બે પ્રવીણને લીધે હું નાટકોમાં થયો પ્રવીણ, એક જોષી ને બીજા સોલંકી

Published: 18th February, 2021 11:57 IST | Latesh Shah | Mumbai

પ્રવીણ સોલંકી પાસે વાગડ કલા કેન્દ્રમાં ઘણાં નાટકો કરાવ્યાં. ‘વ્હાલે દીધાં વિષ’ જેમાં મને પ્રવીણભાઈએ મુખ્ય ભૂમિકા આપી એ એકાંકી નાટક વાગડ કલા કેન્દ્રના વાર્ષિક મહોત્સવમાં ભજવાયું અને નાટક સુપરહિટ થઈ ગયું અને સમાજમાં હું છવાઈ ગયો.

પ્રવીણ જોષી
પ્રવીણ જોષી

૧૯૭૨-’૭૩ના ગાળામાં મારો કમાલનો સમય હતો. આંતરકૉલેજ નાટ્ય સ્પર્ધામાં ઍક્ટર તરીકે હળવે-હળવે હું એસ્ટાબ્લિશ થઈ રહ્યો હતો. જાની સર મને આઇએનટીમાં પ્રવીણ જોષીના નેજા હેઠળ કામ અપાવવાના હતા. એ જ સમયે વાગડ કલા કેન્દ્રમાં પહેલી વાર મેં નાટક ભજવવાની શરૂઆત કરી. મને જગશી વેરશી દેઢિયા લઈ ગયો ડૉક્ટર રાયચંદ નિસર પાસે, ઓળખાણ કરાવી અને મેં વાગડ કલા કેન્દ્રમાં એકાંકી નાટકો શરૂ કર્યાં. મારી સાથે ખીમજી રામજી કારિયા અને પ્રવીણ રામજી કારિયા જોડાયા અને સરસ અને જોરદાર ટીમ બની.

પ્રવીણ સોલંકીને અમે રાઇટર-ડિરેક્ટર તરીકે નીમ્યા. પ્રવીણ સોલંકી પાસે વાગડ કલા કેન્દ્રમાં ઘણાં નાટકો કરાવ્યાં. ‘વ્હાલે દીધાં વિષ’ જેમાં મને પ્રવીણભાઈએ મુખ્ય ભૂમિકા આપી એ એકાંકી નાટક વાગડ કલા કેન્દ્રના વાર્ષિક મહોત્સવમાં ભજવાયું અને નાટક સુપરહિટ થઈ ગયું અને સમાજમાં હું છવાઈ ગયો. બીજા વર્ષે ‘ધ ટ્રૅપ’ નામનું સસ્પેન્સ નાટક ભજવાયું એમાં પણ મુખ્ય ભૂમિકા પ્રવીણભાઈએ મને આપી. એ એકાંકીમાં જરા ગ્લૅમરથી ભરપૂર હીરોનો રોલ હતો. વાગડ કલા કેન્દ્રનો હું હીરો થઈ ગયો. મારી પાછળ ખેંચાઈને વાગડના બીજા જુવાનિયા પણ નાટકમાં ભાગ લેવા આવવા લાગ્યા. એ બે વર્ષ દરમ્યાન બે પ્રવીણે મને પ્રવીણ પુરવાર કર્યો, એક પ્રવીણ સોલંકી અને બીજા પ્રવીણ જોષી. હું વાગડ સમાજમાં કલાકાર તરીકે છવાઈ ગયો. આઇએનટીની ઍક્ટિંગ વર્કશૉપમાં પણ હું મુખ્ય વિદ્યાર્થી હતો ત્યાં દિનકર જાની સરે મને ‘માણસ નામે કારાગાર’માં મુખ્ય ભૂમિકા આપી. એટલે બન્ને જગ્યાએ હું હીરો થઈ ગયો. કૉલેજ ડેમાં પણ પ્રવીણ સોલંકીએ મને ‘કોઈને માથે કાળ ભમે છે’માં મુખ્ય ભૂમિકા આપી. હું તો ઝાલ્યો ઝલાઉં નહીં એટલો પતંગની સફળતાના આકાશમાં ચગ્યો. મને આમાં સપોર્ટ મળે મારા માસા અમૃતલાલ છાડવાનો. ઘરમાં તો આ કોઈ વાત જ ન કરાય. અમૃતમાસા ફુલ સપોર્ટ આપતા. એમાં મારી ગુજરાતી મીડિયમની સ્કૂલ, ગિરગામ સાર્વજનિક સ્કૂલના વાર્ષિક મેળાવડામાં નાટક કરવાનું આમંત્રણ મળ્યું જ્યાં મેં અને નવીન છેડાએ મુખ્ય રોલ કર્યો. નવીન પણ
મારી સાથે આઇએનટીની ઍક્ટિંગ વર્કશૉપમાં જોડાયો. વાગડના ઘણા એ જમાનાના જુવાનિયાઓ જોડાવા માગતા હતા. વાગડ સમાજના વડીલોમાં ઊહાપોહ શરૂ થઈ ગયો.

બીજી બાજુ, સમાજના લોકોને લાગ્યું કે લતેશ બધાને નાટકિયા બનાવશે અને પપ્પાનો ગુસ્સો ધોધની જેમ મારા પર વછૂટી પડ્યો. મને ઇમર્જન્સી મોડમાં નાખવામાં આવ્યો. પપ્પાનો ઑર્ડર આવી ગયો. હું નાટકો ભજવવાનું બંધ કરું એટલે કૉલેજમાંથી ઉઠાડી લેવાની ધમકી આપી. ફરજિયાત દુકાને બેસવાનો હુકમ થયો. પપ્પાએ નાનપણથી એસએસસી સુધી મસ્ત મેથીપાક જમાડેલો એટલે મનમાં થપ્પડ-લપ્પડ લાફા-થપાટથી બનેલા વેગવેગળા પાક ખાવાનો ડર પેસી ગયો હતો. એક દિવસ રડવામાં કાઢ્યો, બીજો દિવસ માને સમજાવવામાં કાઢ્યો જેથી તે બાપ્પાને (એ સમયે બાપ્પા કહેતા અમે પપ્પાને )સમજાવે. પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. દુકાને જવા લાગ્યો પણ મન માનતું નહોતું અને જીવ તો નાટકોમાં જ ગૂંથાયેલો હતો. એક દિવસ દુકાનમાંથી દાંડી મારી અને ઘાટકોપર રહેતા મારા માસાને મળવા ગયો. અમૃતલાલ માસા.

pravin-solanki

પ્રવીણ સોલંકી

એ. કે. નામથી પ્રખ્યાત મારા માસા એટલે સ્પષ્ટવક્તા અને જેમનું જેમ અને તેમનું તેમ કહેનાર ભડવીર હતા. એ સમયમાં સમયથી વીસ વર્ષ આગળ હતા. સમાજના એ સમયના લીડરોમાં આગળ પડતા અને આધુનિક હતા. મને થયું કે તેમને વાત કરીશ તો કદાચ તે મારા બાપ્પાને સમજાવશે. હું તેમને તેમની અંકુર નામની અનાજની દુકાને મળ્યો. હું આમ સમાજના લોકોને કે સગાંવહાલાંઓને મળવાની બાબતમાં આળસુ હતો અથવા અવૉઇડ કરતો. મને મારો સમાજ એ જમાનામાં નહોતો ગમતો. કોઈ પણ પ્રસંગે હું ભળવાનું ટાળતો. અમારા સમાજના લોકોમાં ગણ્યાગાંઠ્યા લોકો પોતાનાં બાળકોને ભણાવવામાં માનતા હતા. મોટા ભાગના બાળકોને દસમા અથવા અગિયારમા સુધી ભણાવીને ઉઠાડી મૂકતા અને દુકાને જબરદસ્તી બેસાડી કામે લગાડી દેતા. પેપર કે દાણાની દુકાનો હતી. વધુમાં વધુ અમુક લોકોની કપડાંની એટલે રેડીમેડ ક્લોથની દુકાન હતી તો એના ગલ્લા પર બેસાડી દેતા અને જલદીથી લગ્ન કરાવી દેતા. એ ટાઇમના મોટા ભાગના યુવાનોની જિંદગી આમ જ રુંધાઈ જતી. મારા અમૃતમાસા પોતે પણ એનો શિકાર થયા હતા. કોઠાની સૂઝવાળા માસા કાયદા-કાનૂનનો સારા અભ્યાસુ હતા એટલે જ્યાં સમાજને કામ આવી શકતા ત્યાં આવતા. તેમનું અને મારા બાપ્પાનું સરસ જામતું હતું. અમૃતમાસા મારા બાપ્પાને બહુ રિસ્પેક્ટ આપતા. થયું, લાવ તેમને મારી મૂંઝવણ જણાવું જેથી મને આ ભૂલભુલૈયાભરી મુશ્કેલીમાંથી બહાર કાઢે. મેં તેમને વાત કરી. તેમણે મારી વાત શાંતિથી સાંભળી. મને સલાહ આપી કે હું નાટક કરવા કરતાં મારા બાપ્પાને તેમના ધંધામાં સહકાર આપું. જ્યારે તેમણે મારી નાટકો કરવાની તડપનો મારી વાતો પરથી અનુભવ કર્યો ત્યારે તેઓ મારા બાપ્પાને સમજાવવા તૈયાર થયા. અમૃતમાસાએ મારા બાપ્પાને સમજાવ્યા અને મને ફરી કૉલેજ જતો કર્યો. નાટકો કરવાની પરમિશન અપાવી.

મારા બાપ્પાના અવસાન બાદ તેમણે સતત મારા ભાઈઓને પાંચાબાપાની ખોટ ન સાલે એ માટે તેમણે પોતે હસમુખ રમતારામને ભરપૂર સપોર્ટ કર્યો. તેઓ પરિવાર અને સમાજની જવાબદારી પ્રત્યે સભાન અને કર્તવ્યનિષ્ઠ હતા. મારાં નાટકો જોતા. તેમને મારા લખેલાં નાટકો ‘ચિત્કાર’ અને ‘મહાયાત્રા’ બહુ જ ગમ્યાં હતાં. મારા સ્ટ્રીટ પ્લે ‘ભારત હમારી માતા તો બાપ હમારા હીજડા હૈ?’નાં ખૂબ વખાણ કર્યાં હતાં. ખુલ્લી કિતાબ જેવા અમૃતમાસાએ સમાજને આપવાનું જ કામ કર્યું છે. તેમને સમાજે ગણ્યા અને અવગણ્યા છે. તેમને આ વાતનો કોઈ ક્ષોભ નહોતો. જેને જેમ વિચારવું હોય એમ વિચારે, હું તો સમાજને જેટલો ઉપયોગી થવાય એટલો થઈશ.

ખરા અર્થમાં સંસારી યોગી અમૃતમાસાને છેલ્લા દિવસોમાં જ્યારે અચાનક ખબર પડી કે તેમને કૅન્સર થયું છે ત્યારે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અમૃતમાસા સ્થિતપ્રજ્ઞ હતા. મૃત્યુને તેમણે જીવનની જેમ જ સ્વીકાર્યું. અમૃતમાસા તમારે લીધે હું નાટકો કરી શક્યો. એ જમાનાના સંકુચિત સમાજમાં તમારા જેવો અર્વાચીન મિત્ર ને સલાહકાર મળ્યો. હતા ત્યાં સુધી તમે મારા ‘મિડ-ડે’ના આર્ટિકલ્સ વાંચીને અચૂક અભિપ્રાય આપ્યો. હવે જરૂર પડ્યે સપનામાં પધારજો અને માર્ગદર્શન આપજો અમૃતમાસા. મિસ યુ. અસ્તુ.

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો
વિશ્વ એક રંગમંચ છે. એમાં રહેતા કાળા માથાના માનવીઓ કળાકારો છે. દરેક માણસ પોતાને ભાગે આવેલું પાત્ર ભજવીને એક્ઝિટ મારે છે. એક જ પાત્રમાં કંઈ કેટલાંય પાત્રો ભજવતા આપણે બધા આપણા પાત્રની ભજવણી પૂરી થતાં એક્ઝિટ મારીએ છીએ. માણસ પોતાના પાત્રમાં એટલોબધો ઓતપ્રોત થઈ જાય છે કે અહમથી લપેટાયેલા તેને મોહપાશ અને ભૂલભુલૈયા માણસમાંથી કંઈ બીજું જ બનાવી દે છે. તે રંગમંચને અસ્તિત્વ માને છે.

પરિવાર નામના લાગેલા સેટમાં તે ખોવાઈ જાય છે. જે પાત્ર ભજવવા આવ્યો હોય છે એને ભૂલીને બીજું જ પાત્ર ભજવે છે. ઓતપ્રોત થાઓ પણ સજાગ થઈને, પાત્રને સતર્ક બનીને જીવો અને જલસા કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK