ભારત કપ કરાટે ચૅમ્પિયનશિપમાં કચ્છી-ગુજરાતી બાળકો ઝળક્યાં

Published: 11th October, 2020 12:03 IST | Rohit Parikh | Mumbai

પહેલી વખત ઇન્ટરનૅશનલ ઇન્ડો-આરયુ કરાટે - ડુ ફેડરેશને કર્યું ડિજિટલી આયોજન

ભારત કપ કરાટે ચૅમ્પિયનશિપમાં કચ્છી-ગુજરાતી બાળકો ઝળક્યાં
ભારત કપ કરાટે ચૅમ્પિયનશિપમાં કચ્છી-ગુજરાતી બાળકો ઝળક્યાં

વિશ્વભરમાં કોવિડ-19 આવ્યા પછી વિશ્વ ડિજિટલ તરફ કદમ વધારી રહ્યું છે. એજ્યુકેશનની જેમ અનેક ટ્રેઇનિંગ આજે ઑનલાઈન થવા લાગી છે, જેમાં કરાટે ચૅમ્પિયનશિપનો પણ પ્રવેશ થયો છે. ઇન્ટરનૅશનલ ઇન્ડો-આરયુ કરાટે - ડુ ફેડરેશન તરફથી ફર્સ્ટ ટાઇમ ભારતમાં ગાંધી જયંતીએ ૧૪મી સ્વાભિમાન ભારત કપ કરાટે કાટા ઑનલાઇન ચૅમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં મુંબઈનાં અનેક કચ્છી-ગુજરાતી બાળકોએ પાર્ટિસિપેટ કરીને તેમનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.
ડોમ્બિવલીના કચ્છી યુવાન બ્લૅક બેલ્ટ કરાટે ચૅમ્પિયન પુનંગ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનાથી બાળકોની આઉટ સાઇડ ફિઝિકલ ઍક્ટિવિટીઓ બંધ છે. આથી અમારા ફેડરેશને ઝૂમના માધ્યમથી બાળકોને કરાટેની ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી હતી, જેમાં એક જુનિયર માસ્ટર ઑનલાઇન ટ્રેઇનિંગ આપે અને બાકીનાં બાળકો એ જુનિયર માસ્ટરની રીતે પર્ફોર્મ કરીને કરાટે શીખે છે. આ ટ્રેઇનિંગ પર સિનિયર માસ્ટર નજર રાખે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના કોવિડના નિયમો પાળવાના હોવાથી બે બાળકો ફાઇટ કરે એવી શક્યતાઓ ન હોવાથી ફક્ત પર્ફોર્મન્સ જોઈને એને જજ કરાય છે, જેને કરાટેની ભાષામાં કાટા કહેવામાં આવે છે.’
પુનંગ છેડાએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી કૉમ્પિટિશનમાં ટ્રેઇનિંગ લેતાં બાળકોએ તેમના પર્ફોર્મન્સનો વિડિયો ફેડરેશનને મોકલી આપ્યો હતો. આ રીતે ૩૦૦થી વધુ બાળકોએ તેમના કરાટે પર્ફોર્મન્સના વિડિયો ફેડરેશનને મોકલ્યા હતા. એ જોયા પછી જજ દ્વારા એક અઠવાડિયામાં એનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. ફેડરેશનને ફર્સ્ટ ટાઇમ ઝૂમ પર પર્ફોર્મન્સ જોઈને બાળકોને સર્ટિફિકેટ આપીને નવાજ્યાં હતાં.’
આ ઑનલાઇન કાટા ચૅમ્પિયનશિપમાં મુંબઈનાં ગુજરાતી બાળકો બીજા અને ત્રીજા સ્થાને આવ્યાં હતાં. આ બાળકોમાં ગોરેગામનો ૧૦ વર્ષનો રિષિવ ગાલા (પર્પલ બેલ્ટ)માં બીજા સ્થાને, થાણેનો ૧૫ વર્ષનો યશ કારિયા બ્લૅક બેલ્ટમાં ત્રીજા સ્થાને, થાણેનો ૧૩ વર્ષનો પ્રાચિત શાહ બ્લૅક બેલ્ટમાં બીજા સ્થાને, ૧૨ વર્ષનો વિક્રોલીનો અર્થ જૈન ગ્રીન બેલ્ટમાં ત્રીજા સ્થાને, વિક્રોલીનો નવ વર્ષનો કુશાલ ઠક્કર ગ્રીન બેલ્ટમાં ત્રીજા સ્થાને અને મુલુંડની ૧૫ વર્ષની કિન્નરી દૈયા બ્લૅક બેલ્ટમાં બીજા સ્થાને આવી હતી.
આ બાળકોમાંથી કેટલાકને નજીકના ભવિષ્યમાં યોજાનારી ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK