Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તો આજે લખપત ધમધમતું બંદર હોત...

તો આજે લખપત ધમધમતું બંદર હોત...

05 May, 2020 04:46 PM IST | Mumbai
Mavji Maheshwari

તો આજે લખપત ધમધમતું બંદર હોત...

તો આજે લખપત ધમધમતું બંદર હોત...


ભારતના છેવાડે આવેલું કચ્છનું લખપત અત્યારે ભેંકાર ભાસે છે, પણ નાના એવા ગામને ફરતે વિશાળ બાંધેલો ગઢ જોઈને કોઈને પણ એવું લાગે કે આ ભૂમિનો ભૂતકાળ અતિભવ્ય હશે. લખપતની ભવ્યતા પર ૨૦૦ વર્ષની રેત ચડી ગઈ છે. જ્યાંથી ખાડી દેશોમાં જવાનાં વહાણ ઊપડતાં, જે કચ્છ રાજને મબલખ નાણાં રળી દેતું હતું એ લખપત બંદરને ભૂકંપના થોડી સેકન્ડના ઝાટકાએ હંમેશને માટે ઉજ્જડ કરી દીધું. ૧૮૧૯ની ૧૬ જૂનના ભૂકંપને કારણે સિંધુ નદી હંમેશને માટે  કચ્છથી દૂર થઈ ગઈ. જો એ ભૂકંપ ન આવ્યો હોત તો આજે લખપત ધમધમતું બંદર હોત અને કચ્છ પણ જુદું હોત

કચ્છ સાથે કુદરતી આફતોને કોઈ ન સમજાય એવો નાતો છે. ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડાં જેવી આફતો આ ભૂમિ પર સતત આવતી રહી છે. છેલ્લાં ૨૦૦ વર્ષમાં ત્રણ ભૂકંપ આવ્યા છે જેનાથી હજારો મૃત્યુ થયાં છે. જાનમાલને પારાવાર નુકસાન થયું છે. લાખો લોકો બેઘર બન્યાં છે. છેલ્લાં ૨૦૦ વર્ષમાં કદી ન ભુલાય એવા દુષ્કાળ પડ્યા છે. અર્થતંત્ર જ નહીં, મનોબળ તૂટી જાય એવી યાતના દુષ્કાળોએ આપી છે. વાવાઝોડાંને કારણે ખેતીને ભયંકર નુકસાન પહોંચ્યું છે. શીતળાના રોગચાળાને કારણે હજારો મૃત્યુ થયાં છે. એવું લાગે છે જાણે કુદરતને ક્રોધ કરવા માટે કચ્છ પ્રિય લાગે છે. આજથી ૨૦૦ વર્ષ પહેલાં આવેલા વિનાશક ભૂકંપે કચ્છને બિચારું બનાવી દીધું હતું. એટલું જ નહીં, કચ્છનો ભૌતિક નકશો બદલી નાખ્યો. સિંધુ નદીનું વહેણ બદલાઈ ગયું. વર્તમાન ભારત અને પાકિસ્તાનની સરહદ પરની જમીન છ મીટર જેટલી ઊંચી આવી ગઈ. અત્યારે સુરક્ષાની દષ્ટિએ ભારત સરકાર માટે માથાનો દુખાવો બની ગયેલી કોરી ક્રીક અને સિર ક્રીક પણ એ ભૂકંપની જ દેન છે. દરિયાકિનારાની જમીનમાં મોટી તિરાડો પડી ગઈ અને બન્ની તરફની જમીન નીચી થવાથી ઘાસિયાં મેદાન એવી બન્ની પર દરિયાનાં પાણી ધસી આવ્યાં, પરિણામે કચ્છની ઉત્તર પશ્ચિમ સરહદ રણમાં ફેરવાઈ ગઈ. એ ભૂકંપને કારણે જ સિંધુ નદીનું એક વહેણ જે કચ્છમાં આવતું હતું એ વળી ગયું જેને કારણે લખપત, પાવરપટ અને અબડાસાનો માઇલોનો વિસ્તાર સમય જતાં વેરાન બની ગયો. લખપત બંદરથી દરિયો દૂર ચાલ્યો ગયો, પરિણામે ઓમાન, મસ્ક્ત, અફઘાનિસ્તાન તરફથી આવતાં વહાણોએ દિશા બદલી નાખી. કચ્છના પશ્ચિમ કિનારે મહત્ત્વનું વેપારી મથક એવું લખપત દિવસે-દિવસે ભાંગતું ગયું અને લખપતની પડતી શરૂ થઈ. સિંધુ નદીનું વહેણ બદલાવાથી લખપત અને અબડાસાની જમીનના ઉપલા સ્તરનું પાણી ઊંડું ઊતરતું ગયું. સિંચાઈ પડી ભાંગી. વેપારી પ્રજાએ હિજરત કરવા માંડી. વેપારી પ્રજાનાં ગામો ભાંગવા માંડ્યાં. આજે પણ અબડાસા અને લખપતનાં તટીય ગામોમાં ઊભેલી મેડીઓનાં ખંડેરો ભૂતકાળની જાહોજલાલીની સાખ પૂરે છે. 



બે સદી પહેલાં કચ્છના મોટા રણમાં ૧૮૧૯ની ૧૬ જૂને સાંજે ૭.૯ મેગ્નિટ્યુડની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે એના કારણે ૯૦ કિલોમીટર લાંબો, ૧૬ કિલોમીટર પહોળો અને ૬ મીટર ઊંચો એક પાળો અસ્તિત્વમાં આવ્યો. આ કુદરતી બંધને કારણે કચ્છની ભૂગોળ બદલાઈ ગઈ. આ બંધ કચ્છ અને સિંધમાં અલ્લાહ બંધ તરીકે ઓળખાય છે. મામૈદેવ રચિત આગમવાણીમાં ‘એડબંધ’નો જે ઉલ્લેખ આવે છે એ કદાચ આ અલ્લાહ બંધ જ હોઈ શકે. આ ભૂકંપથી ભુજમાં ૧૧૪૦ મૃત્યુ થયાં હતાં અને ૭૦૦૦ જેટલાં મકાનો ધ્વંશ થઈ ગયાં હતાં. આ ભૂકંપની અસર આખાય ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વર્તાઈ હતી અને જાણકારોના મત મુજબ અંદાજે ૨૦૦૦ જેટલાં મોત નીપજ્યાં હતાં.


સિંધુ નદીનો નરા નામનો જે ફાંટો કચ્છના લખપત સુધી આવતો હતો એ બંધ થવાથી પશ્ચિમ કચ્છની જમીનની તાસીર અને હવામાન પણ બદલાયાં. સિંધુ નદીનાં મીઠાં પાણી આવતાં બંધ થવાથી વનસંપદા અને પ્રાણીજીવન પર પણ ભયંકર અસર થઈ. મીઠાં ઝાડ સૂકાઈ ગયાં. ધીમે-ધીમે અબડાસા અને લખપત તરફ કાંટાળાં વૃક્ષો જ બચ્યાં. સિંધથી છેક શક્તિબેટ સુધી ખારોપાટ સર્જાઈ જતાં પશુપાલનમાં મોટો ફેરફાર આવ્યો. કોઈ સમયે અહીં ઊંટોની સંખ્યા નહીંવત હતી. પાલતું જાનવરોમાં મુખ્યત્વે ગાયો જેવાં દૂધાળાં જાનવરોની સંખ્યા વધુ હતી. ભૂકંપ પછી એ ચિત્ર બદલાઈ ગયું. ઘાસિયાં મેદાન રણમાં ફેરવાઈ જતાં દૂધાળાં જાનવરોને બદલે ઊંટ જેવાં પ્રાણીઓની સંખ્યા વધવા માંડી. કોઈ સમયે લખપતની આસપાસ લાલ લીટીવાળા ચોખા જેને સિંધી ચોખા કહેવાય છે એનું વાવેતર થતું અને એની નિકાસ પણ થતી. સિંધુએ વહેણ બદલતાં લખપતમાં લાલ ચોખાનું વાવેતર બિલકુલ બંધ થઈ ગયું. કહેવાય છે કે એ ચોખા અત્યંત પૌષ્ટિક અને સુપાચ્ય હતા જે દૂધ સાથે ખાવાથી મોટા ભાગનાં ખોરાકી તત્ત્વો મળી રહેતાં. લખપતનો કિલ્લો જોનારાએ નોંધ્યું હશે કે કિલ્લાની અંદરની બાજુએ પાણી વહી શકે એવી સાંકડી નીકો રાખવામાં આવી છે જેનાં મોઢાં બહારની બાજુએ પડે છે. કહેવાય એવું છે કે એ નીકો દ્વારા ગરીબ લોકોને અમુક સમયે લાપસી પીરસવામાં આવતી હતી. ગાયના ઘી મિશ્રિત લાપસી લેવા કિલ્લાની બહાર લોકો ઊભા રહેતા. આવી સમૃદ્ધિ ધરાવતું લખપત ભૂકંપ પછી સાવ પડી ભાંગ્યું. આવક બંધ થવાથી કચ્છની રાજસત્તાએ લખપત પરથી ધ્યાન હટાવી લીધું, કેમ કે એ તરફનો વિસ્તાર પણ દિવસે-દિવસે ભેંકાર થતો જતો હતો. ત્યાં સુધી કે એ ભૂકંપ પછી કિલ્લાનું સમારકામ કરવાનું પણ કોઈ યોગ્ય સમજ્યું નહીં.  ૧૮૬૦માં લિગ્રાન્ડ જેકબ નામના એક અંગ્રેજ અધિકારીએ લખપતની મુલાકાત લીધી હતી. તેણે બહુ દુખદ રીતે નોંધ્યું છે કે ‘આ નગરમાં કાળ ફરી વળ્યો હોય એવું જણાઈ રહ્યું છે. આ નગરમાં માત્ર ૨૦ જ માણસો બચ્યા છે જેમાંથી મેં ૧૨ને જોયા છે. માત્ર ૪૦ વર્ષમાં જ એક ભવ્ય નગર નષ્ટ થયું હોય અને જેનું કારણ ભૂકંપ હોય એવું આ પહેલાંના ભૂકંપોના ઇતિહાસમાં નોંધાયેલું નથી.’

૧૮૧૯નો ભૂકંપ આવ્યો ત્યારે કચ્છમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી અંગ્રેજ અધિકારી જેમ્સ મેકમર્ડો રાજ ચલાવતો હતો. આ ભૂકંપથી તે અંગ્રેજ અધિકારીનું હૈયું દ્રવી ઊઠ્યું હતું. તેણે નુકસાની અને સ્થિતિનો તાગ મેળવવા કેટલાક સિપાઈઓ અને સૈન્યના વડાઓને કામે લગાડ્યા હતા. જોકે જેમ્સ મેકમર્ડોનું નિવાસસ્થાન અંજાર હતું અને તેણે કંપની પાસેથી જે મદદ મેળવી એ મોટા ભાગે અંજાર વિસ્તારમાં ખર્ચાઈ હતી. તેણે કંપની સરકારને લખેલા પત્રમાં એ ભૂકંપની ભયાનકતા વિશે લખતાં જણાવ્યું હતું કે ‘૧૮૧૯ની ૧૯ જૂન. અમે અત્યારે માનસિક તંગ હાલતમાં છીએ. ગઈ કાલે સાંજે ૬થી ૭ વચ્ચે ભયાનક ભૂકંપ થયો. ભુજના ગઢની દીવાલો જમીનદોસ્ત થઈ ગઈ છે. રાજાના મહેલ સહિત ઘણી મોટી સંખ્યામાં મકાનોને પારાવાર નુકસાન થયું છે. આજે ધરતીકંપને ત્રણ દિવસ થયા. હજી ધરતીમાં આંચકા વારંવાર આવ્યા કરે છે. ભુજના શહેરીજનોનું કલ્પાંત દુઃખદ છે. ઘણાને લાગ્યું છે, લોહીલુહાણ છે, ભયથી બેબાકળા છે. ભુજ બહાર નાના-નાના ડુંગરની ધાર પાસે લોકો ભાગી ગયા છે. ત્યાં રહે છે, પણ દરરોજ સાંજે તેઓ પોતાના જમીનદોસ્ત થયેલાં ઘરોમાંથી પોતાના કુટુંબીજનો, પત્ની, છોકરા, ભાઈ-બહેન, મા-બાપ વગેરેના છૂંદાયેલા દેહો મેળવવા ગામમાં જાય છે. બીક છે, ક્યાંક જ્વાળામુખી પણ ફાટ્યો હશે. અંજારમાં પણ નુકસાન છે.’


જો ૧૮૧૯નો ભૂકંપ ન આવ્યો હોત તો આજે સિંધુ નદી કચ્છમાં વહેતી હોત. તો એ વિસ્તારમાંથી હજારો લોકોએ સ્થળાંતર કર્યું ન હોત. તો કદાચ કચ્છમાં રણ પણ ન હોત કે ન પાણીની અછત હોત. જો લખપત ધમધમતું હોત તો કદાચ કંડલા બંદરનું નિર્માણ કરવાની જરૂર જ ન પડી હોત. 

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 04:46 PM IST | Mumbai | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK