Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચહેરાની સુંદરતામાં ઇંસ્ટંટ રિઝલ્ટ માટે બેસ્ટ ઑપ્શન,લિક્વિડ એક્સફોલિએટર

ચહેરાની સુંદરતામાં ઇંસ્ટંટ રિઝલ્ટ માટે બેસ્ટ ઑપ્શન,લિક્વિડ એક્સફોલિએટર

26 February, 2019 01:10 PM IST |
વર્ષા ચિતલિયા

ચહેરાની સુંદરતામાં ઇંસ્ટંટ રિઝલ્ટ માટે બેસ્ટ ઑપ્શન,લિક્વિડ એક્સફોલિએટર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લેડીઝ સ્પેશ્યલ

વર્કિંગ વિમેન હોય કે હાઉસવાઇફ, આજે બધા પાસે સમયની અછત છે એટલે સૌંદર્યને જાળવી રાખવા ઘરમેળે જ કેટલાક સરળ અને અસરકારક ઉપાયો આજમાવવા પડે છે. જો તમે સિલ્કી, સ્મૂધ અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો લિક્વિડ એક્સફોલિએટર બેસ્ટ ઑપ્શન છે. શું છે આ? કઈ રીતે તમારી ત્વચાની સંભાળ રાખે છે એ વિશે એ ટુ ઝેડ જાણી લઈએ.



એક્સફોલિએટ એટલે ત્વચાની બાહ્ય સપાટી પરની ક્ષતિગ્રસ્ત અને નિષ્ક્રિય કોશિકાઓ તેમ જ શુષ્ક ત્વચાને દૂર કરવાની પ્રક્રિયા. આપણી ત્વચાની બાહ્ય સપાટી પર આવેલી કોશિકાઓ અંદાજે દર ત્રીસ દિવસે મૃત પામે છે. સામાન્ય ભાષામાં આપણે એને ડેડ સ્કિન તરીકે ઓળખીએ છીએ. નવી કોશિકાઓ માટે જગ્યા બનાવવા આવી નિષ્ક્રિય અને ક્ષતિગ્રસ્ત કોશિકાઓને દૂર કરવી પડે. જો સમયસર એને દૂર કરવામાં ન આવે તો ચહેરા પર કરચલીઓ, હાઇપર પિગ્મેન્ટેશન, ઍક્ને, બ્લૅકહેડ્સ વગેરે સમસ્યાઓ ઉદ્ભવે. લિક્વિડ એક્સફોલિએટર ડેડ સ્કિનને દૂર કરી ત્વચાને અંદરથી પૉલિશિંગ કરે છે.


આ એક પ્રકારનું સ્ક્રબ છે જે પ્રવાહીના રૂપમાં કામ કરે છે. હવે તમને થશે સ્ક્રબ જેવું જ છે તો સ્ક્રબ જ શા માટે નહીં? નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર સ્ક્રબિંગથી ડેડ સ્કિન સંપૂર્ણપણે દૂર થતી નથી. બીજું, સ્ક્રબ દાણાદાર હોવાથી લાંબા ગાળે ત્વચા શુષ્ક થઈ જાય છે તેમ જ ખંજવાળ પણ આવે છે. સ્ક્રબિંગ બાદ ત્વચાને સ્મૂધ કરવા મૉઇસ્ચરાઇઝર ક્રીમ લગાવવું અનિવાર્ય હોય છે. લિક્વિડ એક્સફોલિએટર મૉઇરાઇઝર સિરમ કોલાજન બૂસ્ટિંગ અને સ્કિન ટેક્સચરને જાળવી રાખવાનું કામ પણ કરે છે. આ પ્રોડક્ટમાં પાણી અને ઑઇલનું પ્રમાણ વધુ હોવાથી ત્વચાનાં રોમછિદ્રોને સંપૂર્ણપણે ઢાંકવાની જગ્યાએ એને શ્વાસ લેવાની જગ્યા કરી આપે છે. પાણીના ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખે છે. લિક્વિડ એક્સફોલિએટરનો નિયમિતપણે ઉપયોગ કરવાથી ત્વચા પરના ડાઘ-ધબ્બા પણ દૂર થઈ જાય છે.

એક્સફોલિએટર વિશે વધુ માહિતી આપતાં બ્યુટી એક્સપર્ટ નીતા સોલંકી કહે છે, ‘લિક્વિડ એક્સફોલિએટર સ્કિનને રિજુવિનેટ કરી સૌંદર્યમાં વધારો કરે છે તેથી એવો ટ્રેન્ડ વધ્યો છે. આ ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ છે તેથી પણ વધુ પૉપ્યુલર બન્યું છે. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ સ્નાન પહેલાં શરીર પર તલ અથવા નારિયેળના તેલથી મસાજ કરતી હતી. ચહેરા પર મલાઈ અને હળદર લગાવતી. સ્ક્રબિંગ માટે અડદની અથવા મસૂરની દાળને પીસી વાપરતી હતી. આ બધા ઘરેલુ ઉપાયો એક્સફોલિએટર જ હતા. હવે કોઈની પાસે આવો સમય નથી તેથી રેડીમેડ પ્રોડક્ટ્સ પર આધાર રાખવો પડે છે. બધાને ફટાફટ રિઝલ્ટ જોઈએ છે. હવામાન અને પ્રદૂષણના કારણે ત્વચા જલદી મુરઝાઈ જાય છે. ડેડ સેલ્સને દૂર કરવા લિક્વિડ એક્સફોલિએટરને પિલ સોલ્યુશન, વિટામિન સી ઑઇલ અથવા સ્કિનને અનુરૂપ ક્રીમ સાથે મિક્સ કરી વીસેક દિવસે એક વાર મસાજ કરી શકાય. આ પ્રોડક્ટમાં કેમિકલનું પ્રમાણ હોવાથી સીધી રીતે ત્વચા પર ન વાપરી શકાય. ઉપરોક્ત જણાવેલાં ઑઇલ અથવા ક્રીમમાં આઠથી દસ ટીપાં ઉમેરી મસાજ કરવાની ભલામણ છે. આમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળે છે. તેથી જ મહિલાઓનો ઝુકાવ વધ્યો છે.’


લિક્વિડ એક્સફોલિએટર તરીકે કેટલાક ઘરેલુ ઉપાયો પણ આજમાવવા જેવા છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજી લો કે લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં તમારા શરીર પર જમા થયેલો કચરો દૂર કરવાની પ્રક્રિયા એટલે લિક્વિડ એક્સફોલિએટર. ટમેટાના પલ્પમાં મધ ઉમેરી મસાજ કરી શકાય. આવી જ રીતે કાકડી અને બટાટાના જૂસથી પણ મસાજ કરી શકાય. આ પ્રવાહીને તમે માત્ર ચહેરા પર જ નહીં, આખા શરીરે વાપરી શકો છો. જો સ્ક્રબિંગ માટે થોડી રફનેસની આવશ્યકતા જણાય તો ચોખાના લોટને ઉમેરી શકાય. જોકે તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય તો માર્કેટમાં મળતી પ્રોડક્ટ્સને સ્કિનની ક્વૉલિટી અનુસાર પસંદ કરી વાપરવી. આ ઉપરાંત લાઇકૉલિક પિલ ફેસવૉશ પણ સારું પરિણામ આપે છે. ફેસવૉશને તમે દિવસમાં બે વાર પણ વાપરી શકો છો, પરંતુ પિલ અને ઑઇલ ફૉર્મમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સને રોજ ન વાપરી શકાય.’

આ પ્રોડક્ટ માત્ર ઉપર-ઉપરથી નહીં, પણ સ્કિનને અંદરથી પણ કોમળ બનાવે છે તેથી એનો વપરાશ વધ્યો છે. મહિલાઓનો ઝુકાવ વધતાં બજારમાં અસંખ્ય પ્રોડક્ટ્સ ખડકાઈ રહી છે. વિકલ્પ વધે એટલે પસંદગીની બાબતમાં મહિલાઓની સમસ્યા પણ વધે. લિક્વિડ એેક્સફોલિએટરથી સામાન્ય રીતે કોઈ ત્વચાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ એની પસંદગીમાં ચીવટ રાખવી અનિવાર્ય છે.

આખી બૉડીને એક્સફોલિએટ કરવાના ઘરેલુ નુસખા માત્ર ચહેરો જ નહીં, સમયાંતરે શરીરનાં અન્ય અંગોને પણ એક્સફોલિએટ કરવાં જોઈએ; કારણ કે શરીરના દરેક ભાગની ત્વચાનો પ્રકાર અને જરૂરિયાત અલગ હોય છે. ત્વચાની સંપૂર્ણ સંભાળ માટે શરીરનાં વિવિધ અંગોને કઈ રીતે એક્સફોલિએટ કરવાં જોઈએ એ જાણી લો.

ચહેરો : ચહેરા પર ક્યારેય ભાર દઈને મસાજ ન કરો. હાથની આંગળીઓ વડે હળવેકથી પાંચથી દસ મિનિટ સ્ક્રબિંગ કરવું.

પીઠ : પીઠ આપણા શરીરનું એવું અંગ છે જેની સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે. ડીપ નેક ડ્રેસ પહેરતી મહિલાઓએ આ અંગની સુંદરતાને જરા પણ અવગણવી ન જોઈએ. પીઠને એક્સફોલિએટ કરવા મુલાયમ બ્રિસલ્સવાળા બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. બ્રશ વડે મસાજ કરવાથી ડેડે સ્કિન સરળતાથી દૂર કરી શકાય છે.

પગ : પગની એડીને એક્સફોલિએટની સૌથી વધારે જરૂર હોય છે. જો સમયાંતરે ધ્યાન આપવામાં ન આવે તો ક્રૅક પડી જાય છે. એડી પર ચહેરાની જેમ જ હળવે હાથે મસાજ કર્યા બાદ ક્લેન્ઝર લગાવી હૂંફાળા પાણીમાં બૉડીવૉશ નાખી પગને દસેક મિનિટ પાણીમાં બોળી રાખવા. પાણીની અંદર જ પમિસ-સ્ટોન વડે સ્ક્રબિંગ કરવું.

હાથ, પેટ અને સાથળ : હાથ, સાથળ, પેટ વગેરે ભાગને એક્સફોલિએટ કરવા લુફાનો પ્રયોગ કરવો. બજારમાં મળતા પ્લાસ્ટિકના લુફા કરતાં નૈસર્ગિક વસ્તુઓથી તૈયાર કરવામાં આવેલા લુફા સ્ક્રબ બેસ્ટ કહેવાય. લુફાનું ટેક્સ્ચર મુલાયમ હોવું જોઈએ. એને નહાતી વખતે પણ વાપરી શકાય છે.

અન્ડર આર્મ્સ અને ગરદન : અન્ડર આર્મ્સથી ગરદન સુધીના ભાગને એક્સફોલિએટ કરવા મુલાયમ વસ્ત્રનો ઉપયોગ કરવો. આ અંગો પર હળવે હાથે સ્ક્રબિંગ કરી હૂંફાળા પાણીમાં વસ્ત્રને ભીનું કરી ડેડ સ્કિન રિમૂવ કરો.

આ પણ વાંચો : દરેક વાતમાં ઝાંસીની રાણી બનવું કેટલું યોગ્ય?

દર ત્રણ મહિને પમિસ સ્ટોન, બ્રશ અને લુફા બદલી નાખવા.

શુષ્ક ત્વચા ધરાવતી વ્યક્તિએ અઠવાડિયામાં એક વાર બૉડી એક્સફોલિએટ કરવું જોઈએ.

સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિએ શરીરને વધારે રગડ-રગડ ન કરવું. સ્કિનના પ્રકાર વિશે જાણકારી ન હોય તો બૉડી એક્સફોલિએટ કરતાં પહેલાં નિષ્ણાત પાસેથી જાણકારી મેળવી લેવી હિતાવહ છે.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 01:10 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK