Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે

ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે

27 February, 2021 09:40 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે અને એને માટે ગુજરાતી ભાષાને બચાવનારાઓ પણ મેદાનમાં ઊતરી ગયા છે. વર્ષોથી સતત એ લોકો એક જ વાત કહે છે કે ગુજરાતી ભાષાને મરતી બચાવવાની છે, પણ એક વાત કહેવાનું મન થાય છે કે ભાષા ક્યારેય મરતી નથી અને મરે એ ભાષા હોતી નથી. ગુજરાતીને પણ આ જ વાત લાગુ પડે છે. એ ક્યારેય મરવાની નથી અને એ મરશે નહીં, પણ આ વિષય પર પછી આપણે વાત કરીશું. આજે એક નિખાલસ કબૂલાત કરવાની છે કે ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે, પણ એ સ્વીકાર્ય ત્યારે જ ગણાશે જ્યારે ગુજરાતી નહીં બોલવા પાછળનું કારણ એને માટેની શરમ ન હોય અને એ હોવી પણ ન જોઈએ.

અંગ્રેજી ન આવડવામાં જો તમને શરમ ન નડતી હોય તો પછી ગુજરાતી આવડે છે એ વાતમાં શરમ શાની અને શું કામ? ગુજરાતી માતૃભાષા છે અને માતૃભાષા માટે માન તો હોવું જ જોઈએ. તમને તમારી મા માટે શરમ આવે છે ખરી? જો આવતી હોય તો ખરેખર તમારે ડૂબી મરવું જોઈએ, પણ એવું જવલ્લે જ બને કે કોઈને પોતાની મા માટે શરમ આવતી હોય. મા માટે શરમ નથી આવતી તો પછી માતૃભાષા માટે શરમ શાની આવે અને આવવી પણ શું કામ જોઈએ? અંગ્રેજી એક ભાષા છે એવી જ રીતે ગુજરાતી પણ એક ભાષા છે.



જર્મન, જપાન, અરબી અને એવી અનેક ભાષાઓ છે જે માટે સ્થાનિક લોકોને માન છે. તમે કલ્પના કરી શકો ખરા કે ચીનમાં અંગ્રેજી ન આવડતી હોય એવા લાખો લોકો છે. ખાસ ચીનને ધ્યાનમાં રાખીને અઢળક સૉફ્ટવેર એવાં બન્યાં છે જે માત્ર અને માત્ર ચાઇનીઝ ભાષામાં બનાવવામાં આવ્યાં છે, જેથી ત્યાંની પ્રજા વાપરી શકે. આ તેમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ છે અને આ જ પ્રેમને લીધે અંગ્રેજીના જનકે પણ તેમની સામે ઝૂકવું પડ્યું છે. અંગ્રેજીનો વિરોધ નથી અને એવું કરવું પણ ન જોઈએ. અંગ્રેજી આજે ઇન્ટરનૅશનલ લૅન્ગ્વેજ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે, જો દુનિયા સાથે અને જમાના સાથે તમારે તાલ મિલાવવો હશે તો એને અવગણી નહીં શકાય. અંગ્રેજી વિના નહીં ચાલે, પણ એના વિના ચાલશે જ નહીં એવું પણ નથી. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો, જો તમે ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન લીધું હોય અને અંગ્રેજીમાં પણ હોશિયાર હો તો પણ કંઈ ખોટું નથી, પણ અંગ્રેજીમાં તમારી કોઈ આવડત નથી, એમાં તમે ક્યાંય પારંગત નથી બન્યા અને માત્ર ને માત્ર ગુજરાતી શરમને લીધે તમે અવગણી રહ્યા છો તો એ બહુ ખોટું છે, ખરાબ છે, શરમજનક છે.


ભાષા તમને સપનાં આપે છે. ભાષા તમને સમૃદ્ધિ આપે છે અને ભાષા તમને વાચા આપે છે. વાત કહેવાની વાચા અને લાગણી વ્યક્ત કરવાની વાચા. આ વાચાને તમે ક્યારેય અવગણતા નથી. એક વખત વિચારજો કે સ્વરપેટીમાંથી સ્વર ચાલ્યો જાય તો એ તમે સ્વીકારી શકો ખરા? નહીંને, ગુજરાતી તમારી સ્વરપેટીનો સ્વર છે અને એ સ્વર તમે ગુમાવી રહ્યા છો. માની હૂંફ છોડીને ગર્લફ્રેન્ડની બાહોપાશમાં જનારો ક્યારેય સુખી નથી થતો. સુખી થવું હોય તો માની હૂંફ જ મલમનું કામ કરી શકે. ગુજરાતી માની હૂંફ છે અને એનો ઉપયોગ એ માની હૂંફ છે. એનો આદર કરજો, અનાદર નહીં.

માતૃભાષાનો આદર કેવો હોય એ જોવું હોય તો એક વખત જપાન અને ચીન જઈને જોઈ આવજો. ખબર પડશે કે એ લોકો માટે અંગ્રેજી પારકી ભાષા છે અને માતૃભાષા પ્રથમ ક્રમે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2021 09:40 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK