બીજું વિશ્વયુદ્ધ અને કચ્છ દરબારી રાજ્યપત્રની રાહતનિધિ

Published: Oct 22, 2019, 15:31 IST | કચ્છનું અતીત - નરેશ અંતાણી | મુંબઈ

સહજ અને સરળ રીતે જીવન જીવતા માનવસમાજ ઉપર અતિવૃષ્ટિ, દુષ્કાળ, હોનારત, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ આવે છે ત્યારે સમગ્ર સમાજ સંગઠિત બની એનો સામનો કરે છે.

કચ્છ દરબારી રાજ્યપત્રની રાહતનિધિ
કચ્છ દરબારી રાજ્યપત્રની રાહતનિધિ

સહજ અને સરળ રીતે જીવન જીવતા માનવસમાજ ઉપર અતિવૃષ્ટિ, દુષ્કાળ, હોનારત, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ આવે છે ત્યારે સમગ્ર સમાજ સંગઠિત બની એનો સામનો કરે છે. અસરગ્રસ્ત લોકોને વિવિધ રીતે રાહત પહોંચાડવામાં આવે છે. સરકારી ધોરણે, સામા‌‌જક સંસ્થાઓ દ્વારા કે વ્ય‌‌ક્તગત રીતે રાહતકામો શરૂ થતાં હોય છે. આ સેવાકાર્યમાં વર્તમાનપત્રો પણ રાહતનિધિ શરૂ કરી પોતાના વાચકો પાસેથી ફાળો ઊઘરાવી એકઠી થયેલી રકમ આ રાહતકાર્યોમાં વાપરતાં હોય છે.

ભૂકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી આપત્તિઓ સહજ આવતી હોય છે, પરંતુ એકબીજા દેશો વચ્ચે યુદ્ધ થવા જેવી આપત્તિઓ આવે છે ત્યારે પણ મૃત્યુ પામેલા જવાનોના પરિવારો માટે, ઘવાયેલા જવાનોના પરિવારો માટે પણ સમાજ એક થઈ તેમને એક યા બીજી રીતે મદદ પહોંચાડી તેમની હિંમત અને ધૈર્યને બિરદાવે છે, તેમના ઉત્સાહમાં વધારો કરે છે. અનેક વિધવાઓ અને તેનાં બાળકોને નવી જિંદગી જીવવા પ્રેરકબળ આપે છે. આવો અદમ્ય સહકાર કચ્છના ભૂકંપ કે કારગિલ જંગ વખતે સમગ્ર દેશની જનતાએ બતાવ્યો હતો. કેટલાંય વર્તમાનપત્રોએ પણ ‘રાહતનિધિ’ શરૂ કરી કચ્છની જનતા અને દેશની સીમા પર રહેલા જવાનોને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. આપણાં કેટલાંય ગુજરાતી વર્તમાનપત્રોએ પણ રાહતનિધિ શરૂ કરી હતી.

યુદ્ધની પરિસ્થિતિ વખતે આવો જ અદમ્ય જોશ અને ઉત્સાહ કચ્છની પ્રજાએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ બતાવ્યો હતો. આ વાત આજે આપણને હેરત પમાડે એવી છે. વર્તમાનપત્રો દ્વારા રાહતનિધિ મારફતે ફાળો એકઠો કરવાની પ્રથા એ વખતે પણ હતી એ હકીકત વધુ નવાઈ પમાડે છે. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે કચ્છ દરબારી રાજ્યપત્ર દ્વારા રાહતનિધિ શરૂ કરવામાં આવેલ. એના દરેક અંકોમાં ફાળો આપનારનાં નામ અત્યારની જેમ જ પ્રસિદ્ધ કરવામાં આવતાં.

ઈ.સ. ૧૯૧૪માં શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ સવાચાર વર્ષ ચાલેલું. ૩૦ દેશો વચ્ચે ખેલાયેલા આ યુદ્ધમાં ખાસ કરીને જર્મની અને ઇંગ્લૅન્ડની આગેવાની ધરાવતા દેશોના સમૂહો વચ્ચે લડાયું હતું. વિશ્વયુદ્ધ સામાન્ય કે ક્ષુલ્લક પ્રશ્નો માટે લડાતું નથી. એમાં લાંબા ગાળાના અનેક પ્રશ્નો સંકળાયેલા હોય છે. જુદી-જુદી સત્તાઓને ફેંકી દેવાના આશય માટે લડાતા આ યુદ્ધમાં મોટી સત્તાઓને અનેક સત્તાની મદદની જરૂર પડે છે. પરિણામે જૂથો રચાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ આ જ રીતે જર્મની અને ઇંગ્લૅન્ડ એ બે મહાસત્તાઓનાં જૂથ રચાયાં હતાં. ભારતમાં એ સમયે ઇંગ્લૅન્ડની હકૂમત હતી એટલે સ્વાભાવિક રીતે જ ભારત ઇંગ્લૅન્ડ સાથે હોય, પરંતુ એ સમયે બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢવા અને સ્વતંત્રતા મેળવવા માટેની ચળવળ ચાલુ હતી. ભારતની જનતામાં બ્રિટિશરો પ્રત્યે ભારોભાર રોષ વ્યાપેલો હતો. એ પરિસ્થિતિમાં વિશ્વયુદ્ધમાં ભારતની જનતાનો સહકાર મેળવવા બ્રિટિશ સરકારે ભારતને સ્વશાસન માટેનું વચન આપ્યું. હિન્દી વજીર મોન્ટેગ્યુએ ૧૯૧૭ની ર૦ ઑગસ્ટે એક જાહેરનામા દ્વારા હિન્દીઓને ક્રમશઃ જવાબદાર સરકાર આપવાની જાહેરાત કરી. એક દૃષ્ટિએ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં હિન્દીઓનો સહકાર મેળવવા ભારતીયોની કોણીએ ગોળ લગાડવામાં આવ્યો.    

સમગ્ર ભારતમાં એની અસર થઈ. બ્રિટિશરોના બધા જ જુલમ અને દમનને ભૂલી જઈને હિન્દીઓએ તેને સહકાર આપ્યો. કચ્છમાં પણ એની અસર થઈ એવું લાગે, કેમ કે એ સમયે કચ્છ દરબારી રાજ્યપત્ર દ્વારા શરૂ કરાયેલ રાહતનિધિમાં કુલ પ૧૮૦ રૂપિયા અને કુલ ૬ર,રપ૯ કોરી જેટલી મોટી રકમનો ફાળો કચ્છીઓએ વિશ્વયુદ્ધ માટે આપ્યો હતો.

કચ્છ દરબારી રાજ્યપત્ર (ગૅઝેટ) દ્વારા શરૂ કરાયેલ આ રાહતનિધિની વિગતો દરબારી રાજ્યપત્ર ૪૪મા વર્ષના અંકથી ૪૬મા વર્ષના અંક સુધી એટલે કે ત્રણ વર્ષના અંકોમાં આપવામાં આવી છે.

જોકે, આ રાહતનિધિ કચ્છ રાજ્ય સરકારે જાતે શરૂ કરેલ ન હતી. મુંબઈના તત્કાલીન ગવર્નર લૉર્ડ વિલિંગ્ડને ‘યુદ્ધ રાહતનિધિ’ની શરૂઆત કરી હતી અને એની શાખા કચ્છમાં શરૂ કરી. એના સેક્રેટરી તરીકે એમ. હેરોલ્ડને કચ્છમાં નીમવામાં આવ્યા હતા. આ યુદ્ધ રાહતનિધિ વતી કચ્છ રાજ્યે કચ્છ દરબારી રાજ્યપત્ર દ્વારા યુદ્ધ માટેનો ફાળો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આ માટેનું જાહેરનામું નંબર પ૩૮ ૧૯૧૭ની ર ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું જે કચ્છ દરબારી રાજ્યપત્રના ૪૪મા અંક નંબર ૧૬, તા. ર–ર–૧૯૧૭ના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

જાહેરનામામાં કચ્છની જનતાને વિશ્વયુદ્ધ માટે ઉદાર હાથે ફાળો આપવા વિનંતી કરાઈ છે. નાની કે મોટી કોઈ પણ રકમ સ્વીકારવાનું વચન આપવાની સાથે જણાવવામાં આવ્યું છે કે આ રકમ આપનારનાં નામો દર મહિને ગૅઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

રોકડ નાણાં ઉપરાંત બીડી, સોપારી, કપડાં, રજાઈ, અનાજ તથા અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ આપવા અપીલ કરાઈ હતી. રોકડ નાણાં તથા વસ્તુઓ કચ્છ રાજ્યને આપવા અપીલ કરાઈ હતી. એ પછી એ નાણાં તથા વસ્તુઓ નિધિની કચ્છ શાખા મારફતે મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ હોવાનું જાહેરનામામાં જણાવાયું હતું.

કચ્છ દરબારી રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા પછી કચ્છનાં તમામ શહેરો, ગામડાંમાંથી રૂપિયા તથા કોરીના ચલણમાં રોકડ ફાળો તથા જરૂરી ચીજવસ્તુઓ રૂપે ફાળો દરબારની કચેરીમાં જમા થવા લાગ્યો. જેમ-જેમ ફાળો તથા વસ્તુઓ આવતી ગઈ એમ-એમ અત્યારનાં વર્તમાનપત્રોની માફક જ દરબારી રાજ્યપત્રમાં એની વિગતો પ્રસિદ્ધ થવા લાગી.

દરબારી રાજ્યપત્રના ૪૪મા વર્ષનો ૧૮મો અંક તા. ૧૦–૩–૧૯૧૭માં ૧૯૧૪ના ઑગસ્ટથી ૧૯૧૭ના ફેબ્રુઆરી મહિના સુધી દરબારમાં જમા થયેલા ફાળાની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફાળો મેળવવા માટેનું જાહેરનામું ફેબ્રુઆરી ૧૯૧૭માં બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે ફાળો મળ્યાની પ્રસિદ્ધ થયેલી પ્રથમ યાદીમાં ઑગસ્ટ ૧૯૧૪થી આવેલ ફાળાની વિગતો આપવામાં આવી છે. આનો અર્થ એ કે ‘યુદ્ધ રાહતનિધિ’ની કચ્છમાં શાખા શરૂ થયા પહેલાં પણ લોકો સ્વેચ્છાએ પોતાનો ફાળો નોંધાવતા હતા. ફેબ્રુઆરી ૧૯૧૭ પહેલાંના કોઈ રાજ્યપત્રમાં યુદ્ધ માટેનો ફાળો આપવાની અપીલ જોવામાં આવતી નથી.

  પ્રસિદ્ધ થયેલ યાદીમાં કુલ ર૧પ૪ રૂપિયા તથા ૧૯૦૬ કોરીનો ફાળો આવ્યાની વિગત આપવામાં આવી છે. આ ફાળો આપનારનાં નામો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમ્યાન રોકડ ફાળો ઉપરાંત જે વસ્તુઓ લોકો તરફથી આવેલ હતી એમાં બીડી, ચીલમ, તમાકુ,  સીંગદાણા, સોપારી, ચણા, પાપડ, કુરમુરા, સેવ, અથાણુ, ચટણી, મરચાં યુદ્ધ છાવણીમાં લડતા સૈનિકો માટે મોકલવામાં આવ્યાં હોવાનું જણાવ્યું છે.

જીવનજરૂરી ચીજવસ્તુઓમાં આ વખતે કચ્છનાં મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરો પણ જોડાયાં હોવાનું જોઈ શકાય છે. ભુજ શહેર સિવાય માંડવી શહેર, માંડવી તાલુકો, મુંદ્રા તાલુકો, રાપર ગામ તથા તાલુકો, ભચાઉ તથા લખપત તાલુકાના નાગરિકો તરફથી પણ રોકડ તથા ચીજવસ્તુઓ મુંબઈ મોકલવામાં આવી હતી. કચ્છનો મુખ્ય નાણાકીય વ્યવહાર કોરીમાં થતો એથી સ્વાભાવિક છે કે વધારે પ્રમાણમાં ફાળો કોરીમાં જ જમા થતો.

વર્ષ ૪૬ના અંક નંબર ૧ર ૧૯૧૮ની ર૦ ડિસેમ્બરે દરબારી રાજ્યપત્ર અંકમાં યુદ્ધ રાહત ફંડ બંધ કરવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કચ્છના દીવાન ચુનીલાલ સારાભાઈએ કરી છે. આમ કુલ પ૧૮૦ રૂપિયા તથા ૬ર,રપ૯ કોરી તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનો ફાળો કચ્છની જનતાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતા જવાનો તથા તેમના પરિવારો માટે આપ્યો હોવાની નોંધ મળે છે.

દરબારી રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેલ તમામ નોંધો તથા યાદી ઉપર નજર કરતાં જણાય છે કે એ સમયના કચ્છ રાજ્યનાં સરકારી ખાતાંઓ જેવા કે કચ્છ સ્ટેટ રેલવે, જાડેજા કોર્ટ ઘોડાર સુપરિન્ટેન્ડન્ટ, બ્રાન્ચ ડિસ્પેન્સરી, અકાઉન્ટન્ટ જનરલ, છાપખાનું ખાતું, રેવન્યુ ખાતું, મ્યુનિસિપાલિટી, ચીઠી ખાતું, રેકૉર્ડ ખાતું, દરબાર કચેરી તથા આ ખાતાંઓની તાલુકામાં આવેલી કચેરીઓના કર્મચારીઓ તરફથી દર મહિને નિયમિત ફાળો આવ્યો હોવાની નોંધ દેખાય છે. એ જ રીતે કચ્છ પૉલિટિકલની કચેરી, યુદ્ધ રાહતનિધિની કચ્છ શાખાના કર્મચારીઓ, ધર્માદા જાગીરદારો, કચ્છ રાજ્યના ભાયાતો, ગૅરન્ટીદારો પણ નિયમિત ફાળો આપતા હતા.

કચ્છની એ સમયની કેટલીક શાળાઓ ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલ ભુજ શાળા નં. ૧, ૩ સંસ્કૃત પાઠશાળા, ભુજ કન્યાશાળા, ભુજ મહોમેડન સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો પણ યુદ્ધ ફંડ માટે ફાળો આપતા હોવાની નોંધ મળે છે. તો કચ્છ બહારથી પણ રાધનપુરના નવાબે પ૦૦ રૂપિયા તથા માળિયાના ઠાકોરે ૧પ૦ રૂપિયાનો ફાળો આપ્યો હોવાની નોંધ છપાઈ છે.

નોંધવા જેવી બાબત એ છે કે કચ્છના રાજવીએ પોતાના તરફથી કોઈ ફાળો આપ્યો હોવાની નોંધ જોવામાં આવતી નથી એમ વ્યક્તિગત રીતે ફાળો આપનારાઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી જણાય છે.

કચ્છ રાજ્યે પણ બ્રિટિશ સરકારને પ્રિય બનવા જ ફાળો એકત્ર કર્યો હતો એમ માનવાને કારણ એ છે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને જર્મની સામે યુરોપીય રાષ્ટ્રોનો વિજય થયો ત્યારે એની ઉજવણી કચ્છ રાજ્ય દ્વારા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. રીતસર દિવાળી જેવો માહોલ રચવામાં આવ્યો હતો.

વિજયોત્સવ માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ૧૯૧૯ની ૧૩થી ૧૬ ડિસેમ્બર સુધી એટલે કે ચાર દિવસ ઉજવણી કેવી રીતે કરવી એની વિગતો આપવામાં આવી છે.

ઇંગ્લૅન્ડ સરકાર, કચ્છ રાજ્ય માટે ‘નામદાર સરકાર’ના વિજયની ઉજવણી કચ્છમાં કરવા માટે ૧૯૧૯ની ૧૩થી ૧૬ ડિસેમ્બર સુધી કચ્છ દેશની તમામ ઑફિસો, શાળાઓમાં રજા પાડવામાં આવી હતી.

૧૪ ડિસેમ્બરે તમામ પ્રજાજનોને પોતપોતાનાં મંદિરો, મસ્જિદો, દેવળોમાં પ્રાર્થના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સોમવાર પંદરમી ડિસેમ્બરે ભુજના પાંચે નાકા બહાર ગરીબોને જમાડવા ખાસ રસોડાં શરૂ કરવામાં આવ્યાં હતાં. સાંજે ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં જાહેર સમારંભનું આયોજન કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બાળકોને સાકર–પતાસાંની લહાણી કરવામાં આવી હતી. આ લહાણી ભુજની જેમ કચ્છનાં તમામ શહેરનાં બાળકોને પણ કરવામાં આવી હતી.

મંગળવાર ૧૬ ડિસેમ્બરે ભુજમાં સવારના તોપના ૧૦૧ બાર કરી વિજયની ખુશાલી મનાવવામાં આવી હતી. સાંજે ખારસરાના મેદાનમાં રમતગમતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમ જ રાત્રે આઠ વાગ્યે ભુજના રાજમહેલમાં કચ્છમાં રહેલા યુરોપિયન અમલદારો માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ દિવસો દરમ્યાન મહાદેવ નાકે, ભુજિયા કિલ્લા ઉપર રોશની કરવામાં આવી હતી. એ જ રીતે એજન્સી બંગલો (હાલનું કલેક્ટર કચેરીનું સંકુલ)થી દરબાર ગઢ સુધી કિરસન લાઇટથી રોશની કરવામાં આવી હતી તેમ જ રાત્રે આતશબાજીના કાર્યક્રમો પણ યોજાતા હતા.

આ પણ વાંચો : જિંદગીની સેકન્ડ ઇનિંગના આગવા અસ્તિત્વ અને સૌંદર્યનો સ્વીકાર

એક તરફ ગાંધીજીએ બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢવા જનઆંદોલનની શરૂઆત કરી એ જ સમયે બ્રિટિશરોને વહાલા થવા માટે કચ્છના રાજવીઓ કેવા પ્રયત્નો કરતા હતા એનું આ ઉદાહરણ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK