો. મને તેનો પ્રયોગ ગમ્યો. મેં એ પ્રયોગ કર્યો અને આઠ કોરોના-પૉઝિટિવ પાસે એ પ્રયોગ કરાવ્યો અને આશ્ચર્યની વાત એ છે કે તેમણે ફરીથી રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. જેમને પણ આ પ્રયોગ જાણવો હોય તેઓ મને મારા ઈ-મેઈલ પર જણાવે. અકસીર ઇલાજ કરો અને કોરોના-ક્વૉરન્ટીનથી મુક્તિ માણો. જાણો અને જલસા કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK