કૉલમ : મેનોપૉઝમાં ત્વચાની કાળજી કઈ રીતે લેશો?

Published: May 30, 2019, 11:20 IST | લેડીઝ સ્પેશ્યલ-વર્ષા ચિતલિયા

ચાળીસની વય વટાવ્યા બાદ ગમે ત્યારે શરૂ થતી આ અવસ્થાના દરેક તબક્કામાં ત્વચાની જરૂરિયાતો બદલાય છે. આજે આપણે પ્રી-મેનોપૉઝ, મેનોપૉઝ દરમ્યાન અને પોસ્ટ-મેનોપૉઝ એમ ત્રણેય તબક્કામાં ત્વચાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ એ વિશે વાત કરીશું

ત્વચાની કાળજી
ત્વચાની કાળજી

લેડીઝ સ્પેશ્યલ

સ્વાસ્થ્ય અને સૌંદર્યની બાબતમાં સ્ત્રીઓ જેટલી સભાન છે એટલી જ અજ્ઞાન પણ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્વચા આપણા શરીરનું એવું બાહ્ય આવરણ છે જેની કાળજી દરેક સીઝનમાં અને જીવનના દરેક તબક્કામાં લેવી પડે છે, પરંતુ યુવાનીમાં એની જેટલી આળપંપાળ કરવામાં આવે છે એટલું ધ્યાન મેનોપૉઝની ઉંમરમાં પ્રવેશ્યા બાદ રાખવામાં આવતું નથી. ચાળીસીમાં પહોંચતાં જ ચહેરાનું નૂર હણાવા લાગે છે. ત્વચાનો કસાવ ઢીલો પડે છે. માસિક સ્રાવ અનિયમિત થઈ જાય એટલે ત્વચા પર કરચલી દેખાવા લાગે. ત્વચાની સુંદરતા ઘટતાં સ્ત્રીમાં અસલામતીની ભાવના પેદા થાય છે, જે એને હતાશ કરી દે છે.

વૃદ્ધત્વ કુદરતી પ્રક્રિયા છે એને અટકાવી ન શકાય એ સાચું, પરંતુ મેનોપૉઝ એવી અવસ્થા છે જે સ્ત્રીને ઝડપથી વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. આ અવસ્થાનો સામનો દરેક સ્ત્રીએ કરવો પડે છે. મેનોપૉઝ દરમ્યાન શારીરિક અને ભાવનાત્મક સમસ્યાઓનો આરંભ થતાં ત્વચાની જરૂરિયાતો બદલાય છે. મેનોપૉઝની સ્કિન પર કેવી આડઅસર થાય છે તેમ જ આ સમયગાળા દરમ્યાન ત્વચાની કાળજી કઈ રીતે લેવી જોઈએ એ વિશે આજે વાત કરીશું.

ત્વચા પર અસર

ચાળીસની વય બાદ હૉટ ફ્લશની સમસ્યાથી લઈને હૉર્મોન અસંતુલન જેવા અનેક પડકારો માટે સ્ત્રીએ સજ્જ થવું પડે છે. હૉટ ફ્લશ એટલે થોડાક સમય માટે બૉડીનું તાપમાન અમુક હિસ્સામાં વધી જાય. તમારી ગરદન, ચહેરો એકદમ ગરમ થઈ ગયા હોય એવું લાગે, અચાનક પરસેવો થાય(ખાસ કરીને રાતના સમયે), આંખો લાલ થાય જેવા લક્ષણો જોવા મળે છે. આ બધી સમસ્યાઓની ત્વચા પર વિપરીત અસર થાય છે. મેનોપૉઝ તમારી ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. સૌથી પહેલાં તો તમારી સ્કિન કોલેજન બનાવવાનું બંધ કરી દે છે. હાથ અને પગની નસો ઊપસી આવે છે. ત્વચાની નીચેના ભાગમાં ચરબીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ફાઇન લાઇન્સ દેખાવાની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને જૉ લાઇન, ગરદન અને આંખની આસપાસની ત્વચા પર કરચલીઓ જોવા મળે છે. હૉર્મોનની ઊથલપાથલના કારણે ત્વચા શુષ્ક બને છે. ડ્રાયનેસને સ્કિનની તમામ સમસ્યાનું પ્રાથમિક લક્ષણ માનવું.

સ્ત્રીના જીવનમાં હૉર્મોનની ઊથલપાથલ જીવનભર ચાલ્યા જ કરતી હોય છે અને એની અસર ત્વચા પર જોવા મળે છે. મેનોપૉઝના તમામ સ્ટેજમાં ડ્રાયનેસની સમસ્યા સામાન્ય છે. આ સિવાય પિગ્મેન્ટેશન, હાયપર પિગ્મેન્ટેશન, ડિસકલરેશન વગેરે સમસ્યાઓ જોવા મળે છે. ત્વચા એની શિથિલતા ગુમાવે છે. સ્ત્રીની ફળદ્રુપતા ઘટવાની શરૂ થાય ત્યારથી માસિક બંધ થવા સુધીનો સરેરાશ સમય ચારથી દસ વર્ષ ચાલે છે. તેથી જ પ્રી-મેનોપૉઝ, મેનોપૉઝ દરમ્યાન અને પોસ્ટ- મેનોપૉઝ એમ દરેક તબક્કામાં ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

પ્રી-મેનોપૉઝ

પાંત્રીસની વય વટાવ્યા બાદ પેરિમેનોપૉઝ અર્થાત્ મેનોપૉઝની એકદમ જ શરૂઆતનો તબક્કો ગમે ત્યારે આવી શકે છે એમ જણાવતાં જસલોક હૉસ્પિટલનાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. દીપ્તિ ઘિયા કહે છે, ‘પેરિમેનોપૉઝનો ચોક્કસ સમય નથી. દરેક સ્ત્રીમાં એનાં લક્ષણો જુદાં-જુદાં હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે ચાળીસ પછી શરૂ થઈ જાય છે. આ સ્ટેજ પર તમારા પિરિયડ્સ સાવ જ બંધ નથી થતા પણ અનિયમિત બને છે. માસિક સ્રાવ સાવ જ ઓછો અથવા ખૂબ વધી જાય છે. સ્ત્રીના શરીરમાં પ્રમુખ હૉર્મોન એસ્ટ્રોજનની માત્રા ઘટવા લાગે છે. પરિણામે ત્વચા એનું લચીલાપણું ગુમાવતી જાય છે. એસ્ટ્રોજનના નીચલા સ્તરની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. ત્વચા લાલ થઈ જાય છે. વારંવાર તમારા ચહેરા પર પિગ્મેન્ટેશન અને ઍક્ને થઈ જાય તો સમજી જવું કે પ્રી-મેનોપૉઝ સ્કિન કૅરનો સમય આવી ગયો છે.’

સૌથી પહેલાં તો ડાયટ પર ફોકસ રાખવું જોઈએ એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘તૈલીય પદાર્થને ટોટલી અવૉઇડ કરો તો બેસ્ટ કહેવાય. બૉડીમાં વૉટર રિટેન્શન કૅપેસિટી ઘટવાથી ત્વચા ડ્રાય થઈ જાય છે. ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ લેવાથી ત્વચાની નમી જળવાઈ રહે છે. સ્કિન કૅરમાં ક્લિન્ઝિંગનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે. ચહેરા અને શરીરના અન્ય ભાગની ત્વચાની સ્વચ્છતા પર ધ્યાન આપવું. સ્કિનને હાઇડ્રેટ રાખવા સારી ગુણવત્તાનું મૉઇરાઇઝર વાપરવું જોઈએ. ડ્રાયનેસ વધારે હોય તો કોકોનટ ઑઇલથી હળવે હાથે મસાજ કરવો જોઈએ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત હાઇડ્રોક્યુલિક ઍસિડ ધરાવતી પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ. મેનોપૉઝમાં માત્ર ત્વચાની જ નહીં, વાળની પણ એટલી જ કાળજી લેવી જોઈએ.’

મેનોપૉઝ

મેનોપૉઝ દરમ્યાન ત્વચા ખરાબ થવાનું મુખ્ય કારણ છે વિટામિનની ઊણપ. સાયન્ટિફિકલી જોવા જઈએ તો ત્વચા અને પેટને પણ એકબીજા સાથે સંબંધ છે. પેટમાં ગરમી વધે તો આંખ આવે, પિરિયડ્સ બરાબર ન આવે તો ખીલ થાય, ખટાશના કારણે સ્કિન ઍલર્જી આ બધાં સામાન્ય લક્ષણો છે. ટૂંકમાં કહીએ તો પેટમાં જે જાય એનું રિફ્લેક્શન સ્કિન પર જોવા મળે.

આ સંદર્ભે વાત કરતાં ડૉ. દીપ્તિ કહે છે, ‘પેરિમેનોપૉઝના સમયથી જ શરીરમાં કૅલ્શિયમની ખામી ઊભી થાય છે. પર્યાપ્ત માત્રામાં શરીરમાં કૅલ્શિયમ જાય નહીં એટલે હાડકાં નબળાં પડે. આ સ્થિતિમાં ત્વચા લબડી જાય. આહારમાં પ્રોટીન અને કૅલ્શિયમની માત્રા વધારવી જોઈએ. ત્વચાની બાહ્ય સંભાળની વાત કરીએ તો ડ્રાયનેસ મુખ્ય સમસ્યા છે. પ્રૉપર ડાયટની સાથે પાણી વધુ પીવું જોઈએ. ફૅટી ઍસિડનો ઇનટેક વધારવાથી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડે છે. આ ઉપરાંત અવાકડો અને અખરોટ ખાવાં જોઈએ. મેનોપૉઝ દરમ્યાન હૉટ ફ્લશની સમસ્યા પણ ઘણી ગંભીર હોય છે. એનાથી રાહત મેળવવા ડાયટમાં ઈવનિંગ પ્રીમરોઝ ઑઇલ (ફૂલમાંથી બને છે)નો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લઈ શકાય. મેનોપૉઝ અને વૃદ્ધાવસ્થા સાથે-સાથે ચાલે છે તેથી ઍન્ટિએજિંગ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્વચાને ચુસ્ત અને યુવાન રાખવા કોલેજન, ફિલર અને બોટોક્સનાં ઇન્જેક્શનનો વિકલ્પ પણ છે.’

પોસ્ટ-મેનોપૉઝ

ત્વચાને લગતી અન્ય કેટલીક સમસ્યાઓને રોગના લક્ષણ સાથે સંબંધ છે. ડાયાબિટીઝ કે થાઇરૉઇડના દરદીની સ્કિનની સમસ્યા જુદી હોઈ શકે છે. જો કોઈ રોગ હોય તો ત્વચાની સારવાર કરાવતાં પહેલાં રોગના મૂળ સુધી જવું પડે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. દીપ્તિ કહે છે, ‘આમ તો માતા બન્યા બાદ જ સ્ત્રીના શરીરમાં કેટલીક ઊણપો કાયમી ધોરણે જોવા મળે છે. પોસ્ટ- મેનોપૉઝનો તબક્કો મોટા ભાગે પચાસની આસપાસનો હોય છે. એની સમસ્યા જુદી હોય છે. આ સ્ટેજ પર એસ્ટ્રોજન લગભગ ખતમ જ થઈ જાય છે. હાડકાં વધુ નબળાં પડે છે. તેથી કૅલ્શિયમ સપ્લિમેન્ટ ફરજિયાતપણે લેવાં જ પડે. બીજી ઊણપો હોય તો અનેક પ્રકારનાં સપ્લિમેન્ટ્સનો આધાર લેવો પડે છે. વારંવાર મૂડ ચેન્જ થાય એની ત્વચા પર આડઅસર વર્તાય. પિરિયડ્સ સદંતર બંધ થઈ જાય પછી ચહેરા પર ખાસ કરીને ચિન અને અપર લિપ પર વધારાના વાળ ઊગવા લાગે છે. એની સારવાર પણ કરવી પડે છે.’

ડાયાબિટીઝ એવો રોગ છે જેની અસર શરીરના દરેકેદરેક અવયવ પર પડે છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘આ રોગનો સામનો કરતી સ્ત્રીઓમાં સ્કિન ઍલર્જી, ઇન્ફેક્શન, અલ્સર, હાથ-પગની ત્વચામાં બળતરાની ફરિયાદ વધુ જોવા મળે છે. ઓલ્ડ એજ એક્ઝિમા પણ જોવા મળે છે. આવી સ્ત્રીઓએ મેડિકેશનની આવશ્યકતા પડે છે. તેમના માટે સ્કિન હીલિંગની સારવાર શ્રેષ્ઠ છે.’

આ પણ વાંચો : કૉલમ : એક કિલોનું વજન વધી ગયું છે ત્યારે...

સ્કિનની નૅચરલ બ્યુટીને ટકાવી રાખવા કેટલીક સિમ્પલ બાબતોને ધ્યાનમાં રાખો. તડકામાં બહાર નીકળતી વખતે ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો. દિવસમાં બે વાર ચહેરાની સ્વચ્છતા માટે જેન્ટલ ક્લેન્ઝર વાપરવું. રાત્રે સૂતાં પહેલાં રેટેનોલ બેઝ્ડ ક્રીમ લગાવવું. એનાથી સ્કિન રિપેર થાય છે. બૉડી અને ચહેરા પર વિટામિન સી બેઝ્ડ સિરમ લગાવવું. આહારમાં લાલ, લીલા અને પીળા રંગની શાકભાજી અને ફ્રૂટ્સનું પ્રમાણ વધુ હોવું જોઈએ. આ સાથે મેડિટેશન અને હળવી એક્સરસાઇઝ કરો. આટલું ધ્યાન રાખશો તો મેનોપૉઝમાં પણ તમારી ત્વચા ખીલી-ખીલી રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK