આસામની એક ટીવીચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમની ત્યક્તા પત્ની પ્રિયંવદાએ એવો દાવો કર્યો હતો કે લતા મંગેશકર અને ભૂપેન હઝારિકા વચ્ચે પ્રેમસંબંધો હતા. ઓટાવામાં રહેતી પ્રિયંવદાએ તેના સ્વર્ગસ્થ પતિ તથા લતા મંગેશકર વચ્ચેના પ્રેમસંબંધો વિશે કરેલા વિવાદાસ્પદ વિધાનને કારણે માત્ર મંગેશકરપરિવાર જ નહીં, પરંતુ છેલ્લાં ૪૦ વર્ષથી ભૂપેન હઝારિકાનાં કમ્પેનિયન રહેલાં ફિલ્મમેકર કલ્પના લાજમી પણ નારાજ થયાં છે. આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ બન્ને પક્ષોએ નક્કી કર્યું છે.
શનિવારે પ્રસિદ્ધ થયેલા ઇન્ટરવ્યુમાં વયોવૃદ્ધ પ્રિયંવદાએ કહ્યું હતું કે ૫૦ વર્ષ પહેલાં આ જ કારણથી તેણે તેમના પતિને છોડી દીધા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે ‘કલકત્તાના ટોલીગંજ વિસ્તારમાં આવેલા તેમના ફ્લૅટના ત્રણ બેડરૂમ પૈકી એક બેડરૂમનો ઉપયોગ પણ લતા મંગેશકર શહેરમાં આવતાં હતાં ત્યારે કરતાં હતાં. એક દિવસ તેમણે (ભૂપેન હઝારિકાએ) મને કહ્યું કે જો પ્રિયં, ભારતમાં જો કોઈ સંગીતકારે પ્રગતિ કરવી હશે તો તેનું ગીત લતા મંગેશકર ગાય તો જ થઈ શકે. પછી એક વખત મેં તેમને પૂછ્યું હતું કે શા માટે આખી રાત તમે આ મહિલા સાથે વિતાવો છો? તો તેમણે કહ્યું કે કેટલીક વખત તમારે એમ કરવું પડે છે.’
લતા મંગેશકરે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘લોકો કઈ હદ સુધી જઈ શકે છે એ જાણીને મને ખૂબ આઘાત લાગ્યો છે. મને ખબર નથી કે તે શું કહી રહી છે, પરંતુ હું તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશ.’
કલ્પના લાજમી પણ આવી જ કાર્યવાહી કરશે એમ જાણવા મળ્યું છે.
પોતાની આત્મકથામાં સ્વર્ગસ્થ સંગીતકાર ભૂપેન હઝારિકાએ મુંબઈના એક મોટા આર્ટિસ્ટ સાથે પોતાના સંબંધો વિશે લખ્યું છે. એ મુજબ કલકત્તા ઍરર્પોટ પર એક મોટા આર્ટિસ્ટને જોઈને પ્રિયંવદાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. ભૂપેન હઝારિકાએ પોતાની પત્નીને પૂછ્યું, ‘શું થયું?’ અને તેણે કહ્યું કે ‘આ મહિલાએ જે તમને કહ્યું છે એ મને નથી ગમ્યું.’
‘જ્યારે મેં ભાર દઈને પ્રિયંવદાને પૂછ્યું તો તેણે મને જવાબ આપ્યો કે તે મહિલાએ એમ કહ્યું કે તે તમને તમારા પેરન્ટ્સ તથા મારા કરતાં પણ વધારે પ્રેમ કરે છે.’
અત્યાર સુધી આ આર્ટિસ્ટ કોણ હતું એની કોઈને ખબર નહોતી, પરંતુ પ્રથમ વખત કોઈએ આ નામ જાહેર કર્યું છે.