Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇફ કા ફન્ડા - ચિત્રને આખરી ઓપ

લાઇફ કા ફન્ડા - ચિત્રને આખરી ઓપ

13 November, 2020 04:45 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

લાઇફ કા ફન્ડા - ચિત્રને આખરી ઓપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક ચિત્રકાર અદ્ભુત ચિત્રો દોરે. તેમના એક ચિત્રમાં અનેક રંગો, ભાતભાતના રંગો આંખે ઊડીને વળગે. તેમનું ચિત્ર એટલે જાણે રંગોની ઉજાણી. ચિત્રકારની એક ખાસિયત કે ચિત્ર પૂરું કરતાં તેમને દિવસોના દિવસો લાગે. અને એવું ચિત્ર દોરે કે પહેલા દિવસે પણ જોનારને એમ લાગે કે ચિત્ર સરસ છે...પૂરું થઈ ગયું છે, પણ ચિત્રકારના મતે તે અધૂરું કહેવાય પણ અન્ય માણસને તે અધૂરું લાગે નહીં. અને દિવસો સુધી ચિત્રકાર પોતાનાં ચિત્રોમાં ઝીણી ઝીણી બારિકાઈ ઉમેરતા જ જાય અને તે પણ એવી રીતે ઉમેરે કે તે ક્યારેય અધૂરું લાગે જ નહીં. આવી અનોખી ખાસિયત.
એક દિવસ તેઓ પોતાના રંગબેરંગી ફૂલોથી ભરેલા ચિત્રમાં બારિકાઈથી કામ કરી રહ્યા હતા. ચિત્રનાં બધાં જ ફૂલો સુંદર હતાં, તેના રંગો અદ્ભુત હતા. જાણે દરેક ફૂલોની એક-એક પાંદડીઓ હસી રહી હતી અને ચિત્રકાર દરેક પાંદડી પાસે તે પાંદડીના રંગના એક શેડ ઘેરા રંગની એક-એક પાતળી રેખાથી પાંદડીઓને ઓપ આપી રહ્યા હતા. પત્નીએ પૂછ્યું, ‘ચાલો આજે તો આ કેટલાય દિવસથી દોરો છો તે ચિત્ર પૂરું થશે.’ ચિત્રકાર બોલ્યા, ‘ના આજે નહીં થાય, હજી એક દિવસ લાગશે.’ પત્ની બોલી, ‘અરે આ ચિત્ર તો એકદમ સરસ અને પૂર્ણ લાગે છે, હજી શું કરવાનું છે?’ ચિત્રકારે કહ્યું, ‘જો આ પાંદડીઓના રંગ સાથે મેળ ખાતા ઘેરા રંગની રેખાઓથી એક-એક પાંદડીને મેં નવો ઓપ આપ્યો, હજી વધારે ઘેરા રંગની બારીક રેખાઓથી મારે પાંદડીને વધુ સરસ ઓપ આપવો છે. તું જ જો, આ નાની નાની પાતળી રેખાઓ પાંદડીમાં કેટલી જાન ઉમેરી દે છે.’ પત્નીએ જોયું કે ચિત્રકારની પીંછીમાંથી ઝીણા ઝીણા લસરકાઓ થતા રહ્યા અને એ વણાંકવાળી રેખાઓથી ચિત્રમાં વધારે નિખાર આવતો ગયો. ચિત્રકાર પોતાના કામમાં ખોવાયેલા હતા.
પત્ની વિચારી રહી કે ચિત્રકાર પતિની વાત કેટલી સાચી છે - આ સાવ નાની નાની પાતળી વણાંકવાળી રેખાઓ ચિત્રને કેવો સરસ ઓપ આપે છે. ચિત્રને વધુ જીવંત કરે છે. આ જ રીતે કોઈ પણ કામમાં આટલી ચીવટ અને ઝીણવટ તે કામને વધુ નિખારે છે અને કદાચ આપણે બધાએ જીવનને એક ચિત્ર કે એક કેનવાસ સમજી આમ જ નિષ્ઠા અને ચીવટથી ઝીણી-ઝીણી ખુશીઓથી ભરી દેવું જોઈએ અને એ પણ યાદ રાખવું જોઈએ કે જીવનમાં આવતા નાના નાના વણાંકો, બદલાવ, નાની નાની વાતે ચીવટ વગેરે જીવનને વધુ ને વધુ સુંદર ઓપ આપવામાં મોટો ભાગ ભજવે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 04:45 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK