Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરેક વાતમાં ઝાંસીની રાણી બનવું કેટલું યોગ્ય?

દરેક વાતમાં ઝાંસીની રાણી બનવું કેટલું યોગ્ય?

19 February, 2019 12:38 PM IST |
વર્ષા ચિતલિયા

દરેક વાતમાં ઝાંસીની રાણી બનવું કેટલું યોગ્ય?

મણિકર્ણિકા

મણિકર્ણિકા


લેડીઝ સ્પેશિયલ 

ઘર-પરિવારની જવાબદારી સાથે બાળકને ઉછેરવું, ઑફિસમાં કામનો ભાર, સામાજિક વ્યવહારો સાચવવાની મથામણ, હેલ્થ અને ફિટનેસ માટે સમય ન ફાળવી શકવાનો વસવસો. આવા તો કેટકેટલા તનાવ અને પ્રેશર વચ્ચે મહિલાઓ જીવી રહી છે. આ બધામાં હવે એક નવા પ્રેશરનો ઉમેરો થયો છે. ચોતરફ નારીવાદની નારાબાજીને કારણે મહિલાઓમાં ફેમિનિઝમને જાળવી રાખવાનું પ્રેશર વધ્યું છે. નારીવાદી વિચારધારાને અનુસરવાનું અને એને વળગી રહેવાનું દબાણ વધતાં મહિલાઓ નવા જ પ્રકારના સ્ટ્રેસનો ભોગ બની રહી છે. ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑન સ્ટ્રેસ મૅનેજમેન્ટના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા રિસર્ચ પેપર અનુસાર ફેમિનિઝમના કારણે ૨૦થી ૩૫ વર્ષની ઉંમરની મહિલાઓનું સ્ટ્રેસ-લેવલ વધ્યું છે. આ અભ્યાસમાં અલગ-અલગ વયજૂથની મહિલાઓ સાથે વાત કર્યા બાદ શું જાણવા મળ્યું એ જોઈએ.



ફેમિનિઝમનું પ્રેશર ત્યારે વધે જ્યારે તમે પોતાના હકની લડાઈ લડવાને અસમર્થ હો એવો અભિપ્રાય આપતાં ગ્રાન્ટ રોડનાં ઑલ્ટરનેટિવ થેરપિસ્ટ દીપલ શાહ કહે છે, ‘આજના માહોલમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા તેમ જ પોતાના અધિકારો માટે યુવતીઓએ પ્રેશર લેવું જ જોઈએ, પરંતુ કેટલું લેવું જોઈએ એ વ્યક્તિગત વિષય છે. પ્રેશર લેવાથી તમારામાં લડી લેવાની હિંમત આવે છે. ચાર ફ્રેન્ડ્સ રસ્તા પર જતી હોય અને એક ફ્રેન્ડની છેડતી થાય તો રીઍક્શન શું આવે? જો એ છોકરી બિન્દાસ અને તડફડ હશે તો છેડતી કરનારને બે ઝાપટ મારી ભોંયભેગો કરી દેશે. પણ હિંમત ન હોય અને સમસમીને બેસી જાય તો ફેમિનિઝમની સપોર્ટર ફ્રેન્ડ્સ કહેશે, ડરપોક છે. એમ કંઈ તેને છોડી દેવાય? જે છોકરી સામનો નથી કરી શકતી તેનું સ્ટ્રેસ-લેવલ વધે. આવી યુવતીઓ માનસિક તાણ સાથે બહાર નીકળે છે. નારીવાદી વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ સામે તે નબળી પુરવાર થાય છે. મારું માનવું છે કે આજના માહોલમાં દરેક યુવતીએ હિમંત એકઠી કરી લેવી જોઈએ. લાઇફમાં આમેય ઘણાં સ્ટ્રેસ છે જ, થોડું વધે તો વાંધો નહીં. શરૂઆતમાં તમને આ બધી વાતો સ્ટ્રેસફુલ લાગે છે, પરંતુ અખબારો અને ટેલિવિઝનના માધ્યમથી#MeToo જેવી મૂવમેન્ટને જોયા કરશો તો તમારા મગજ પર એની ધારી અસર થશે. એક તબક્કો આવશે જ્યારે તમે એને કૅરી કરતાં શીખી જશો.’


મને નથી લાગતું કે આજની યુવતીઓ માથા પર કોઈ પ્રકારનું પ્રેશર લઈને ફરતી હોય એવો મત વ્યક્ત કરતાં બોરીવલીનાં સ્ટેજ આર્ટિસ્ટ કલ્પના શાહ કહે છે, ‘હકીકતમાં આધુનિક યુવતીઓમાં ડેવલપ થઈ રહેલી નવી વિચારધારાના કારણે તેમના પેરન્ટ્સનું સ્ટ્રેસ-લેવલ વધ્યું છે. દીકરી નારીવાદનો દંડો ક્યારે ઉગામશે, શું કરશે અને એનું પરિણામ શું આવશે એનું સ્ટ્રેસ મા-બાપને છે. આજની યુવતીઓમાં ‘હું કંઈક છું, મને કોઈની જરૂર નથી, હું મારું ફોડી લઈશ’વાળી ભાવના જોવા મળે છે એ પેરન્ટ્સનું બ્લડ-પ્રેશર વધારે છે. આજથી વીસ વર્ષ પહેલાંની સ્ત્રીઓની વિચારધારા અને આધુનિક યુવતીઓની વિચારધારામાં જમીન-આસમાનનું અંતર જોવા મળે છે. મારું અંગતપણે માનવું છે કે અગાઉની સ્ત્રીઓ વધુ સ્ટ્રેસ ફીલ કરતી હતી. તેમના પર અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધ હતા તેથી અનિવાર્યતા હોવા છતાં ઘરની બહાર નીકળવાની તેમ જ પોતાના અધિકારો માટે અવાજ ઊંચો કરવાની હિંમત તેમનામાં નહોતી. વર્તમાન સમયમાં સ્ત્રીઓ આર્થિક રીતે સધ્ધર અને સ્વતંત્ર થઈ છે એ બહુ સારી વાત છે. તેમને પોતાની ઓળખ ઊભી કરવા ખુલ્લું આકાશ મળવું જ જોઈએ એમાં ના નથી, પરંતુ એક બૉર્ડર હોવી જોઈએ. મનફાવે ત્યારે નાની-નાની બાબતમાં ફેમિનિસ્ટોની જેમ રાડારાડ અને ઊહાપોહ કરો તો લોકોને તો શું ઘરનાને પણ ન ગમે. સ્ત્રીએ પોતાની મર્યાદામાં રહી નવી વિચારધારાને કૅરી કરીને ચાલવું જોઈએ. બીજાને અનુસરવાનું પ્રેશર લેવામાં મને કોઈ લોજિક દેખાતું નથી.’

આર્થિક નિર્ભરતાએ આજની યુવતીઓને સ્માર્ટ બનાવી છે. તેઓ સ્ટ્રેસ લઈને ફરે એવી કાચીપોચી નથી એેવો મત વ્યક્ત કરતાં દહિસરનાં હાઉસવાઇફ રચના હિંગર કહે છે, ‘સ્ત્રી છું તો શું થઈ ગયું? મને પણ આઝાદી મળવી જોઈએ, જો નહીં આપો તો મને લેતાં આવડે છે’ આ નારો છે આજની યુવતીઓનો. તેઓ પેરન્ટ્સને પણ ગાંઠતી નથી એ વાસ્તવિકતા છે. તેમની પાસે મની પાવર છે એટલે ફેમિનિઝમનું પ્રેશર લેવાની જરૂર જ નથી. તેમનું એક સ્ટાન્ડર્ડ ફિક્સ થઈ ગયું છે કે આ તો જોઈશે જ. મોટા ભાગે તો તેઓ પોતાનું ધાર્યું કરે જ છે, પણ કેટલાક અપવાદ હોઈ શકે. જે યુવતીઓને સ્વતંત્રતા નથી મળતી તેમના પર નારીવાદ પર ખરા ઉતરવાનું દબાણ છે. લેટ નાઇટ પાર્ટીમાં જવું હોય અને ઘરમાંથી રજા ન મળે તો એક વાર, બે વાર કે વધીને ત્રણ વાર ન જાય. ચોથી વાર તેનામાં લડવાની હિંમત આવી જાય છે. ત્રીજી વખત ના સાંભળવા મળે ત્યાં સુધી તે માનસિક તાણમાં રહે છે, કારણ કે તેની ફ્રેન્ડ્સ બહાર મજા કરી રહી છે. તેમને ઘરમાંથી પરવાનગી મળી છે. ચોથી વખત તે સ્ટ્રેસને ફગાવી દેશે અને બળવો કરશે. હવે તો કરીને જ બતાડવું છે એ સ્તર પર પહોંચ્યા બાદ તે કોઈનું નહીં સાંભળે. હવેની જનરેશન એજ્યુકેટેડ છે, એની પાસે વિચારવા માટે મગજ છે. કોઈના બહેકાવામાં આવીને નહીં, પણ પોતાના અધિકાર માટે એ નવી વિચારધારાને અપનાવી રહી છે.’


આજની યુવતીઓ ગાડરિયા પ્રવાહમાં તણાતી જાય છે : મેરાજ મીર, સાઇકોલૉજિસ્ટ ઍન્ડ સાઇકોથેરપિસ્ટ

યુવતીઓ પર ફેમિનિઝમને કૅરી કરવાનું પ્રેશર છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ સાઇકોથરપિસ્ટ મેરાજ મીર કહે છે, ‘હું એને પ્રેશર કે સ્ટ્રેસ નહીં પણ પ્રભાવ કહીશ. ચારે બાજુ હોહા થતી હોય તો તમે ગાડરિયા પ્રવાહમાં તણાતા જાઓ. સોશિયલ મીડિયામાં ફેમિનિઝમને હાઇલાઇટ કરતા વિડિયો જોઈને યુવતીઓ પ્રભાવિત થઈ જાય છે. આવા વિડિયો બનાવવા પાછળનો હેતુ શું છે એ બાબતની તેમની પાસે અધકચરી અથવા નહીંવત્ જાણકારી હોય છે. સ્ટૅન્ડ ક્યાં લેવું જોઈએ અને ક્યાં બાંધછોડ કરવાની છે એની ગતાગમ પડતી નથી તો પણ તમે અનાયાસે એનો હિસ્સો બની જાઓ છો. દરેક વાતમાં અને દરેક જગ્યાએ જમ્પ મારવાની આદત બની જાય છે. ફેમિનિસ્ટો વિશે કંઈ કહી ન શકું, પરંતુ માહોલ એવો છે કે યુવતીઓની પર્સનાલિટી એ જ રીતે ડેવલપ થતી જાય છે.’

ઉપરોક્ત રિસર્ચ નાના શહેરમાં કરવામાં આવ્યાં છે એના પરથી તેમ જ મારા અનુભવ પરથી કહી શકું કે મુંબઈ જેવા શહેરમાં મહિલાઓ ફેમિનિઝમનું પ્રેશર લેતી હોય એવું ખાસ જોવા મળતું નથી એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘નાનાં શહેરોની મહિલાઓ સોશિયલ મીડિયાના મેસેજ અને વિડિયોથી જલદી પ્રભાવિત થઈ જાય છે. મેટ્રો સિટીમાં ઊહાપોહ વધુ છે તો સામે યુવતીઓમાં સમજણશક્તિ પણ છે. તેઓ પહેલેથી જ ઘરના અને બહારના સ્ટ્રેસ સાથે જીવે છે. કામકાજ કરતી મહિલાઓની દુનિયા સીમિત થઈ ગઈ છે. ઘર અને ઑફિસ વચ્ચે બૅલૅન્સ કરવાની સાથે સો ટકા રિઝલ્ટ આપવાનું પ્રેશર હોય એમાં વધારાનું પ્રેશર લેવાનો સમય નથી. બેશક, તેમનામાં પોતાના માટે સ્ટૅન્ડ લેવાની હિંમત છે. જોકે એવા ઘણા કેસ આવે છે જેમાં મહિલાઓ સ્ટૅન્ડ નથી લઈ શકતી. એક કેસમાં મહિલાનાં સાસુ-સસરા બહુ શંકાશીલ સ્વભાવનાં હતાં. હસબન્ડ પણ તેમની વાત સાંભળે. તેમને સમજાવવાના ઘણા પ્રયાસો કરી જોયા. બધા જ વ્યર્થ ગયા. આખરે મહિલા સમજી ગઈ કે ફેમિનિઝમનો નારો લગાવવાથી આ લોકો પર અસર થવાની નથી. આખરે પોતાની વાતની રજૂઆત કરવા શાંતિથી કામ લેવું પડ્યું. મારું એટલું જ કહેવું છે કે તમે અવાજ ઉઠાવો પણ એમાં લડતાં હો એવું ન લાગવું જોઈએ. કોઈના પ્રભાવમાં આવીને બોલો તો પ્રેશર વધે. ઇતના સમજ જાઓગે તો સ્ટ્રેસ વહીં પર ખતમ હો જાએગા.’

આજના માહોલમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા તેમ જ પોતાના અધિકારો માટે યુવતીઓએ પ્રેશર લેવું જ જોઈએ, પરંતુ કેટલું લેવું જોઈએ એ વ્યક્તિગત વિષય છે

- દીપલ શાહ, ગ્રાન્ટ રોડ

સ્ટ્રેસ યુવતીઓને નહીં, તેનાં મા-બાપને છે. દીકરી ફેમિનિઝમ નામનો દંડો ક્યારે ઉગામશે અને એનું પરિણામ શું આવશે એની ચિંતામાં પેરન્ટ્સનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે

- કલ્પના શાહ, બોરીવલી

આ પણ વાંચો : સર્જનાત્મક શિક્ષણનો પ્રસાર કરવાની અનોખી રીત

આર્થિક નિર્ભરતાના કારણે આજની જનરેશનનું સ્ટાન્ડર્ડ ફિક્સ થઈ ગયું છે. જો તેમને સ્વતંત્રતા આપવામાં ન આવે તો તેઓ બળવો કરતાં પણ અચકાતી નથી

- રચના હિંગર, દહિસર

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 12:38 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK