એલ.ટી. રોડના રહેવાસીઓની હાલાકી નૉન-સ્ટૉપ

Published: 3rd August, 2012 07:32 IST

પહેલાં ગટરો સાફ ન થઈ હોવાને લીધે વરસાદમાં તકલીફો ભોગવી, હવે ગટરનો કચરો રસ્તા પર ફેલાઈ ગયો હોવાથી થાય છે પરેશાની

બોરીવલી-વેસ્ટમાં સ્ટેશન નજીક એલટી રોડ પર રહેવાસીઓ અને દુકાનદારોની હાલાકીનો પાર નથી. મે મહિનામાં સાફ થવી જોઈતી હતી એ ગટરો જુલાઈમાં સાફ થઈ અને એનો કચરો રસ્તા પર ફેલાઈ રહ્યો હોવાથી લોકો પરેશાન છે. સુધરાઈની ગટર સાફસફાઈ કરવાની ડેડલાઇન ૩૧ મે સુધીની હતી. તેમને સાત દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એમ છતાં સમયસર એલ.ટી. રોડ પર આવેલી ગટરની સાફસફાઈ ન કરવાથી લોકોને વરસાદમાં હાલાકી ભોગવવી પડી. એ પગલે ગટરની સાફસફાઈ કરાવવાની ડેડલાઇન પૂરી થઈ ગયા પછી સુધરાઈ દ્વારા જુલાઈના અંતમાં એલટી રોડની ગટરની સાફસફાઈ કરવામાં આવી, પરંતુ ગટર સાફ કર્યા પછી તેની ગંદકી હજી રોડ પર પડી છે, જેથી આ વિસ્તારના વેપારી અને અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી રાજેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ગુરુવારે અમારી દુકાનો બંધ રહે છે. સુધરાઈએ રજાના દિવસે પણ રસ્તા પરની ગટરની સાફસફાઈનું કામ કરાવી શકી હોત. જોકે તેમણે શુક્રવારે રસ્તા પરની ગટરો સાફ કરાવી. ચાલુ દિવસે ગટરની સાફસફાઈ કરતાં ગંદી વાસને કારણે અમે હેરાન થઈ ગયા. વળી, ગટર સાફ કર્યા પછી તો અમારી મુશ્કેલી વધી ગઈ, કારણ કે તેમણે ગટરનો કચરો રોડ પર જ મૂકી દીધો છે. રોડ પર પડેલી ગટરની ગંદકીની ગંદી વાસ દુકાનમાં આવે છે તેમ જ વરસાદ પડતાં રોડનો કચરો વધુ ફેલાઈ ગયો છે. અમારી દુકાન સામે પડેલી ગંદકીની સાફસફાઈ ઝડપથી કરવામાં આવે તો સારું.

આ વિસ્તારના અન્ય વેપારી ભરત પ્રજાપતિએ કહ્યું હતું કે ગટર સાફ કર્યા પછી રોડ પર કચરો મૂકી દીધો છે. આ રોડ પર સતત લોકની અવરજવર રહે છે. ગંદકીના ઢગલા પરથી કેટલાકનાં વેહિકલ પસાર થઈ જતાં રોડ સુધી ગંદકી ફેલાઈ ગઈ છે. લોકોને ગંદકીમાંથી ચાલીને જવું પડે છે તેમ જ વરસાદમાં કચરો વધુ ભીનો થઈ રોડ પર ફેલાતાં રસ્તા પર પડેલી ગટરની ગંદકી કસ્ટમરનાં જૂતાં-ચંપલ દ્વારા અમારી દુકાનમાં આવે છે. ગટરનો કચરો કાઢીને રોડ પર મૂકતાં લોકોની સમસ્યા વધી ગઈ છે. રસ્તા પર પડેલી ગટરની ગંદકીને કારણે અહીંથી ચાલીને જતા લોકોને વેહિકલ પરથી ચલાવતા લોકોથી ભારે હાલાકી ભોગવવી પડે છે.

જ્યારે જિજ્ઞા શાહે કહ્યું હતું કે મારો તો આ રોજનો રસ્તો છે. મારે ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ છે. મારા કામથી મારે રોજ આ રસ્તાથી થઈને જવાનું હોય છે. છેલ્લા કેટલાક દિવસથી રસ્તા પર ગટરની ગંદકીથી ચાલવું મુશ્કેલ બની ગયું છે. વરસાદ પડતાં ગટરનો ગંદો કચરો રોડ સુધી પથરાઈ જતાં તે પગમાં આવે છે. આ રસ્તા પર પડેલી ગટરની ગંદકી ઝડપથી હટાવી લેવામાં આવે તો સારું.

એલટી રોડ = લોકમાન્ય ટિળક રોડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK