Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શ્વાસ લેવાય નહીં છતાં અટકી નહીં સુરતની બાઇકિંગ ક્વીન્સ

શ્વાસ લેવાય નહીં છતાં અટકી નહીં સુરતની બાઇકિંગ ક્વીન્સ

04 July, 2019 08:20 AM IST | મુંબઈ ડેસ્ક
શૈલેશ નાયક - લેડિઝ સ્પેશિયલ

શ્વાસ લેવાય નહીં છતાં અટકી નહીં સુરતની બાઇકિંગ ક્વીન્સ

બેટી બચાઓ, બેટી પઢાઓ અને વિમેન એમ્પાવરમેન્ટના મેસેજ સાથે વિશ્વના ૨૫ દેશોની સાહસિક સફરે બાઇક પર નીકળેલાં સુરતનાં ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને રૂતાલી પટેલ.

બેટી બચાઓ, બેટી પઢાઓ અને વિમેન એમ્પાવરમેન્ટના મેસેજ સાથે વિશ્વના ૨૫ દેશોની સાહસિક સફરે બાઇક પર નીકળેલાં સુરતનાં ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને રૂતાલી પટેલ.


ભારેખમ સ્નોફૉલ, આખેઆખા ખૂંપી જવાય એવા કાદવકીચડ અને પથ્થરોથી ભરેલા ખરાબ રસ્તા, થીજાવી નાખતા માઇનસ ડિગ્રી ટેમ્પરેચર, પહાડોના ઘાટોમાં આડાઅવળા વળાંકો જેવી મુશ્કેલીઓનો સામનો કરીને ૮૫૦૦ કિલોમીટર બાઇકરાઇડ કરી ઉઝબેકિસ્તાન પહોંચેલા ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને રૂતાલી પટેલ લંડન તરફ આગળ વધી રહ્યાં છે

‘બાઇકરાઇડ કરીને માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની જર્ની અમારા માટે બહુ જ ડિફિકલ્ટ હતી. ઑક્સિજનનું પ્રમાણ ઓછું, માઇનસ ડિગ્રી ટેમ્પરેચર, ઠંડીની સાથે વાતાવરણ સાથ નહોતું આપતું, ઠંડીના કારણે હાથ થીજી જતાં, આગળનું વિઝન દેખાય નહીં, માઉન્ટન પર ઘાટમાંથી બાઇકરાઇડ કરીને આગળ વધવું અશક્ય જણાતું હતું, પણ મનમાં ધારી લીધું હતું કે ગમે તે વસ્તુ શક્ય છે. એ રીતે હિંમત રાખીને અને બધાને હિંમત આપીને અમે બેઝ કૅમ્પ એવરેસ્ટ પહોંચ્યા હતા.’



ભારતથી નીકળી નેપાલ, ચાઇના, કિર્ગિસ્તાન થઈ ૮૫૦૦ કિલોમીટરની બાઇકરાઇડ કરી ઉઝબેકિસ્તાન પહોંચેલા સુરતના બાઇકિંગ ક્વીન્સનાં ફાઉન્ડર ડૉ. સારિકા મહેતા ‘મિડ ડે’ને કહે છે. તેમની સાથે જિનલ શાહ અને રૂતાલી પટેલ પણ અડીખમ છે. હજી તેમની સફર ચાલું છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અને વિમેન એમ્પાવરમેન્ટના મેસેજ સાથે સુરતની આ ત્રણ બાઇકિંગ ક્વીન્સે બીજી જૂને તેમની સાહસિક સફર શરૂ કરી હતી અને વિશ્વના ૩ ખંડ, એશિયા, યુરોપ અને આફ્રિકાના ૨૫ જેટલા દેશોમાંથી પસાર થઈ ૨૫ હજાર કિલોમીટરથી વધુની એક્સાઇટિંગ સફર બાઇક પર કરીને ૨૯ ઑગસ્ટે લંડન પહોંચશે જ્યાં તેમની સફર પૂરી થશે. કદાચ વિશ્વમાં આ એવી પહેલી રોમાંચક ઘટના બનવા જઈ રહી છે કે જેમાં ત્રણ મહિલાઓ બાઇકરાઇડ કરીને ૨૫ દેશોમાં થઈને આટલી લાંબી સાહસિક સફર પૂરી કરશે.


સ્નોફૉલ થતો હોય, કાદવકીચડ અને પથ્થરોથી ભરેલા એકદમ ખરાબ રસ્તા, માઇનસ ડિગ્રી ટેમ્પરેચર, પહાડોના ઘાટોમાં આડાઅવળા વળાંકો અને એવી કંઈકેટલીયે મુશ્કેલીઓને ધીરે ધીરે પાર કરતી-કરતી આ ત્રણ સાહસિક મહિલાઓ પોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

ડૉ. સારિકા મહેતાએ વૉઇસનોટથી ‘મિડ-ડે’ સાથે આ રોમાંચક અને દિલધડક સફરની કરેલી વાત પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં...


એવરી ડે કોઈ ને કોઈ મુશ્કેલી આવી છે અને આવ્યા કરે છે અને હિંમત રાખી એમાંથી પસાર થઈને આગળ વધીએ છીએ. રોડ કન્ડિશનની વાત કરું તો નેપાલથી તિબેટના રોડની કન્ડિશન એટલીબધી વર્સ્ટ હતી કે વિદુર માર્કેટથી સબ્રુ બેસી સુધી ૪૬ કિલોમીટર કાપતાં અમને ૬ કલાક થયા હતા. માઉન્ટન એરિયા હતો. ઉપરથી નીચે રસ્તા આવતા હતા એમાં પણ કયાંક મડવાળો રસ્તો તો ક્યાંક રસ્તા પર પથ્થરો જ. આવી કન્ડિશન વચ્ચે અમે બાઇકરાઇડ કરી આગળ પહોંચ્યાં હતાં. અમારા માટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પની જર્ની બહુ જ ડિફિકલ્ટ હતી, કેમ કે એક તો ઑક્સિજનનું પ્રમાણ ઓછું હતું અને ઠંડી ઑલમોસ્ટ માઇનસમાં ચાલતી હતી. ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને પહાડી વિસ્તાર હોય એટલે હેડેક, વૉમિટિંગ જેવી મુશ્કેલીઓ આવે અને તે બધું ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હતું અને એટલે અમારે આગલા દિવસે રાત્રે ૪૩૦૦ મીટર પર રોકાવું પડ્યું હતું એ અમારે માટે એ બહુ જ ડિફિકલ્ટ હતું. ઠંડીની સાથે વાતાવરણ સાથ નહોતું આપતું. અમે બધાં માંદાં પડી ગયાં હતાં. અમને એમ હતું કે ખબર નહીં સવારે બાઇકરાઇડ થઈ શકશે કે નહીં, પરંતુ બીજા દીવસે હિંમત રાખી ઑક્સિજન ચેક કરી, બાઇક ચેક કરી સવારે સાડાચાર વાગ્યે બાઇક લઇને આગળની જર્ની શરૂ કરી. જતાં-જતાં અમારા હાથ લિટરલી થીજી જતા હતા, આગળનું વિઝન દેખાતું નહોતું, અંધારું હતું અને બાઇકની લાઇટના અજવાળે માઉન્ટન પર ધીરે-ધીરે બધાના સાથથી આગળ વધતાં ગયાં. આજુબાજુ કોઈ દેખાય નહીં કે કોઈને કંઈ પૂછી શકાય. જોકે અમે હોમવર્ક કર્યું હતું એટલે ધીમે ધીમે આગળ વધતાં ગયાં. સવારે સાડાછ વાગ્યે સનરાઇઝ પૉઇન્ટ પર ગયાં અને ત્યાં એવરેસ્ટનું સનરાઇઝ જોયું.પાછી અમે બાઇકરાઇડ સ્ટાર્ટ કરી, પણ ઠંડીના કારણે અમારા હાથ–પગની આંગળીઓ થીજી ગઈ હતી. અમે થર્મલ, જૅકેટ પહેર્યાં હતાં તો પણ બધું થીજી ગયું હતું. અમારી બોલવાની હાલત નહોતી, પણ મનમાં ધારી લીધું હતું કે ગમે તે વસ્તુ શક્ય છે. હિંમત રાખીને અને એકબીજાને હિંમત આપીને અમે બેઝ કૅમ્પ એવરેસ્ટ સુધી પહોંચી ગયાં.

આવી તકલીફનો સામનો અમારે ટુટુઓથી ગુલમુડ જતાં કરવો પડ્યો હતો. આમ તો ફોરકાસ્ટમાં વેધર કન્ડિશન સારી બતાવી હતી, પરંતુ સવારે અમે ઊઠ્યાં તો સ્નોફૉલ ચાલુ થઈ ગયો હતો. આગળ પહોંચતાં બહુ મોટો િબ્રજ તૂટી ગયો હતો જેની અમને ખબર નહોતી. જોકે અમે આગળ વધી રહ્યાં હતાં એ દરમ્યાન સ્નોફૉલ વધી ગયો હતો, જેના કારણે અમને આગળ દેખાવાનું બંધ થઈ ગયું હતું. આ એરિયામાં ૧૦૦થી ૨૦૦ કિલોમીટર સુધી કાંઈ મળે નહીં. વચ્ચે બ્રેક પણ ન મળ્યો. જેમ તેમ કરી આગળ પહોંચ્યાં તો માઉન્ટન પર ૭ કિલોમીટર લાંબો ટ્રાિફક જૅમ જોવા મળ્યો. જોકે અમે બાઇકરાઇડ કરતાં હોવાથી ધીરે-ધીરે આગળ વધતાં ગયાં પણ પછી ત્યાં આગળ રોડ બ્લૉક થઈ ગયો હતો.

બાઇકને પથ્થર વાગ્યો અને બેઝ પ્લેટ બેન્ડ થઈ ગઈ

સુરતની આ સાહસિક મહિલાઓ બાઇકરાઇડ કરીને ગુલમુડ પહોંચી હતી. બીજા દિવસે સવારે તેઓ નીકળ્યાં ત્યારે બાઇક સ્ટાર્ટ જ થાય નહીં. બાઇક બ્રેકડાઉન થઈ હતી. બાઇકને ચેક કરતાં ખબર પડી કે સ્નોમાં અને રૉક્સ પર બાઇક ચલાવવી પડી હોવાથી પથ્થર બાઇકને વાગ્યો હતો જેના કારણે બાઇકની બેઝ પ્લેટ બેન્ડ થઈ ગઈ હતી. ત્યાં બાઇક રિપેરિંગવાળા નહોતા, કેમ કે મોટા ભાગે ત્યાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ચાલતાં હતાં. જોકે તેઓ તેમની સાથે સ્પેરપાર્ટસ લઈને ગયાં હતાં અને ત્યાં વેલ્ડિંગનું કામ કરનાર ભાઈને શોધીને તેની પાસે બેઝ પ્લેટ બનાવી હતી. આ બધી કવાયતમાં આખો દિવસ પસાર થઈ ગયો હતો. બે બાઇક પ્રૉપર રિપેર થઈ ગયા પછી આ બાઇકિંગ ક્વીન્સ આગળ વધી હતી.

અહીં અમારી હાલત ખરાબ થવા માંડી હતી. એક તરફ ટેમ્પરેચર માઇનસમાં હતું અને બીજી તરફ હેવી સ્નોફૉલ ચાલુ થયો હતો. હાથમાં ગ્લવ્ઝ પહેર્યા હોવા છતાં પણ હાથ થીજી ગયા હતા અને બાઇકનું ગિયર પડે નહીં, ક્લચ પડે નહીં, શ્વાસ લેવાય નહીં તેવી કન્ડિશનમાં મુકાઈ ગયાં હતાં. અમે ફસાઈ ગયાં હતાં. જોકે રાત્રે જેસીબી આવ્યું અને કામ ચાલુ થયું, સવારે બ્રિજ બન્યો પછી ત્યાંથી બધાને જવા દીધા. ડિફિકલ્ટી એટલે એ દિવસે લિટરલી અમે બધાં ફ્રોઝન જ થઈ ગયેલાં એવું કહો તો ચાલે. જોકે જેમ તેમ કરીને ગુલમુડ પહોંચ્યાં હતાં. મંગળવારે ઉઝબેકિસ્તાન પહોંચ્યા છીએ. હવે એક અઠવાડિયું આ જ દેશમાં અમારો પસાર થવાનો છે.

મહિલાઓ ધારે તો શું નથી કરી શકતી એ સુરતની આ ત્રણ સાહસિક મહિલાઓએ દુનિયાને બતાવી દીધું છે. હજી તેમની સફર ચાલુ છે ત્યારે તેમને ઑલ ધ બેસ્ટ.

આ પણ વાંચો : મહિલાઓને મજાક કરવાની મનાઈ છે!

માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ૧૭,૦૮૦ ફીટ પર ગ્રુપ સાથે બાઇક ચલાવવાનો બનાવ્યો રેકોર્ડ

Biking Queen

ચાઇના–તિબેટ તરફના માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ (નૉર્થ) પર ૧૭,૦૮૦ ફીટ પર બાઇકિંગ ક્વીન્સ પહોંચી હતી. ડૉ. સારિકા મહેતાએ ગર્વ સાથે કહે છે, ‘આ એક રેકૉર્ડ છે કે પહેલી વાર કોઈ બાઇકિંગ ગ્રુપ બાઇકરાઇડ કરીને અહીં પહોંચ્યું હોય અને અમે એ શક્ય બનાવ્યું છે. અમે વિમેન એમ્પાવરમેન્ટની સાથે રાઇટ ટુ વુમન, બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન, સશક્ત નારી-સશક્ત ભારત અભિયાનનો મેસેજ લઈને નીકળ્યાં છીએ કે એક નારી ચાહે તો કંઈ પણ કરી શકે છે. આ વાત સાથે અમે ત્યાં પહોંચી ગયાં હતાં.’

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 08:20 AM IST | મુંબઈ ડેસ્ક | શૈલેશ નાયક - લેડિઝ સ્પેશિયલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK