Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રવીણ સોલંકીની જેમ લખવું હતું, અરવિંદ ઠક્કર જેવા દિગ્દર્શક થવું હતું

પ્રવીણ સોલંકીની જેમ લખવું હતું, અરવિંદ ઠક્કર જેવા દિગ્દર્શક થવું હતું

15 October, 2020 03:00 PM IST | Mumbai
Latesh Shah

પ્રવીણ સોલંકીની જેમ લખવું હતું, અરવિંદ ઠક્કર જેવા દિગ્દર્શક થવું હતું

અરવિંદ ઠક્કર

અરવિંદ ઠક્કર


રીકૅપ : ત્રણ ટપોરીઓને નાટકીય રીતે બૂમબરાડા પાડીને પબ્લિક ભેગી કરીને ભગાડ્યા. રમેશને માર ખાવામાંથી બચાવ્યો. બધા ભેગા થયેલા વિદ્યાર્થીઓએ મારી ઍક્ટિંગનાં વખાણ કર્યાં. મને સ્ફુર્યું કે આ સારો મોકો છે બધા પાસેથી આવનારી નાટ્ય-સ્પર્ધાઓ માટે પૈસા ઉઘરાવવાનો. થોડી પળો માટે હું વિચારતો રહ્યો કે પૈસા માગીશ તો ત્યાં ઊભેલા વિદ્યાર્થીઓને કેવું લાગશે? 
બધા મારાં વખાણ કરતા હતા, એનો ફાયદો ઉપાડીને હું શરૂ થઈ ગયો, ‘દોસ્તો, આજે મારી ઍક્ટિંગ-સ્કિલે રમેશને માર ખાતો બચાવી લીધો. આ જ ઍક્ટિંગ અમે નાટયસ્પર્ધાઓમાં કરીને કૉલેજનું નામ રોશન કરીએ છીએ. કે. સી. કૉલેજ એક જ એવી કૉલેજ છે જે નાટયસ્પર્ધામાં ભાગ લેવા માટે ફન્ડ આપતી નથી. આપ સૌને વિનંતી છે કે આપ સૌ જો સપોર્ટ કરો તો અમે નાટ્યસ્પર્ધાઓમાં હિસ્સો લઈ શકીએ અને ઇનામ, અવૉર્ડ, ટ્રોફી જીતીને કૉલેજનું સન્માન વધારી શકીએ. બીજી કૉલેજોની સરખામણીમાં કાઠું કાઢી શકીએ. વિચારો દોસ્તો વિચારો, ભરચક ભરેલા ઑડિટોરિયમમાં અવૉર્ડ લેવા માટે કે. સી.ના ઍક્ટરો કૉલેજના નામનો જય જયકાર બોલાવતા સ્ટેજ પર આવે. ઑડિટોરિયમમાં આપ સૌ વિજય-નગારાં વગાડો. પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી અમને વધાવી લે. અમે બધા કલાકારો ભેગા મળીને, ચીફ ગેસ્ટ પાસેથી બત્રીસના બત્રીસ દાંત દેખાડતા ટ્રોફી લઈએ. આવેલા પ્રેસ-ફોટોગ્રાફરો અમારા ફટાફટ ફોટો ક્લિક કરે અને બીજા દિવસે, ટનટનાટન અમારા ફોટો ટ્રોફી સાથે પેપરોમાં છપાય. કે. સી. કૉલેજનું નામ શહેરભરમાં ઝળહળી ઊઠે. તમે સૌ તમારાં માબાપ અને સગાંવહાલાં, મિત્રોને ગર્વથી કહી શકો કે વિજેતા કે. સી. કૉલેજ અમારી છે.’
મને લાગ્યું કે હું થોડું વધારે ભસડી ગયો. હું હિન્દી-ગુજરાતી અને થોડા ભભકાદાર અંગ્રેજી શબ્દોનો તડકો દઈને બોલતો હતો. બધા જે રીતે શાંતચિત્તે ધ્યાનથી  સાંભળતા હતા એટલે હું જોશમાં આવી ગયો, જાણે લાલ કિલ્લા પરથી ન બોલતો હોઉં એમ બધાને પાનો ચડાવી રહ્યો હતો. મને જેવું લાગ્યું કે ઊભેલા લોકોના પગ થાકવા લાગ્યા છે, અમુક ઘડિયાળ જોવા લાગ્યા, એકાદે બગાસું ખાધું એટલે મેં શૉર્ટકટ માર્યો, ‘દોસ્તો, આ ઐતિહાસિક અને મહત્ત્વની  ઘટનાને મદદ કરવા આપ આગળ આવો. આપનાથી જે ફન્ડફાળો  આપી શકાય એ આપીને કૉલેજનું ગૌરવ વધારવા, ઉદારતાથી મદદ કરવા આગળ આવો. આપની મદદ અને અમારી મહેનત રંગ લાવશે.’
બધા વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળતા હતા. મારી ડ્રામૅટિક સ્પીચ સાંભળીને લાઇબ્રેરીની બહાર કૅમ્પસમાં તાળીઓની જગ્યાએ સોપો પડી ગયો. મને હતું કે મારી મૅગ્નેટિક મેસ્મરાઇઝિંગ વાણી સાંભળીને બધા ધડાધડ મારી ઝોળી છલકાવી દેશે. મેં ખિસ્સામાંથી  રૂમાલ કાઢ્યો. મેં જેવો રૂમાલ કાઢ્યો કે અમુક લોકો તો લાઇબ્રેરીમાં સરકી ગયા. રમેશ દૂર ઊભો હતો એ કૅન્ટીન  તરફ જવા લાગ્યો. અમુક વિદ્યાર્થીઓ કૅમ્પસમાં ઊભા હતા એમાંથી અમુક કૉલેજમાં બીજા દરવાજેથી ઘૂસીને અંદર બાથરૂમ તરફ જતા રહ્યા. અમુક કૉલેજના મેઇન ગેટથી બહાર નીકળી ગયા. મને થયું કે મારી ચાર્લી ચૅપ્લિને ગ્રેટ ડિક્ટેટરમાં આપેલી માઇન્ડ બ્લૉઇંગ સ્પીચ જેવી ઇફેક્ટિવ સ્પિચ ફેલ થઈ ગઈ. અમુક કન્ફ્યુઝ વિદ્યાર્થીઓ હજી ઊભા હતા.
 હું ચારેકોર નજર ફેરવીને બધાને એક ભિક્ષુકની જેમ નિહાળી રહ્યો હતો. હાથમાં રહેલો ઘડી કરેલો રૂમાલ ખોલું કે નહીં એની મૂંઝવણમાં હતો ત્યાં મારી પીઠ પાછળથી એક મીઠો-મધુરો અવાજ સંભળાયો, ‘એક્સક્યુઝ મી...’
હું એ અવાજ તરફ ફર્યો અને આશ્ચર્યથી તરબોળ થઈ ગયો. સામે રૂપલ ઊભી હતી. તેણે પર્સ ખોલ્યું, મેં રૂમાલ ખોલ્યો. તેણે ૧૦૦ રૂપિયાની નોટ મારા રૂમાલમાં નાખી, સ્માઇલ આપીને  ચાલતી થઈ ગઈ. હું તેને જોતો જ રહી ગયો. લાઇબ્રેરીમાં તેને જતી જોઈ રહ્યો. જેવી રૂપલ લાઇબ્રેરીમાં પ્રવેશી એટલે બૅક ટુ પૅવિલિયન, મારી નજર રૂમાલ તરફ વળી. રૂમાલમાં બીજા ત્રીસેક રૂપિયા આવ્યા હતા. ત્યાં મહેન્દ્ર, મારી રાખીબહેન પન્ના, કૅપ્ટન પન્ના, ઉષા અને ભારતી પોતાના પૈસા ભેગા કરીને ૨૦૦ રૂપિયા આપી ગયા. ત્યાં ઊભેલા બીજા બધા સીધા મારી તરફ આવ્યા; કોઈકે પાંચ, કોઈકે દસ, કોઈકે વીસ તો કોઈકે પચાસ રૂપિયા આપ્યા. લગભગ બધાએ ટોટલ બીજા ૨૦૦ રૂપિયા આપ્યા. આમ રૂમાલ ભરાવા લાગ્યો. ત્યાં તો રમેશ ચહેરા પર બરફ લગાડતો મારી તરફ આવ્યો અને તેણે ૧૦૦-૧૦૦ રૂપિયાની પાંચ કડકડતી નોટો રૂમાલમાં પધરાવીને કહ્યું, ‘હજી પણ ખૂટશે તો પૈસા હું આપીશ. ડોન્ટ વરી.’ રમેશ મલબાર હિલમાં રહેતો હતો. અમારા ક્લાસમાં એ જ એકલો સફેદ ઍમ્બૅસૅડર લઈને આવતો હતો. ઈન શૉર્ટ ધનવાન નબીરો હતો. જુગાર રમવાની લત હતી એટલે ટપોરીઓ સાથે ટશન થઈ હતી. 
મારા રૂમાલમાં હજારેક રૂપિયા ભેગા થઈ ગયા હતા. એ જમાનામાં ૧૦૦૦ રૂપિયા એટલે મોટી રકમ ગણાય. એ રાતે હું ૧૦૦ રૂપિયા અને રૂપલની યાદને તકિયા નીચે દબાવીને અડખાંપડખાં ફેરવતો રહ્યો. 

pravin solanki
બીજા દિવસે મહેન્દ્રને લઈને લગભગ ૧૧ વાગ્યે બૅન્ક ઑફ ઇન્ડિયામાં પહોંચી ગયો. ચહેરા પર અદમ્ય વિશ્વાસ છલકતો હતો. પ્રવીણ સોલંકીને તેમની લેખક-દિગ્દર્શક તરીકેની ફી આપીને બુક કરવાના હતા. એ વખતે એકાંકીના લેખકને ૫૦ રૂપિયા અને દિગ્દર્શકને ૧૫૦ રૂપિયા પુરસ્કાર આપવામાં આવતો. સેટના વધુમાં વધુ ૧૦૦ રૂપિયા થાય. રિહર્સલના ચાપાણીના ૫૦ રૂપિયા થાય. ૫૦થી ૧૦૦ રૂપિયા વેશભૂષા, રંગભૂષા અને આવવા-જવાના થાય. ૪૦૦ રૂપિયામાં એક આખું એકાંકી થઈ જાય. 
અમે અતિઉત્સાહી સમયસર પ્રવીણ સોલંકીને ઇમ્પ્રેસ કરવા બૅન્કમાં પહોંચી ગયા. ભોંઠા પડ્યા. પ્રવીણભાઈ આવ્યા નહોતા. મહેન્દ્રના પપ્પાએ અમને ચા-પાણી-નાસ્તો કરાવ્યો.  બાજુની ખુરસીઓ ખાલી હતી ત્યાં બેસાડ્યા. થોડી વાર પછી આવ્યા. પ્રવીણ સોલંકી નહીં, અરવિંદ ઠક્કર  આવ્યા.  મૂળશંકર અંકલે તેમની ઓળખાણ કરાવી. અરવિંદ ઠક્કર નામ સાંભળીને મારા કાન ચમકયા. અરવિંદ ઠક્કર એ જમાનાના એક સિદ્ધહસ્ત દિગ્દર્શક તરીકે પ્રખ્યાત હતા. એકાંકી અને ત્રિઅંકી નાટકોમાં તેમની હથોટી હતી. એમાં પણ સસ્પેન્સ અને થ્રિલર નાટકોમાં તેમનો ડંકો વાગતો હતો. અરવિંદ ઠક્કર પણ બૅન્ક ઑફ ઇન્ડિયામાં  જૉબ કરતા હતા એ સમયમાં કલાકારો અને ક્રિકેટરોને  બૅન્કમાં નોકરીએ રાખતા હતા. તેમને જોઈને મારો દિવસ બની ગયો. તેમના હાથમાં ઇંગ્લિશ નાટકોની બુકો હતી. પ્રવીણભાઈ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતર કરતા હતા. અરવિંદ ઠક્કર તેમને ડિરેક્ટ કરતા. એ સમયના યંગસ્ટર્સ અરવિંદ ઠક્કરથી બહુ ઇમ્પ્રેસ હતા. મારે પણ ભવિષ્યમાં પ્રવીણ સોલંકીની જેમ લખતાં શીખવું હતું અને અરવિંદ ઠક્કર જેવા દિગ્દર્શક બનવું હતું. મેં ત્યારે અરવિંદ ઠક્કરના ઑટોગ્રાફ લીધા હતા. તેમને પ્રત્યક્ષ મળીને મારો જાણે જીવનમાં ઉદ્ધાર થઈ ગયો હોય એવું લાગ્યું. 
અરવિંદ ઠક્કર ગયા અને થોડી વારમાં પ્રવીણભાઈ આવ્યા. મેં તેમની સામે ગયા વર્ષે કરેલા નાટકની રૉયલ્ટીની રકમ મૂકી અને તેમને આ વર્ષે પ્રોડ્યુસર્સ ગીલ્ડની એકાંકી નાટયસ્પર્ધા માં કે. સી. કૉલેજ માટે નાટક કરવાનું આમંત્રણ આપ્યું. તેમણે ધરાર ના પાડી દીધી. ગયા વર્ષના નાટકના પૈસા લેવાની ના પાડી દીધી. એ નાટક તેમણે અમારા માટે તેમના મિત્ર મૂળશંકર રાવલના કહેવાથી કર્યું હતું. આ વખતની સ્પર્ધામાં નાટક કરવાની ના પાડી, કારણ કે એ ઑલરેડી ચાર કૉલેજમાં નાટક કરાવતા હતા. હું સ્તબ્ધ થઈ ગયો. આટલું મોટું ગતકડું કરીને પૈસા ભેગા કર્યા, પણ નાટક નહીં થાય. હવે શું થશે? જોઈએ આવતા ગુરુવારે. 



માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જીવન એક જલસો છે. સ્વર્ગ અહીં છે અને નર્ક પણ અહીં જ છે. સફળતા અને નિષ્ફળતા અહીં છે. દુઃખ અને સુખ અહીં છે. ખુશી અને ગમ અહીં છે. જન્મ અને મરણ અહીં છે. જે આવે અને જાય એને આવવા દો અને જવા દો. ઘણા જન્મીને મરેલું જીવતા હોય છે. ઘણા મરીને જીવી જતા હોય છે. આનંદો, જે થવાનું હશે એ થઈને રહેશે. જાણો અને જલસા કરો.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 03:00 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK