"લલિત શેઠ પૈસા માટે તૂટે એવા નહોતા, મારા ૬૧ લાખ તો તેઓ ચપટીમાં ઊભા કરી શકે એવા હતા"

Published: 4th August, 2012 07:28 IST

બુધવારે બપોરે બાંદરા-વરલી સી-લિન્ક પરથી કૂદીને આત્મહત્યા કરનારા રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠના આ પગલાને હજી તેમની નજીકના માણસો અને લેણદારો પણ માનવા તૈયાર નથી. તેઓ એવું માને છે કે આર્થિક તંગીને કારણે લલિત શેઠ આવું હિચકારું પગલું ભરી શકે નહીં.

 

(યોગેશ પંડ્યા)

 

મુંબઈ, તા. ૪

 

ઑપેરા હાઉસમાં રાજ ટ્રાવેલ્સની ઑફિસના મૂળ માલિક વિનોદ ભગતે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘લલિત શેઠ ૬૧ લાખ રૂપિયા જેટલી મામૂલી રકમ માટે આત્મહત્યા કરે એવી વ્યક્તિ નહોતા. તેઓ એકદમ જિગરબાજ અને બોલવામાં ચાલાક હતા. તેઓ પાક્કા સેલ્સમૅન હતા. પૈસા જેવી બાબતમાં તેઓ આવું પગલું ભરે એ હું નહીં, મારા જેવા બીજા અનેક લોકોનું માનવું છે. આટલી નાની રકમ તો તેઓ ચપટીમાં ઊભી કરી શકે એવા હતા.’

 

મટકાકિંગ તરીકે કુખ્યાત સુરેશ ભગતના ભાઈ વિનોદ ભગતે તેમની ૩૫૦૦ ચોરસફૂટમાં આવેલી આ ઑફિસ લલિત શેઠને ૧૯૮૧માં તેમની ગુડવિલ અને પરસ્પરની સમજૂતીથી આપી હતી. વિનોદ ભગતે ભાડાની માગણી કરી નહોતી, પણ રાજ ટ્રાવેલ્સના બિઝનેસ પર કમિશન મેળવવાના કરાર કર્યા હતા. લલિત શેઠે છેલ્લાં ચાર વર્ષથી કમિશન ન આપતાં તેમણે આ જગ્યાનો કબજો તેમને પાછો મળી જાય એ માટે બે વર્ષ પહેલાં ર્કોટમાં કેસ કર્યો હતો અને આ જગ્યા ર્કોટ-રિસીવરમાં ગઈ હતી. આ જગ્યા ખાલી કરવા માટે લલિત શેઠને નોટિસ પણ આપવામાં આવી હતી છતાં તેમણે જગ્યા ખાલી કરી નહોતી. ગયા મહિને આ ઑફિસ પર બૉમ્બે હાઈ ર્કોટે નોટિસ લગાવી હતી. જગ્યા ખાલી કરવી ન પડે એ માટે લલિત શેઠે પહેલી ઑગસ્ટે સાંજે ચાર વાગ્યા સુધીમાં ર્કોટમાં ૬૧ લાખ રૂપિયા જમા કરાવવાના હતા. એ પછી પણ દર મહિને ચાર લાખ રૂપિયા ભાડું પણ ભરવાનું હતું.

 

આ ઘટનાક્રમ વિશે બોલતાં વિનોદ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આત્મહત્યાના ચાર દિવસ પહેલાં ૨૬ જુલાઈએ તેમણે મારી સાથે મીટિંગ કરી હતી. તેમણે મને એક વર્ષનો સમયગાળો આપવા વિનંતી કરી હતી, પણ આ જગ્યા ર્કોટ-રિસીવરના હાથમાં હોવાથી હું કંઈ કરી શકું એમ નહોતો. આમ છતાં હું તેમને બેથી અઢી મહિનાનો સમય આપવા તૈયાર થયો હતો. એ પછી તેમનો એક માણસ પણ મને બીજા દિવસે મળી ગયો હતો. ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમારી સામે ઘણા કેસ હોવાથી મારી જગ્યા સલામત રહે એ માટે ડિક્રી લખી આપો.’

 

લલિત શેઠ આ પહેલાં નાણાકીય ભીડનો સામનો બે-ત્રણ વાર અનુભવી ચૂક્યા હતા એમ જણાવીને વિનોદ ભગતે કહ્યું હતું કે ‘તેમણે રાજ ઍર શરૂ કરી પછી એમાં ભારે ખોટ જવા છતાં એમાંથી ઉપર આવી ગયા હતા. પછી ૨૦૦૬માં તેમણે દેશભરમાં સારી વૉલ્વો બસોમાં ફરી શકાય એ માટે રાજ નૅશનલ એક્સપ્રેસ બસ-સર્વિસ શરૂ કરી હતી, પરંતુ એમાં પણ ભારે ખોટ કરી હતી. એમાંથી પણ તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા ત્યારે કિંગફિશર ઍરલાઇનના ફિયાસ્કોએ તેમની કમર તોડી નાખી હતી. આમ છતાં તેઓ મને મળ્યા ત્યારે તેમના ચહેરા પર ટેન્શન નહોતું. આમ આવો માણસ આત્મહત્યા કરે એ હું માનવા તૈયાર નથી.’

 

કિંગફિશર ઍરલાઇન્સની ક્રાઇસિસે ઘણા ટ્રાવેલ એજન્ટોને મુશ્કેલીમાં મૂક્યા

 

કિંગફિશર ઍરલાઇન્સના ધબડકાએ રાજ ટ્રાવેલ્સને મોટો ફટકો માર્યો હોવાનું ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ ટ્રાવેલ્સની મોટા ભાગની પૅકેજ-ટૂર્સનું બુકિંગ આ ઍરલાઇન્સમાં થતું હતું, પણ આ કંપનીની નાણાકીય હાલત કફોડી બનતાં એણે ઘણા સેક્ટરમાં સર્વિસ બંધ કરી દીધી હતી આથી લલિત શેઠની રાજ ટ્રાવેલ્સને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી પણ લલિત શેઠ નાણાકીય ભીંસમાં આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK