Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને બેસ્ટ ઍક્ટરનું સેકન્ડ પ્રાઇઝ મળ્યું અને છતાં...

મને બેસ્ટ ઍક્ટરનું સેકન્ડ પ્રાઇઝ મળ્યું અને છતાં...

24 December, 2020 03:20 PM IST | Mumbai
Latesh Shah

મને બેસ્ટ ઍક્ટરનું સેકન્ડ પ્રાઇઝ મળ્યું અને છતાં...

ગુજરાતી પ્રોડ્યુસર્સ ગિલ્ડના ઇનામ વિતરણમાં અનાઉન્સમેન્ટ કરતા કાન્તિ મડિયા અને નિરંજન મહેતા. તસવીર સૌજન્યઃ નિરંજન મહેતા

ગુજરાતી પ્રોડ્યુસર્સ ગિલ્ડના ઇનામ વિતરણમાં અનાઉન્સમેન્ટ કરતા કાન્તિ મડિયા અને નિરંજન મહેતા. તસવીર સૌજન્યઃ નિરંજન મહેતા


ગયા ગુરુવારનું રીકૅપ

અને હવે બેસ્ટ ઍક્ટર, સેકન્ડ બેસ્ટ ઍક્ટર, થર્ડ બેસ્ટ ઍક્ટર મેલ ઍન્ડ ફીમેલનું પ્રાઇઝ અનાઉન્સ થવાનું હતું. એના પછી બેસ્ટ પ્લેઝની ત્રણ ટ્રૉફીઝ ડિક્લેર થવાની હતી. બધા ટેન્શનમાં હતા કે કોને શું મળશે? કઈ કૉલેજને અવૉર્ડ્સ મળશે? કયા વિદ્યાર્થીઓને બેસ્ટ ઍક્ટરનું પ્રાઇઝ મળશે? પરી, ઝરણાના ચહેરા પર તનાવની રેખાઓ તણાયેલી હતી. રશ્મિ રિલૅક્સ્ડ હતો, કારણ કે તેને તો અંદરની ઇન્ફર્મેશન મળી હતી. મારો કૉન્ફિડન્સ ડગમગ- ડગમગ થઈ રહ્યો હતો. મારું શરીર તાવથી તપી ગયું હતું. શું થશે? ઓહ ભગવાન!



અનાઉન્સમેન્ટ કરવા માઇક પર એ વખતના ડૅશિંગ, સ્મૅશિંગ, ક્રીએટિવ કલાકાર કાન્તિ મડિયા પધાર્યા. તેમણે કૉલેજના કલાકારોને અભિનયની કારીગરી, કસબગીરી, કલાકારી પર અને ખામી-ખૂબી પર સરસ રીતે માર્ગદર્શન આપ્યું.


ત્રીજી બેસ્ટ ઍક્ટ્રેસનું ઇનામ ઝરણાનું નામ બોલાયું. નહીં, બીજું પણ નહીં અને પહેલાનો તો સવાલ જ નહોતો. ઝરણાનો ચહેરો પડી ગયો. મેં આજુબાજુ નજર ફેરવી પણ રશ્મિ નામનો ખબરી કમ દોસ્ત કમ પ્રેમીજન મિ. ઇન્ડિયાની જેમ અદૃશ્ય થઈ ગયો હતો. મને પહેલી વાર હૃદયમાં કૂણું-કૂણું કણ જેવું કંઈક ચૂભ્યું. અભિનેત્રીઓમાં સ્પર્ધા ઓછી હતી છતાં ઝરણાને ઇનામ ન  મળ્યું તો મારું તો શું થશે? સ્પર્ધામાં અભિનેતાઓનો તો રાફડો ફાટ્યો હતો એમ વિચારતાં હું ઝરણાને  આશ્વાસન આપવા લાગ્યો. ઝરણાની આંખોમાંથી આંસુ દડદડવા લાગ્યાં. ત્યાં જ કાન્તિ મડિયાએ કહ્યું, ‘સૉરી મિત્રો, એક નામનું અનાઉન્સમેન્ટ રહી ગયું. ત્રીજું ઇનામ બે અભિનેત્રી વચ્ચે ડિવાઇડ થયું છે. બીજી અભિનેત્રીનું નામ છે ઝરણા શાહ. અને કે. સી. કૉલેજના આવેલા વિધાર્થીઓએ સીટી, તાળીઓ અને શંખથી હૉલ ગજાવી નાખ્યો. અમારા ડિરેક્ટર પ્રફુલ આભાણીએ ખુશ થઈને ઝરણાને અભિનંદન આપ્યાં.

દુખી ઝરણાના ચહેરા પર આંખોમાંથી વહેતા ઝરણાનો અર્થ બદલાઈ ગયો. પીડાની જગ્યાએ હર્ષનાં આંસુમાં રૂપાંતર થઈ ગયાં. અચાનક ગાયબ થઈ ગયેલો રશ્મિ સ્લો મોશનમાં ઝરણા તરફ ફિલ્મી અંદાજમાં આવતો દૃશ્યમાન થયો. હું ખુશ હતો અને સાથે ફુસ પણ હતો. ખુશ હતો કે ઝરણાને ઇનામ મળ્યું. સરસ. ફુસ હતો કે પણ મારું શું થશે?


મારાથી વધુ ટેન્શન પરીના ચહેરા પર જણાતું હતું. તેના ચહેરા પરના ટેન્શનથી મારા ચહેરાની નસો તંગ થઈ રહી હતી. પ્રેમમાં પડવાનું પ્રથમ પગલું લો એ પહેલાં જ કૉઝ અને ઇફેક્ટનાં  વાદળો તમને ઘેરી વળે છે. આમ વિચારતો હતો ત્યાં જ કાન્તિ મડિયાનો તીણો ઝીણો હાઈ પીચવાળો તીવ્ર અવાજ મારા કાને ગરજ્યો. અભિનેતાઓમાં થર્ડ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ સમીર ખખ્ખરને જાય છે. આઇ થિન્ક સમીર મહારાષ્ટ્ર કૉલેજમાં ભણતો હતો અને અન્ના (લક્ષ્મીકાંત કર્પે)નો સ્ટુડન્ટ હતો. મારા ટાંટિયા ઢીલા થવા લાગ્યા. પરીની પ્રેયર તીવ્રતા સાથે વધી રહી હતી. મારી તાણ એટલી જ તીવ્રતાથી આગળ વધી રહી હતી. પ્રેક્ષકોમાં એક્સાઇટમેન્ટ તીવ્રતાથી આગળ વધી રહ્યું હતું. સ્કૂલ અને કૉલેજકાળ સુવર્ણકાળ એટલા માટે ગણાય છે કે વાત-વાતમાં વગર વિચારે, વગર વિષયે, વગર વારતહેવારે સોનાની જેમ જોશમાં, જુસ્સામાં, ગુસ્સામાં, તપવાની મજા આવે. ટેન્સ, સ્ટ્રેસ્ડ, ચિંતાગ્રસ્ત થવાની મજા આવે. વગર કારણે હસવાની-રડવાની, રોમૅન્સ કરવાની, આશ્ચર્યચકિત થવાની, ભય પામવાની, બહાદુરી દેખાડવાની મજા આવે. વગર કારણે કારણો ઊભાં કરવાની મજા આવે. આ ઇનોસન્ટ મજાનું  યુવા તન-મનમાં નિરૂપણ અને આરોપણ કરવા બદલ ઉપરવાળાનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. પણ ક્યારેક આ નિર્દોષ મજા દોષમાં પરિવર્તિત થઈ સજામાં બદલાઈ જાય  એટલા યુવા ઉમ્ર આઉટ ઑફ કન્ટ્રોલ લાગણીઓના શિકાર થઈ જાય છે. હું જો નાટક તરફ આકર્ષાયો ન હોત તો દોસ્તો સંગ એ રવાડે  ચડી ગયો હોત. એ બહુ જ રસપ્રદ કથની સમય આવ્યે કહીશ.

અત્યારે તો કાન્તિ મડિયા કોનું નામ દ્વિતીય અને પ્રથમ શ્રેષ્ઠ અભિનેતા તરીકે પોકારશે એની તીવ્રતાથી કાન સરવા થઈને સળવળ્યા વગર ઇનામની જાહેરાત તરફ સરકી રહ્યા હતા. પ્રેક્ષક વિદ્યાર્થીઓ બૂમબરાડા પાડી આનંદનો ઉમેરો કરતા હતા. અમુક પ્રેક્ષકો નગુણા જોક્સ ફટકારીને પબ્લિકને જબરદસ્તી હસાવીને કાન્તિભાઈને અનાઉન્સ કરતાં રોકી રહ્યા હતા એટલે તેમના પર આ ઘડીએ ચીડ ચડી રહી હતી કે હમણાં ઊભો થઈ દરેક જોકર પાસે જઈ તેમના મોં ખોલી મુખમાં કાપુસ ઘાલી દઉં અને ઈ વામણા વિદૂષકોના હાથ બાંધી દઉં જેથી તેમના ત્રાસદાયક જોક્સનો ત્રાસ ભોગવવો ન પડે.

કાન્તિભાઈએ અનાઉન્સ કર્યું, ‘દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતા છે લતેશ શાહ.’ મારા કાનમાં લિટરલી લતેશ શાહ......... લતેશ શાહ...... પડઘા પડવા લાગ્યા. હું સાતમા આસમાનમાં પહોંચી ગયો હતો. કેસીઆઇટ્સ તો બિરલા સભાગૃહ પર જાણે હલ્લો બોલાવ્યો હોય એમ ઢોલનગારાં બૉન્ગો સાથે તૂટી પડ્યા. પ્રેયર કરતી પરી મને એકદમ ભેટી પડી. પહેલી વાર કોઈ પોયરી મને ભેટી અને એ પણ જેને હું પ્રેમ કરતો હતો એ સિન્ડ્રેલા મને ભેટી. સેકન્ડ પ્રાઇઝથી મોટી ભેટ હતી. કૅથલિક ક્રિશ્ચનમાં આ કૉમન ગણાય પણ કચ્છી ક‍મ્યુનિટીમાં અનકૉમન કહેવાય. બે વિરુદ્ધ વિશ્વ. એક બ્રૉડ અને બીજું નૅરો. મારા શરીર પરનાં કરોડો રૂંવાડાં ઊભાં થઈ ગયાં. મારા ચહેરા પર એ આનંદ સ્વરૂપે ઝલકતા હતા. થૅન્ક યુ કાન્તિ મડિયા સાહેબ, આટલું સરસ પરિણામ જાહેર કરવા બદલ... અને હવે હું સ્લો મોશનમાં પ્રાઇઝ લેવા સ્ટેજ પર દોડ્યો. સ્ટેજ પર પહોંચી કાન્તિ મડિયા સાથે હાથ મેળવી ગદ્ગદ થઈ  ગયો. તેમને પગે પડ્યો. બીજા આઇ થિન્ક નિરંજન મહેતા હતા તેમને પગે લાગ્યો અને જશવંત ઠાકરને પગે લાગ્યો અને જલદીથી   મારી સીટ પર આવી ગયો. ફરી પરીએ, મને તેની ભાષામાં ‘હગ’ કર્યું.

પ્રથમ અભિનેતા કોઈ દતાની નામનો અભિનેતા હતો પણ એ સાંભળવામાં મને રસ નહોતો. હું તો પરીના હૂંફાળા સાંનિધ્યમાં ગૂંગળાતો હતો. સેંકડો પ્રેક્ષકોની હાજરીમાં મારા જેવા શરમાળ  છોકરાને એક અઢાર વર્ષની છોકરી બિન્દાસ બેશરમ થઈને ભેટી. મારું મન સુન્ન થઈ ગયું. હું તો ફ્લેશ ફૉર્વર્ડમાં સૉન્ગ અને વરસાદ અને અફકોર્સ પરી સાથે ઊપડી ગયો હતો. સૉન્ગ પૂરું થયું ત્યારે હું ચૅર પર બેસી ગયો હતો. પરીનો હાથ મારા હાથમાં મોતીની માળાની જેમ પરોવાયેલો હતો. કાન્તિ મડિયાનો અવાજ જાણે દૂરથી આવતો હોય એમ આછો અને ઓછો સંભળાતો હતો. પ્રેક્ષકોની ધમાલ જાણે મારા ફ્લેશ ફૉર્વર્ડ ગીતનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બની ગયું હતું. હું ખરેખર વગર પીધે નશામાં હતો. એક તો પહેલી વાર મને શ્રેષ્ઠ અભિનેતા તરીકે બીજું ઇનામ મળ્યું અને બીજું, પરી તરફથી પારિતોષિક મળ્યું. વૉટ અ કૉમ્બો!

કાન્તિ મડિયાએ બધાં ઇનામો ડિક્લેર કરી નાખ્યાં. પ્રેક્ષકો હસતા, રમતા, રડતા ઓડિટરીયમ માંથી ધંધાલ-ધમાલ કરતાં બહાર પાડવા લાગ્યાં. હું અને પરી તો ત્યાં જ પડ્યાં હતાં, સ્ટૅન્ડ સ્ટીલ. ત્યાં મેં અમારા ડિરેક્ટર પ્રફુલ આભાણીને જોયા. તે રડતા હતા. હું અને પરી તરત સ્ટેજ પાસે પહોંચ્યાં કે સરને શું થયું? પ્રફુલ સર રડી રહ્યા હતા કેમ કે ‘ચંપા તુઝ મેં તીન ગુણ’ને બેસ્ટ એકાંકી તરીકે ઇનામ ન મળ્યું. એટલે તે ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતા. પ્રફુલ આભાણી સર અમારા ડિરેક્ટર હતાં. તેમને ફીઝ ચૂકવી દીધી હતી, પણ તેમનો નાટક પ્રત્યે‍નો પ્રેમ વિરહ વિયોગની વેદનામાં તેમને લઈ ગયો અને તેઓ સી. ટી. ટી. જી.ને ઇનામ ન મળ્યું એટલે દુઃખી હતા. છેવટે પ્રવીણ સોલંકી સરે પ્રફુલ આભાણી સરને સમજાવી, ફોસલાવીને થાળે પડ્યા કે ‘આભાણી, આ તો થાય. ક્યારેક ઇનામ મળે અને ક્યારેક નિરાશા મળે. સ્પર્ધામાં હાર હોય તો જીતવાનો નશો ચડે.’

સ્ટેજ પર અમુક કૉલેજના વિદ્યાર્થીઓ કાન્તિ મડિયા સાથે, જશવંત ઠાકર સાથે જોરદાર આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હતા. તેમની કૉલેજના નાટકને ઇનામ ન મળ્યું એટલે એ લોકો જજ પર પાર્શિયાલિટીનું દોષારોપણ આક્રોષિત ભાવે અંકુશ બહાર આવીને દલીલોની તડાફડી દ્વારા કરી રહ્યા હતા. તેમનો ગુસ્સો જોઈને ઍન્ગ્રી યંગ મૅન અમિતાભ પણ શરમાઈ જાય. વિદ્યાર્થીઓએ કાન્તિ મડિયા અને જશવંત ઠાકરને ઘેરી લીધા. પછી જે અવર્ણનીય થયું એ વાંચીએ આવતા ગુરુવારે...

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો

પ્રેમ પરમ છે. પ્રેમ તન નથી. પ્રેમ મન નથી. પ્રેમ ધન નથી. પ્રેમ ગન નથી. પ્રેમ અન્ન છે. પ્રેમ વન છે. પ્રેમ આત્મા-પરમાત્માનું લગન છે. પ્રેમ જગન છે. પ્રેમ ચમનની ખુશ્બૂ છે. પ્રેમ અમન છે. પ્રેમ આનંદ છે. પ્રેમ‍ ખુશી છે. પ્રેમ બહાદુરી છે. પ્રેમ પાવર છે. પ્રેમ સ્વર છે. પ્રેમ ઈશ્વર છે. પ્રેમ અક્ષર છે. પ્રેમ અમર છે. પ્રેમ શાશ્વત છે. પ્રેમ નિઃસ્વાર્થ છે. પ્રેમ એટલે આપવું. પ્રેમ એટલે જપવું. પ્રેમ એટલે પામવું. પ્રેમ એટલે મોજ. પ્રેમ એટલે જલસો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 03:20 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK